ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.
– મુકેશ જોષી
અંગ્રેજીમાં એક કહેવત છે, Good fences make good neighbors. મુકેશ જોશીની ઉપરોક્ત કવિતા બાજુમાં રહેતા પડોશી પર નહીં, પર પોતાના જ ઘરમાં પોતાનું જણ પડોશી થઈ જાય તેની બહુ ગંભીરતાથી વાત કરે છે. વળી આમાં કોઈ એક પર દોષનું પોટલું નથી, બંનેના પ્રયત્નોની ઈંટોથી એ દીવાલ ઊભી થઈ છે. તેમણે શરૂઆત જ એક વ્યાખ્યા આપીને કરી છે કે પડોશી થવા માટે વચ્ચે એક ભીંત હોવી જોઈએ. અને લાંબા ગાળાના દાંપત્યજીવન પછી તેમણે એ ભીંત સફળતાપૂર્વક ઊભી કરી છે.
દાંપત્યજીવનને નિભાવવામાં દમ નીકળી જતો હોય છે. એ ખાડાની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એકબીજા પ્રત્યેની અપેક્ષા અને ઉપેક્ષા વચ્ચે રહેલી સાંકડી ગલીમાંથી હેમખેમ નીકળવાનું સહેલું નથી હોતું. લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા - બે પરિવારો, બે પરંપરા, બે વારસા અને બે વિચારો વચ્ચે થતાં હોય છે. શારીરિક, માનસિક અને આત્મીયતાના ઊંડા તળ સાથે સંબંધની એક સુક્ષ્મ સાંકળ જોડાયેલી હોય છે. એ સાંકળ લોખંડની નહીં - લાગણીની હોય છે. તેને તોડવા માટે મોટા હથોડા નહીં, ગેરસમજની એક નાનકડી કાંકરી પૂરતી છે. અને એક વાર તૂટ્યા પછી ગમે તેટલા સાંધા કરો, છેવટે એક ગાંઠ રહી જતી હોય છે. રહીમનો દુહો છે-
રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો છિટકાય,
તૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિજાય.
શરીરમાં જ્યારે આંતરિક ઘાવ વાગે - અર્થાત એવા સ્થાને કે જ્યાં ઓપરેશન કર્યા પછી ફરી ત્યાં જઈને ટાંકા કાઢવા મુશ્કેલ હોય ત્યારે વિશેષ ટાંકા લેવામાં આવે છે, જેને absorbable sutures કહેવામાં આવે છે. આ ટાંકા જેમ ઘાવ ભરાતો જાય તેમ કાળક્રમે શરીરમાં જ ઓગળી જાય છે. દાંપત્યજીવનમાં પણ અમુક ખૂબ માર્મિક અને ઊંડા ઘાવ થતા હોય છે. તેનાથી થયેલા ચીરા ખૂબ જ મોટા હોય છે, પણ દુર્ભાગ્યે તેને માત્ર એ બે વ્યક્તિઓ જ જોઈ-અનુભવી શકે છે, જે તેના ભોગ બન્યા હોય. દુનિયાની અન્ય કોઈ પણ વ્યક્તિ આવે - પછી ભલે તે ગમે તેટલી મોટી સાઇકોલોજિસ્ટ હોય કે જાદુગર હોય, પણ તે બે જે અંદરથી અનુભવે છે - પીડા, વ્યથા, કણસાટ… તેનો અહેસાસ કોઈ એટલે કોઈ કરી જ નથી શકતું. આવી વ્યથાના વાઢિયા ભરવા ખૂબ મુશ્કેલ હોય છે. મનના અમુક માર્મિક સ્થાનો પર પડેલા આવા ચીરા પૂરવા માટે પ્રેમ, લાગણી અને વિશ્વાસના absorbable sutures ટાંકા લેવાની જરૂર હોય છે. જેથી એ ટાંકા ન તોડવા પડે… સમય જતા મતભેદની ગાંઠો આપોઆપ ઓગળી જાય.
જોકે દાંપત્યજીવન હોય અને મતભેદ ન હોય તો મજા જ શું. મતભેદ ન હોય તો સમજી લેવાનું કે બહુ મોટો પ્રોબ્લેમ છે. દાંપત્યજીવનમાં થતા ઝઘડા ધૂળેટી જેવા હોય છે, જેમાં એકના ચહેરા પર રંગ લાગે તો બીજાના હાથ પણ એ જ રંગથી રંગાયેલા હોવાના જ. માટે તકરાર માટે માત્ર એકને દોષિત ઠેરવવા ભૂલભરેલું ગણાશે. મતભેદની કાંકરીઓ ખરે ત્યાં સુધી વાંધો નથી, પણ એ કાંકરી ઈંટ બની જાય ત્યારે દીવાલ ચણાવાની પૂરી સંભાવના હોય છે.
જાણીતા અમેરિકન મનોચિકિત્સક જોન ગોટમેનનું એક બહુ સરળ, પણ માર્મિક વાક્ય છે, “સૌથી સફળ લગ્નજીવન એ છે જેમાં બંને જણા છાના છપના એવું માનતા હોય કે મને તો બહુ સારું મળ્યું છે.”
ખલીલ જિબ્રાને તેમને સુપ્રસિદ્ધ પુસ્તક ધ પ્રોફેટમાં લગ્નજીવન વિશે જે વાત કરીએ છે, તે દરેક ગાંઠે બાંધી રાખવા છે.
લોગઆઉટઃ
એકમેકને પ્રેમ કરો, પણ પ્રેમને બંધન ન બનવો.
તમારા આત્માના કિનારાઓ વચ્ચે ઘૂઘવતા દરિયા જેવા બની રહો.
એકમેકના પ્યાલા ભરો, પણ એક જ પ્યાલામાંથી ન પીઓ,
એકબીજાને રોટલી આપો, પણ એક જ ટુકડામાંથી ન ખાશો
સાથે ગાઓ, નાચો અને આનંદ કરો,
પણ એકમેકને તેમનું એકાંત પણ આપો
જેમ વીણાના તાર અલગ અલગ હોય છે,
પણ સાથે ગૂંજીને તેઓ એક જ સંગીત રચે છે.
- ખલીલ જિબ્રાન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો