લોગઇન
હું ચાહુ છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તે સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
- સુન્દરમ્
અત્યારે ચૂંટણીનો માહોલ છે, ચારે તરફ રાજકીય રણશિંગા ફુંકાઈ રહ્યા છે, ત્યારે છાપાથી લઇને ટીવી સુધી માત્ર રાજકારણની વાતો થઇ રહી છે. આવા સમયમાં રાજકીય વાત ન કરતા સાહિત્યની જ વાત કરવી છે. કેમકે, આવતી કાલે સોમવારે ગુજરાતી ભાષાના એક મહાન કવિ-સાહિત્યકાર શ્રી સુન્દરમનો જન્મદિવસ છે. તારીખ ૨૨ એપ્રિલ ૧૯૦૮ના રોજ ભરૂચના મિયાંમાતર ગામમાં જન્મેલ સુન્દરમનું આખું નામ ત્રિભુવનદાસ લુહાર, પણ સાહિત્યમાં તેમણે સુન્દરમના નામે પ્રદાન કર્યું.
ઉમાશંકરના નામ સાથે આપણને સુન્દરમનું નામ યાદ આવે જ. એક આખો સાહિત્યયુગ ઉમાશંકર-સુન્દરમના નામે ઓળખાય છે. ત્યારે આવા ગરમાગરમ રાજકીય માહોલમાં હૃદયને ટાઢક આપતી સુન્દરમની કવિતાની વાત કરીએ તે જ વધારે યોગ્ય છે.
આમ તો તેમની કલમને વાર્તા, વિવેચન, કાવ્યાસ્વાદ જેવી સાહિત્યની અનેક પગદંડીઓ પર વિહરવાનું ફાવે છે, પણ કવિતા તેમનો વિશેષ પ્રેમ. એમાંય તેમણે લખેલાં ગીતોમાં તો જાણે મોહિની છે. સુરેશ દલાલે કહ્યું છે તેમ, એ ગીતો લખાયાં નથી, પણ લખાઇ ગયાં છે. આ ગીત જુઓ,
મેરે પિયા મૈં કછુ નહીં જાનુ,
મૈ તો ચુપચુપ ચાહ રહી.
કે પછી
કાંહે કો રતિયા બનાયી,
નહીં આતે નહીં જાતે મન સે
ઐસે ક્યૂં શ્યામ કન્હાઇ
જાણે મીરાં લખતી હોય તેમ સીધાં હૃદયમાંથી આ ગીત ઊતર્યાં છે. આ દોઢ લીટીનું કાવ્ય ગુજરાતી ભાષામાં સુપ્રસિદ્ધ છે.
તને મેં જંખી છે-
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
કવિએ દોઢ લીટીમાં ઉપનિષદ રચી નાખ્યું. આ સિવાય તેમણે અનેક એવાં કાવ્યો લખ્યા છે, જે ગુજરાતી ભાષામાં ચિરંજીવ છે. માટે ચૂંટણીના ઘોંઘાટમાં ગુજરાતી ભાષાના ગુરુશિખરસમા કવિની જન્મતિથિ દબાઈ જાય એ કઇ રીતે ચાલે ?
સુન્દરમની ઉપરોક્ત કવિતા ખૂબ જાણીતી છે. છે સાવ નાનકડી પણ ગાગરમાં સાગર જેવડી છે. ઉત્તમ કવિતાનું એ જ તો કામ છે, કે ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વાત કરવી. એક વાત કહેવા માટે ગદ્યકારે નિબંધ લખવો પડે, વાર્તા કહેવી પડે કે ક્યારેક આખી નવલકથા પણ લખવી પડે, જ્યારે ઉત્તમ કવિ એ જ વાત બેચાર પંક્તિમાં કહી દેતો હોય છે. માત્ર ત્રણ જ લીટીમાં સુન્દરમે મહાકાવ્ય રચી નાખ્યું. તેમણે કહ્યું કે હું સૃષ્ટિની તમામ સુન્દર ચીજને ચાહુ છું.
અહીં સુન્દર ચીજને ચાહવાની વાત આવી ત્યારે એમ ન સમજવું કે જે અસુન્દર ચીજ છે તેને કવિ નફરત કરે છે. ઘણી વાર આપણે એમ કહીએ કે મને વહેલી સવારનો ઉજાસ ખૂબ ગમે છે, ત્યારે આપોઆપ અમુક લોકો એવો અર્થ કાઢી લેતા હોય છે કે આને સંધ્યાનો ઝાંખો ઉજાસ નથી ગમતો. આપણે એકના વખાણ કરીએ ત્યારે લોકો એમ સમજી જ લેતા હોય છે કે આપણે બીજાની નિંદા કરીએ છીએ, પણ એવું નથી હોતું. કવિ તો સર્વનો સમાસ કરે છે, તેને મન સુન્દર અને અસુન્દર બધું જ સરખું. અને જેનું નામ જ 'સુન્દરમ્' હોય એ અસુન્દરને પણ કઇ રીતે નફરત કરી શકે ? એ તો સુન્દર-અસુન્દર સહુને પોતાના હૃદયમાં એક સરખી રીતે જગ્યા આપે. વળી સુન્દરમ તો જે અસુન્દર છે તેને પણ ચાહી ચાહીને સુંદર બનાવવાની વાત કરે છે. આપણી આસપાસ અનેક અસુન્દર વસ્તુ છે, શું આપણે ચાહીને તેને સુન્દર ન બનાવી શકીએ ? કોઇ દુ:ખી હૃદયને આશ્વાસન આપીને પણ આપણે તેના આંતરિક સૌંદર્યમાં વધારો કરતા હોઇએ છીએ.
જો તમારું હૃદય મલિન હશે તો તમે અસુન્દરને સુન્દર નહીં બનાવી શકો. તમે પોતે જ કાદવમાં ખરડાયેલા હોવ તો અન્યને કઇ રીતે સ્વચ્છ કરી શકો ? આ તો ગાંધીજીના ગોળ વાળી વાત થઇ. ગાંધીજી પોતે ગોળ ખાતા અને એક સ્ત્રી તેમની પાસે આવીને કહેવા લાગી કે બાપુ મારો દીકરો બહુ ગોળ ખાય છે, તેને ગોળ ન ખાવાની સલાહ આપો. ગાંધીજીએ કહ્યું થોડા દિવસ પછી આવજો. થોડા દિવસ પછી પેલા બહેન આવ્યાં એટલે ગાંધીજીએ કહ્યું કે દીકરા ગોળ ન ખાતો. પેલા બહેનને આશ્ચર્ય થયું જો આટલી જ વાત કરવાની હતી તો એ દિવસે પણ કરી દીધી હોત તો ? ગાંધીજીએ કહ્યું કે એ દિવસે એટલા માટે ન કહ્યું, કેમ કે એ દિવસોમાં હું પણ ગોળ ખાતો હતો. કોઇને કંઇ કહેતા પહેલાં મારે પોતે તો તેનું આચરણ કરવું પડે ને !
સૃષ્ટિની અસુન્દર ચીજને ચાહીને સુન્દર બનાવવા માટે આપણે પોતે સુન્દર હોવું જોઈએ. સુન્દર કહેવાનો અર્થ અહીં બાહ્ય દેખાવ સાથે નથી. હૃદય અને મનથી સુન્દર હોવા જોઇએ. કવિ પોતાના સૌંદર્યથી જગતને સુંદર બનાવતો હોય છે. સુન્દરમની જ 'બક્ષીસ' નામની કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
રાજાના દરબારમાં રસીકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારાથી સકળના ચોરી લીધાં ચિત્તને રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઇ, 'માગી લિયો ચાહ્ય સો'
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝયું શું માગવું ?
ને પાછાં હસી આપણે મનભરી ગાયાં બજાવ્યા કર્યું.
- સુન્દરમ્
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો