તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે


લોગઇનઃ

તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે,
એકલો જાને એકલો જાને એકલો જાને રે...

જો સૌનાં મોં સીવાય, 
ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સીવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય...
ત્યારે હૈયું ખોલી અરે તું મોં મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે...
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે...

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી, સૌ એ પાછાં જાય...
જ્યારે રણવગડે નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તું લોહી નીંગળતે ચરણે ભાઈ એકલો ધાને રે...
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે...

જો દીવો ન ધરે કોઈ,
ઓરે ઓરે ઓ અભાગી! દીવો ન ધરે કોઈ,
જ્યારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળઘી જઈ સૌનો દીવો એકલો થાને રે...
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે...

- રવીન્દ્રનાથ ટાગોર (અનુ. મહાદેવભાઈ દેસાઈ)

કોઈ સાહિત્યરસિકે રવીન્દ્રનાથ ટાગોરનું નામ ન સાંભળ્યું હોય તેવું ક્યારેય શક્ય જ નથી. 1913માં ગિતાંજલી માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું, ત્યારથી તે સમગ્ર વિશ્વના હૃદયમાં પણ વસ્યા છે. રવીન્દ્રનાથનું સાહિત્ય ભારતીય સાહિત્યનું જ નહીં, વિશ્વસાહિત્યનું ઘરેણું છે. તેમની આ કૃતિ મહાદેવભાઈ દેસાઈએ ખૂબ સરળ ભાષામાં અનુદિત કરી છે. રવીન્દ્રનાથનું ઘણું સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત થયું છે. મહાદેવભાઈ આજીવન ગાંધીજી સાથે પડછાયા જેમ રહ્યા છે. તેમના વ્યક્તિગત સંસ્કારોની સુવાસ તો ખરી જ, પણ મહાત્મા સાથે રહી તેમના વ્યક્તિત્વની સુવાસ વધારે મહેકવંતી બની. રવીન્દ્રનાથની આ કવિતા પણ એટલી જ મશહૂર છે.

આપણો ઉદ્ધાર કરવા કોઈ બીજું નહીં આવે, આપણે જ આપણા ઉદ્ધારક થવાનું છે. જલન સાહેબનો એક સુંદર શેર છે, ‘હવે તો દોસતો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે.’ આપણા જીવનનું અંધારું દૂર કરવા માટે આપણે જાતે પ્રકાશવાનું છે. કોઈ બીજું આવીને તમને મદદ કરશે એવા વહેમમાં હોવ તો ભૂલી જાવ. રવીન્દ્રનાથે જુદી રીતે વાત કરી, તેમણે કહ્યું કે તું હાક પાડ, બૂમ માર, પણ તારી બૂમ સાંભળીને કોઈ ન આવે તો ફિકર ન કર. તું એકલો નીકળી પડ. દુનિયા ઘણી વિશાળ છે. કોઈ આવશે અને આપણે જઈશું તેવો વહેમ રાખ્યા કરતા. એકલા જ નીકળી પડવું. દુનિયા આખી ભલે મોં ફેરવી લે, પોતાનું મોઢું સીવી લે. પણ તું તો મુક્ત મને તારું ગાણું ગા... કોઈ સાથ ન આપે તો એકલો ગીત લલકાર...

જ્યારે કપરી પરિસ્થિતિ આવે છે, ત્યારે સારામાં સારા સંબંધીઓ કે મિત્રો પણ ખૂણેખૂંચરે ભરાઈ જાય છે. સુખની પળમાં સાથે રહેનાર સ્વજનો આવી પળોમાં ગોત્યાય જડતાં નથી. આવી વેરાન પરિસ્થિતિમાંથી નીકળવાનું થાય તોય ગભરાવું નહીં. કાંટાવાળા રસ્તે પણ લોહી નીતરતા ચરણે એકલા ચાલતા રહેવું. ભલે કેઈ સાથે આવે કે ન આવે... સત્યનો માર્ગ આપણે લઈએ ત્યારે કોણ સાથે આવે છે કે કોણ નથી આવતું તેની વધારે ચિંતા કરવી નહીં. ગાંધીજીએ કહ્યું છે તેમ, સત્યનો માર્ગ આમ પણ ખાડાની ધારે ચાલવા જેવો છે. પણ મુશ્કેલીઓથી ગભરાવું નહીં, હારી ન જવું, એકલા આગળ વધતા રહેવું.

જીવનમાં ક્યાં મુશ્કેલી નથી? ડગલે ને પગલે અંધકાર છે જ. આવી સ્થિતિમાં તને દીવો ધરનાર કોઈ નહીં હોય. હે અભાગી, આવી કોઈ તોફાની કાળી ડિબાંગ અંધારી રાતે તને જોઈને લોકો તો પોતાના ઘરના દ્વારા વાસી દેશે, તને આશરો પણ નહીં આપે. ભલે ન આપે. તેની પરવા તું ન કર. તું આગળ વધતો રહે. વીજળીને ચમકારે મોતીડાં પરોવવાની વાતથી પણ આગળ વધવાનું છે. વીજના ચમકારે તારે પોતે જ દીવો થઈને જગતના અંધકારને દૂર કરવાનો છે. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે, અપ્પો દીપ્પો ભવઃ અર્થાત તું જ તારો દીવો થા.

સુંદરજી બેટાઈનું પણ આવું સરસ કાવ્ય છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે, બંદર છો દૂર છે,
બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે.

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા,
તારા હૈયામાં જો સાચી સબૂર છે....
છોને એ દૂર છે...

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા,
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે,
બંદર છો દૂર છે....

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી,
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
છોને એ દૂર છે...

અલ્લાબેલી, અલ્લાબેલી, 
જાવું જરૂર છે, બંદર છો દૂર છે,
બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે.

- સુંદરજી બેટાઈ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

1 ટિપ્પણી: