ઝળુંબે સૂર્ય, દેશી નળિયે ને રેલાય ચાંદરડું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે 'ને રેલાય ચાંદરડું,
અહો..! આ ખોરડેથી ઓરડે ઝિલાય ચાંદરડું!

કદી સીધું પડે, ત્રાસું પડે, શૈશવથી શું પકડાય?
હથેળી જ્યાં ઝીલે, મુઠ્ઠીમાં ભાગી જાય ચાંદરડું!

ખૂણે અંધારિયે આ કોણ બેઠું છે, ખૂણો પાળી?
'ઉતારે સોગ!' એવી લાલચે લલચાય ચાંદરડું!

જુઓ જ્યાં ત્યાં થયાં છે ફલેટ, ધાબાબંધ આવાસો,
ખપેડો કે ના નેવા-મોભ! શું દેખાય, ચાંદરડું?

'સિકંદર' ત્યાં..ભલે ઘર નાનું પણ જલસો હશે મોટો!
કે રે' અફળાતું, દી' આખો, છે ઠેબા ખાય ચાંદરડું!

- સિકંદર મુલતાની

ફ્રીજ આવતા માટલાં ગયાં. માટલાંની સાથે વપરાતી બીજી કેટલીયે ચીજો પણ ગઈ. આખું પાણિયારું જ ગાયબ થઈ ગયું. તેની સાથે બુઝારું, દેગડું, ઘડો, હેલ, માણ, મટકી, ગોળી, હાંડો, હાંડી, જેવા અનેક શબ્દો પણ અદ્રશ્ય થવા માંડ્યા. કવિ રાજેશ મિસ્કીને તો આવી ભુલાતી ચીજોને ગઝલમાં ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયાં?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઇના દીવા,
કોળિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

‘ચાંદરણું‘ પણ આવો જ, ભુલાતો જતો શબ્દ છે. ધાબાવાળાં ઘર બનવા લાગ્યાં તો નળિયામાંથી તડકાનું કિરણ ઘરમાં પડતું અને નાની બંગડી જેવા આકારનું પ્રકાશનું વર્તુળ રચાતું, એ વર્તુળ, તકકાની લાકડી જેવું લાગતું. આ તડકીલું ટપકું એ જ ચાંદરણું. અંદરના આછા અંધારામાં દિવસના સમયે છતમાં પડેલા કાણામાંથી ઘરમાં પડતો તડકો અનોખું સૌંદર્ય રચતો. કદાચ એની સુંદરતાને લીધે જ તેને ચાંદરણા જેવો સરસ શબ્દ મળ્યો છે.

કવિ સિકંદર મુલતાનીએ પોતાની ગઝલમાં વિસરાઈ ગયેલા ચાંદરણાને ફરી જીવંત કર્યું છે. ગામનાં કાચાં મકાનો, છત પર લાંબા વાંસ, ને ઉપર દેશી નળિયાં. એ દેશી નળિયાં પર સૂર્ય ઝળુંબે ત્યારે છતની કોઈ તિરાડમાંથી ઘરમાં પડતું કિરણ — જાણે સૂરજ ઘરમાં ઢોળાઈ રહ્યો હોય એવું લાગે, જાણે કાણામાંથી તડકાની ધાર થતી હોય, સૂરજ ઢોળાઈ રહ્યો હોય. સૂરજની દિશા મુજબ એ ચાંદરણું પણ સ્થાન બદલતું રહે. સવારે ત્રાંસુ લાગતું ચાંદરણું બપોરે ઊભું થઈ જતું, સાંજે વળી જુદી દિશામાં પહોંચી જતું. ઘણા અનુભવી વૃદ્ધો તો આ ચાંદરણાનું સ્થાન જોઈને સમય પણ કહી દેતા કે કેટલા વાગ્યા હશે. ઝાડનાં પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો તડકો ઝાડ નીચે ચાંદરણાની સુંદર ચાદર રચતો. બાળકો તો ખોબો ધરીને તેને ઝીલવા પ્રયત્ન કરતા. ચાંદરણાના સ્થાને બિલોરી કાચ મૂકી અગ્નિ ઉત્પન્ન કરવા મથતાં. પછી કશુંક મોટો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યાનો ગર્વ પણ લેતા. હવે ચાંદરણા સાથેની બાળસહજ રમતો જતી રહી, કેમકે ચાંદરણાં જ નથી રહ્યાં.

વિધવા થયેલી સ્ત્રી સોગ પાળતી, નિરંતર ઘરમાં એક ખૂણામાં એકલા રહેવાનું થતું, ત્યારે ચાંદરણું તેનો મૂક સાથી બનતું. તે વખતે તે માત્ર ઘરને જ નહીં, તેની ઓકલતાને પણ અજવાળું પૂરું પાડતું.

ધાબાવાળા ધર બનતાની સાથે મોભ, મોભારો, ટોડલા પણ ગયા. મોભ પરથી જ મોભી શબ્દ બન્યો. ઘરની ડિઝાઈન બદલાતા મોભ શબ્દનું મોભીપણું પણ ઓસર્યું. હવે વિવિધ ફ્લેટના લીધે ઘરની કેટલીક દેશી નામાવલીનું સૌંદર્ય હતું તે સૌંદર્ય હવે અદ્રશ્ય થઈ ગયું. હવે તો ધીમે ધીમે ઓસરી, ઊંબરો, આંગણું જેવા શબ્દોનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો છે. કદાચ આ સમયની જરૂરિયાત હશે. કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન.

કવિ સિકંદર મુલતાનીએ ‘ચાંદરણા‘ની ગઝલ રચીને તેની સાથે જોડાયેલાં કેટલાંક મર્મસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

કવિ લાભશંર ઠાકરે ‘ચાંદરણું’ શીર્ષકથી જ એક સુંદર કવિતા લખી છે, જેમાં ઑફિસમાં કામ કરતા અચાનક ટેબલ પર ચાંદરણું પડે છે, અને એ ચાંદરણું જૂની સ્મરણગલીમાં લઈ જાય છે. અનેક યાદો તાજી થાય છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર? - પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું.....

- લાભશંકર ઠાકર

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

ગરબો ગુજરાતી સંસ્કૃતિની ગરિમા છે. તે વિશ્વભરતમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ જ નથી કરતો, ઓળખ પણ આપે છે. ‘ગરબો’ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. ગર્ભ અર્થાત્ કોખ, જીવનનો સ્રોત. દીપ એટલે દીવડો. માટલાના ગર્ભમાં દીવડો મૂકવામાં આવે છે, એ માટલાને નાના કાણા કરેલા હોય છે, જેમાંથી ચોમેર અજવાળું પથરાય છે. એ અજવાળાનો અર્થ છે અંધકાર પર પ્રકાશનો વિજય. માતાજીએ નવ નવ દિવસ આસુરી શક્તિ સામે લડીને વિજય મેળવ્યો એ સંદર્ભ પણ ખરો. એટલા માટે જ તો નવ નવ રાત સુધી આ તહેવારને ઉજવવામાં આવે છે. આ વિજયનો મહોત્સવ છે. આ મહોત્સવને કવિઓએ વિવિધ સ્વરૂપે ગાયો છે, જે સાહિત્યની ભાષામાં ગરબો કે ગરબી થઈને પ્રગટ્યો. વલ્લભ મેવાડા, દયારામ વગેરેએ માતાજીની સ્તૂતિને ભક્તિમય થઈને ગાઈ તે ગરબામાં પરિણમી. ગરબો બીજી કવિતાની જેમ માત્ર કાગળ પર છપાવા માટે નથી રચાતો, તેના સર્જનનો ખરો યથાર્થ એમાં જ છે, જ્યારે તે ગવાય, લોકો તેના તાલે ઝૂમે.

અશરફ ડબાવાલા જેવા સક્ષમ કવિએ તો ગઝલ અને ગરબીને એકરૂપ કરી ગઝલગરબીનો સફળ પ્રયોગ કર્યો છે. અહીં રિષભ મહેતાએ ગરબાને ગઝલના ચોકમાં મૂક્યો છે.

ગરબો એક રીતે આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો પડઘો પણ છે. અને એ પડઘો માત્ર શબ્દો સુધી સીમિત નથી રહેતો, નૃત્યથી પણ વ્યક્ત થાય છે. કેમ કે તેમાં શ્રદ્ધા છે અને શક્તિ પણ. પૂજા છે અને પ્રાર્થના પણ. સ્તુતિ છે અને સ્તવન પણ. તેમાં આલાપ છે અને ઉલ્લાસ પણ.

સમય બદલાયો છે, હવે ગરબાઓ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યા છે. આજકાલ નવરાત્રી નૃત્યોત્સવ બની ગયો છે. અને માતાજીની સ્તુતિમાં થતા ગરબાનું સ્થાન ફિલ્મીગીતોએ લઈ લીધું છે. હવે નવરાત્રીનો અર્થ પૂજા-આરાધના નથી રહ્યો. ભક્તિ કે આરતી પણ નહીંં. કોઈક જવાનિયાને તમે પૂછશો કે નવરાત્રી એટલે શું તરત કૂદકો મારીને કહેશે કે ગરબા. તેમને મન દાંડિયા ઉછાળીને નાચવાનો અર્થ છે — નવરાત્રી. પણ નવરાત્રી માત્ર ગીતોના તાલે થતો નાચ નથી. તેમાં ભક્તિનું નૃત્યમય સાચ બિરાજે છે.

રિષભ મહેતાએ પ્રિય પાત્રને ઉદ્દેશીને ગરબાને ગાયો છે, એ પણ ગઝલના સ્વરૂપમાં. તેમની ગઝલમાં આવતો ગરબો શબ્દ માત્ર આરાધના કે નૃત્ય પૂરતો સીમિત નથી રહેતો. તે સખીને આહ્વાન આપે છે. આહ્વાનમાં પરોઢિયાનો ઉલ્લાસ છે અને મધરાતના ગરબાનું ગૂંજન પણ. ગરબામાંથી પ્રગટ થતા સૂર્યકિરણ જેવા ઊર્જાવાન પ્રકાશની ઝળહળ છે, અને એ ઝળહળમાં શોભી ઊઠતા માનવહૃદય પણ. ગરબામાં રમાતી ત્રણ તાલીમાં જડ અને ચેતન સુધ્ધા ધબકી ઊઠે છે. એ ધબકારાના તાલમાંથી જે રસ છલકે છે, એ રસમાં અનન્ય આનંદ છે — નૃત્ય, ભક્તિ, પ્રેમ, અને પવિત્રતાનો આનંદ.

નવરાત્રીમાં થતા ગરબા માત્ર ઉછાંછળા કૂદકા ન રહેતા સાધના બને તો નૃત્ય પણ પ્રાર્થના બની જાય. અશરફ ડબાવાલાની એક પ્રયોગશીલ ગઝલગરબીથી વિરમીએ.

લોગઆઉટઃ

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે.

તું ફ્ક્ત તારા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે,
આ બારણે, આ પાંપણે તરત મને મળી જજે.

નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ, છોડ આંગણે તરત મને મળી જજે.

સજા હું આકરી કરું તને કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

~ પંચમ શુક્લ

મનુષ્યજીવન એક યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા, અને કદાચ એનાથી પણ આગળની. આ યાત્રા દરમિયાન તે અસંખ્ય લોકોને મળે છે, અસંખ્ય અનુભવો મેળવે છે. પરંતુ જો ખૂબ ઊંડાણથી જોઈએ તો દરેકની એવી ઇચ્છા હોય છે કોઈક તેને અકારણ મળે, કોઈ સ્વાર્થ, નફો-નુકસાનની તમા રાખ્યા વિના મળે. ન કોઈ લાભાર્થે ન તો ફરજરૂપે, કેવળ મિલન, શુદ્ધ મિલન. આવું મિલન જ સોટચના સોના જેવું હોય છે અને તેનું મૂલ્ય સોના કરતા પણ વિશેષ, કેમ કે તે અમૂલ્ય હોય છે.

પરંતુ આજના સમયની મોટી પળોજણ હોય તો એ કે આપણે દરેક સંબંધને તર્કના ટાંકણાથી કોતરીએ છીએ, દરેક મિલનને કારણના બિલોરી કાચથી જોઈએ છીએ. મિત્રતા ફાયદો-ગેરફાયદો જોઈને કરવામાં આવે છે, લગ્ન આર્થિક સધ્ધરતા જોઈને, પ્રેમ ઉપકારભાવથી, અને ભક્તિ પણ માગણી, અપેક્ષા અને અધૂરી ઇચ્છા માટે કરીએ છીએ. પરંતુ ખરું મિલન તો એ છે જેમાં કોઈ કારણ ન હોય, માત્ર ઉપસ્થિતિ જ પર્યાપ્ત હોય. જેમ શ્વાચ્છોશ્વાસમાં વહેતું એક અદૃશ્ય સંગીત, તેના સૂર કોઈ વાદ્યમાંથી નહીં પરંતુ સ્વયં જીવાયેલા જીવનમાંથી ફૂટે છે. આવી પળે મળનાર અને પ્રતીક્ષા કરનાર એકરૂપ થઈ જાય છે. જેમ મીરાં કૃષ્ણમાં ભળી ગઈ, જેમ નરસિંહ કૃષ્ણમિલનમાં રાસ જોતા જોતા હાથ સળગી ઊઠ્યો છતાં લીન રહ્યો! આવી એકરૂપતા જ મિલનનું શિખર હોય છે!

કવિ પંચમ શુક્લએ પોતાની કવિતામાં મિલનનો માળો ગૂંથ્યો છે. એ માળામાં જે ટહુકા સંભળાય છે, તે ટહુકાને કોઈ કારણના ટેકાની જરૂર નથી. કેમકે તેમને પરિણામની ઝંખના નથી. કારણ વિના થતા મિલનથી શ્રેષ્ઠ મિલન કોઈ ન હોઈ શકે.

માણસ વિચારે છે કે તેણે મહાન અને વિરાટ અનુભવોની વાટ પકડીને શિખર પર પહોંચવું જોઈએ. દુનિયામાં સર્વોચ્ચ શિખરે પહોંચીને પોતાના સત્યને આત્મસાત કરવું જોઈએ. પરંતુ સત્ય ત્યાં જ ઊભું હોય છે, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ હોય. પાલો કોએલોની સુંદર નવલકથા છે - અલ્કેમિસ્ટ. તેની મૂળ કથા પણ એ જ, જેની શોધ માટે આખી જિંદગી રઝળ્યા એ તો ત્યાં જ હતું જ્યાંથી શોધ શરૂ કરી. મનોજ ખંડેરિયાએ પણ લખ્યું છે
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને!

અમુક મિલન એવાં જ હોય છે. આપણે જેને મળવા માટે જીવનભર ટળવળતા હોઈએ છીએ, તે આપણી સાથે જ હોય છે. માત્ર આપણને તેની પ્રતિતિ નથી થઈ હોતી, આપણને ખબર નથી હોતી.

કવિ પંચમ શુક્લ શ્વાસના પ્રત્યેક કણે પ્રિયતમને આહ્વાન આપે છે. આ આકર્ષણ દેહનું નથી, હૃદયનું છે. આ એ જ ઝંખના છે જે મીરાંબાઈમાં હતી, ‘પાયો જી મૈને રામ રતન ધન પાયો‘ પ્રેમ કે ભક્તિનું સૌથી શુદ્ધ રૂપ જ એ છે જેમાં કશો સ્વાર્થ ન હોય. મિલન કેવળ મિલન માટે જ હોય. અને આ મિલન માત્ર કોઈ પ્રિય વ્યક્તિની ઝંખના પૂરતું સીમિત નથી, તે પ્રભુને ઉદ્દેશીને પણ છે.

પંચમ શુક્લની કવિતા વાંચીને દરેકને પોતાના હૃદયમાં પાંગરતી મિલનની કૂંપળ ખીલતી દેખાશે. એ કૂંપળની સુગંધ દરેકની પોતાની હશે. મિલનની ઝંખના પણ પોતાની.

પ્રિય પાત્રના મિલન વિશે નિરંજન ભગતે લખેલી કવિતા વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

બોમ્બ વાવવાથી કબર ઊગે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ખાલી પેટે
ગયું દોડતું મા પાસે
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું
“મા, મા, આ ફળ વાવું તો શું ઊગે?”
અશ્રુભીની આંખે
બાળકના માથે હાથ ફેરવતા
ચીંધી આંગળી
પતિની કબર તરફ !

~ નિલેશ રાણા

અણુબોમ્બના પરિક્ષણ પછી તેના સંશોધક ઓપનહાઇમરે ભગવદગીતાના શબ્દો ઉચ્ચારીને કહ્યું હતું, “હવે હું મૃત્યુ બન્યો છું, જગતનો સંહારક.” અને આ સંહારલીલાનો અનુભવ દુનિયાએ પ્રત્યક્ષ જોયો, બીજા વિશ્વયુદ્ધ વખતે, હિરોશીમા અને નાગાશાકી પર ફેંકાયેલા બોમ્બ દ્વારા. તેની વિનાશક અસરમાંથી આજની તારીખ સુધી જાપાન સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી. બોમ્બની શોધની સાથે જ આપણે વિનાશ તરફની ગતિ શરૂ કરી દીધી હતી. કવિ નિલેશ રાણાએ બાળક અને બોમ્બને સાથે જોડીને યુદ્ધની ભયાનકતાને ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે. આ કવિતામાં બાળસહજ વિસ્મય છે અને વિનાશનો ચિત્કાર પણ. બાલિશતા છે અને બર્બરતા પણ.

કવિએ એક કાશ્મીરી બાળકની વાત કરી છે. બાળક ગ્રેનેડ લઈને માતા પાસે જાય છે, અહીં ‘લીલી ગ્રેનેડ’ શબ્દ પર અન્ડરલાઇન કરવા જેવી છે, ગ્રેનેડ લીલી છે, અર્થાત જીવંત છે, તે કોઈ પણ ક્ષણે ફૂટી શકે છે. વળી ગ્રેનેડનો આકાર પણ કોઈ ફળ જેવો હોય છે. બાળક તો વિસ્મય અને જિજ્ઞાસાથી માતાને પૂછે છે કે આ ફળ વાવવાથી શું ઊગે? તેના પ્રશ્નમાં નિર્દોષતા અને બર્બરતા વચ્ચેનો છૂપો પુલ બંધાય છે. માતા બિચારી કશો ઉત્તર આપી શકતી નથી. કેમ કે તે આ ફળથી ઊગતા વિનાશને અનુભવી ચૂકી છે. તે માત્ર આંગળી ચીંધે છે, પતિની કબર તરફ. એ બાળકનો પિતા પણ આવા જ કોઈ બોમ્બનો ભોગ બનેલો. કેવો કરૂણ વિરોધાભાસ.

સંભવ છે કાશ્મીરની કોઈ ઘટના કવિના હૃદયને ધ્રૂજાવી ગઈ હોય, અને તેમણે આ કાવ્ય લખ્યું હોય. પરંતુ આ કવિતા માત્ર કાશ્મીરની નથી. આ તો સમગ્ર માનવજાત સામેનો વેધક પ્રશ્ન છે. આપણાં બાળકો કેવા સમયમાં જીવી રહ્યાં છે? આપણી જિંદગી ટ્રેનના બે પાટા પર ચાલી રહી છે, જેમાંથી એક પર નાવિન્ય છે, આધુનિકતા છે, શોધ અને સંશોધન છે, તો બીજા પાટા પર એ જ નાવિન્યથી ઊભી થતી વિમાસણો છે, આધુનિકતાથી રચાતી અધોગતિ છે. મોબાઇલ, જે આજે સૌથી ઉપયોગી અને હાથવગું સાધન ગણાય છે, એ જ સાધન સૌથી નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. કોઈ પણ શોધની સાઇડ ઇફેક્ટ હોય છે, આપણે તેને અવગણીએ છીએ, અને આ અવગણના જ ક્યારેક વિનાશનું મહાકારણ બને છે.

પરમાણુ શક્તિના વિકાસ માટેની દુનિયાની દોડ પણ છેવટે તો મહાવિનાશ તરફની ગતિ છે. તે ભયને ઉછેરી રહ્યા છે. જેવો બોમ્બનો ઉપયોગ થાય કે તરત ભયના છોડ પર મૃત્યુના ફળ ઊગી નીકળે છે.

ગુજરાતીમાં કહેવત છે — જેવું વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર. તમે બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકો. પરંતુ વિચિત્ર વાત એ છે કે આ સમયમાં આપણે યુદ્ધની વાવણી કરીએ છીએ અને શાંતિનો પાક લણવાની આશા રાખીએ છીએ. વિશ્વના નેતાઓમાં શાંતિદૂત થવાની હોડ છે, અને તે યુદ્ધના માર્ગ પર ચાલીને! આ જ તો વિમાસણ છે આજની.

બાળકના હાથમાં નાની કેરી, સફરજન કે જામફળ જેવાં ફળ શોભે છે, પણ અહીં તો ગ્રેનેડ છે. આ વિરોધાભાસ એ જ આજની દુનિયાનું દર્પણ છે. એ કાશ્મીર હોય કે પેલેસ્ટાઇન, યુક્રેન હોય કે આફ્રિકા, અમેરિકા હોય કે અમદાવાદ, ગાઝા હોય કે દિલ્હી, જ્યાં બોમ્બની વાવણી થાય ત્યાં કબરોનો મોલ ફાલે છે. શાંતિની આશાથી વિનાશી શસ્ત્ર વપરાય ત્યાં શાંતિ નહીં, સન્નાટો ઊગે છે. તેને રક્તની ધારાઓ અને લાશોનું ખાતર પોષણ પૂરું પાડે છે.

1961માં જ્યારે શીતયુદ્ધની ચરમ સીમાએ હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડીએ યુનાઇટેડ નેશનના એક ભાષણમાં જે વાત કહી હતી તેની સાથે વિરમીએ.

લોગઆઉટઃ

માનવજાતે યુદ્ધનો અંંત લાવવો પડશે, નહીંતર યુદ્ધ માનવજાતનો અંત લાવશે.
- જે. એફ. કેનેડી

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની છે

સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી છે

સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

એક ખૂણે રહીને કવિતાનું સૂતર કાંત્યા કરતા સર્જક, અન્ય ભાષાની કવિતાને ગુજરાતીમાં અવતારનાર લેખિકા જયા મહેતા હવે આપણી વચ્ચે નથી. તેમનું સર્જન ઓછું છે, પણ જેટલું છે — ઊંડું અને અર્થસભર છે. ઉપરોક્ત કવિતામાં તેમણે સ્ત્રીની વ્યથાની વણી લીધી છે, અને આ વ્યથા કોઈ એક સમયની નથી.

સ્ત્રી — ક્યારેક દેવી, ક્યારેક દાસી, ક્યારેક દુહિતા, ક્યારેક દુર્ગા, ક્યારેક ભગિની ક્યારેક ભીખારી. અસંખ્ય ઉપાધિઓની આંધીમાં તેનું મૂળ સ્ત્રીત્વ ફાટેલા વસ્ત્રના ચીંથડાની જેમ ઊડ્યા કરે છે. સમાજે સ્ત્રીને પ્રતીકોથી પોંખી, સંજ્ઞાઓથી શણગારી, પરંતુ મનુષ્ય તરીકે જોવાની દુર્લભ દૃષ્ટિ ન વિકસાવી. જયા મહેતાએ એ જ પીડાને વાચા આપવા પ્રયત્ન કર્યો છે.

સ્ત્રીને દેવી કહીને દેરીમાં બેસાડી દેવી કે ડાકણ કહીને દૂર હડસેલી દેવી, બંને સ્થિતિમાં એક જ દંભ કામ કરે છે, સ્ત્રીને માણસમાંથી મિથકમાં ફેરવી નાખવાનો દંભ. જ્યારે પણ સામાજિક મૂલ્યોની વહેંચણી કરવામાં આવે છે ત્યારે સ્ત્રીના ભાગે આવે છે — પરંપરાના નામે પીડા, ધર્મના નામે ધુત્કાર, અને પરિવારવાદના નામે પરિશ્રમ. ચૂલાથી લઈને ચોક સુધીનાં કર્તવ્યો ચુપચાપ સ્ત્રીના પાલવમાં બાંધી દેવામાં આવે છે, અને તેનાથી મળતો યશ પુરુષના મુગટમાં મૂકાય છે. સ્ત્રીઓને મળતું સન્માન પણ અમુક અદૃશ્ય સાંકળોથી બંધાયેલું હોય છે. સન્માન એટલે? બસ, ત્યાગનો કાંટાળો તાજ પહેરાવીને અધિકારોની ટોપી ઉતારી લો. થઈ ગયું સન્માન! નારીના અભ્યાસક્રમમાં એવું પુસ્તક ગોઠવી દેવામાં આવ્યું છે, જેમાં કર્તવ્યોના પાંનાં અસંખ્ય છે, અધિકારનાં અમુક જ.

નીચું મોં રાખીને ચાલતી, કહ્યું માનતી, ઘરને અઢળક પરિશ્રમપૂર્વક સજાવતી નારીને આપણે સંસ્કારી કહીએ છીએ, પણ એ જ સ્ત્રી જ્યારે સમાજના નિર્ધારિત કરેલા ચીલે ચાલવાનું છોડી પોતાનું આગવું પગલું ભરવાની પહેલ કરે તો સમાજ તેને અસંસ્કારી, ઉદંડ કહીને ધિક્કારે છે. ઘણી વાર, ઘણા સ્થાને સ્ત્રીઓને આઝાદી મળે છે – મૂલ્યોની, વિચારોની, વાણીની, વર્તનની, અભિવ્યક્તિની. પણ તેનો અર્થ એ નથી કે આખું આકાશ મળી ગયું. તે આઝાદીનો અર્થ એ જ છે કે પીંજરું મોટું કરવામાં આવ્યુંં. જેથી તે પાંખો ફેલાવીને સમાજે પીંજરાની જે સાઇઝ નક્કી કરી છે, ત્યાં સુધી ઊડી શકે.

ફિલ્મમાં એકલી સ્ત્રી ફરવા નીકળી પડે, ગમતા પાત્ર સાથે ગીતો ગાય, સમાજ વિરુદ્ધ ક્રાંતિ કરે એ બધું જોવાનું ગમે છે. તેને બે હાથે વધાવીએ છીએ, પણ ફિલ્મમાં બનતી એ જ ઘટનાઓ આસપાસ બને ત્યારે જે હાથ હરખથી તાળીઓ પાડતા હતા, એ બેડીનું રૂપ ધારણ કરી લે છે.

ચંદ્રકાન્ત બક્ષીએ એક લેખમાં કહેલું, સ્ત્રીને પાળી શકાય છે, તેની માટે ચાબૂક કે લગામની જરૂર નથી. કેટલું કડવું સત્ય! ઘણી વાર સંસ્કાર, રૂઢી, પરંપરા, રીતરિવાજ, માનમર્યાદા, આ બધા જ એક રીતે ચાબૂક અને લગામની ભૂમિકા ભજવતા હોય છે. જયા મહેતાની કવિતા વાંચી સમાજમાં સ્ત્રીત્વનું તેજ ક્યાં ક્યાં ઢંકાય છે, તેની જે પ્રતિતિ થઈ તેને મારી રીતે લખવા પ્રયત્ન કર્યો છે. તેમણે અનુવાદ કરેલી ઊડિયા ભાષાની કવયિત્રીની કવિતા પણ વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી, (અનુવાદ: જયા મહેતા)

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મુકેશ જોશી

દરેક પુરુષમાં છૂપું માધવપણું મોજુદ હોય છે, દરેક સ્ત્રીમાં રાધા. પ્રણયની અમુક ઊર્મિમય ક્ષણોમાં એ જીવંત થઈ જાય છે. ચોમાસું આવી જ એક ઊર્મિસભર ઋતુ છે. ભીતરના સૂનકારને ભીનાશ અર્પવાની ઋતુ. વરસાદનું પહેલું જળબિંધુ ધરાને સ્પર્શે તો લાગે ઉજ્જડતામાં અમી ઊભરાયું. એ અમી એટલે રાધા. પણ હૃદયની ભૂમિ દુષ્કાળ વેઠતા ખેડૂતના ખેતર જેવી હોય છે. જ્યારે ખૂબ જરૂર હોય ત્યારે જ વરસાદ ન પડે, અને માંહ્યલાનો મોલ સૂકાઈ જાય. ત્યારે બહારનો ધોધમાર વરસાદ પણ અંદર કશું ઊગવી શકતો નથી. ભીતરનો આ દુષ્કાળ અસમંજસ, દ્વિદ્ધા અને પરિસ્થિતિમાંથી ઊભો થયો હોય છે. અનેક ચોમાસામાં ચાર આંખે વરસાદને નિહાળ્યા બાદ રાતોરાત રોશની જતી રહી હોય તેમ આંખો અંધકારમય થઈ જાય છે. તેનું કારણ — આપણી અંદરના કૃષ્ણએ ગોકુળ છોડીને મથુરા તરફ ગતિ કરી હોય છે.

મુકેશ જોશી મર્માળુ કવિ છે. તે વાત તો રાધા-કૃષ્ણની કરે છે, પણ તે વાત માત્ર મહાકથાના આ બે ઉન્નત પાત્રો પૂરતી મર્યાદિત નથી, તે તો મારી, તમારી, આપણા સૌની વાત કરી રહ્યા છે. કૃષ્ણ તો ભાતરવર્ષની ભૂમિ પર જીવંત થઈને અદૃશ્ય થઈ ગયા, રાધા વિલુપ્ત થઈ ગઈ. હવે ક્યાંથી એ સુદર્શન, એ શંખ, એ વાંસળી, એ પ્રેમ, એ ગોકુળ, એ વિરહ, એ મથુરા. આ બધું કહીને કવિ આપણી અંદરના ઉર્મિમય જગતને વ્યક્ત કરે છે — રાધાકૃષ્ણના માધ્યમથી. એક રાતે કૃષ્ણમાંથી રાધા બાદ થાય છે, તે રાધા આપણી પોતાની છે.

સુદર્શનની જેમ આપણે સમયને કાપતા રહીએ, પરિસ્થિતિના પીંડમાં બંધાઈને રાત-દિવસ નામના ચાકડે ચડતા રહીએ છીએ. વિરહનું ચક્ર સુદર્શન કરતા વધારે તીવ્ર અને ધારદાર હોય છે. કરૂણ વાત એ કે તે અંદરથી ભેદે છે. અંદર ઊગતી ઊર્મિઓના માથા છેદી નાખે છે. બાહ્ય રીતે આનંદિત લાગતો માણસ કોના વિરહથી પીડાતો હશે, તો તે માત્ર તેનું હૈયું કહી શકે.

કૃષ્ણ અને રાધાના પ્રણયને વ્યક્ત કરતું સંગીતમય શાસ્ત્ર એટલે વાંસળી. એ પ્રતીક છે, પ્રેમનું. સૂર કાનમાં રેલાય અને હૃદયભાવ આપોઆપ ખીલી ઊઠે. ચરણ દોડી ઊઠે એ દિશામાં જ્યાં કૃષ્ણ હોય. આજના કૃષ્ણ પાસે પણ વાંસળી છે, પણ એ વાંસની બનેલી, કાણાવાળી, સૂર છેડતી ભૈતિક પ્રતિકૃતિ જ હોય તેવું સંભવ નથી. દરેકની પોતાની બંસરી હોય છે. સંજોગનું ચક્ર ફરે અને પ્રિયજનથી અલગ થવું પડે ત્યારે પેલા વાંસળી જેવાં અનેક પ્રતિકો રહી રહીને પ્રિયતમની વાતો મનમાં જગાવ્યા કરે છે, તેની છબિ આંખ સામે લાવ્યા કરે છે, આ વાંસળીમય પ્રતિકો કોઈ પત્ર રૂપે હોઈ શકે, ફોનમાં પડેલી જૂની ચેટ હોઈ શકે. કોઈ ખાસ દિવસે મળેલી ભેટ પણ હોઈ શકે. એ બધી વસ્તુઓ જોતાની સાથે પ્રિય વ્યક્તિ આપોઆપ દેખાઈ જાય — આંખો મીંચો તો પણ. ત્યારે વાંસળી જેવાં તમામ પ્રતીકોથી દૂર થઈને શંખ જેમ ફૂંકાવું પડે છે. પરિસ્થિતિ સામે યુદ્ધે ચડવું પડે છે.

દરેકની અંદર મોટી ગેલેક્સી છે. તેની અંદર સેંકડો ઇચ્છાના તારાઓ ઝળહળે છે. પરંતુ કોઈ ખાસ વ્યક્તિની ગેરહાજરી અંદરના બ્રહ્માંડની બોલતી બંધ કરી દે છે. તે સતત એક ગમતા સિતારાની ઝંખના કરે છે, તેની રોશનીથી પ્રકાશિત થવાની કામના રાખે છે. પ્રિય વ્યક્તિના પ્રણયનો મૌન નાદ અંદરના આકાશમાં નિરંતર પડઘાયા કરે છે. બહારનું જગત તેને સાંભળે ન સાંભળે, અંદરની ઊર્જા સતત તે સાદને સાંભળતી રહે છે.

રાધા માત્ર એક પાત્ર નથી. સમય પર ચિતરાયેલી સ્મૃતિ છે, વિરહની વ્યાખ્યા છે અને મિલનની ઝંખના પણ. રાધા એ પ્રણયના રંગમાં ડૂબેલા વ્યક્તિઓ માટે એક ઋતુ છે, જે માત્ર તેમના હૃદયમાં જ આવે છે, જે પોતે વસંત બની ચૂક્યા હોય. રાધા એ શ્વાસમાં સંભળાતી વાંસળી છે, એવા શ્વાસ જે સહૃદયતાનું સરનામું ચીંધતા હોય. કૃષ્ણનું જીવનફલક અત્યંત વિશાળ છે, ગોકુળ, મથુરા, દ્વારકા — બધે તેમની મહાગાથા પથરાયેલી છે, પરંતુ એ મહાકથાનું કોઈ રંગીન અને હૃદયછલોછલ પાનું હોય તો તેનું નામ રાધા છે. કૃષ્ણને સમજવા માટે તેમના રણક્ષેત્રના યુદ્ધો નહીં, હૃદયભૂમિ પર જીતાયેલા સંગ્રામ જાણવા જોઈએ. રાધા એવા જ એક મધુરા સંગ્રામનું નામ છે. રાધા એ કૃષ્ણના પ્રણયભાવનો અનુવાદ છે.

લોગઆઉટઃ

દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું રે જવાબ દઇશ માધા?
- ઈશુભાઈ ગઢવી

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે તર્કની દીવાલને પણ પાર થઈ ગયા,
તે ચારપાંચ યાદના તહેવાર થઈ ગયા

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું,
જેને બતાવ્યું એ બધા કુંભાર થઈ ગયા

મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે,
જે દાગ લાગતા હતા, શણગાર થઈ ગયા

જે અણબનાવ આંખને પૂરા પચ્યા નહીં,
તે દ્રશ્ય એક બંડના આધાર થઈ ગયા

મારા સ્વભાવનું મને એવું વ્યસન થયું,
આવ્યા નવા વિચાર તો, પડકાર થઈ ગયા

વચ્ચેથી વહેમના બધા પડદા હટી ગયા
પ્રશ્નો હતા બધા જ તે ઉદગાર થઈ ગયા

- વિશાલ દેસાઈ

માનવજાતનો ઇતિહાસ જોતા સમજાય છે કે દરેક ક્રાંતિ, દરેક શોધ, દરેક પરિવર્તન કોઈ એક માણસના હિંમતભર્યા તર્કનું પરિણામ છે. કોપર્નિકસે જ્યારે કહ્યું કે, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે, ત્યારે તે માત્ર વૈજ્ઞાનિક તથ્ય નહોતું; તે માનવમનના બંધાઈ ગયેલા તર્કની દીવાલને તોડવાનો પ્રયત્ન હતો. સૃષ્ટિના સત્યને નવા તર્કપૂર્વક સમજવાની મથામણ હતી. હકીકતમાં તો મથામણો જ મહેક વેરતી હોય છે. પુષ્પ પણ પીસાય ત્યારે વધારે સુગંધ વેરે, પથ્થર ઘસાયા વિના મૂલ્યવાન હીરો ન થઈ શકે. સત્ય ઘણીવાર આપણી માન્યતાઓના ખડકામાં બંધાયેલું રહે છે, ખડક તોડવો જરૂરી હોય છે. એને તોડવા માટે જરૂરી છે અજોડ ધૈર્ય. એ ધૈર્ય ક્યારેક કલાકોનું હોય, દિવસોનું, મહિનાનું, વર્ષોનું કે જન્મોનું પણ હોય. રૂઢ થઈ ગયેલી તર્કની દીવાલને તોડીને પોતાનો ચીલા ચાતરનાર ઉત્સવ થઈ ઊજવાતા હોય છે.

આપણો સમાજ એક અજોડ વલણ ધરાવે છે: કોઈકનું દુઃખ જાણતાંની સાથે જ્ઞાનવંત થઈ જાય છે. એ સાંભળવા કરતાં સુધારવામાં પડી જાય છે, એ પણ માત્ર ઠાલા શબ્દોથી, પ્રેક્ટિકલી નહીં. દુઃખી વ્યક્તિ માટે સૌથી મોટી રાહત એ છે કે કોઈ એને શાંતિથી સાંભળે. કોઈ ટિકાટિપ્પણી કે ખણખોદ વિના સાંભળે. પણ આ સરળ લાગતું કાર્ય ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ છે. તમે કોઈને તમારી વ્યથા કહો કે મારે તો આમ થયું, તો તરત જ એ સામે કહશે અરે તારે તો કંઈ નથી, એક વાર તો મારે આમ થયું, પછી તેમ થયું, પછી ફલાણું, પછી ઢીંકણું. લોકોને પાતાનાં ફલાણાં અને ઢીંકણાં જ રસ છે, અન્યનાં નહીં. અમુકને તમારી વ્યથા સંભળાવો તો તરત જ કહે કે, ભલા માણસ આવું કરાતું હશે? તેમ કરો તો પછી આમ જ થાયને, તમારે મને પહેલા કહેવું જોઈતું હતુંને, હવે શું?

તમારા માટીના તૂટેલાંં સપનાને લઈને કોઈકની પાસે જશો એટલે બધા એક્સપર્ટ કુંભારની જેમ તમારી સામે વર્તશે. માટી કઈ રીતે ખુંદવી, પીંડ કઈ રીતે ચાકડા પર મૂકવો, વાસણને આકાર કેમનો આપવો — અથથી ઇતિ તમને સંભળાવશે. એમાં પણ જોકે ઊંડે ઊંડે તમને મદદ કરવાની ભાવના કરતા, પોતે કેટલા અનુભવી અને જ્ઞાની છે, તે દર્શાવવાની સુષુપ્ત ખેવના વધારે હોય છે. અમુક તો ચોવીસે કલાક સલાહની શરણાઈ લઈને જ બેઠા હોય છે, તમે કશુંક બોલ્યા નથી કે ફૂંક મારીને પીપુડી ચાલુ કરી નથી.

તમે તૂટેલા વસ્ત્ર જેવા હશો, તો દુનિયા સોઈદોરો બનીને તમારી સિલાઈ નહીં કરે. દુનિયા તો તમારી ફાટેલી જગ્યા પર વારંવાર આંગળી ચીંધીને દેખાડશે કે, “જુઓ, અહીં તૂટ્યું છે, જુઓ ત્યાં ફાટ્યું છે.” આપણને બીજાનાં દુઃખોની ટિકા કરવી, તેની પર આંગળી ચીંધવી, બધાનું ધ્યાન તેના પર જાય તેવું કરવું હંમેશા ગમે છે. એમાં એક પ્રકારનો છુપો માનસિક આનંદ મળે છે, શરત માત્ર એટલી જ છે કે તે દુઃખ બીજાનું હોવું જોઈએ.

ઘણા અભાવનું કારણ અસ્વીકાર હોય છે. પોતાની પરિસ્થિતિને પૂર્ણપણે સ્વીકારી ન શકવાથી ઊભી થતી મુૂંઝવણો માથા પરનો મોટો બોજ લાગે છે. અરેરે આવું ક્યાં થઈ ગયું, મેં આમ નહોતું ધાર્યું. બધાને કેવું છે અને મારે કેવું. પહેલા કેવું હતું અને હવે કેવું છે. આપણે આપણા જ ભૂતકાળ સાથે પોતાને સરખાવીને દુઃખી થઈએ છીએ, એમ કરતાં પણ દુઃખ ન ઉદ્ભવે તો આપણાથી વધારે સુખી લાગતા માણસો સાથે સરખાવીને દુઃખ ઊભું કરીએ છીએ. દુઃખી થયા વિના આપણને ચાલતું નથી. અને દુઃખનું મોટું કારણ હોય છે — અસ્વીકાર. પોતે જે હોય છે, તેનો અસ્વીકાર કરીને જે નથી તે હોવાની ધારણા કરવી.

વિશાલ દેસાઈએ જીવનની કેટલીક મૂલ્યવાન વાતોને પોતાની ગઝલના ચાકડે ચડાવીને સરસ પીંડ બાંધ્યો છે. અચ્છા ગઝલકારની આ જ તો ખૂબી છે, સીધું કહેવાને બદલે અંગુલીનિર્દેશ કરે.

લોગઆઉટઃ

રિયો સભાનતાની અવસ્થા નજીક છે
ભરતી ને ઓટ બેઉમાં અંતર જરીક છે

લાચાર આંખ રાહ જુએ છે વળાંકની,
કિરદારનો જે અંત એ પડદાની બીક છે

મારી ગુલામ આંખ એ સ્વીકારશે નહીં,
નહીંતર તમામ તારા ઈશારા સટીક છે

ઉભરાઈ તો રહ્યું છે છલોછલ નથી થયું
આ તારા ભાવ પાત્રનો ઉભરો ઘડીક છે

હું કેમ કેમ કેમ સતત પૂછતો રહ્યો
તારા ગયાના દર્દ ઘણા દાર્શનિક છે

- વિશાલ દેસાઈ

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા!’
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે!
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

- ઉમાશંકર જોશી

પંદરમી ઓગસ્ટ આવી, દેશનો સ્વતંત્રતાદિન ઊજવ્યો, ઝંડાઓ ફરક્યા, અને વાત પૂરી. એક દિવસનો દેશપ્રેમ સાંજ પડતા છાંપાં માફક પસ્તી થઈ જાય છે. આઝાદી પાછળ ખર્ચાયેલી સેંકડો કુરબાનીઓ ભૂલવામાં આપણે એક દિવસ પણ નથી લગાડતા. સવારે ગર્વથી ઊંચકેલો ઝંડો સાંજે ફૂટપાથ પર રઝળતો હોય છે. પ્રભાતે ગવાયેલું શૌર્યગાન સાંજે ક્યાંય હવામાં છૂમંતર થઈ જાય છે. આઝાદીનો અર્થ અંગ્રેજો પાસેથી મેળવેલી સ્વતંત્રતા નથી, હવે આપણે આપણી બદીઓમાંથી પણ બહાર આવવાનું છે. કવિ ઉમાશંકર જોશીએ ખૂબ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે- દેશ તો આઝાદ થત થઈ ગયો, તેં શું કર્યું? વર્ષો પહેલાં લખેલી આ કવિતા આજે પણ એટલી જ સાંપ્રત છે. દેશની સ્વતંત્રતા માટે જેમણે જીવન ખર્ચવાનુંં હતું, ખર્ચી નાખ્યું, પણ હવે આપણી જવાબદારી શું? ઉમાશંકર જોશી આપણી જવાબદારી તરફ આંગળી ચીંધે છે. તેમની આ રચના માત્ર સ્વાતંત્ર્ય દિવસના ઉત્સવની ઔપચારિક વધામણી નથી, આપણને હચમચાવતો એક પ્રશ્ન છે. તેઓ આપણે યાદ અપાવે છે કે સ્વાતંત્ર્ય ફક્ત એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ સતત વહેતો પ્રવાહ છે, જેને સ્વચ્છ, નિર્મળ અને પ્રબળ રાખવાની જવાબદારી દરેક પેઢીના ખભા પર છે.

સ્વાતંત્રતા અનેક પેઢીઓનાં લોહી, આંસુ, બલિદાન અને ત્યાગથી મળેલું પુણ્ય છે. એ પુણ્યને જાળવવામાં આપણે નિષ્ફળ જઈએ, તો આઝાદીનો અર્થ કશો રહેતો નથી. સ્વાતંત્ર્ય એક પવિત્ર વારસો છે, તેને વેડફવાનો અર્થ એ જ છે કે આપણે એ અમૂલ્ય ભેટને, જેની માટે હજારો શહીદોએ પોતાનો જીવ આપ્યો, તેને બેફિકરાઈમાં વેડફીએ છીએ. રાજકીય સ્વાતંત્ર્ય પછીનો સૌથી મોટો સંઘર્ષ આંતરિક છે—ભ્રષ્ટાચાર, અનૈતિકતા, જાતિવાદ, કોમવાદ, ધાર્મિક વૈમનસ્ય, લાંચ, રુશ્વત, સત્તાનો દુરુપયોગ અને સામાજિક અસમાનતાના સામેનો સંધર્ષ. આ બધા દુર્ગુણો આપણી વ્યવસ્થામાં ઘુસી ગયેલું વિષ છે. આ વિષ સ્વતંત્રતા પછી આપણે જ ઊભું કરેલું છે, તેને ડામવા માટે બહારથી કોઈ નથી આવવાનું.

આઝાદી પછી આપણે ભ્રષ્ટાચાર, કોમવાદ અને ધર્મવાદ જેવા વિવિધ વાદોના ગુલામ બની ગયા છીએ. આ વૈમનસ્ય આપણે જ ઊભું કર્યું છે, આ ગુલામીમાંથી પણ છૂટવું જોઈએ.

આપણામાંના મોટા ભાગના લોકો પોતાની ભૂલ સ્વીકારવા કરતા બીજાના ખામીઓ પર આંગળી ચીંધવાનું કામ વધારે કરે છે. રસ્તામાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, ઊંચનીચ અને જાતિવાદથી પર થવું, એ પણ સ્વતંત્ર ભારતને ઘડવામાં આપણે આપેલુંં આપણુંં વ્યક્તિગત યોગદાન છે. દરેક નાગરિક પાસે શિક્ષણનું, શ્રમનું, કુશળતાનું, કે સત્ય બોલવાની હિંમતનું બળ છે. એ બળનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્ર ભારતને વધારે સજ્જ બનાવવામાં નિમિત્ત બની શકીએ. સ્વાતંત્ર્યની સુરક્ષા એ કોઈ એક દિવસનું કામ નથી, દરરોજની જવાબદારી છે. આઝાદી આપણા પૂર્વજોના મહાન ત્યાગ અને બલિદાનનું પરિણામ છે, એ બલિદાનને જો સરખી રીતે સમજી નહીં શકીએ તો રક્ષણ કેવી રીતે કરીશું? આપણે સમજવું પડશે કે કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી, કોઈ દલિત નથી, કોઈ સવર્ણ નથી, સર્વ એકસમાન છે, દરેક ભારતીય પોતે જ એક ભારત છે.

ઉમાશંકર જોશીની કવિતા દેશ પ્રત્યેની જવાબદારીનો નૈતિક દસ્તાવેજ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સ્વાતંત્ર્યના ઉત્સવમાં ફક્ત ધ્વજ ફરકાવવો, ભાષણ આપવું કે ગીત ગાવું પૂરતું નથી. સ્વાતંત્ર્યનું સાચું સન્માન એ છે કે આપણે દૈનિક જીવનમાં પ્રામાણિકતા, શ્રમ, ન્યાય, પરસ્પર સન્માન અને સામૂહિક હિત માટે તત્પર રહીએ. નાગરિક તરીકેની ફરજો બજાવ્યા વિના સ્વાતંત્ર્યનાં સપનાંઓ માત્ર ઉપલક વાતો બનીને રહી જશે.

લોગઆઉટઃ

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?

- ઉમાશંકર જોશી

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌનાં વિચારમાંથી.

શોધી શકાય છે જે, થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળાં વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે, નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે, પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવાં વિચારમાંથી.

- આર. બી. રાઠોડ

અવિચારી જીવનના તટ પરથી વિચારોની વહેતી નદીમાં ઝાંખી કરીએ તો જાણ થાય કે પ્રત્યેક ટીપું ગહન ફિલસૂફી છે અને દરેક લહેર એક વિરોધાભાસ. ચિંતા અને વિચાર વચ્ચેનું અંતર માત્ર એટલું જ છે કે ચિંતા શંકા અને વ્યથામાંથી ઉદ્ભવે છે, વિચાર સંશોધન કે નવર્જનમાંથી. આર.બી. રાઠોડની આ ગઝલ વિચારના વિવિધ આયામો આપણી સામે ઉઘાડી આપે છે.

કહેવાય છે કે માણસ હાડમાંસનો બનેલો છે, પણ એ હાડમાંસમાં જો માણસઈનો મર્મ કોઈ પૂરતુંં હોય તો છે વિચારવાની શક્તિ. આ શક્તિ જ તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. વિચારની જે શક્તિ મનુષ્ય પાસે છે, તે અન્ય પ્રાણીઓમાં નથી, એટલે તો મનુષ્ય સામાજિક, આર્થિક, રાજકીય, નૈતિક કે અનૈતિક તમામ બાબતે દૃઢતાથી ડગ ભરી શક્યો. કોઈ પણ નવી શોધના પાયામાં વિચાર નથી, તો બીજું શું છે? આકાશમાં વિમાન એમ ને એમ જ ઊડવા નથી માંડ્યું, પહેલા વિચાર ઊડ્યો છે મનમાં, એ વિચારે આકાર ધારણ કર્યો ત્યારે વિમાન બન્યું. રોડ પર કાર દોડતા પહેલાં મનમાં એક વિચાર સ્વરૂપે દોડી હતી. કમ્પ્યુટર કમાલ કરતું થયું, તે પહેલાં એ કમાલ મનમાં થઈ હતી, એક વિચાર તરીકે. સુખ-દુઃખ, પાપ-પુન્ય, ધર્મ-અધર્મ, સારું-નરસું, ભગવાન-શયતાન, આ બધાં પણ વિચારોનાં જ સંતાનો છે. અરે આ વાંચતી વખતે અત્યારે તમારા મનમાં જે થઈ રહ્યું છે તે પણ વિચારોની શક્તિને લીધે જ.

માણસ ખરેખર તો રસ્તા પર નથી ચાલતો, વિચાર પર ચાલતો હોય છે. રસ્તો તો તેના દેહનું વહન કરે છે, જિંદગીની ગતિ તો વિચારો પર જ નિર્ભર હોય છે. તમે ક્યારે, કોના સામે કેવું વર્તન કરો છો, શું બોલો છો અને શું નથી બોલતા — બધાના પાયામાં તમારા મનમાં રહેલા વિચારો જ છે. એ જ તમારી છબિ અન્ય લોકો સામે નિર્ધારિત કરે છે. તમે જે બોલી ગયા અને હવે પછી બોલવાના છો, તે અદૃશ્ય રીતે મનમાં પડેલા વિચારોના રસાયણોમાંથી જ સર્જાય છે. આ રસાયણ સમાજમાં, મિત્રોમાં, ક્લાસરૂમમાં કે જાહેર જીવનમાં તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે.

વિચારવાની સ્થિતિ ક્યારેય અટકતી નથી. તમે ઊંઘમાં પણ હોવ ત્યારે સ્વપ્ન થઈને તે કાર્યરત હોય છે. દીકરી દસ મિનિટ મોડી આવે તો મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે, પુત્ર ટ્રોફી જીતી લાવે તો પણ એ જ વિચારો ઉત્સાહનું પૂર લાવી દે છે. તમે મરણ પ્રસંગે જાવ કે જન્મની પાર્ટીમાં — તમારું મન વિચારોનું પ્રોડક્શન કરતું રહે છે. વિચાર ક્યારેક માયાજાળ પણ સર્જે છે, એ જાળમાં પોતે જ ફસાઈ જવાનું થાય છે, એટલા માટે જ સંતો નિર્વિચારની સ્થિતિની વાત કરે છે.

આપણે ત્યાં કહેવત છે — તુંડે તુંડે મતિર્ભિન્ના. અર્થાત્ દરેક મસ્તિષ્ક અલગ વિચાર ધરાવે છે. એક જ વિષય પર એક ક્લાસમાં વિદ્યાર્થીઓને લખવા આપો, દરેક વિદ્યાર્થી અલગ લખશે. વળી એ પણ સત્ય છે કે કોઈ પણ વિચાર અંતિમ સત્ય નથી હોતો. જ્યારે કમ્પ્યુટર નવું નવું શોધાયું ત્યારે જાદુ જેવું લાગતું. એક જ બોક્સમાં આટલું બધું કરી શકાય. દરેક શોધમાં આવું જ હતું, વિમાનની વાત કરો, કે કારની. આજે એ.આઈ. છે, સમય જતાં એ પણ જૂનવાણી થઈ જશે અને કશુંક નવું આવશે. વિચારો અપડેટ થશે. પણ અમુક વિચારો કાયમ મનમાં ઘર કરી જાય છે, ઘૂમરાતા રહે છે, જ્યાં સુધી તે કોઈ ગ્રંથસ્વરૂપે વ્યક્ત ન થઈ જાય ત્યાં સુધી ચેન નથી પડતું. જગતમાં રચાયેલાં મહાન ગ્રંથોનું સર્જન પણ જે તે સર્જકોના વિચારોની જ દેન છે.

ઘણા વિચારો એવા પણ હોય છે, જે આપણે સમજીએ છીએ, પરંતુ ગમે તેટલા પ્રયત્નો પછી પણ તે બીજાને સમજાવી શકાતા નથી.

લોગઆઉટઃ

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,
ઘણું સમજું છું એવું, જે હું સમજાવી નથી શકતો.
- મરીઝ

પિતા, સંતાન, મહેલ અને ઝૂંપડી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે?
– ચંપકલાલ વ્યાસ

એક પિતા પોતાના સંતાનો માટે આખી જિંદગી ખર્ચી નાખે છે. તેમની ઝંખના એટલી જ હોય છે, બાળકો મોટા થઈને બે પાંદડે થાય, તેમનું જીવન વ્યવસ્થિ વીતે, અને ખાસ — પોતે જે હાલાકી ભોગવી છે, જે પીડા વેઠી છે તે સંતાનોને ન વેઠવી પડે એ માટે તે વધારે પીડા વહોરી લે છે. પણ આખરે, જ્યારે સંતાનો સંપત્તિના ભાગ પાડે છે, પિતા પણ તે ભૌતિક વસ્તુઓ સાથે વહેંચાઈ જાય છે. આખી જિંદગી જેમની એકતા માટે ખર્ચી નાખી હોય, જેમના વહાલના વાવેતર કરવામાં લોહી-પાણી એક કર્યા હોય, તે તમને ડાળીએ ડાળીએ કાપે છે. તેનાથી વિશેષ દુઃખ એકે નથી હોતું. ચંપકલાલ વ્યાસે પિતાની આ વ્યથાને કાવ્યમાં વાચા આપી છે. નાનકડી ઝૂંપડીમાં રહીને જે પિતાએ સંતાનોને એવા પગભર બનાવ્યા હોય કે તે મહેલમાં વસી શકે, પણ સમય આવ્યે એ મહેલમાં ક્યાંય પિતાનું સ્થાન નથી હોતું.

પિતા એ એક એવો સ્તંભ છે, જે કદી દેખાતો નથી, પણ આખું ઘર એના ટેકે ઊભું હોય છે. એ પોતાના દુઃખની ચર્ચા સંતાનો સાથે નથી કરતો, કારણ કે તેના માટે આ ભવિષ્યની આશા અને અજવાળું છે. એવી આશા, જેને તે ક્યારેય મુરઝાઈ દેવા નથી માગતો, એવું અજવાળું, જે બધાને પ્રકાશિત કરે. સંંતાન નામનો સૂર્ય ઝળહળે, પ્રકાશ પાથરે તેવી તેની મનોકામના હોય છે, અને જ્યારે ખરેખર એવુંં સંભવ બને, ત્યારે સૌથી વધારે ખુશી જે કોઈની આંખમાં હોય છે, તે પિતા હોય છે. એમની થાકેલી આંખોને વાંચવી અઘરી હોય છે, કારણ કે તેણે તમારા અનેક કોયડાઓ ઉકેલ્યા હોય છે. તમારા સુધી પહોંચતા પહેલા જ અમુક સમસ્યાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હોય છે, એ સમસ્યાના પહાડ પર પિતાના મજબૂત બાહુઓ ફરી વળ્યા હોય છે. ખરબચડા કાંટાળા માર્ગને તેમણે સુંદર કેડી બનાવી દીધી હોય છે. પણ આપણને માત્ર સુંદર કેડી જ દેખાય છે, એ કેડી કેવી રીતે કંડારાઈ, ક્યારે કંડારાઈ, કેવી સ્થિતિમાં કંડારાઈ તેનો અંદાજ નથી આવતો. એટલા માટે જ પિતાના પરિશ્રમની ખરી કિંમત સંતાનને ભાગ્યે જ સમજાય છે. તેમની નાની નાની સાવચેતી, કાળજી, હિસાબો એ બધું બાળકોને નિરસ અને કામ વગરનું લાગતુંં હોય છે, યુવાન સંતાનોને લાગે છે પિતા તેમની વાત સમજતા નથી. તેમના વિચારો જૂનવાણી છે.

ઝાકીર ખાને એક કાર્યક્રમમાં પિતા વિશે સરસ વાત કરેલી, પિતા તમારાં સપનાઓની વિરુદ્ધમાં નથી હોતા, તે માત્ર તમને ગરીબ નથી જોવા માગતા.

આપણે ત્યાં શિક્ષકો વિશે એવું કહેવાય છે કે એક શિક્ષક સો માતાની ગરજ સારે છે. પિતા વિશે અંગ્રેજીના લેખક George Herbertએ કહ્યું છે કે, “એક પિતા સો શિક્ષકો કરતા પણ વિશેષ મૂલ્યવાન છે.” વિશ્વના મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઇડે પણ એક વાર કહેલું, “મને લાગે છે કે બાળપણમાં પિતા દ્વારા મળતા રક્ષણ કરતા વધારે ઘનિષ્ઠ અને ઊંડી જરૂરિયાત એકે નથી.” પરંતુ આ બધું કહ્યા પછી પિતાએ સંતાનો પર અધિકાર નથી જન્માવવાનો, તેમને મુક્ત પાંખો આપવાની છે. તેમનું પોતાના વ્યક્તિત્વના છોડને બરોબર પાંગરવા દેવાનો છે, તો જ પિતૃત્વ ખરું. સંતાન પોતાના જેવા થાય તેવી ઇચ્છા રાખીએ ત્યાં સુધી બરોબર છે, પણ હઠાગ્રહ રાખીએ તો નકામું. સંતાનને તેમના પોતાના જેવા બનવા દો. ખલીલ જિબ્રાને કહ્યું છે તે ગાંઠે બાંધી રાખવા જેવું છે, તમારાં બાળકો તમારાં નથી,એ તમારા દ્વારા જગતમાં આવેલાં છે.

ચંપકલાલ વ્યાસે આજના સમયની એક વ્યથાને વાચા આપી છે. સંતાન જેમની માટે ઘસાઈ જાય છે, એ જ સંતાને ખરા સમયે વસ્તુ માત્ર બની જાય છે. અને પિતા પણ સંતાનોમાં વહેંચાઈ જાય છે, વસ્તુની જેમ જ. કવિ રાજેશ વ્યાસ મિસ્કીને ઘરમાં, છતાંય બેઘર બની ગયેલા, જુદા ઓરડામાં રહેતા પિતાની વ્યથાને પોતાની ગઝલમાં ગંભીરતાથી રજૂ કરી છે.

લોગઆઉટઃ

ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.

એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે
ઘરમાં છતાં ય બેઘર એ ઓરડો જુદો છે.

મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે
લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.

ઘરમાં જૂનું જે થાતું, બદલાઈ તરત જાતું
બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.

મૃત્યુ પછી પિતાના ખર્ચે કરી સજાવ્યો,
લાવ્યા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે.

- રાજેશ વ્યાસ મિસ્કીન

અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બધું ગમતું મળી રહે સુખ, એવું કિસ્મત નથી જોને!
નવું શમણુંય જોવાની હવે હિંમત નથી જોને!
હજીયે ત્યાં જ ખૂણો પાળતું મન એકલું બેઠું,
અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

~ મેધાવિની રાવલ

કવિએ ચાર પંક્તિના મુક્તકમાં, બોલચાલની ભાષા વાપરીને, માત્ર પોતાની હાલત નથી વર્ણવી, તેમણે એક ઊંડી ફિલસૂફી પણ રજૂ કરી છે, જે દરેક માણસને સમાનપણે લાગુ પડે છે. કવિતાની એ જ તો ખૂબી હોય છે કે દરેક વાંચનારને પોતાની લાગે, પોતાનો મનોભાવ રજૂ કરતી હોવાનો અનુભવ થાય. કવયિત્રી મેઘાવિની રાવલે બોલચાલના એક-એક અક્ષરના બે શબ્દો ‘જો-ને’થી હૃદયમાં પડેલી અમુક મૂક વાતોને ખરેખર મૂક-તક આપી છે.

માનવમનમાં ઉદભવતી ઇચ્છાની કરૂણતા એ છે કે તે ભાગ્યે જ સાકાર થાય છે. આપણે બધા જ જીવનભર આપણું ગમતું ઇચ્છીએ છીએ. પ્રેમ હોય કે મિત્રતા, પૈસો હોય કે પ્રતિષ્ઠા, સંબંધ હોય કે સંવેદના, બધું જ, અરે દુશ્મનાવટ કે નફરત પણ આપણને આપણી ગમતી રીતે અને આપણી શરતે જોઈએ છે. દુઃખનું આ જ સૌથી મોટું કારણ હોય છે. ઘણા લોકો પાસે અઢળક સંપત્તિ હોય છે, સિદ્ધિ હોય છે, પ્રતિષ્ઠા પણ હોય છે, છતાં અંદરથી દુઃખી હોય છે, કારણ માત્ર એટલું જ કે આ બધું તેમણે જે રીતે ઇચ્છ્યું હતું તે રીતે નથી મળ્યું હોતું. અને અમુક પાસે માંડ ગણી ગાંઠી સંપત્તિ હોય છે, ગણીને બે-પાંચ માણસો ઓળખતા હોય છે, છતાં પરમ સંતોષી હોય છે. તેમણે જે ઇચ્છ્યું હતું તે તેમની શરતે મળ્યું હોય છે.

મેળવવું, ગુમાવવું, સુખ અને દુઃખ ઘણી બધી રીતે સાપેક્ષ હોય છે અને એક જ વસ્તુ બધાને સુખી નથી કરી શકતી. કોઈકને એક ટંકનું ભોજન મળી જાય તો જિંદગી જીતી લીધા જેટલું સુખ થતું હોય છે અને અમુક લોકો સાત પેઢી ખાય તોય ન ખૂટે તેટલું હોવા છતાં ચોવીસે કલાક અભાવમાં ડૂબેલા રહેતા હોય છે. આ બધાના પાયામાં મૂળ વાત એક જ — બધું ગમતું મળી રહે તેવું નસીબ કોઈનું હોતું નથી.

જીવન એ બજાર નથી કે જ્યાં આપણી ઈચ્છાઓનાં ભાવ લખેલા હોય અને થોડાક પૈસા ફેંકીએ એટલે મળી જાય. તેમાં તો ડગલે ને પગલે કાંટાળી ઘટમાળમાંથી પસાર થવું પડે છે. સુખ-દુઃખની ઘંટીએ દળાવું પડે છે. પરંતુ એ પરિસ્થિતિમાં પણ આપણે સપનાં જોવાનું બંધ નથી કરતાં, કેમકે સપનાં જ તો આપણને જીવતાં રાખતાં હોય છે. કશુંક કરવાની, પામવાની, મેળવવાની ઝંખનાના પાયામાં આવી સ્વપ્નીલ ઇચ્છાઓ હોય છે. પણ પરિસ્થિતિનો માર ક્યારેક ઇચ્છાને ધરમૂળથી ઉખાડીને ફેંકી દે છે, દુઃખ અને નિરાશાની ભીંતો ચારે તરફ ચણી દે છે અને મન અંધારિયા ઓરડામાં પુરાઈ ગયાની અનુભૂતિ કરે છે. એવું નથી કે જીવનમાં ફરી ક્યારેય સવાર આવતી જ નથી, પણ અમુક રાતો એટલી લાંબી હોય છે કે આપણું મન સવારનું અજવાળું જોવાની આશા ગુમાવી બેસે છે. પછી નવું સ્વપ્ન જોવાની ઇચ્છા સુધ્ધાં નથી થતી, નથી થતી હિંમત.

હિંમત હારેલું મન કરે શું? ચુપચાપ એક ખૂણામાં બેસી રહે. નિરાશાનાં વાદળોને વઘારે ગાઢ બનાવે, દુઃખના ડુંગરો વધારે ઊંચા કરે, અફસોસની ભીંતોને મજબૂત બનાવે, અંદર ને અંદર સોરવાયા કરે, વલોવાતું રહે. વ્યથાની આગમાં ટળવળતું રહે. અને કરૂણતા એ કે આપણી આ પરિસ્થિતિથી આપણા અંગત સ્વજનો અવગત નથી હોતા. ચલો બધા ન હોય, કંઈ નહીં, પરંતુ એ વ્યક્તિ પણ નથી હોતી, જેને આપણે ખાસ ગણતા હોઈએ, શ્વાસ ગણતા હોઈએ.

દુનિયાને આપણા દુઃખની ખબર નથી. નજીકનાં લોકો પણ એ ખૂણા સુધી પહોંચી શકતા નથી. આપણું મન જ્યાં બેઠું છે, ત્યાં સુધી કોઈની આંખ નથી પહોંચી શકતી. આપણે લોકો સાથે વાતો કરીએ છીએ, મલકીએ છીએ પણ એ બધું એક અદૃશ્ય માસ્ક પહેરીને. અંદરથી મન ચીસો પાડતું હોય છે. અને એ ચીસોનો અવાજ માત્ર આપણે જ સાંભળતા હોઈએ છીએ. આપણે અંદરથી અત્યંત એકલા હોઈએ છીએ. અને એ એકલાનો ભાર એટલા માટે નથી હોતો કે જગત આપણને ન જાણી શક્યું, એટલા માટે હોય છે કે એ વ્યક્તિ પણ ન જાણી શકી, જેણે જાણવું જોઈતું હતું.

અન્ય એક સરસ હૃદયસ્પર્શી મુક્તથી વિરમીએ.

લોગઆઉટઃ

જાત સાથે વાત જ્યારે થાય છે
ઘાવ ભીતરના ઘણા રુઝાય છે
અવઞણે દુનિયા ભલે તારા ગુણો
રોશની શું વાદળે ઢંકાય છે?
~ દિવ્યા વીધાણી

અવસરે તોરણ વિનાનાં આપણે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરે તોરણ વિનાનાં આપણે.

– ઉર્વીશ વસાવડા

જીવન એ માત્ર આપણા ભાગમાં આવેલો સમયનો એક ટુકડો નથી. તેમાં રંગ છે, ઉમંગ છે, પ્રવાસ છે સહવાસ છે, હર્ષ છે શોક છે, એક એવી યાત્રા છે જેમાં આપણું હોવું, ન હોવું, અને કેમ હોવું એ તમામ પ્રશ્નો સામેલ છે. ઘણી વાર માણસ જીવતો હોય છે, પણ જીવી રહ્યો હોતો નથી. એ હસે છે, વાતો કરે છે, નાચે છે, કૂદે છે, વ્યવહારો કરે છે, પ્રસંગોમાં જોડાય છે, પણ અંદરથી ક્યાંક ખાલી છે, સાવ લાગણીશૂન્ય, સંવેદનાશૂન્ય. આવો માણસ રોજ પરાણે દિવસના પગથિયાં ચડે છે. જિંદગીમાં દુઃખો છે જ નહીં, એવું નથી. પણ જીવન સાવ નિરાશાની નદી નથી. એ અવસરો અને ઉત્સવ પણ છે. પણ જો અવસરોને ઓળખી શકતી આંખ ન હોય તો સમજી લેવું કે આંખ છે, પણ દિશા નથી. દૃશ્યો છે, પણ દિશા નથી. એવા સમયે દિશાવિહીન કડવાશ જીવનને ઝેર જેવું બનાવી નાખે છે.

જીવન ફિક્કું લાગવા માંડે છે, નિરર્થક યાત્રા જેવું. જ્યાં ન તો આગમનનું મહત્ત્વ છે, ન વિદાયનું. આનંદના અવસરે પણ આપણે સોગિયું મોઢું લઈને બેસી રહીએ છીએ. ત્યારે તોરણ વિનાના અવસર જેવા લાગીએ છીએ.

કવિ ઉર્વિશ વસાવડાએ ચાર પંક્તિમાં જ માનવમનનાં ઊંડાણને તાગી લીધું છે. તે જાણે છે કે આનંદ હોય કે શોક, સફળતા હોય કે નિષ્ફળતા, પ્રાપ્તિ હોય કે મુક્તિ, માણસને ક્યારેય પણ, ક્યાંય પણ પૂરો સંતોષ નથી થતો. અને આ અંસોતષ જ બતાવે છે કે આપણે કાળની, સમયની અને સાર્થકતાની સમજણ નથી.

ઘણીવાર માણસનું જીવન નિશ્ચિત માળખા મુજબ ચાલે છે. શાળાની વયે ભણવું, તરત નોકરી, પછી લગ્ન, પછી બાળકો, પછી જવાબદારીઓ, પછી નિવૃત્તિ, અને પછી સ્તબ્ધતા. આ ઢાંચો આપણને માફક આવી ગયો છે. આપણે તમામ ચીલા પહેલેથી કોતરી નાખ્યા છે, કોણે ક્યાં, કેમ, કઈ રીતે, અને કેટલું ચાલવાનું બધું નક્કી કરી નાખ્યુંં છે. એના લીધે આવેલ તહેવાર માત્ર વહેવાર બનીને રહી જાય છે. જીવનમાં અનેક ઉત્સવો એવા હોય છે, જે કેલેન્ડરના પાને નથી હોતા, પણ આપણા અંતરાત્માના આંગણામાં અવાર નવાર ઉજવાતા હોય છે. જ્યારે કોઈ આંખોમાં આનંદ ઊભરાય, કોઈ બાળક પહેલી વાર બોલે, કોઈ મિત્ર દૂર રહીને પણ હૃદયની નજીક લાગે, અથવા કોઈના દુ:ખમાં કશું બોલ્યા વિના જ નિશબ્દ સાથ આપીએ. આ બધી જ ક્ષણો એક પ્રકારના તહેવારો છે. ત્યાં આપણા અંતરાત્માને ઉજવવાની તક મળે છે. પણ આ બધી જ તકો ટૂંટિયું વાળીને ખૂણામાં પડી રહે છે. તે આપણને ઇશારો કરે છે, આનંદિત થવાનો, હર્ષોલ્લાસમાં ડૂબી જવાનો, મન ભરીને મોજ માણવાનો, પણ આપણે તો અંદરના ઉનાળે બળબળતા રહીએ છીએ. તાપમાં ખીલી ઊઠતા ગરમાળાને નિહાળી નથી શકતા, ન તો કેસૂડાને માણી શકીએ છીએ.

બહુ ઓછાને ખબર હોય છે ક્યારે થોભવું, ક્યારે ચાલવું, ક્યારે દોડવું, ક્યારે બોલવું, અને ક્યારે માત્ર સાંભળવું. આ સમજણ જીવનને ઘાટ આપે છે. આપણી અંદરનો ઊત્સવ સૂકાઈ જાય ત્યારે કોઈને દેખાતું નથી, પણ આપણને પોતાને અનુભવાય છે. કદાચ કોઈ ન પૂછે કે તું કેમ ચુપચાપ રહે છે, પણ અંદર એક પ્રશ્ન સન્નાટા જેમ સૂસવાતો રહે છે.

આપણે સંવેદનાના ઊંડા તળાવો ખોદીએ છીએ, પણ વરસાદ સાથ ન આપે ત્યારે તે માત્ર મોટા ખાડા બનીને રહી જાય છે. આવું થવાનું કારણ આનંદ અને ઉમંગના વાદળો આપણે બંધાવા નથી દેતા, અંદર ચોમાસું ઊભારતું હોય ત્યારે પણ નહીં.

અશરફ ડબાવાલા કહે છે તેમ કરવું, કોઈ અવસર હોય કે ન હોય, ઉત્સવ માણવો.

લોગઆઉટઃ

કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ
આંગણું ન હોય તો પાદરમાં ઉત્સવ માણીએ

મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી
હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ

માછલી થઈને ન લાગે જીવ દરિયામાં કશે
તો પછી ખુદ જળ બની ગાગરમાં ઉત્સવ માણીએ

ભીંજવી ભીંજાઇ જાવાના ગયા દિવસો હવે
ચાલને વરસ્યા વિના વાદળમાં ઉત્સવ માણીએ

શ્રાપ છે કે છે કૃપા લેખણની અમને શું ખબર?
માંડવે ગુમસુમ અને કાગળમાં ઉત્સવ માણીએ

– અશરફ ડબાવાલા

…કે આજ હવે ચોમાસું બેઠું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.

– જતીન બારોટ

ઉપરોક્ત કવિતામાં કવિએ વરસાદી આગમનને શબ્દોના કંકુચાંદલા સાથે મન મૂકી વધાવ્યું છે. શુભઅવસરે લાપસીના આંધણ મુકાય છે, ગોળધાણાથી મોઢું મીઠું કરાય છે. આવો જ એક શુભ અવસર આવી પહોંચ્યો છે, પણ તે કોઈ એક બારણે નહીં, પ્રત્યેક દ્વારે દસ્તક દઈ રહ્યો છે — ચોમાસું બેઠું છે.

ચોમાસું માત્ર એક ઋતુ નથી, સંકેત છે. જે કંઈ સૂકાઈ ગયું હતું, જીવંતતા ગુમાવી બેઠું હતું, ચીમળાઈ ગયું હતુંં, અને ફરી ઉગવાની આશા ગુમાવી ચૂક્યું હતુંં, તેને ફરીથી જીવંત કરતો ભીનો સંકેત. એ સંકેતનો અવાજ વાદળોની ગર્જના જેવો સંગીતમય છે, મોરના ટહુકા જેવો સુરીલો છે. તેની સુગંધ, માટીની મહેક જેવી છે અને તેનું આગમન – ભીનું, તરબોળ કરનારુંં અને ઉલ્લાસભર્યું. આ ઉલ્લાસ ન માત્ર ખેડૂતો, પ્રત્યેક જીવમાં દોરીસંચાર કરે છે. પછી એ કીડી હોય કે હાથી, હિંસક હોય કે અહિંસક. મનુષ્ય હોય કે વૃક્ષ. પ્રત્યેકને પોતાના આગમનથી આનંદિત કરી દે છે. સૂકો પડેલો નિર્જીવ કૂવો પણ સજીવ થઈ ઊઠે છે, તેના બે કાંઠે છલકાતા નીરને ભરવા આવેલી ગામની વહુવારુના પગલાથી એ સ્થાન વધારે પવિત્ર થઈ ઊઠે છે.

આપણા જીવનમાં પણ ચોમાસાવિહીન સૂકા દિવસો આવતા હોય છે, જે ચોમાસાની પ્રતીક્ષામાં રહે છે. એ વખતે તમામ સંબંધો ધૂળમાં ફેરવાઈ ગયા હોય છે અને સંવેદના — કઠોર પથ્થર જેવી. પ્રત્યેક આશા સૂકી ડાળ જેમ અસ્તિત્વના ઝાડ સાથે ચોંટેલી રહે છે, તેને પ્રતીક્ષા હોય છે માત્ર એક હરિયાળી વાછટની, કોઈકની હૂંફની, કોઈકના સથવારાની, માત્ર એટલા સ્નેહભર્યા શબ્દોની — “હું તારી સાથે છું”. અને આ શબ્દો જ ક્યારેક દુકાળભર્યા હૃદયમાં લીલોતરી લાવવાનું જાદુઈ કામ કરે છે.

જ્યારે આંતરમન ભીનું થવાને બદલે આંખ ભીની થાય, ત્યારે સમજી લેવું આ પાણી વરસાદનું નહીં, દુકાળનું છે. જેમ સૂર્ય હર્યાભર્યાં તળાવને પણ શોષી લે, તેમ જીવતરનો તાપ આપણી ભીનાશ શોષે છે. ત્યારે વરસાદની ઝંખના જાગે છે. આપણી અંદરની ભૂમિ કોઈના હેતપૂર્વક વરસી પડવાની પ્રતીક્ષામાં રહે છે. આપણું મન સૂકી ધરતી જેવું, વરસાદની ઝંખના કરતું, ટળવળે છે.

કવિ કહે છે ‘ચોમાસું બેઠું’ ત્યારે તેમનો ઇશારો માત્ર વરસતા જળ તરફ નથી, કે નથી માત્ર ઋતુના આગમનની એંધાણી તરફ. કવિ તો દરેક જીવમાં ઉદભવતા લીલાછમ સ્નેહ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

વરસાદ આવવાની ઘટના માત્ર આભથી ધરતી પણ પાણી વરસવા પૂરતી સીમિત નથી. તેમાં અનેક સંવેદનાઓ સળવળી રહી હોય છે. ક્યાંક કોઈ બાળક પોતાની હથેળીમાં વરસાદ ઝીલવા પ્રયત્ન કરતું હોય, ક્યાંક કોઈ છોકરી વરસાદમાં પોતે મધુરા ગીત જેવી થઈ ગઈ હોય, ક્યાંંક વળી કોઈ વૃદ્ધ આંખ પર છાજલી કરીને આભની વરસતી કૃપાને નેહપૂર્વક નિહાળી રહ્યો હોય. ક્યાંક વળી, કોઈ યુગલનો પરસ્પરનો રોષ ઓગળીને અમૃત થઈ ગયો હોય — નાની લાગતી આવી અનેક પળો સેંકડો હૈયામાં ઉત્સવ થઈને ઉજવાતી હોય છે. અને એ સમયે આપણાં 'કાગળની હોડી' જેવા સપનાં પણ સાચકલું વહાણ બનીને વહેવા લાગે છે. આપણી ભાંગેલી આશાઓ 'અબરખની કોડી' બનીને ફરી ઝળહળે છે. એ પળે સમજાય છે કે કેટલીય ઋતુઓ માનવીના જીવનમાં ફક્ત પ્રકૃતિગત નિયમો માટે નહીં, પણ અર્થ માટે, અવાજ માટે, અને આંતરિક રૂપાંતર માટે આવતી હોય છે.

લોગઆઉટઃ

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા ક્યે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઈને કૈં આપે? પણ-
મને ગિફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઈ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબું ભાષણ દઈને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, 'કુરાન',
ખ્રિસ્તીએ લખ્યું, ' બાઈબલ',
યહૂદીએ લખ્યું, ' ટોરાહ' ,
અને હિંદુએ લખ્યું, ' ગીતા' .
દરેકે પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક, તીવ્ર વેદનામાં કાગળે ચીસ પાડી-
બસ કરો, દખલ ન કરો,
રહેવા દો મને માત્ર, એક કોરો ટુકડો કાગળનો.

– વિજય જોષી

એક રીતે જોવા જઈએ તો સમગ્ર માનવજાત પ્રારંભે કોરા કાગળનો ટુકડો હતી. સમય જતા માનવી પરસ્પર જોડાયા, કબીલાઓ બન્યા, સમાજો ગૂંથાયા, પ્રથાઓ રચાઈ, સંસ્કૃતિ સર્જાઈ, કલાના પગરણ થયાં અને માનવજાત વિકસતી ગઈ. આ વિકાસ દરેક ક્ષેત્રનો, દરેક પ્રદેશનો અલગ અલગ હતો. દરેકની પોતાની મર્યાદાઓ અને વિશેષતાઓને ધ્યાનમાં રાખીને તે જગ્યાઓની સંરચના, શૈલી, પરંપરા, પ્રથા, નીતિ અને સંસ્કૃતિ વિકસી. દરેક સમાજે, સંસ્કૃતિએ પોતાનાં ઉદ્દાત્ત મૂલ્યોની જાળવણી કલા સ્વરૂપે કરી. ક્યાંક ચિત્રોમાં, ક્યાંક ગ્રંથોમાં. તેમાં મૂળ ભાવ એક જ છે, એક માનવની બીજા માનવ પ્રત્યેની શ્રદ્ધા. એક જીવની બીજા જીવ પ્રત્યેની આસ્થા. એ આસ્થાના મૂળ ખૂબ ઊંડા છે. જેને આપણે પરમતત્ત્વ તરીકે જોઈએ છીએ તેની સાથે જોડાયેલાં છે. તે તત્ત્વ માત્ર એક ધર્મમાં નહીં, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક જીવનમાં પ્રત્યેક વિચારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વણાયેલું છે.

આ આસ્થાનું નામ ક્યાંક બાઇબલ છે, ક્યાંક કુરાન તો ક્યાંક ગીતા. ગુજરાતીમાં કેટલું સરસ ભજન છે — “હરિ તારાં નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી.”

ધર્મની રચના એક રીતે માનવમનમાં રહેલી કરૂણા, શ્રદ્ધા અને સદ્ભાવના તત્ત્વમાંથી થઈ છે. જે મૂળ રૂપે અદૃશ્ય છે, પણ તેને દૃશ્યમાન કરવા માટે આપણે મંદિરો, મસ્જિદો અને દેવળો રચ્યાં. કાયદા બનાવ્યા, સિસ્ટમ વિકસાવી. જેથી આપણી આંતરિક શ્રદ્ધાને પ્રતિકાત્મક રૂપે પ્રત્યક્ષ જોઈ-અનુભવી શકાય. કાળક્રમે થયેલા મહાપુરુષોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ક્યાંક કોઈ પયગંબર સ્વરૂપે પ્રગટ્યું અને રાહ ચીંધ્યો, ક્યાંક કોઈએ ઈસુ તરીકે દયાસાગર રચ્યો તો ક્યાંક મહાવીર, બુદ્ધ, કૃષ્ણ અને રામે માનવતાનો દીવો પ્રગટાવ્યો. ક્યાંક વળી પરંપરા, પ્રતિષ્ઠા, અને સત્યની શોધની જિજ્ઞાસાએ સ્વયં ઈશ્વરનું રૂપ ધર્યું.

આમાં દરેકની અનુભૂતિ અલગ, સમજ નોખી, પણ આંતરિક તત્ત્વ તો એક જ છે.

વર્ષો પહેલાં એક વાર્તા વાંચેલી. તે ધર્મ અને તેની વિવિધતા સમજવા બાબતે ખૂબ ઉપયોગી થાય તેવી છે. પાંચ અંધ માણસોને હાથી પાસે લઈ જવામાં આવ્યા. બધા હાથીને સ્પર્શીને તેનું વર્ણન કરવા લાગ્યા. એકે તેના વિશાળ પેટ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હાથી મોટી દીવાલ જેવો છે. બીજાએ હળવેકથી પૂંછડું પકડ્યું અને કહ્યું, ના ભાઈ, હાથી તો પાતળા દોરડા જેવો છે. ત્રીજાના હાથમાં હાથીના કાન આવ્યા. તેણે કાન પકડીને કહ્યું, અરે મારા ભાઈઓ, મારું માનો, હાથી તો મોટા સૂપડા જેવો છે. ચોથાએ તેની સૂંઢ પકડી હતી, તેણે કહ્યું, ભાઈઓ, તમે બધા ખોટ્ટા. હાથી તો મોટી પાઇપ જેવો હોય છે. પાંચમાએ તેનો પગ પકડ્યો અને કહ્યું, ભાઈઓ, તમે બધા ગેરસમજમાં છો, ખોટી માન્યતા ન ફેલાવો. હાથી તો જાડા થાંભલા જેવો હોય છે. અને અત્યારે હું એને અનુભવી રહ્યો છું.

અહીંયાં તમે પરમ તત્ત્વને હાથી તરીકે જુઓ અને પાંચેય અંધને વિવિધ ધર્મ તરીકે. પાંચમાંથી એકેય ખોટા નથી, તેમની અનુભૂતિ પણ સાચી છે, પરંતુ તેમણે જે સ્થાનેથી હાથીને અનુભવ્યો તેનું સ્વરૂપ અલગ છે. એ પાંચેય અલગ અનુભવો અંતે તો એક જ હાથીના સ્પર્શથી ઉદભવ્યા હતા. જેમ એક જ પરમ તત્ત્વને હન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહુદી જેવા અલગ અલગ ધર્મથી પૂજવામાં આવે છે. આ બધાની અનુભૂતિ અલગ છે, ત્યાં સુધી વાંધો નથી. પણ પોતે જ સાચા છે તેવો આગ્રહ રાખે ત્યારે તકલીફ. અને ધર્મના નામે કેટલી હિંસા થઈ છે તે માનવજાત સદીઓથી જોતું આવ્યું છે.

અહીં કવિ વિજય જોષીએ કાગળના પ્રતિક દ્વારા માણસના ચેતન મનનો પડઘો પાડ્યો છે. કાગળ એ માણસનું કોરું મન છે. જ્યાં દરેક સમાજ, વિચાર, સંસ્કૃતિ, પરંપરા, પ્રથા અને પંથ પોતાની છાપ મૂકે છે. જ્યારે દરેક વિચાર પોતાને જ સાચો માને, ત્યારે એ ચેતન મન તૂટે છે. આજે આપણો સમાજ પણ એવો જ છે — ઓવરલોડેડ. વિવિધ આઇડિયોલોજીના વધારે પડતા ભારથી લદાયેલો. આજનું સૌથી મોટું ‘સત્ય’ છે અન્યના અલગપણાને આદર આપવો. પોતાનો જ કક્કો સાચો કરીને ઘર્ષણમાં સહભાગી થવા કરતા, કવિ કહે છે તેમ, કોરો કાગળ રહેવું સારું.

લોગઆઉટઃ

ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
- અમૃત ઘાયલ

કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?
આવેલી તક જતી કરીને મંદિર જઈને શું કરશો?

શેરી, ફળિયે, ખુદના ઘરમાં, નજર ઝુકાવી, ચૂપ રહી,
અન્યાયો પર સહી કરીને મંદિર જઈને શું કરશો?

ખોળે લીધા એકલતા ઓગાળે એવા શ્વાનકુંવર!
પણ કુત્તાની ખસી કરીને મંદિર જઈને શું કરશો?

જાણો છો કે જેના મુદ્દા ચકમકના પિતરાઈ છે,
એવી વાતો ફરી કરીને મંદિર જઈને શું કરશો?

તમે ભલે તલવાર, તીરનો વિચાર સુદ્ધાં નથી કર્યો,
સૂતેલાને સળી કરીને મંદિર જઈને શું કરશો?

દલીલ, દાવા ને ઝઘડાની છૂટ હતી પણ તમે 'મધુ',
દર્પણ સામે ટણી કરીને મંદિર જઈને શું કરશો?

- મધુસૂદન પટેલ 'મધુ'

મંદિર પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે જગતનાં અન્ય સ્થાનો નકારે ત્યારે મંદિરનું પગથિયું ચડતો માણસ અંદરથી તૂટેલો હોય છે. અંદરની તિરાડોને પૂરવાની આશા સાથે તે મંદિર, મસ્જિદ, દેવળમાં જાય છે. વારંવારની આવી આશાને તે ભક્તિનું નામ આપી દે છે. કવિ મધૂસુદન પટેલે આ કવિતા દ્વારા, પીળા રંગની – તાંબાને કલાઈ કરી સોનું કહીને ખપાવવાની કોશિશ કરતી ખોટી – શ્રદ્ધાનો ઢોળ ઉતારવાનું કામ કર્યું છે. આપણે ત્યાં અંદર સુધી ઘૂસી ગયેલી અશાંતિ અને ખોખલી વૃત્તિઓ સામે બહેરી થઈ ગયેલી ચેતનાઓને ધર્મના ઓથા હેઠળ સંતાડતા માણસોની કમી નથી. આવી સ્થિતિમાં આ કવિતા આંતરિક ઈમાનદારીનો દીવો પ્રગટાવે છે.

સમાજમાં રોજબરોજ અનેક એવી ઘટનાઓ ઘટે છે, જેમાં આપણે ઇચ્છીએ તો કંઈક યોગદાન આપી શકીએ, આપણે આપીએ પણ છીએ, પણ શું? નરી સલાહો, આદેશો. અરે, આપણો જ ફેંકેલો કચરો ઊઠાવવામાં પણ આપણને શરમ આવે છે, ત્યારે મંદિર જઈને પવિત્રતા અને સ્વચ્છતાનો પોલો ઢોલ વગાડવાનો શો અર્થ?

અનેક નિર્બળોનો અવાજ દબાવવામાં આવે છે, શ્રમિકોના અધિકારોથી ઝૂંટવાય છે, જાતિવાદના ઝંડા ફરફરી રહ્યા છે, લાંચ અને લાગવગના વાવટા ઓફિસોમાં ફરે છે, એ બધું જોવા છતાં આપણે છાતી ફુલાવીને મંદિર તરફ મોઢું ફેરવીશું? એ પવિત્રતાની યાત્રા છે, કે પાપ સામેથી નજર દૂર કરવાનો કીમિયો? આવી વૃત્તિનો વિરોધ ન કરી શકો તો કંઈ નહીં, તેમાં ભાગીદાર બનીને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ, એ પણ મંદિર જવા જેટલું જ પવિત્ર કામ છે.

આપણે કેટલી રકમનું દાન આપ્યું, કેટલી મોંઘી આરતી ઉતારી, કેટલાં પુષ્પો ચડાવ્યાં અને કઈ તક્તીમાં નામ લખાવ્યું, એની કરતા વધારે ભક્તિપણું એમાં છે કે જરા પણ જાહેરાત કર્યા વિના કેટલા ભૂખ્યાને ખવડાવ્યુંં, કેટલાં ગરીબોના ઘરે જઈને પણ ખબર ન હોય તેમ ચુપચાપ અનાજ મૂકી આવ્યાં? કેટલાં શ્રમિકોનાં બાળકોની સ્કૂલ ફી ભરવામાં મદદ કરી? કઈ અનાથ દીકરીની સેંથીનું સિંદૂર શોભે તે માટે તમારા રંગ આપ્યા? પણ આપણે ભક્તિ સાબિત કરવી છે, મંદિર ગયાનો સિક્કો ખખડાવવો છે. આપણે મંદિરમાં શ્રદ્ધા માટે નહીં, માંગણી માટે જઈએ છીએ. પછી કપાળે લાંબું ટિલુંં તાણીને ફરીએ છીએ, જાણે ખુદ પ્રભુએ સહી કરી હોય.

માણસ પોતાના અસત્યને ઢાંકવા માટે મધુર વાણીનો લેપ કરતો હોય છે. જેને માત્ર એ પોતે જ જાણતો હોય છે. આપણા સુકર્મો પણ આવું જ એક પરિણામ સાબિત થાય છે. ડાબા હાથને પણ ખબર ન પડે એમ જમણા હાથે દાન કરું છું, એવું કહેનાર માણસ આ વાત વારંવાર, સો-બસોના ટોળા વચ્ચે કરતો હોય છે. એ દાન કરે છે એ વાત માત્ર એનો ડાબો હાથ જ નથી જાણતો હોતો, બાકી આખું ગામ જાણતું હોય છે. એટલો ગુપ્ત દાની હોય છે. એની કરતા ય વિશેષ, તેનું અંતર જાણતું હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, ત્યારે એને એકશન જોઈએ છે, આશ્વાસન નહીં. જ્યારે કોઈને ન્યાય ન મળે ત્યારે એને અવાજ જોઈએ, અર્ધસત્યની ઓથ નહીં. પણ આપણે માત્ર આશ્વાસન અને અડધા સત્યની અણીઓ ભોંકીએ છીએ. આમ તો મંદિર દરેક ઠેકાણે છે — ઘરમાં, શેરીમાં, ગામના ચોકે, પાદરમાં. સ્કૂલમાં, વૃક્ષમાં કે દરેક ફૂલમાં. રોજ કોઈ વૃક્ષને પાણી પાવું એ પણ પ્રાર્થના છે. અંધને રસ્તો ક્રોસ કરાવવો એ પણ મંદિર જવા જેટલું જ, કદાચ એનાથી પણ વિશેષ પવિત્ર કાર્ય છે. કોઈના અંતરના આશીર્વાદ પામવા એ ઈશ્વરની કૃપા બરોબર છે.

લોગઆઉટઃ

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,
હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા’તા ભલે પરદેશમાં,
દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી
સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

જિંદગી તો બેવફા હૈ .. જાણતા’તા, ને છતાં,
જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનાએ માત્ર એક શહેરની આંખો નથી ભીની કરી, પણ વિશ્વના દરેક ખૂણે વસતા પરિવાર આ સમાચાર જાણીને ભાવભીના થઈ ગયાં હતાં. અનેક કવિઓની કલમમાંથી આ દુર્ઘટનાની સંવેદના કવિતા રૂપે વહી. કવિ દક્ષેશ કોન્ટ્રાક્ટરનું હૃદય પણ આ ઘટના વિશે સાંભળીને ધ્રૂજી ઊઠ્યું. એ સમાચાર સાંભળીને તેમના અંતરાત્મામાંથી જે ફૂટ્યું તે આ કવિતા.

આપણા જીવનમાં દરેક પ્રસ્થાન માત્ર યાત્રા ન હોય શકે; તેમાં અનેક સપનાઓ, ભાવનાઓ અને સંબંધો વણાયેલા હોય છે. ઉપર આપેલી કવિતામાં માત્ર દુર્ઘટનાનું દર્દ નથી, તેમાં સાંત્વનાનો સાર પણ છે. દરેક મુસાફર પોતાની સાથે એક અભિલાષા ભરી કથા લઈને નીકળતો હોય છે. ક્યાંક કોઈ માતાને મળવા નીકળ્યો હોય છે, તો કોઈ પોતાના બાળકના પ્રથમ જન્મદિવસને ઉજવવા. કોઈ નોકરી માટે, તો કોઈ પરિવાર સાથે થોડો સમય વિતાવા. કોઈ પત્ની અને બાળકોને પોતાની સાથે લઈ આવવા માટે પણ નીકળ્યા હોય. કોઈ બિઝનેસના કામ માટે, કોઈ પ્રથમ વાર એકલા લાંબા પ્રવાસમાં નીકળ્યા હોય તેમ પણ બને. વળી કોઈ એવું પણ હોય કે જેણે ઘરને અલવિદા કહી હોય – હંમેશ માટે. કોઈ રિસાઈને નીકળ્યું હોય તો કોઈ આનંદિત થઈને. પણ દરેક પોતાની વ્યથા અને કથા હોય છે. એ કથાનો અચાનક અણધાર્યો અંત આવે તે આઘાત પમાડનારું હોય છે.

કોઈ વ્યક્તિ જ્યારે પરદેશ જાય છે, ત્યારે માત્ર પોતાના ભૂતકાળને પાછળ નથી છોડતો, એ પોતાના વતનના રસ્તાઓ, માતાની હાથની રસોઈનો સ્વાદ, પિતાના ખભાની હૂંફ, મિત્રો સાથેની મોજ, પરિવારનો પ્રેમ, અને એવી અનેક કથાઓ જે જિવાઈ હોય, હૃદયમાં સચવાઈ હોય, અને હજી પણ જીવવાની ઝંખના હોય… બધું પાછળ છૂટી જાય છે, છોડવું પડે છે… કશું મેળવવા માટે કશુંક ખોવું પડે છે, પણ મનમાં તો ઊંડે ઊંડે વતનની વાણી સદા ગૂંજતી રહેતી હોય છે, એ વાણીને આ રીતે અચાનક અણધાર્યો વિરામ મળે ત્યારે કેટકેટલાં અરમાનો સ્વાહા થતા હોય છે એ તો પીડિત પોતે જ જાણી શકે.

વિમાનના દરેક પ્રવાસીએ સામાનમાં કેટકેટલી આશાઓ ભરી હશે, ઝટ પહોંચીશું અને પ્રિયજનને મળીશું એવી આશા હશે, ઘણાએ પરત ફરવાનાં વચનો પણ આપ્યાં હશે. આ એક પ્રવાસ માટે કેટકટલી તૈયારીઓ કરી હશે, કેટકેટલી ખરીદી પણ કરી હશે, વિદાયને હળવી બનાવવા અમુક વ્યક્તિઓએ એમ પણ કહ્યું હશે, આમ ગયો ને આમ આવ્યો, ચિંતા શું કરે છે… મિત્રોને હરખભેર કહ્યું પણ હશે કે જાઉં છું. પણ એ વિદાય આવી કારમી બની રહેશે તેવી હરખથી ‘આવજો’ કહેનારને ક્યાંથી ખબર હોય?

પ્રવાસ વિનાશ બને ત્યારે માત્ર એક વ્યક્તિની વિદાય નથી થતી, તેની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ, ભાવનાઓ પણ બળીને ખાખ થતી હોય છે. મૃત્યુ બધું જ લઈ લે છે, સિવાય કે સ્મરણો. વ્યક્તિના ગયા પછી જો કશું રહી મૂલ્યવાન રહી જતું હોય તે માત્ર યાદો છે. આપણા ગયા પછી આપણે જગતને જે મીઠી યાદો આપી છે તે જ હંમેશાં રહેવાની છે.

લોગઆઉટઃ

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,
મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા!

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,
ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'

મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,
મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે ?

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,
તો પણ બજાર, બેન્ક બધે બસ મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

- ભરત ભટ્ટ પવન

માને યાદ કરતાની સાથે પાલવનો છાંયડો, ખોળાની હૂંફ, રસોઈનો સ્વાદ, અને અપાર વહાલ આપોઆપ ઊભરી આવે. પણ પિતા… એ હોય છે દ્વારની બહાર ઘસાયેલા પગરખામાં, બંધ પડેલી ઘડિયાળમાં, પુરાણા વાહનની ઘરઘરાટમાં, બારણા પાછળ લટકાવેલ જૂના શર્ટમાં, જે બારણું ઊઘડતાની સાથે ઢંકાઈ જાય. ક્યારેક તે હોય છે ઘરની કોઈ જૂની છત્રીમાં, જેણે વર્ષો સુધી પરિવાર પડતા તાપ, ટાઢ, ચોમાસાં ઝીલ્યા હોય છે, પણ જેવી મોસમ પતે કે માળિયે ચડી જાય.

માનો મર્માળુ સ્નેહ જગતમાં બધે ગવાયો, પણ પિતા એ ચોકથી થોડેક દૂર અંધારી ગલીમાં ખોવાઈ ગયેલા નામ જેવા છે. તેમને સમજવા સરળ નથી. તે ન પોતાનો થાક જણાવે છે, ન તો પસંદગી. તે એક એવા આગિયા જેવા હોય છે, જે અંધારામાં પ્રકાશિત થઈને અજવાળામાં ખોવાઈ જાય છે.

દરેક પિતા પાસે ગજબનું ગાંભીર્ય હોય છે – ભારે, ઠોસ, અને ખૂબ જરૂરી. તેમનું ગાંભીર્ય બાળપણમાં ધમકી જેવું જેવું લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું, યુવાનીમાં પડકાર સમાન, એ સમયે તે લાઇબ્રેરીના જૂનાં પુસ્તક દેખાય, જેને વાંચવાની ઇચ્છા જ ન થાય. પણ પોતે પિતા બનીએ ત્યારે ખબર પડે કે એ જર્જરિત પુસ્તક નહોતા, મહાકાવ્ય હતા, અને આપણે વાંચવામાં મોડું કરી નાખ્યું. આધેડ ઉંમરે પહોંચીએ ત્યારે સમજાય કે એમના કૂવા જેવા ઊંડા ગાંભીર્યના તળિયે તો નર્યો નિતરતો પ્રેમ હતો – અમૃતનો દરિયો.

ગમે તેટલો થાક હોય, છતાં બાળકનું મુખ જોતાની સાથે પિતાનો ચહેરો ખીલી ઊઠે. પણ શું એ થાક માત્ર કામનો હોય છે? ના, આ થાક હોય છે જવાબદારીઓનો, પોતાનાં અધૂરાં સપનાંઓનો, અને એવા સંઘર્ષનો જે માત્ર ને માત્ર પોતે જોઈ શકે છે.

બાળક માંદું હોય તો મા રાતભર જાગે, પણ પિતા સૂઈ ગયાનો ઢોંગ કરીને બાજુમાં પડ્યા રહે. બાળકના ખાંસવાનો અવાજ આવે તો આપોઆપ તેમનું શરીર પથારીમાંથી ઊભું થઈ જાય. જ્યારે મા એમ કહે, તમે સૂઈ જાવ, સવારે કામે જવાનું છે, ત્યારે તે એટલું જ કહે, હું તો સૂઈ ગયો’તો, અવાજ આવ્યો તો ઊંઘ ઊડી ગઈ. પણ હકીકતમાં એમની આંખોએ ઊંઘને ચાખી પણ નથી હોતી. છતાં સવારે ઊઠીને ચુપચાપ કામે ચાલી જાય છે. તે જાગે છે, જેથી પરિવાર નિરાંતે ઊંઘી શકે.

બાળક પડી જાય તો માનો જીવ ઊંચો થઈ જાય, દોડીને બાથોડી લે. પણ પિતા દૂર ઊભા રહીને તેને પડતું જોઈ રહે, એ રાહ જુએ કે તેના જાતે ઊભા થઈ જવાની, આ નિર્દયતા નથી, આ એવો પ્રેમ છે, જે આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે. પિતાની આંખો ઘણું કહેવા માગે છે, પણ કંઈ બોલતી નથી, એ રડે છે, પણ એકાંતમાં. એ દરેક આંસુ પોતાના સુધી સીમિત રાખે છે. એ જાણે છે કે દરિયો તૂટે પૃથ્વી રસાતાળ જાય. એનો પરિવાર એ જ એની પૃથ્વી છે.

સમય જતા આપણે માની વધારે નજીક આવીએ, અને પિતાથી વધારે દૂર. કેમકે મા નદી જેવી છે, તેમાં ઓગળી જવાની ઇચ્છા થાય, જ્યારે પિતા ખરબચડા પર્વત જેવા. કોઈ પહાડને બાથ ક્યાંથી ભરી શકે? માત્ર તેની છાંયામાં ઊભા રહી શકે.

બાળકની આંખમાં આખું આકાશ તરવરતું હોય, પણ તે આકાશ આવ્યું હોય છે પિતાના ખિસ્સામાંથી. પિતાનો પ્રેમ પ્રદર્શન નથી કરતો, એ ચૂપચાપ તમારી સ્કૂલના ફોર્મ ભરી દે, ખબર ન હોય તેમ કોચિંગ ક્લાસની ફી જમા કરી દે, તમે જ્યારે નવા જાકીટમાં શોભતા હોવ, ત્યારે શિયાળામાં જૂના સ્વેટરમાં થિજીને પડ્યો હોય છે પિતાનો પ્રેમ. તેમના વિચારો તમને જૂના એટલા માટે લાગતા હોય, કેમકે પોતાની તમામ નાવિનતા તેમણે તમને આપી હોય છે.

પિતાના ગયા પછી તેમનો વારસો મિલકતમાં શોધવાને, મહેનતમાં શોધતા બાળકોને ફાધર્સ ડે ઉજવવાની જરૂર નથી હોતી. કેમકે તેઓ જાણે છે, પિતા એક એવું ઝાડ છે, જેના છાંયડા નીચે બેસીને આપણે મોટા થઈએ. તેનાં ફળ-ફૂલથી રાજી થઈએ, પણ તેનાં મૂળ જમીનમાં ક્યાં, કેટલાં ધરબાયેલાં છે, તે આપણે ક્યારેય નથી જાણી શકતા. વૃક્ષ પડી ભાંગે ત્યારે પણ નહીં.

લોગઆઉટઃ

દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
- ભરત ભટ્ટ ' પવન '

હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

અંગ્રેજીમાં એક કહેવત છે, Good fences make good neighbors. મુકેશ જોશીની ઉપરોક્ત કવિતા બાજુમાં રહેતા પડોશી પર નહીં, પર પોતાના જ ઘરમાં પોતાનું જણ પડોશી થઈ જાય તેની બહુ ગંભીરતાથી વાત કરે છે. વળી આમાં કોઈ એક પર દોષનું પોટલું નથી, બંનેના પ્રયત્નોની ઈંટોથી એ દીવાલ ઊભી થઈ છે. તેમણે શરૂઆત જ એક વ્યાખ્યા આપીને કરી છે કે પડોશી થવા માટે વચ્ચે એક ભીંત હોવી જોઈએ. અને લાંબા ગાળાના દાંપત્યજીવન પછી તેમણે એ ભીંત સફળતાપૂર્વક ઊભી કરી છે.

દાંપત્યજીવનને નિભાવવામાં દમ નીકળી જતો હોય છે. એ ખાડાની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એકબીજા પ્રત્યેની અપેક્ષા અને ઉપેક્ષા વચ્ચે રહેલી સાંકડી ગલીમાંથી હેમખેમ નીકળવાનું સહેલું નથી હોતું. લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા - બે પરિવારો, બે પરંપરા, બે વારસા અને બે વિચારો વચ્ચે થતાં હોય છે. શારીરિક, માનસિક અને આત્મીયતાના ઊંડા તળ સાથે સંબંધની એક સુક્ષ્મ સાંકળ જોડાયેલી હોય છે. એ સાંકળ લોખંડની નહીં - લાગણીની હોય છે. તેને તોડવા માટે મોટા હથોડા નહીં, ગેરસમજની એક નાનકડી કાંકરી પૂરતી છે. અને એક વાર તૂટ્યા પછી ગમે તેટલા સાંધા કરો, છેવટે એક ગાંઠ રહી જતી હોય છે. રહીમનો દુહો છે-
રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો છિટકાય,
તૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિજાય.

શરીરમાં જ્યારે આંતરિક ઘાવ વાગે - અર્થાત એવા સ્થાને કે જ્યાં ઓપરેશન કર્યા પછી ફરી ત્યાં જઈને ટાંકા કાઢવા મુશ્કેલ હોય ત્યારે વિશેષ ટાંકા લેવામાં આવે છે, જેને absorbable sutures કહેવામાં આવે છે. આ ટાંકા જેમ ઘાવ ભરાતો જાય તેમ કાળક્રમે શરીરમાં જ ઓગળી જાય છે. દાંપત્યજીવનમાં પણ અમુક ખૂબ માર્મિક અને ઊંડા ઘાવ થતા હોય છે. તેનાથી થયેલા ચીરા ખૂબ જ મોટા હોય છે, પણ દુર્ભાગ્યે તેને માત્ર એ બે વ્યક્તિઓ જ જોઈ-અનુભવી શકે છે, જે તેના ભોગ બન્યા હોય. દુનિયાની અન્ય કોઈ પણ વ્યક્તિ આવે - પછી ભલે તે ગમે તેટલી મોટી સાઇકોલોજિસ્ટ હોય કે જાદુગર હોય, પણ તે બે જે અંદરથી અનુભવે છે - પીડા, વ્યથા, કણસાટ… તેનો અહેસાસ કોઈ એટલે કોઈ કરી જ નથી શકતું. આવી વ્યથાના વાઢિયા ભરવા ખૂબ મુશ્કેલ હોય છે. મનના અમુક માર્મિક સ્થાનો પર પડેલા આવા ચીરા પૂરવા માટે પ્રેમ, લાગણી અને વિશ્વાસના absorbable sutures ટાંકા લેવાની જરૂર હોય છે. જેથી એ ટાંકા ન તોડવા પડે… સમય જતા મતભેદની ગાંઠો આપોઆપ ઓગળી જાય.

જોકે દાંપત્યજીવન હોય અને મતભેદ ન હોય તો મજા જ શું. મતભેદ ન હોય તો સમજી લેવાનું કે બહુ મોટો પ્રોબ્લેમ છે. દાંપત્યજીવનમાં થતા ઝઘડા ધૂળેટી જેવા હોય છે, જેમાં એકના ચહેરા પર રંગ લાગે તો બીજાના હાથ પણ એ જ રંગથી રંગાયેલા હોવાના જ. માટે તકરાર માટે માત્ર એકને દોષિત ઠેરવવા ભૂલભરેલું ગણાશે. મતભેદની કાંકરીઓ ખરે ત્યાં સુધી વાંધો નથી, પણ એ કાંકરી ઈંટ બની જાય ત્યારે દીવાલ ચણાવાની પૂરી સંભાવના હોય છે.

જાણીતા અમેરિકન મનોચિકિત્સક જોન ગોટમેનનું એક બહુ સરળ, પણ માર્મિક વાક્ય છે, “સૌથી સફળ લગ્નજીવન એ છે જેમાં બંને જણા છાના છપના એવું માનતા હોય કે મને તો બહુ સારું મળ્યું છે.”

ખલીલ જિબ્રાને તેમને સુપ્રસિદ્ધ પુસ્તક ધ પ્રોફેટમાં લગ્નજીવન વિશે જે વાત કરીએ છે, તે દરેક ગાંઠે બાંધી રાખવા છે.

લોગઆઉટઃ

એકમેકને પ્રેમ કરો, પણ પ્રેમને બંધન ન બનવો.
તમારા આત્માના કિનારાઓ વચ્ચે ઘૂઘવતા દરિયા જેવા બની રહો.
એકમેકના પ્યાલા ભરો, પણ એક જ પ્યાલામાંથી ન પીઓ,
એકબીજાને રોટલી આપો, પણ એક જ ટુકડામાંથી ન ખાશો
સાથે ગાઓ, નાચો અને આનંદ કરો,
પણ એકમેકને તેમનું એકાંત પણ આપો
જેમ વીણાના તાર અલગ અલગ હોય છે,
પણ સાથે ગૂંજીને તેઓ એક જ સંગીત રચે છે.

- ખલીલ જિબ્રાન