લેબલ વીડિયો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વીડિયો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

દિવાળીની હાર્દિક શુભકામનાઓની કવિતા...

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

* આ કવિતાનું માધવી મહેતા - અસીમ મહેતા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું સ્વરાંકન પણ સાંભળોઃ
 


ચાલ્યો જઈશ

ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ;
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.

છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.

પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.

રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.

છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળો



મૃત્યુગઝલ-2

વગર પૂછ્યે જ સરનામું કદી પૂછી જશે;
ટપાલી મૃત્યુનો કાગળ પછી મૂકી જશે.

બધા ચાલો જીવનનું નામ બરણી પાડી દો,
જે દી’ એ હાથમાંથી છૂટશે, ફૂટી જશે.

બધા સંતાય છોને ફાનસોના કાચમાં,
પવન પણ આવશે નહિ ને દીવો બૂઝી જશે.

જગતના બોર્ડ પર સઘળા લખાયા છે અહીં,
અચાનક એક ડસ્ટર આવશે, ભૂંસી જશે.

અચાનક ફરતું-ફરતું વૃક્ષ માટી થઈ જશે,
નહીં દેખાતું પંખી વૃક્ષથી ઊડી જશે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ક્યારે હસવું ક્યારે રડવું

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે.

મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.

કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!

મેં છૂટા પડવાનું જો કારણ પૂછ્યું તો એ કહે,
'પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપીક્સ છે.

સાંભળ્યું છે કોક દિ' મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
'રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.'

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


મૃત્યુગઝલ (ઈશ્વરને સંબોધીને)

જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો;
મને મારામાંથી તેં ઈશ્વર, બહાર કાઢી લીધો.

હવે તો હું ક્યાંય પણ દેખાતો નથી કોઈને,
તેં જાણે કે મારામાંથી આકાર કાઢી લીધો.

ન દરવાજે, શેરી, પાદર કે ગામમાંથી ચાલ્યો,
સિફતથી તેં ઘરમાંથી બારોબાર કાઢી લીધો.

છે ચોર્યાસી લાખમાંથી આ કેટલામો ફેરો?
જે કાઢ્યો એ કેટલામો અવતાર કાઢી લીધો?

હવે લોકો વાયકાઓ ના હોય એવી ઘડશે,
ખરો વાર્તાનો હતો જે, એ સાર કાઢી લીધો.

- અનિલ ચાવડા
  • આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

જીવી રહ્યા છીએ

ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ;
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

પર્ણમાં, ડાળમાં, કે બીજમાં જીવી રહ્યા છીએ?
આપણે વૃક્ષત્વની કઈ રીતમાં જીવી રહ્યા છીએ?

હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું;
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.

તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નહિ,
એકધારા આ અમે કઈ ચીજમાં જીવી રહ્યા છીએ ?

અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
-ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ. 

- અનિલ ચાવડા
  • આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

આખા જગતનો ભાર

સૌપ્રથમ મારા ખભે આખા જગતનો ભાર મૂકે છે;
ને પછી એ મારી સામે દોડવા પડકાર મૂકે છે.

જેમ ચકલી ચાંચથી બચ્ચાંના મોઢામાં મૂકે દાણા,
એમ મારી જિંદગીમાં કોઈ જણ અંધાર મૂકે છે.

લાગણીઓ, પ્રેમ, ઈર્ષ્યા, નામની સૌ યોજનાઓ,
શી ખબર કે આપણા મનમાં કઈ સરકાર મૂકે છે?

આ ગળું છે ભૈ ગળું, ડૂમાનું ગોડાઉન ઓછું છે?
બહુ વધુ સામાન તું શું કામ એમાં યાર મૂકે છે?

- અનિલ ચાવડા
  • આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

અડધો રહે હૃદયમાં, અડધો રહે મગજમાં

પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે;
પાછળ સમયના ભૂખ્યા સૌ ડાઘિયા પડ્યા છે.

અડધો રહે હૃદયમાં, અડધો રહે મગજમાં;
પ્રત્યેક માનવીમાં બે ફાડિયા પડ્યા છે.

કરવો પડે છે પ્હેલા તો અંધકાર સઘળે,
ત્યારે મળે છે જોવા ક્યાં આગિયા પડ્યા છે.

છે મૌનનું રૂપાંતર, શબ્દોની વાત ક્યાં છે?
ભાષાની માટે તો બહુ દુભાષિયા પડ્યા છે.

ના કોઈથી લખાતી જીવન-ગઝલ મુસલસલ,
બાકી તો સહુની ભીતર કંઈ કાફિયા પડ્યા છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


 

કામ નહીં આવે...

કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે;
જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે.

બાંય કે રૂમાલથી જાતે જ એને લૂછવાં પડશે,
આંસુ સુકવવા કદી કોઈ વળગણી કામ નહિ આવે.

ડૂબકી ખુદમાં જ મારીને પ્રભુને શોધવાના છે,
કોઈ માળાની કે મણકાની ગણતરી કામ નહિ આવે.

આ વખત પાણી નહિ પણ જિંદગી ડ્હોળાઈ છે મિત્રો,
સ્વચ્છ એને રાખવા માટે ફટકડી કામ નહિ આવે.

સ્હેજ અમથા આંચકે છૂટી જવું કંઈ પ્રેમમાં શોભે?
હોય બંધાવું જ, તો ગાંઠો સરકણી કામ નહિ આવે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે;
‘લખાણ શું કાગળિયામાં છે?’

સુક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે?

વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે?

કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.

મારામાં ડૂબો તો જાણો,
ઉપર છે એ તળિયામાં છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ



એ જ મારે જોવું છે

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે;
કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ,
વૃક્ષમાં છે કે નહીં? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે

આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો,
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે

હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ રટતો રહે,
“કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.”

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળો


હતા બેચાર એમાંથી ઘણા થતા ગયા

હતા બેચાર એમાંથી ઘણા થતા ગયા;
વહેંચાતા રહ્યા તો સો ગણા થતા ગયા.

અમે વીંઝાઈ જઈને વીંઝણા થતા ગયા,
ન સાબિત થઈ શક્યા તો ધારણા થતા ગયા.

પ્રસંગો પથ્થરો માફક થતા ગયા કઠિન,
અમે પણ એની સામે ટાંકણા થતા ગયા.

અચાનક કોઈ આવીને મને વીણી જશે,
અમે તડકે તપીને ઈંધણાં થતા ગયા.

સતત ખાલીપણું ઊંચું થતું ગયું અને-
પછી તો આપણે પણ ઠીંગણા થતા ગયા.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


એક બાજુ ચીસ છે

એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે;
એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.

તું નહીં જોઈ શકે - જાણી શકે મારા વિચારો,
મારી ઇચ્છાઓ હવા કરતાં ય ખૂબ જ પાતળી છે.

ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યો છું,
ને સ્વજન સામે તરફ છે એ ઘણો બાણાવળી છે.

વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.

બેઉને હોવાપણું પેટાવવાની તક મળી છે,
મારી પાસે ટાઢ છે ને તારી પાસે કામળી છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ



શબ્દ નહિ, સંકેત નહિ...

શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?
આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહિ તે લૂછવું કઈ રીતથી?

તું કહે છે સાવ ભૂલી જા મને ને હું ય કોશિશ તો કરું,
જળ વડે પથ્થર ઉપરનું કોતરેલું ભૂંસવું કઈ રીતથી?

તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે?
ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી?

હાથ લંબાવ્યો અને ભોંઠો પડ્યો ને ડાળ પણ શરમાઈ ગઈ,
આ ખરેલા ફૂલને જો ચૂંટવું તો ચૂંટવું કઈ રીતથી?

હું હવે સંપૂર્ણ તારો થઈ ગયો છું, હું હવેથી હું નથી,
પ્રશ્ન એ છે કે મને મારી કનેથી ઝૂંટવું કઈ રીતથી?

- અનિલ ચાવડા


આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


 

ટુકડે ટુકડે જીવું છું, પણ...

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.

મારી આંખોએ પહેલી વાર સપનું જોયું છે એવું નથી,
ઊંઘમાંથી સાવ અત્યારે જ હું ઊઠ્યો છું એવું પણ નથી.

વાત એ પણ સાવ સાચ્ચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો,
ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી.

કોઈની સામે કદી નતમસ્તકે મેં હાર સ્વીકારી નથી,
હાથમાં હથિયાર લઈને હું સતત ઝૂઝ્યો છું એવું પણ નથી.

મેં સ્મરણ તારાં ઘરેણાં જેમ પ્હેરીને નથી રાખ્યાં, કબૂલ;
દૂર તારાથી રહીને હું તને ભૂલ્યો છું એવું પણ નથી.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


કોઈનાં સ્મરણો....

બંધ આંખની નીચે સઘળાં હળવેથી સંચરવા લાગ્યાં;
કોઈનાં સપનાં પાંપણ પાછળ ધક્કામુક્કી કરવા લાગ્યાં.

આજુબાજુ ઝાડ-પાન સૌ ભીની કોઈ ચર્ચામાં ઊતર્યા,
એકસામટાં ગગન મહીંથી વાદળ સૌ ઝરમરવા લાગ્યાં.

સ્હેજ ઉપાડ્યું પગલું ત્યાં તો મંદ મંદ રસ્તાઓ મરક્યા,
ભરી હવાની મુઠ્ઠી ફૂલો સુગંધ કંઈ પાથરવા લાગ્યાં.

તારાં સ્મરણો મારી અંદર એક નદીને તીરે આવી,
સીંધ ખીણની સંસ્કૃતિ સમ ભીતરમાં પાંગરવાં લાગ્યાં.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ન રક્તનું હલન-ચલન...

ન રક્તનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર;
ન એમનાં સગડ કશાં ન એમનાં ખબર-બબર.

હૃદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે, બધું જ છે લઘર-વઘર.

ન પુષ્પ કે સુગધંની ન ડાળ કે વસંતની,
હવે તો કોઈની થતી ન સ્હેજ પણ અસર-બસર.

ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાં ય સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?

ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કંઈ રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ






શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર

શ્વેત ચાદર ને ફૂલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો!

સૌપ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.

આપતાં તો આપી દીધા હાથ બે દમયંતિના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો?

પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો?

આ તો એનું એ જ ને, આમાં અમારી મુક્તિનું શું?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.

- અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ


હું એમનો એમ જ ઊભો છું

વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું;
પંખીઓ ગાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

હું જ કૌરવ-પાંડવોની એ સભા ને દ્રૌપદી ને કૃષ્ણ પણ હું,
ચીર ખેંચાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

રક્તના રંગો પૂરી જેને કલામય મેં બનાવ્યાં એ બધાંયે,
ચિત્ર ભૂંસાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

એક પીંજારો છે જેના હાથ દ્વારા સેંકડો વર્ષોથી મારા,
શ્વાસ પીંજાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું

થઈ ગયાં ઉમરની સાથોસાથ સઘળાં આંસુઓ પણ સાવ ઘરડાં,
સ્વપ્ન તરડાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.

- અનિલ ચાવડા

આ ગઝલનો વીડિયો પણ જુઓઃ 


છેક પેલે પારથી આવેલું તેડું...

છેક પેલે પારથી આવેલું તેડું હોય;
ગામમાં મારી વ્યથાઓનું ફુલેકું હોય!

એમ પીડાઓ બધી બેઠી છે જીવન પર,
કોઈ પંખી પર ચડીને ઝાડ બેઠું હોય.

કંઈ યુગોથી ચૂકવે પર્વત નદી રૂપે,
એની પર દરિયાનું જાણે કોઈ દેવું હોય.

નોકરીએ ક્યારનું લાગી ગયું છે એ,
દુઃખ મારામાં રહે, બેકાર શેનું હોય?

જોઈ ઈશ્વરને ચહેરો એમ લાગે છે,
કે જીવન જાણે પરાણે ના દીધેલું હોય!

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ