લોગઇન:
આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.
ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો–
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો,
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિંદગી.
– વેણીભાઈ પુરોહિત
મોટાભાગના માણસો બે પ્રકારની જિંદગીમાં અટવાયા કરે છે. એક - પોતે જીવી રહ્યા છે તે જિંદગી, અને બીજી, જે જીવવા માગે છે તે. આ બે છેડા ભેગા કરવામાં ઉંમરનાં થર પર થર બાઝતાં જાય છે અને છેલ્લે કબરમાં જઈને એ થર તૂટે છે. ઇચ્છિત જિંદગીને પામવાની ઝંખના દિવસે દિવસે ઝાંખી થતી જાય છે અને જે જીવી રહ્યા હોઈએ એ જ જિંદગી આખરે ઇચ્છેલી લાગવા માંડે છે. ઘણા લોકો કહેતા હોય છે, જે જિદગી જીવવા માગો છો તે પામો, અથવા જે જીવી રહ્યા છો તેને ગમાડી લો. પણ તે ઇચ્છિત જિંદગી પામવી અને અનિચ્છિત જિંદગીને સ્વીકારી લેવી તે મંચ પર જુસ્સાથી બોલવા જેટલું સરળ નથી હોતું. ગમતી જિંદગીનું ગીત બધા નથી ગાઈ શકતાં. ઘણાને અન્યએ જીવેલી જિંદગીનાં ગીત સાંભળીને આનંદ લેવો પડે છે. એટલા માટે જ તો આપણને ફિલ્મનાં ગીતો આટલો રોમાંચ આપે છે. સિનેમાના પરદા પર નાચતાં હીરો-હીરોઈનો જેમ આપણે બગીચામાં નાચવાના નથી. એક હીરો દસ વીલનને ધોઈ નાખે, તેવું પણ આપણે કરી શકવાના નથી, પણ આપણે મનોમન એવું ઇચ્છતા હોઈએ છીએ ખરા. એ જિંદગી આપણે પણ જીવવા માગતા હોઈએ છીએ. પણ રિયલ લાઇફમાં આપણે તે નથી જીવી શકતા એટલા માટે પરદા પરનીએ જિંદગીને જોઈને સંતોષ માનીએ છીએ. ગમે તેવા ખેરખાંને મોઢામોઢ સંભળાવી દેવું, એક સ્મિતમાં અપ્સરા જેવી છોકરીને પોતાની કરી નાખવી. આ બધું સિનેમાના પરદા પર દેખાતા પાત્રોની જિંદગીમાં બનતું હોય છે, પણ એ જ પાત્ર ભજવનાર પોતાની રિયલ જિંદગીમાં તેમ નથી કરી શકતા. પવિત્ર અમર પ્રેમીનું પાત્ર ભજવાનાર અભિનેતા રિયલ લાઇફમાં ચાર ચાર છૂટેછેડા કરીને બેઠો હોય છે અને પાંચમી સાથેની સગાઈના સમાચાર આપણે ન્યૂઝમાં વાંચી રહ્યા હોઈએ છીએ. ઇચ્છિત જિંદગીની દોડ ઘણી વાર નદી જેમ આમથી તેમ કૂદતી ઊછળતી ચાલતી રહે છે. પર્વતો જેવી અડચણો કે ખીણો જેવી મુશ્કેલીઓમાંથી પણ વહીને છેવટે તે દરિયામાં વિલિન થઈ જાય છે. આપણી ઝંખનાઓ પણ આખરે મૃત્યુના મહાસાગરમાં જઈને ઓગળી જાય છે. મરીઝનો એક સુંદર શેર છે.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આજે આટલું દુઃખ વેઠી લઈને પછી કાલે સુખ જ છે. એ દોડમાં દોડમાં જિંદગીનું ઝરણું વિલુપ્ત થઈ જાય છે. એ કાલ ક્યારેય આવતી જ નથી. મરીઝ એ જ ફિલસૂફી સમજાવે છે કે જે સુખ આજે મળે છે તેને આજે જ માણી લેવું, કાલ પર છોડવાનો કશો અર્થ નથી. વેણીભાઈ પુરોહિતે જીવનની ફિલસૂફી પોતાની આંખે નિહાળી છે. તેમની મત્લા વગરની આ ગઝલને આસ્વાદના પથ્થર પર લસોટીને તેમાંથી રસ કાઢવાની હિંમત કરવા જેવી નથી. કવિતા સ્વયંસ્પષ્ટ છે. જિંદગની સંઘર્ષમય અટપટી આંટીઘૂંટીને તેમણે પોતાના શબ્દોના દોરામાં પરોવી છે.
મકરંદ દવેએ જિંદગીને પોતાની આંખે નિરખી છે, જે અનુભવી તેને ગઝલમાં પરોવી છે. તેનાથી વિરમીએ.
લોગઆઉટઃ
જિંદગી, કાચી નિશાની જિંદગી,
સાચની જૂઠી કહાની જિંદગી.
કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી!
કોઈ મારકણાં નયન જેવી છતાં,
મ્હોબતીલી છે મજાની જિંદગી.
તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,
તે છતાં કેવી તુફાની જિંદગી!
મોત - આલમગીરની છાતી ઉપર,
નાચતી હરદમ ભવાની જિંદગી.
જોતજોતામાં અલોપ થઈ જતી,
ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.
શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,
દોડતી હરણી હવાની જિંદગી.
રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,
એક એવી વાત છાની જિંદગી.
કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!
બાવરી, તૂટક જુબાની જિંદગી!
બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!
વાહ રે! મારી ગુમાની જિંદગી!
- મકરંદ દવે