લેબલ ગઝલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગઝલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

માર્યું હો જેમ તાળું

માર્યું હો જેમ તાળું સજ્જડ ભીડ્યાં કમાડે,
હું પણ છું સાવ એવો; છે કોઈ જે ઉઘાડે?

જન્મ્યો ટપાલ થઈને હું માંડમાંડ ત્યાં તો,
દુનિયા ચડી ગઈ છે ઈમે’લના રવાડે!

ઇચ્છાની સૌ અહલ્યા રઘવાઈ થઈ ગઈ છે,
ભીતરનો રામ જબરો, ચરણો જ ના અડાડે!

એ કામ શંખ ફૂંકી કરવું પડે છે કાયમ,
જે કામ થઈ શકે નહિ અહીં વાંસળી વગાડે.

આવું સમયની બાબત પણ થાય, કેવું સારું!
દુકાનદાર માફક પહેલાં એ પળ ચખાડે!

~ અનિલ ચાવડા

બાળપણમાં રોઈ રોઈને

બાળપણમાં રોઈ રોઈને રમકડાં જે ખરીદાવ્યાં હતાં,
એ જ પાછા મારી ઘડપણની કરચલી ભાંગવા આવ્યાં હતાં.

એક ગમતી વ્યક્તિ સામે શું મળી કે સઘળું તાજું થઈ ગયું,
નોટમાં વર્ષો પહેલાં જે પ્રસંગોને મેં ટપકાવ્યાં હતાં.

જેલની દીવાલમાં બાકોરું પાડી થઈ ગયાં છે એ ફરાર,
સાવ રંગેહાથ જે બે નંબરી સપનાં મેં પકડાવ્યાં હતાં.

પાંડવોના જુગટું જેવો સમય હો તોય શું, પ્હોંચી વળું,
ફક્ત આબરુ રાખવા આ કૃષ્ણની મેં ચીર પૂરાવ્યાં હતાં.

- અનિલ ચાવડા

જિંદગી પોતે જ એક મોકાણ છે

જિંદગી પોતે જ એક મોકાણ છે,
સારું છે કે એની અમને જાણ છે!

જો મળી તું, તો દિવસ મંદિર થયો,
ક્ષણ બધી જાણે કે આરસપાણ છે.

મારી મૂડી ફક્ત મારું સ્મિત છે,
જે ગણો તે આટલું રોકાણ છે.

જળ ઉપર તરતી રહી મારી કથા
લોક કહેતા, 'તું ડુબેલું વ્હાણ છે.'

એમના ઘરમાં ઉદાસી વહુ બની,
સાંજ તેથી તેમની વેવાણ છે.

કોલસો છે મનમાં જે અફસોસનો,
જો ગઝલ થઈ તો હીરાની ખાણ છે.

‘કંઈ નથી’ એવું કહું કઈ રીતથી?
દેહમાં મારા હજીયે પ્રાણ છે!

- અનિલ ચાવડા

કવિ કવિતા વાંચે છે

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

ટપાલ સહુને વ્હેંચે છે એ ભીતરથી ભીંજાવાની,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી

પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી,
પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી!

આજ કોઈ 'ના' કહે તો અર્થ એનો 'ના' જ થાય.
એ સમય નોખો હતો 'ના'માંય જ્યારે 'હા' હતી.

પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ?
પામવું‘તું કૈંક મતલબ કે હજી માયા હતી!

જો રહી નહિ કામની તો જઈ કતલખાને દીધી,
આપ્યું ગાયે દૂધ જ્યાં લગ ત્યાં સુધી માતા હતી.

આજ જો કંઈ નહિ કરો તો કાલ પૂછશે બાળકો,
"શું અહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી?"

- અનિલ ચાવડા

એમ કંઈ અમથા જ હું હસતો નથી

એમ કંઈ અમથા જ હું હસતો નથી
એ વિના બીજો કશો રસ્તો નથી!

મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય;
જિંદગીનો ઘોબો ઉપસતો નથી!

કોઈ પણ ખાતું નથી મારી દયા,
સાપ જેવો સાપ પણ ડસતો નથી!

સાવ સામે છું છતાં એ ના જુએ,
આ તમાચો એક તસતસતો નથી?

ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે,
એટલે ચિરાગને ઘસતો નથી!

~ અનિલ ચાવડા

તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ

તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ,
જોકે એને કાઢવામાં આંગળી ગઈ.

મુગ્ધતા ગઈ વજ્રતાને પામવામાં,
ચક્ર તો મેં મેળવ્યું પણ વાંસળી ગઈ!

રણમાં જે ખોવાઈ ગઈ એની કથા કહે,
એની નહિ જે જઈને દરિયામાં ભળી ગઈ.

કાન છે પણ જીભ ક્યાંથી લાવશે ભીંત?
સાંભળી ગઈ તો ભલેને સાંભળી ગઈ!

જે ગયા એ તો પરત આવ્યા નહીં પણ,
છાતી કૂટી કૂટીને તો પાંસળી ગઈ.

આગ હૈયાની હવે બુઝાઈ જાશે,
દેહમાંની આગ આગળ નીકળી ગઈ.

‘ચાલ દેખાડું તને સુંદર સિતારા‘,
એમ કહીને રાત સૂરજને ગળી ગઈ.

- અનિલ ચાવડા

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું.
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.

બ્હાર ટંકાવ્યાં હતાં એ ક્યારનાં તૂટી ગયાં,
બસ ટક્યું એક જ બટન, જે માએ ટાંકેલું હતું.

કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો,
આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું.

માત્ર ઝભ્ભો હોત તો પ્હેરત નહીં ક્યારેય હું,
ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું.

ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે;
જે તમે જોયું હતું એ દૃશ્ય માંજેલું હતું.

જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો,
ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું.

એટલે મેં રાહ જોઈ હાંફ ઊતરે ત્યાં લગી,
મારી પાસે આવ્યું ‘તું એ તથ્ય હાંફેલું હતું!

~ અનિલ ચાવડા

એ દીકરી છે

આભથી ઈશ્વરની કૃપા ઊતરી એ દીકરી છે,
સાંભળી‘તી વારતામાં જે પરી એ દીકરી છે.

વ્હાલનો દુષ્કાળ વરતાતો હતો એવા સમયમાં,
વાદળી જે સ્નેહપૂર્વક ઝરમરી એ દીકરી છે.

એક દી શરણાઈ વાગી ને ઊડી ગઈ આંગણેથી,
તોય ઘરમાં વાગતી રહી બંસરી એ દીકરી છે.

અશ્રુમાં પણ જે ઉડાડે સ્મિતનાં ધોળાં કબૂતર,
આવડે છે જેને આ જાદૂગરી એ દીકરી છે.

એક ફળિયે મૂળ નાખી ફળ દીધાં જઈ અન્ય ફળિયે,
જાતમાં રહી જગ સુધી જે વિસ્તરી એ દીકરી છે.

- અનિલ ચાવડા

એક દી સાહેબ ખુદ ઑફિસમાં બોલાવશે

એક દી સાહેબ ખુદ ઑફિસમાં બોલાવશે,
ને પછી તારી કને તારાં કરમ જોખાવશે.

મોક્ષ માટે જે લખાવી છે તેં મોંઘા ભાવની,
ધર્મગુરુની ભલામણ ચીઠ્ઠીઓ સળગાવશે.

એક સૂકા વૃક્ષને પણ જળ કદી પાયું હશે,
એની પણ ખાતાવહીમાં નોંધ એ ટપકાવશે.

આંખ તારી ભીંજવીને ચેક કરશે એ પ્રથમ,
તે છતાં જો નીકળે નહિ મેલ તો ધોકાવશે.

એક ક્ષણ સુધ્ધાં ગણતરી બ્હાર જઈ શકશે નહીં,
ક્યાં, કયો, કેવો જિવાયો શ્વાસ એ બતલાવશે.

- અનિલ ચાવડા

ક્યાં કહ્યું એવું, ધજાની જેમ ફરફરવું નથી

ક્યાં કહ્યું એવું, ધજાની જેમ ફરફરવું નથી,
પણ હવાને એની માટે મારે કરગરવું નથી.

કમનસીબી! મારી બહુ સેવા કરી તેં, જપ હવે,
શું? હજી કરવો નથી આરામ? પરહરવું નથી?

આમ પરવશ ફૂલ કરતાં થોરનો અવતાર દે,
કોઈ માળીની કૃપાથી મારે પાંગરવું નથી.

એવું લાગે તો હું કૂણું પાન નહિ પથ્થર બનીશ,
પણ પવનની ધાકથી સ્હેજેય થરથરવું નથી!

હોય મૂશળધાર ભીંજાવા જો તત્પર તો મળો;
મારે ચપટીએક વાછટ જેમ ઝરમરવું નથી!

આંખ ખર્ચાઈ ગઈ, ઘટના જ કંઈ એવી હતી;
મન ઘણું મક્કમ કર્યું‘તું આંસુ વાપરવું નથી.

જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશ હું,
પણ ગઝલમાં સહેજ પણ કક્ષાથી ઉતરવું નથી!

- અનિલ ચાવડા

અહલ્યાને અડ્યો તો એમ આવીને અડક અમને

સતત પથ્થરપણું રાખી રહ્યું છે ઊભડક અમને;
અહલ્યાને અડ્યો તો એમ આવીને અડક અમને!

હવે ધોળા દીએ પણ ક્યાંય દેખાતા નથી એ સૌ,
જે કહેતા’તા કે અડધી રાતે કહેજો બેધડક અમને.

થયાં છે બહાવરાં ચરણો ફરી જખમી થવા માટે,
ઈજન આપી ગઈ છે જ્યારથી જૂની સડક અમને!

મળ્યાં એ છેક ઢળતી ઉંમરે રસ્તામાં ઓચિંતા,
થયું છે એ જ છેવટ જેની રહેતી'તી ફડક અમને.

અમારી પર સતત મોજાં પછાડી મન કર્યું હળવું,
કરી નાખ્યાં છે સાબિત એ જ દરિયાએ ખડક અમને!

ચરસનો પણ નથી ચડતો નશો શા હાલ છે આજે,
હતો એ પણ સમય કે લાગતી‘તી ચા કડક અમને!

~ અનિલ ચાવડા

નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે

નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે
અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે

મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં છોડે
તૂટે પ્હેરણ તો પોતું મારવામાં કામ આવે છે.

રડું છું તો કરે છે આંસુ કેરોસિન જેવું કામ,
હવે કંઈ ક્યાં હૃદયને ઠારવામાં કામ આવે છે

ખુશી છે કે પડ્યાં છે જિંદગીમાં ગાબડાંઓ બહુ
ઘણા ખાડા ઘણું ભંડારવામાં કામ આવે છે

ગયું દરરોજ બાળક મંદિરે ને એટલું શીખ્યું,
કે ઈશ્વર આરતી ઉતારવામાં કામ આવે છે.

નથી કંઈ મૂર્તિ એ ઈશ્વર, એ તો છે ધાતુ કે પથ્થર,
જો કે એ ધાતુ ઈશ્વર ધારવામાં કામ આવે છે.

- અનિલ ચાવડા

ચિંતા અપાર છે ને બહુ બોજમાં રહું છું

ચિંતા અપાર છે ને બહુ બોજમાં રહું છું
તો પણ પ્રભુની કૃપા કે મોજમાં રહું છું

જો ભવ્યતા છૂટી તો ભાંગી નથી પડ્યો કંઈ
સાગરમાં હોઉં એમ જ હું હોજમાં રહું છું

મિત્રો કહે કરીશું તું હોય તો જ મહેફિલ
ગૌરવ એ વાતનું છે કે ‘તો જ‘માં રહું છું!

તહેવાર જેમ મારું એકાંત ઊજવું છું,
યાદોની મસ્ત મોટી એક ફોજમાં રહું છું,

રહેતું‘તું વ્યગ્ર જે મન એ મગ્ન થઈ ગયું છે
ખણખોદ છૂટી ગઈ ને ખોજમાં રહું છું

~ અનિલ ચાવડા

મા મને પાલવમાં સંતાડી સતત દુવા કરે છે

ખૂબ મુશળધાર છે વરસાદ, છત ચૂવા કરે છે.
મા મને પાલવમાં સંતાડી સતત દુવા કરે છે.

પ્રેમથી જો મા કશું બાંધે તો એ શ્રદ્ધા જ બાંધે,
માદળિયા-બાદળિયા એ બધું તો ભૂવા કરે છે.

એક ખોબા જેટલું બાળકનું નાનું પેટ ભરવા,
મા ઘણીયે વાર ખુદના પેટમાં કૂવા કરે છે.

હાથ, પાલવ બેઉ પોતાના ને પોતાની જ આંખો,
બીજું તો ક્યાં કોઈ એનાં આંસુઓ લૂવા કરે છે.

આંખમાં એણે મને આંજ્યો છે ક્યાંથી ઊંઘ આવે?
મા નહીંતર ખુદ પ્રયત્નો તો ઘણા સૂવા કરે છે.

- અનિલ ચાવડા

જરાકે ખાંડ જૂની યાદની દેખાય ફળિયામાં

જરાકે ખાંડ જૂની યાદની દેખાય ફળિયામાં,
તરત કીડીની માફક વસવસા ઊભરાય ફળિયામાં.

એ મારા ઘર ઉપર કબજાનો કાગળ લઈને આવ્યો છે,
ઘડીભર બાંધવા દીધી'તી જેને ગાય ફળિયામાં.

ખબર શું દ્વારને કે ઓરડામાં લાશ લટકે છે,
હરખથી માંડવો જે નામનો બંધાય ફળિયામાં.

નિહાળે છે ગલી આખીય એને અણગમા સાથે,
અગર જો આબરૂનાં માછલાં ધોવાય ફળિયામાં.

બિચારી પાંપણોએ ખૂબ રાખી છે તકેદારી,
ભૂલેચૂકે ય ના આંખોથી કંઈ ઢોળાય ફળિયામાં.

ખબર છે ઘરને કે ક્યાં ક્યાં શું શું તૂટી ગયેલું છે,
અજાણ્યાને બધું સમથળ ભલે દેખાય ફળિયામાં.

ઊડે છે ઘરમાં તો રણ જેવી સૂકી રેતની ડમરી,
ને મૂશળધાર ચોમાસાં સતત ઠલવાય ફળિયામાં.

~ અનિલ ચાવડા

પાનના ગલ્લાની ગઝલ

મૂક ને પંચાત આખા ગામની;
વાત કર તું માત્ર તારા પાનની.

લે બીડી સળગાવ, ને ચલતી પકડ,
કર નહીં પડપૂછ જીવનની આગની.

કાળ સૌને ચાવી થૂંકી નાખશે,
કેમ બહુ ચિંતા કરે છે ડાઘની?

દિ' તમાકુ જેમ ચોળ્યા બાદ, બોલ,
ઊંઘ સારી આવે છે ને રાતની?

ગૂટકા સંજોગની ચુપચાપ ખા;
કર નહીં ફરિયાદ એની બ્રાન્ડની!

હું સમયના હોઠથી પીવાઉં છું,
રોજ ઢગલી થાય મારી રાખની.

- અનિલ ચાવડા

હા, હા, હતો હું કાચ, ને તૂટ્યો હતો કબૂલ

હા, હા, હતો હું કાચ, ને તૂટ્યો હતો કબૂલ,
પથ્થરપણાની સામું હું જુક્યો હતો કબૂલ.

હું તો કબૂલું છું જ, ખર્યો‘તો - પડ્યો‘તો હું,
તું પણ, હું પાંગરી ફરી ઊગ્યો હતો, કબૂલ!

આંખોથી જો સરે તો પછી શું કરું હું બોલ?
કિસ્સો મેં તારા નામનો લૂછ્યો હતો કબૂલ.

જે આગનો ગુનો મેં કબૂલી લીધો છે દોસ્ત,
તણખો એ તારા હાથથી ઉડ્યો હતો, કબૂલ?

આવ્યો હતો હું દ્વાર ઉપર એ ન ભૂલ તું,
ચાલ્યા ગયા પછીથી તું ખૂલ્યો હતો, કબૂલ.

- અનિલ ચાવડા

તાકી તાકીને બધા જોઈ રહ્યા છે ચણ તરફ

તાકી તાકીને બધા જોઈ રહ્યા છે ચણ તરફ,
ધ્યાન કોઈનું નથી સંજોગની ગોફણ તરફ!

એ મળ્યાં, હૈયું ગયું દોડીને નિવારણ તરફ;
મન ગયું, ‘છૂટાં પડ્યાં ’તા કેમ?’ એ કારણ તરફ

આપણે મન છે કદાચિત સૂર્ય મોટો તેજપૂંજ,
શક્ય છે બ્રહ્માંડ જોતું પણ ન હો રજકણ તરફ!

એ જ નિર્ણય જિંદગી બદલી શકે એવા હતા,
મેં નજર સુધ્ધાં નહોતી નાખી જે બે-ત્રણ તરફ.

મૃત્યુ ટાણે હાથમાં સૈનિકના એક કપડું હતું,
આંખ થઈ ગઈ ’તી સ્થગિત એમાં રહ્યા ગૂંથણ તરફ.

એક રસ્તો એક ઘરને કૈંક કહેવા માગે છે,
ક્યારનો ફેંક્યા કરે છે કાંકરી આંગણ તરફ.

- અનિલ ચાવડા

ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે

ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,
સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?
અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,
કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?
કહો છો દોડવાનું એ ય તે બાંધેલ પગ સાથે?

ફકત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,
પધાર્યાં'તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો
હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?
અલગ રીતે સ્વયંમનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાંખઘોડી પર,
ઘરેથી નીકળ્યો'તો હું ઘણા કાબેલ પગ સાથે.

~ અનિલ ચાવડા