[ પુસ્તકનું નામઃ લે મિઝેરાબ્લ, લેખકઃ વિક્ટર હ્યૂગો અનુવાદઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકાશકઃ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ]
પુસ્તક તમે આ લિંક પર ક્લિક કરીને ખરીદી શકશો
જિન વાલજિન નામનો એક માણસ 19 વર્ષની આકરી સજા કાપીને જેલમાંથી છૂટ્યો છે, ત્યાંથી કથાની શરૂઆત થાય છે. ઓગણીસ વર્ષ પહેલાં તેણે એક બ્રેડનો ટુકડો ચોરેલો. આ ગુના માટે તેને ચાર વર્ષની સજા થઈ. ચાર વર્ષ તેને દરિયાઈ વહાણની કાળી મજૂરીમાં મુકાયો. મજૂરી ન વેઠાતા ત્યાંથી ભાગ્યો, પણ પકડાઈ ગયો અને ભાગવાના પ્રયત્ન બદલ તેની સજામાં બીજા ત્રણ વર્ષ ઉમેરાયા. ફરીથી ન વેઠાયું, ફરી ભાગ્યો, ફરી પકડાયો અને ફરીથી થોડાં વર્ષ ઉમેરાયાં. આ રીતે ભાગતા-પકડાતાં તેની સજા ઓગણીસ વર્ષ લંબાઈ ગઈ. એક બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષ કાળા પાણીની જેલ! વહાણ ઉપર તે જ્યારે ચડ્યો હતો, ત્યારે ડૂસકાં ભરતો અને ધ્રૂજતો ધ્રૂજતો ચડ્યો હતો, પણ જ્યારે તે છૂટીને નીચે ઊતર્યો ત્યારે તેનું દિલ પથ્થરનું થઈ ગયું હતું.
જેલની આકરી સજા વેઠીને છુટેલો આ મુસાફર એક શહેરમાં આવે છે, સાંજ ઢળી ચૂકી છે અને હાડ થીજાવી દે તેવી ઠંડી ચારેબાજુ ફેલાઈ ગઈ છે. ક્યાંક રોકાવું જરૂરી છે. આ મુસાફર શહેરની બધી વીશીમાં ફરી વળે છે, પણ બધેથી જાકારો મળે છે, કેમ કે તે જેલમાંથી છૂટીને આવેલો ભયંકર માણસ છે, તેવી વાયકા આખા શહેરમાં ફેલાઈ ચૂકી છે. કંટાળીને એક ભલા પરિવાર પાસે મદદ માગે છે, ત્યાંથી પણ હડધૂત થાય છે. રાત પડી જતાં ઠંડીથી બચવા એક બખોલ જેવી જગ્યાએ ભરાય છે, બખોલમાં સૂતેલો એક ડાઘિયો કૂતરો તેની પાછળ પડે છે. માંડ જીવ બચાવી એક દેવળની બહાર ઓટલા પર ઊંઘે છે, ત્યારે એક ડોશી કહે છે, અહીં રહીશ તો સવાર સુધીમાં મરી જઈશ. વાતવાતમાં તે શહેરના પાદરી વિશે કહે છે. ભલે બધાં બારણે જાકારો મળ્યો, પણ પાદરીને ત્યાંથી જાકારો નહીં મળે. તે પાદરીને ત્યાં જાય છે. તેને આવકાર મળે છે. જમવાનું અને સુંદર પથારી મળે છે. તેને વિશ્વાસ નથી આવતો કે ખરેખર તેના રહેવા-જમવાની વ્યવસ્થા મળી ગઈ છે.
ઓગણીસ-ઓગણીસ વર્ષ જેલની સજા કાપ્યા પછી તે એટલો બધો જડ અને ખંધો થઈ ગયો છે કે તેને દરેકમાં કાવતરાની કે અપમાનની ગંધ આવે છે. પાદરી દ્વારા આટલું સન્માન મળતા તેને ભયંકર આંચકો લાગે છે. પાદરી તેને ચાંદીનાં વાંસણો અને રૂપાની દીવી વગેરે બતાવે છે. રાત્રે અચાનક તે જાગી જાય છે અને તેનું મન વિચારે ચડે છે. આટલાં વર્ષો જેલમાં રહ્યા પછી હવે શું? માત્ર એક નાનકડા બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષની આકરી સજા આપીને સમાજે તેની સાથે હળાહળ અન્યાય કર્યો છે. પોતાની બહેનનાં આઠ નાનાં બાળકોનું પેટ ભરવા માટે કરાયેલી આ નિર્દોષ ચોરીની તેણે કબૂલાત પણ કરી લીધેલી, છતાં આવી ભયંકર સજા ફરમાવીને સમાજે તેની સાથે જે કર્યું છે, તેનો બદલો કોઈ કાળે ચૂકવી શકાય તેમ નથી. તેની નાનકડી ચોરીના બદલામાં સમાજે તેની પાસેથી બધું જ લઈ લીધું છે અને તેને વસૂલ કરવાનો તેને પૂરેપૂરો હક છે એવું તે વિચારે છે. આ પાદરીનાં ચાંદીનાં વાસણો અને કિંમતી વસ્તુ લઈને ભાગી જાઉં તો જીવવામાં કામ આવશે આમ વિચારી રાત્રે ચોરી કરીને તે ભાગે છે અને શહેરની પોલીસ તેને પકડી લાવે છે. ફરીથી ભયંકર સજાના વિચારો તેને થથરાવી મૂકે છે.
પોલીસ તેને પકડીને પાદરી પાસે લાવે છે ત્યારે પાદરી કહે છે, અરે ભલા માણસ તું આ વાસણો લઈ ગયો, પણ ચાંદીની દીવી તો ભૂલી જ ગયો. આ પણ લઈ જા. તે તારા કામમાં આવશે. આટલું સાંભળીને તેના કાન પર વિશ્વાસ આવતો નથી. પાદરી પોલીસને કહે છે કે આ મારા મહેમાન છે અને મેં જ તેમને આ વસ્તુઓ આપી હતી. પોલીસ તેને છોડી મૂકે છે. આ બધું જોઈને જિન વાલજિન મૂર્છા ખાઈને ગબડી પડવાની સ્થિતિમાં આવી જાય છે. પાદરીએ ધીમેથી કહ્યું, “ભાઈ, તેં મને આ બધાના પૈસાનો પ્રામાણિક ઉપયોગ કરવાનું વચન આપ્યું છે, તે કદી ભૂલતો નહીં.” પોતે કંઈ વચન આપ્યું હોય તેવું જિન વાલજિનને યાદ આવતું નથી. પાદરી ગંભીરતાથી બોલ્યો, “ભાઈ જિન વાલજિન, હવે તું પાપના પંજામાંથી મુક્ત થયો છે. મેં તારો અંતરાત્મા ખરીદી લીધો છે. હું તેને ઘોર વિચારો અને અધોગતિમાંથી ઉપાડીને ઈશ્વરના હાથમાં સોંપું છું.”
પાદરીનો આવો દયાળુ વ્યવહાર તેના હૃદયમાં ઘમસાણ જગાડે છે. જે આખા જગતથી ધૂત્કારાયો છે, તે અહીં સ્વીકારાયો. સ્વીકારાયો એ પણ કેટલો અદ્ભુત રીતે! તેના હૃદયમાં દરિયાઈ તોફાન જેવાં મોજાં ઉછાળા મારવા માંડ્યાં. મન મહાસાગર જેમ મંથને ચડ્યું. આ નવલકથાની શરૂઆત માત્ર છે. આગળની કથા તો એનાથી પણ વધારે રસપ્રદ, રોચક, થ્રીલથી ભરેલી, અનેક વળાંકો લેતી વહેતી રહે છે.
આખી કથા તો લગભગ 1800-1900 જેટલાં પાનાંઓમાં પથરાયેલી છે. તેને અહીં ટૂંકમાં વર્ણવવી શક્ય પણ નથી. પરંતુ ગોપાળભાઈ જીવાભાઈ પટેલે તેનો સરસ, રસાળ અને પ્રમાણમાં ટૂંકો કહી શકાય તેવો 500 જેટલાં પાનાંઓમાં અનુવાદ કર્યો છે. જે નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેનું નામ છે - ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્ર નારાયણ’. આ નવલકથાના લેખક છે વિક્ટર હ્યૂગો. વિક્ટર હ્યૂગો માત્ર ફ્રાન્સના જ નહીં, વિશ્વસાહિત્યના મહાન કથાકાર છે તેમાં કોઈ બેમત નથી. તેમની લેખનશૈલી અને રજૂઆતે કથારસિયાઓને રીતસર ઘેલું લગાડેલું. તેમના લેખનનું ઘેલું આજે પણ વાચકોમાં એટલું જ તીવ્ર છે. વિક્ટર હ્યુગોને વાંચનારા તેમના ચાહક થઈ જાય છે.
‘લા મિઝરેબલ’માં માણસાઈનો મહાખજાનો છે, જે ખૂટ્યો ખૂટે તેમ નથી. વેદના, સંવેદના, દયા, પ્રેમ અને આશા-નિરાશાના વિશ્વમાં અનોખી સફર કરાવતી આ કૃતિ માત્ર ફ્રેન્ચ ભાષાની જ નહીં, વિશ્વસાહિત્યના ઘરેણા સમાન છે. મેં અત્યાર સુધી વાંચેલી તમામ કૃતિઓમાં આ મારી પ્રિય રહી છે. માનવમનની આંટીઘૂંટી અને બુઝાઈ જતી આશાની દીવડીને લેખકે અનેક રીતે જલતી રાખી છે. આ કથા વાંચ્યા પછી તેનું અજવાળું તમારા આંતરમનને પણ સ્પર્શી જશે તેમાં કોઈ બેમત નથી.
આ નવલકથા બુરાઈથી ભલાઈ તરફ, નિર્દયતાથી દયા તરફ, અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ અને અપ્રામાણિકતાની આંધીમાંથી પ્રામાણિકતાના પ્રદેશ લઈ જાય છે. આ કથામાં વિક્ટર હ્યૂગોએ માનવમનની આંટીઘૂટીઓ એટલી ચીવટથી અને હૃદય વલોવાઈ જાય એ રીતે આલેખી છે કે કથા વાંચતી વખતે અને વાંચ્યા પછી પણ વાચકના હૃદયમાં રીતસર તોફાન ઊઠતાં રહે છે.
મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી અને લગભગ 1900 પાનાંઓની આસપાસ પથરાયેલી આ કથા અંગ્રેજીમાં અનુવાદિત થઈ ત્યારે 1450 પાનાંઓમાં વિસ્તરેલી. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો, રૂપાંતરો થયાં છે, ત્યારે ગુજરાતી તેમાંથી કેમ બાકાત રહે? ગુજરાતીમાં પણ અનેક અનુવાદકોએ તેને આપણી ભાષામાં સુપેરે ઉતારી છે.
મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચેક અનુવાદકોએ આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ‘દુખિયારા’ નામે શ્રી મૂળશંકર મો. ભટ્ટે કરેલો અનુવાદ પણ એટલો જ અદ્ભુત અને રસાળ છે. આ અનુવાદ લગભગ પાંચસો-છસો પાનામાં સીમિત કરાયો છે. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્રનારાયણ’ નામે કરેલો અનુવાદ પણ અત્યંત રોચક, રસપ્રદ અને પ્રવાહી છે. તેમાં અનુવાદપણાનો જરાકે ભાર લાગતો નથી. વાચકો નદીના પટમાં સરળતાથી તરતી નાવડી જેમ કથાના પટમાં વિહાર કરી શકે છે. ત્યાર બાદ મુકુલ કલાર્થીએ ‘પારસમણિના સ્પર્શે’ નામથી લગભગ દોઢસોએક પાનામાં તેનો અનુવાદ કર્યો છે. જે વધારે પડતો સંક્ષિપ્ત છે. એ જ રીતે મનસુખ કાકડિયાએ ‘લા મિઝરેબલ’નો કરેલો અનુવાદ પણ લગભગ આટલો જ ટૂંકાણમાં છે. આ સિવાય કદાચ માવજી સાવલાએ પણ લા મિઝરેબલનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જે પુસ્તક બે હજારની આસપાસ પાનાં ધરાવતું હોય તેને દોઢસો-બસો પાનામાં સમાવવું કપરું છે. તેમાં મૂળ સ્વાદ પામવો અસંભવ જેવું થઈ પડે છે. પણ એની સરખામણી નાનાભાઈ ભટ્ટ અને ગોપાળદાસ જીવાભાઈ પટેલે કરેલા અનુવાદો ખૂબ સારા છે.
આ નવલકથામાંથી વારંવાર ફિલ્મો, વેબસિરિઝ, નાટકો, સિરિયલ્સ વગેરે બનતાં જ રહે છે. દસ કરતાં પણ વધારે વખત આ એક જ વાર્તા પરથી ફિલ્મ બની છે અને એ દરેક ફિલ્મે સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લે 2012માં ‘Les Misérables’ નામે ફિલ્મ આવેલી. જેને Tom Hooperએ ડિરેક્ટ કરેલી. આ ફિલ્મને લગભગ ત્રણેક ઓસ્કાર એવોર્ડ પણ મળેલા. એક્સમેન તરીકે ઓળખાતા હ્યુફ જેકમેને જિન વાલજિનનો રોલ કરેલો. પોલીસ જેવર્ટનો રોલ કરેલો રસેલ ક્રોએ. 2007માં ‘Les Misérables: Shōjo Cosette’ નામથી જાપાનિઝ એનિમેટેડ સિરિયલ બનેલી. જે ખૂબ લોકપ્રિય થયેલી. 2018માં બીબીસીએ Les Misérables નામથી વેબસિરિઝ પણ બનાવેલી. જેને Tom Shanklandએ ડિરેક્ટ કરેલી. આ વેબસિરિઝ પણ ઘણી સફળ રહેલી. અલગ અલગ સમયે આ નવલકથા પરથી મ્યૂઝિકલ કોન્સર્ટ થઈ છે, તેને પણ ભવ્ય સફળતા મળી છે. જગતમાં જુદાં જુદાં સ્થાનો-દેશો-પ્રદેશોમાં આ કથાને ધ્યાનમાં રાખીને નાટકો, ફિલ્મો, સિરયલ્સ, વેબસિરિઝ સર્જાંતાં રહે છે અને હજી સર્જાંતાં જ રહેશે. તો એવું શું છે આ નવલકથામાં કે જે વિવિધ ડાયરેક્ટરોને સતત આકર્ષતું રહે છે? એવું કયું તત્ત્વ છે આ કથામાં, જે વાચકને સતત જકડી રાખે છે? એ જાણવા માટે તમે આ નવલકથા વાંચી લો એ જ બહેતર રહેશે.
- અનિલ ચાવડા