મારા ખેતરને શેઢેથી લ્યા ઊડી ગઈ સારસી


લોગઇનઃ

મારા ખેતરને શેઢેથી
લ્યા, ઊડી ગઈ સારસી!
મા, 
ઢોંચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે 
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ...
મારા ખેતરને શેઢેથી-

- રાવજી પટેલ

1939માં જન્મીને 1968માં આ દુનિયાથી વિદાય લઈ લેનાર કવિ રાવજી પટેલ ખૂબ ટૂંકું જીવ્યા, પણ સર્જન માતબર કરી ગયા. આ દૃષ્ટિએ તેમને ટૂંકું જીવ્યા એવું તો ન કહી શકાય, પણ તે ખૂબ ઝડપી જીવી ગયા એમ કહી શકાય. માત્ર 29 વર્ષની ઉંમરમાં ‘અશ્રુઘર’, ‘ઝંઝા’ જેવી બે સુંદર નવલકથાઓ, ‘અંગત’ (મરણોત્તર) કાવ્યસંગ્રહ અને કેટલીક વાર્તાઓ તથા ‘વૃત્તિ’ નામની એક અધૂરી રહી ગયેલી નવલકથા; એમ આયુષ્યના આટલા ઓછા સમયમાં ખૂબ સબળ સર્જન તેઓ આપી ગયા. રાવજી કૃષિકવિ તરીકે પણ ઓળખાયા છે. તેના પાયામાં ઉપરોક્ત કવિતા પણ છે. આવા ભાવ સાથેનાં અનેક કાવ્યો આપણને તેમની કલમમાંથી મળે છે. આભાષી મૃત્યુનું ગીત તો માત્ર તેમનું જ ઉત્તમ ગીત નથી, પણ સમગ્ર ગુજરાતી ભાષાનાં ઉત્તમોત્તમ ગીતોમાંનું એક છે.

રાવજીના અવસાનને 50 વર્ષ થઈ ગયાં. છતાં આજે પણ તેમની કવિતા લોકહૈયામાં જીવે છે. તેમનું સર્જન ભાવકો અને વિવેચકો બંનેનો પ્રેમ પામ્યું છે. આજે આપણે જે કવિતાની વાત કરવાના છીએ, તે કવિતા ગ્રામ્ય પરિવેશની છે. તેમની આ કવિતા પણ ખૂબ લોકપ્રિય થયેલી છે. શરૂઆત જ વિષાદથી થાય છે. કવિ લખે છે- મારા ખેતરને શેઢેથી લ્યા ઊડી ગઈ સારસી... અહીં સારસીનો અર્થ ઘણી રીતે લઈ શકાય. સારસી એટલે કોણ? ખેતરના શેઢે ચરવા આવતું પંખી? સારસ નામની પંખીના ઊડી જવાથી કવિ વિષાદમાં છે? કે પછી સારસી એ પ્રતીક છે? અને પ્રતીક છે તો શેનું પ્રતીક છે? 

એક શાળામાં એક શિક્ષક આ કાવ્ય ભણાવી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે અહીં કવિ પોતાની પત્નીની વાત કરી રહ્યા છે. કેમકે ભાત લઈને પત્ની જ આવેને! પણ અહીં પત્ની ભાત લઈને નથી આવી, માતા આવી છે. તેથી તે માને કહે છે કે મા ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. પત્નીરૂપી સારસી જીવનમાંથી કાયમ માટે ઊડી ગઈ છે, એટલે કવિ વિષાદમાં છે. હવે તેને ભાથાના ભોજનમાં રસ નથી, ચલમનું તમાકુમાં કસ નથી, ભલે આખું આભ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગી જાય ત્યાં સુધી એને એમ જ વિરહાવસ્થામાં પડ્યા રહેવું છે... બળદને હળે પણ જોતરવા નથી. આ વિષાદની એક અવસ્થા થઈ. 

બીજી અવસ્થા મણિલાલ હ. પટેલ નામના કવિ-વિવેચકે સરસ દર્શાવેલી. તેમણે કહેલું કે એક નવયુવાન લબરમૂછિયો છોકરો છે, ખેતરમાં કામ કરી રહ્યો છે. એ જ ખેતરની બાજુમાં એક સુંદર સોળ વર્ષની યુવતી કામ કરી રહી છે. તેને જોઈને યુવાન તેના પ્રેમમાં પડે છે. જે છોકરાને ખેતર જવાનો કંટાળો આવતો હતો, તે હવે રોજ ખેતર જતો થયો, કામ કરતો થયો. કેમકે બાજુમાં એક સુંદર સારસી આવતી થઈ છે, પણ એ સારસી તો થોડા દિવસ પૂરતી જ હતી. કદાચ વેકેશન માણવા આવી હોય તે ગામમાં! અને ખેતરે આવતી થઈ હોય! એ તો ઊડી ગઈ. પેલા છોકરાને લાગ્યું કે ઓહ! જીવનમાંથી સારસી ઊડી ગઈ. હવે કોઈ રસ નથી – કસ નથી. શક્ય છે કે આ ભાવાર્થ તેમણે એ ઉંમરના વિદ્યાર્થીઓને વધારે સારી રીતે સમજાય તે માટે કહ્યો હોય, પણ આ અર્થ પણ ખોટો તો નથી જ. સારસીનું પ્રતીક તો અહીં અનેક દિશાઓ ખોલી આપે છે. 

એક શિબિરમાં એક વિદ્યાર્થીએ કહેલું આ બ્રેકઅપની કવિતા છે. સાહિત્યની ભાષામાં કહીએ તો પ્રણયભંગનું કાવ્ય! ખરી વાત તો હૃદય તૂટવાની જ છે, જીવનમાંથી કશું ઓછું થવાની જ છે. પણ કવિ તેને કઈ રીતે રજૂ કરે છે તે ખૂબ મહત્ત્વનું છે. કવિતામાં મુખ્ય વાત અંદાઝેબયાંની હોય છે. જીવનનું મહાન સત્ય પણ સરળ રીતે રજૂ કરી શકાય અને જીવનની સરળમાં સરળ વાત પણ અઘરી બનાવીને પેશ કરી શકાય. રાવજી પટેલે જે સંવેદના આલેખી છે, તે તેમની રજૂઆત થઈ. પણ જ્યારે ભાવક આ કવિતા સુધી પહોંચે છે ત્યારે તે પોતાનો અર્થ લઈને પહોંચે છે. અર્થ ભલે અલગ રસ્તેથી આવે, પણ તેનો અંતિમ મુકામ તો એક જ છે વિષાદ! આમ પણ રાવજી પીડાનો કવિ હતો. પીડામાં જીવ્યો, પીડામાં શ્વસ્યો, પીડામાં સર્જન કર્યું, અને પીડામાં જ શ્વાસ છોડ્યા, પણ પીડામાં રચાયેલી તેમની કવિતાઓએ અનેકની સંવેદનાઓને આનંદ આપ્યો છે. કવિતાની એ જ તો મજા છે, પીડાની કવિતા વાંચીને પીડા નથી થતી. વાંચીને રડવું આવી જાય, તોય રડવાનો આનંદ થતો હોય છે. 

લોગઆઉટ

પછી પાલવને આઘો નહીં કરું,
પછી વાણીને કાને નહીં ધરું.
હવાની પાતળી દીવાલ પાછળ,
તને મારી નજરમાં નહીં ભરું.

- રાવજી પટેલ

(ગુજરાત સમાચાર, 'રવિપૂર્તિ'માં આવતી કૉલમ 'અંતરનેટની કવિતા' - અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો