ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.
ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.
સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.
મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?
હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.
– હેમંત પૂણેકર
જિંદગી એક એવું પાત્ર છે, જેમાં સુખની સુગંધ છે, તો દુઃખની કડવાશ પણ. તેમાં સ્મિતની શરણાઈ સંભળાય છે, તો રુદનની વીણા પણ. ત્યાં આશાનું અમી છે, નિરાશાની ખાઈ પણ. ઘણી વાર આનંદ અને વ્યથા એક જ ટ્રેનના બે પાટાની જેમ સાથોસાથ ચાલતી હોય છે — વર્ષો સુધી. પરંતુ જીવનનું વાદ્ય વાગતું રહે છે, ક્યારેક મધુર, ક્યારેક કરૂણ, પણ હંમેશાં જીવંત. તેના તાલ, રાગ, લયની ગડ બેસે ત્યાં તો જીવનનું ગીત સમાપ્ત થવા આવ્યું હોય છે. કવિએ આ વાતને કેટલી સરળ, છતાં ધારદાર રીતે સમજાવી દીધી છે. અચ્છા કવિની એ જ તો નિશાની છે, કલમના આછા લસરકે એવું ચિત્ર દોરી આપે કે તમે તેમાં પોતાનો વ્યાપ શોધી શકો. હેમંત પૂણેકરની કલમમાં એ તાકાત છે કે તે માનવમનના ઊંડાણમાં ડૂબકી મારીને આનંદ અને વલોપાતને શબ્દોમાં પરોવી શકે.
જ્યાં સુખ કે દુઃખ નથી, ત્યાં જીવન નથી. પછી એ માનવ હોય કે પશુ, વૃક્ષ સુધ્ધાં ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડા અને પાનખર વેઠે છે. આ બધું વેઠ્યા પણ પણ જીવનનું વાદ્ય સૂરમાં વાગતું રહે તે જરૂરી છે. ઘણી વાર દુઃખ એ દંડ નહીં, દિક્ષા સાબિત થતું હોય છે. જે માણસે વ્યથાની આગમાં પોતાની જાતને તપાવી હોય તે બીજાના દુઃખ સામે નિર્વિકાર નથી થઈ શકતો. તેના હૃદયમાં એક અદૃશ્ય કરૂણા જન્મ્યા વિના નથી રહી શકતી. અને આ કરૂણા જ તેની માનવતાને મુઠ્ઠી ઊંચી બનાવેા છે. વિપરિત સંજોગોના સણસણતા તીર ઝીલીને પણ સ્મિતપૂર્વક અડગ ઊભા રહેવું તે કુરુક્ષેત્રના યુદ્ધમાં સાહસપૂર્વક લડતા યોદ્ધાથી જરાકે કમ નથી. જિંદગી ભલે થાકે, જુસ્સો ન થાકવો જોઈએ. ખલીલ ધનતેજવીએ લખેલું,
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કહેજે મને,
જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને.
થાક એ જીવનનો ભાગ છે, પડાવ છે. આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ, ત્યાં અગાઉ કોણ ચાલી ગયું, કેવા મુકામ હાંસલ કર્યા, એ જોઈને આપણી મુસાફરી નક્કી કરતા હોઈએ છીએ. ક્રિકેટ રમનાર વ્યક્તિ સચિન, ધોની, કોહલી જેવા બનવાની આશા રાખે. ગાયક બનવા ઇચ્છતા માણસો લતા, કિશોર, રફી, અરિજિત જેવા સિંગર બનવાનું ધ્યેય, એક્ટર બનવા ઇચ્છતી વ્યક્તિ અમિતાભ, શાહરૂખ, સલમાન બનવાની હામ રાખે. પણ એ સમજવું જરૂરી છે કે આપણે જેમને ધ્યેય બનાવીએ છીએ, તે બધાના જીવનના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો અલગ હતા, તમારા અલગ. પરીક્ષા કોઈ પણ હોય, પ્રશ્નો સમજવા જરૂરી છે. ક્ષેત્ર ભલે એક હોય, ભલે એકસરખું કાર્ય હોય, છતાં તમારા પ્રશ્નો એ બીજાના પ્રશ્નો કરતાં હંમેશાં અલગ હોવાના, તમારા પ્રશ્નો માત્ર તમારા જ હોવાના. તેને સમજવા પડશે, તો જ સરખો જવાબ આપી શકાશે.
આપણી પ્રિય વ્યક્તિથી અલગ થઈ જઈએ ત્યારે સ્વાભાવિક છે તેની યાદોની અલાયદી ગલીઓમાં મન આપોઆપ ફરવા જતું રહે છે. હૃદય રાતદાડો છલકાતું રહે છે તેનાં સ્મરળનાં ઊછળતાં મોજાંથી. મિલનની આશા મુખ પર એક મીઠું સ્મિત પણ લઈ આવે છે. પરંતુ ક્યારેક ક્યાંક આછી તિરાડમાંથી ચુપાચાપ અભાવ અને ઉદાસી પણ પ્રવેશી જતા હોય છે. જેની આપણને પોતાને પણ ખબર નથી રહેતી હોતી. કદાચ, પ્રિય વ્યક્તિથી દૂર રહેનાર વ્યક્તિની આ જ નિયતિ હશે. અને નિયતિનાં નાણાથી જ તો જીવન પોતાનું મૂલ્ય આંકતું હોય છે. સંજોગોના સિક્કા ઊછળતા હોય છે. શું સુખ, શું દુઃખ, શું સ્વજન, શું દુર્જન, પોતાનું-પરાયું, સફળતા-નિષ્ફળતા, સંબંધ-નિર્બંધ, ઉત્સવ-શોક આ બધું સમજીએ ત્યાં સુધીમાં જીવનનું વટવૃક્ષ પાનખરથી ઘેરાઈ ગયું હોય છે. આપણા વૃક્ષત્વ પર આવી બેસેલા પંખીઓ, ટહુકાઓ, ફૂલ, ફળને સમજીએ ત્યાં સુધી ડાળીઓ જીર્ણ થવા લાગે છે, મૂળ મજબૂતાઈ ગુમાવવા લાગે છે. કદાચ આ જ જીવન છે, જેને દરરોજ શીખવું પડે છે.
લોગઆઉટઃ
સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો