લેબલ MY BOOKS સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ MY BOOKS સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મરીઝોત્સવ । સંપાદનઃ મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા

પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.
મરીઝોત્સવ 
સંપાદનઃ 
મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા
કિંમતઃ 300/- રૂપિયા । પ્રકાશકઃ આર. આર. શેઠ, અમદાવાદ

પ્રસ્તાવના

રઈશભાઈનો ફોન આવ્યો, “હલો અનિલ, મોહસીનભાઈ – મરીઝસાહેબના દીકરાની ઇચ્છા એવી છે કે મરીઝસાહેબની ગઝલોના આસ્વાદનું એક સરસ પુસ્તક થાય. આનું સંપાદન કરવાનું વિચાર્યું છે, તને સંપાદનનો અનુભવ છે, તને આમાં જોડાવાની ઇચ્છા છે?”

નદી સામે ચાલીને તરસ્યા પાસે આવે તો કોણ ના પાડે? મેં એક ક્ષણનોય વિલંબ કર્યા વિના હા પાડી દીધી. આ રીતે આ પુસ્તકના સંપાદનમાં જોડાવાનું થયું. મરીઝ સાથે આ રીતે જોડાવાની તક આપવા માટે રઈશભાઈ, મોહસિનભાઈ અને ચિંતનભાઈનો દિલથી આભારી છું.

આમ તો આ પુસ્તક વિશે મોહસિનભાઈ અને રઈશભાઈએ તેમની પ્રસ્તાવનામાં વિગતે વાત કરેલી જ છે, એટલે મારે વિશેષ વાત કરવાની રહેતી નથી. મરીઝ ગુજરાતી ભાષાના ગાલિબ છે કે મરીઝ ગુજરાતી ગઝલનું શિખર છે કે મરીઝ ગુજરાતી ભાષાના અનન્ય ગઝલકાર છે એવું કહીને વાતોનું પુનરાવર્તન કરવાનો પણ અર્થ નથી, કેમકે મરીઝની કલમના કૌવતને ગુજરાત સારી રીતે પિછાણી ગયું છે.

પણ આ સંપાદનસંદર્ભે એટલું કહી શકાય કે ગુજરાતી ગઝલમાં સર્વોચ્ચ સ્થાને બેસનાર ગઝલકારની રચનાઓનું અલગ અલગ કવિઓ દ્વારા આસ્વાદ થાય તો મરીઝના ચાહકોને અન્ય કવિઓનો મરીઝની ગઝલો તરફનો દૃષ્ટિકોણ જોવા-જાણવા મળે. સાથે સાથે જે તે કવિ પણ મરીઝની ગઝલને કઈ રીતે આત્મસાત કરે છે, તેનો પરિચય થાય.

આ સંપાદનમાં કોની પાસે કવિતાના આસ્વાદ કરાવવા તે એક પ્રશ્ન હતો, કેમકે મરીઝના ચાહકો તો હજારો છે. પણ ચર્ચાને અંતે એમ ઠરાવ્યું કે જે કવિઓ હોય તેમની પાસે જ આસ્વાદ કરાવવા. કવિ સર્જનની કપરી ઘડીમાંથી પસાર થયો હોય છે, માટે તે સર્જનનો આનંદ અને પીડા બંને સારી રીતે જાણતો હોય છે. કવિના ચિત્તમાં સર્જનની ગર્ભાવસ્થા ઓછેવત્તે અંશે પડી હોય છે, જે આસ્વાદટાણે ખપમાં લાગે છે. ગઝલમાં કલા-કસબ લાવવામાં કેટલી વીસે સો થાય તે દરેક કવિ સ્વાનુભવે જાણે છે, તેથી જો સિદ્ધહસ્ત કવિઓ દ્વારા મરીઝની ગઝલનો આસ્વાદ થાય તો કવિતાપ્રેમીઓને કશુંક વિશેષ મળે.

કઈ કવિતાનો આસ્વાદ કોની પાસે કરાવવો એ વધારે મૂંઝવનારો પ્રશ્ન હતો, પણ એ બાબતે જે તે કવિના મૂડ મુજબ કવિતા પસંદ કરીને આપવાને બદલે કવિતાની સામે નક્કી કરેલા કવિના લિસ્ટમાંથી નામ આવતાં ગયાં તેમ તેમ મોકલતા ગયા. એટલે કોના ભાગે કઈ કવિતા આવે તે નિશ્ચિત નહોતું.

મરીઝ પ્રત્યેના પ્રેમને જોતા દરેક કવિએ ધાર્યા કરતા વહેલા આસ્વાદલેખો મોકલી આપ્યા છે, તે માટે સૌ કવિમિત્રોનો અમે સંપાદકો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ચિંતનભાઈની ચીવટ આર.આર. શેઠના દરેક પુસ્તક-પ્રોડક્શનમાં દેખાઈ આવે છે. આ પુસ્તક પણ એટલી જ ચીવટાઈથી તે પ્રગટ કરશે તેમાં બેમત નથી. આ વિચારને સાકાર કરવા માટે તેમનો આભાર.

મરીઝપ્રેમીઓને આ પુસ્તક ખૂબ ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા છે.

- અનિલ ચાવડા

રેન્ડિયર્સ । અનિલ ચાવડા । નવલકથા

પુસ્તકનું નામઃ રેન્ડિયર્સ । લેખકઃ અનિલ ચાવડા । કિંમતઃ 159/-
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. એની નિર્દોષ મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. 

આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અળવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણ પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.

આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. 

નવલકથા વિશે જાણીતા લેખકો-વિવેચકોના પ્રતિભાવોઃ

• લેખકે કમાલ કરી છે!
- અખંડ આનંદ

• આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. આ નવલકથા ઇતિહાસ સર્જશે!
- જયશ્રી મરચન્ટ (‘OPINION’માંથી)
—————————————————

• કાળિયાર જેવા કિશોરો દ્વારા સમાજદર્શન કરાવતી રસપ્રદ કથા.
- રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર)

• આ અદ્ભુત નવલકથા બની છે. આ નવલકથા અનિલ ચાવડા માટે માઇલસ્ટોન સાબિત થશે!
- ડૉ. શરદ ઠાકર (સુપ્રસિદ્ધ નવલકથાકાર-કોલમિસ્ટ)

• જિંદગીનું celebration કરતી સુંદર કથા!
- કિરીટ દૂધાત (સુપ્રસિદ્ધ વાર્તાકાર-વિવેચક)

• જીવી ચૂકેલા સમયખંડની સ્મૃતિઓનું સુંદર મજાનું આલ્બમ એટલે ‘રેન્ડિયર્સ’
- રામ મોરી (નેશનલ એવોર્ડ વિજેતા લેખક)

• દરેક ચેપ્ટર સિનેમેટીક! ફ્લો તો એવો સુંદર કે વાત ન પૂછો.
- કવિ વિરલ દેસાઈ (જાણીતા યુવાકવિ)

• એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક
- મેગી અસનાની (ઉર્દૂ-ગુજરાતી યુવાકવિ)

• પુસ્તક વાંચીને દરેકને પોતાની કિશોરાવસ્થાનું સ્મરણ અચૂક થઈ આવે!
- વિપુલ પરમાર (યુવાકવિ)

પુસ્તક નીચે આપવામાં આવેલ વેબસાઇટ્સની લિંક પરથી ખરીદી શકશો

એમેઝોન । નવભારત સાહિત્ય મંદિરબુકપ્રથા