એક ચિનગારી જરૂરી છે


લોગઇનઃ

એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી,
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી,
ના સળગી એક સગડી મારી,  વાત  વિપતની ભારી,
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,   ખૂટી    ધીરજ   મારી,
વિશ્વાનલ! હું અધિક ન માગું,  માગું એક ચિનગારી,
મહાનલ… એક દે ચિનગારી…

હરિહર ભટ્ટ

હરિહર ભટ્ટનો જન્મ 1-5-1895માં અને અવસાન 10-3-1978માં. તેમના કાવ્યોમાં પ્રભુશ્રદ્ધા, જીવનની આશા, રાષ્ટ્રભાવ તથા ગાંધીચીંધી દલિતભક્તિ જેવા વિષયો આલેખાયેલા જોવા મળે છે. ગેય ઢાળોમાં રચેલાં એકવીસ લઘુ ઊર્મિકાવ્યોનો સંગ્રહ તેમની પાસેથી મળે છે. હરિહર ભટ્ટનું આ સુપ્રસિદ્ધ કાવ્ય છે. તેમણે માત્ર આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમજ લોક-જીભે સદાને માટે અમર બનીને રહેત. કવિતામાં રહેલી ચીનગારીની યાચના ભાવકના ચિત્તમાં પણ તેજ પ્રગટાવે છે.

આ કાવ્ય વિશેનો ઇતિહાસ જાણવા જેવો છે. હરિહર ભટ્ટ 1920થી 1930 સુધી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેલા. તે દરમ્યાન 1925મા તેમને ગીજુભાઈ બધેકાએ ભાવનગરની દક્ષિણામૂર્તિમાં લોન પર શિક્ષક તરીકે બોલાવેલા. ત્યાંના તખ્તેશ્વર મંદિર સુધી સાંજે તેઓ ફરવા જતા. ત્યારે આ કાવ્યની પ્રેરણા તેમને થ. અને સૌ પ્રથમ કુમાર માસિકમાં પ્રકાશિત થયું. આ કાવ્ય પર નરસિંહરાવ દિવેટિયા, રામનારાયણ વિ. પાઠક, . . ઠાકોર જેવા સુપ્રસિદ્ધ કવિઓ-વિવેચકોએ વિવેચન લખીને તેને ખૂબ વખાણ્યું છે. ગાંધીજીના પ્રિય અને તેમની પ્રાથનાસભામાં ગવાતા ભજનોની આશ્રમ ભજનાવલીમાં તેને સ્થાન મળ્યું છે, વિશ્વની મહાન ફિલ્મોમાં સ્થાન પામનાર રીચર્ડ એટનબરોએ ડિરેક્ટ કરેલ ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મ ગાંધીમાં માત્ર બે ગુજરાતી કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એક નરસિંહ મહેતાએ લખેલું ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ...અને બીજું એક જ દે ચિનગારી…’ આ બધી જ ઘટનાઓ આ કવિતાની ઉત્તમતા સિદ્ધ કરે છે. વર્ષોથી તેને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના તરીકે ગાવાતી આ કવિતાનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં કોહિનૂર સમાન છે.

રઘુવીર ચૌધરીએ આ કાવ્ય વિશે બિલકુલ યોગ્ય વાત લખી છે, “‘એક જ દે ચિનગારી’ ગીત અમારી પેઢીએ પ્રાર્થનારૂપે ગાયું છે. કવિએ સુખસંપત્તિનો લોભ નથી દાખવ્યો. કશી મોટી આકાંક્ષા વ્યકત નથી કરી, માત્ર એક પ્રકાશકણ માગ્યો છે. જ્ઞાનની આ અભીપ્સા ગીતાના અનાસક્ત કર્મ સાથે સંવાદિતા ધરાવે છે. લોકભાષાની લઢણનો  ઉપયોગ કરી લખાયેલ ગેય રચના ‘ગામઠી-ગીતા’ હળવી શૈલીએ લખાયેલી રચના લાગશે પણ એની લોકપ્રિયતાના મૂળમાં વિનોદ નથી, ગીતાનો મર્મ અને બોલચાલની ગુજરાતી ભાષા કવિને આત્મસાત થવાનું  પ્રમાણ છે.

જે કવિતા લોકોના હૃદયમાં ફૂલ જેમ ખીલેલી છે. અનેક લોકોના ચિત્તમાં જેણે ચિનગારી પ્રગટાવી છે, વળી અનેક જાણીતા કવિઓ-વિવેચકોએ ઉત્તમતાનું પ્રમાણ ઓલરેડી આપી દીધું છે, તે કવિતાને વિવેચનના વહાણમાં બેસાડીને ભાવકને દરિયાના ઘૂઘવાટા ન સંભળાવાય. આ તો માણીને મમળાવવાની કવિતા છે. તેમાંથી પોતાનું તેજ પ્રગટાવવાની કવિતા છે. એમાં ખોવવાવાની કવિતા છે. તેના શબ્દોને પ્રાર્થનારૂપે આત્મસાત કરી પોતાની જામગરીને પલીતો ચાંપવાની ચાવી છે. કવિતા પ્રાર્થનાનું સ્વરૂપ પામે તેમાં કવિ અને કવિતા બંનેનું સદભાગ્ય છે. આ સદભાગ્ય હરિહર ભટ્ટ સુપેરે પામ્યા છે. તેમની કલમમાં રહેલી ચીનગારીએ હજારો લોકોના હૈયામાં દીવો પ્રગટાવ્યો છે. આવી કવિતા વર્ષોના તપ પછી ઊતરી આવતી હોય છે. આમ પણ માણસે મહાનલ, અર્થાત મહાઅગ્નિ પાસે એક ચીનગારી જ માગવાની હોય છે. બાકી તો આખી જિંદગી ચમક લોઢું ઘસ્યા કરીએ તોય કશું વળતું નથી. જીવનમાં એક ચીનગારી જરૂરી છે. માત્ર એક તણખો પડે તો આપોઆપ જ્વાળા પ્રગટી ઊઠે. તેજ પ્રસરાઈ જાય. અહીં જામગરીશબ્દ કવિએ પ્રયોજ્યો છે. જામગરી અર્થાત તોપ કે બંદુકમાંના દારૂને ફોટવા માટે સળગાવવામાં આવતી દોરી, લાકડી કે વાટ... આવી કવિતા આપોઆપ લોકોના હૈયામાં ચીનગારી પ્રગટાવતી હોય છે.

આપણે ત્યાં પ્રતિકાવ્યોની પણ પરંપરા છે. કહેવાય છે કે જ્યોતીન્દ્ર દવે તેમના સમકાલીનોની કવિતા પર સરસ પ્રતિકાવ્ય રચી કાઢતા. હરિહર ભટ્ટના આ કાવ્ય પરથી ન. પ્ર. બૂચે હળવી શૈલીમાં પ્રતિકાવ્ય રચ્યું છે, તે પણ માણવા જેવું છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી?

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી.
મહાનર, યાચે શું ચિનગારી?

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી
મહાનર, યાચે શું ચિનગારી?

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી…
મહાનર, યાચે શું ચિનગારી?

~ ન. પ્ર. બુચ

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો