બધી ખબર પડી જશે તો વારતા પતી જશે


લોગઇનઃ 

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે, 
ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે. 

તું હા કે ના કહે નહીં - છે ત્યાં સુધી મજા મજા, 
જવાબ જો મળી જશે તો વારતા પતી જશે. 

બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે 
ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે. 

"નથી ખબર કશી તને"- એ વારતાનો પ્રાણ છે, 
બધી ખબર પડી જશે તો વારતા પતી જશે. 

આ વારતા પતી જવી બહુ જરુરી છે વિરલ 
કશું સતત ટકી જશે તો વારતા પતી જશે 

- વિરલ દેસાઈ 

ગુજરાતી ભાષામાં સમયે-સમયે નવા કવિઓ આવતા રહ્યા છે અને આવતા રહેશે. વિરલ દેસાઈ આ નવી પેઢીનું ઊભરતું નામ છે. તેમની ગઝલમાં સૂઝપૂર્વકની માવજત દેખાઈ આવે છે. આ ગઝલની રદીફ ‘વારતા પતી જશે’ છે, પણ આવી સરસ રદીફને લીધે પ્રત્યેક શેરમાં કાવ્યમય વાર્તા રચાતી રહે છે. સહજતા એ ગઝલનો પ્રાણ છે, અને આ ગઝલમાં તે સુપેરે પાર પડે છે. 

પ્રત્યેક માણસ ઇચ્છામાં જીવતો હોય છે. ભગવાન બુદ્ધે માણસ દુઃખી શા માટે થાય છે એટલી વાત શોધવા માટે વર્ષો સુધી તપ કર્યું અને કારણ મળ્યું તુષ્ણા, ઇચ્છા. ઝંખના પણ તૃષ્ણાનો એક પ્રકાર છે. ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જ્યાં સુધી ઝંખના છે, ત્યાં સુધી જીવાય છે. ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિ મરવા પડી હોય, પણ કોઈ નાનકડી વાતમાં તેમનો જીવ અટકી રહ્યો હોય, આવી વાત તમે સાંભળી હશે. તેમને ધરપત આપવામાં આવે છે કે તેમનો જીવ જેમાં અટક્યો છે તે કામ થઈ જશે, તમે સુખેથી સીધાવો. ત્યારે તે વ્યક્તિ પ્રાણ છોડે છે. ફિલ્મોમાં આવા સિન સહજ રીતે આવતા હોય છે. જીવનની ફિલ્મમાં પણ આવાં દૃશ્યો ભજવાતાં હોય છે. નરસિંહ મહેતાએ કહ્યું હતું, ‘હરિના જન તો મુક્તિ ન માગે, જનમ જનમ અવતાર છે.’ એ સંદર્ભ આપણે અહીં બીજી પંક્તિમાં જોડી શકીએ. જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે, અર્થાત મોક્ષ મળી જશે, બધું પમાઈ જશે, તો છેડો આવી જશે. નરસિંહ મહેતાની જેમ જનમો જનમ અવતારની મજા છે. 

મરીઝનો એક સુંદર શેર છે, ‘લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.’ મંજિલને પામ્યા કરતા, ત્યાં સુધી પહોંચવાની સફરની જે મજા છે તે કંઈ ઓર છે. પ્રેમને પામવામાં પણ આવું જ છે. પ્રેમ મળી જાય એ જ ક્ષણે પ્રેમને પામવાની રીતનો રોમાંચ મરી જાય છે. પ્રેમિકાની હા અને ના વચ્ચે અટવાવાની જે મજા તે જવાબ સાંભળ્યા પછી ઓસરી જાય છે. જવાબ મળતા જવાબ મેળવવાની તાલાવેલીવાળા આવેગો આપોઆપ શમી જાય છે. અમુક ઉદ્વેગની પણ મજા હોય છે. 

કોઈ માણસ પૃથ્વી પર એવો નથી કે જે ક્યારેય દુઃખી ન થયો હોય. માત્ર સુખ મળતું રહે એનાથી મોટું દુઃખ કોઈ ન હોઈ શકે. આપણે ભગવાન બુદ્ધની વાત કરી, તેમનું સૌથી મોટું દુઃખ એ હતું કે તેમની પાસે દુઃખ જ નહોતું. અચાનક તેમણે દુઃખ જોયું. રસ્તા પર વૃદ્ધ જોયો, મૃત્યુ જોયું અને વૈરાગ્ય જાગ્યો. જીવનમાંથી પીડા ખૂટી જાય તો પણ વારતા પતી જાય. સંતાપ વિનાના જીવનની કલ્પના જ થઈ શકે. તાપ સંતાપ તો રેલવેના બે પાટા જેવા છે, તેની પર જીવનની ટ્રેન દોડતી હોય છે. એક પાટા પર ટ્રેન ન દોડી શકે. સુખના પાટાની જેમ દુઃખનો પાટો પણ જરૂરી છે જીવનની ટ્રેનને દોડતી રાખવા માટે. 

ગુજરાતીમાં કહેવત છે, બધું જોયાનું ઝેર છે. એક માણસને અજગર ગળી ગયો, અમુક માણસોએ તે જોયું અજગરને મારીને માણસને કાઢવામાં આવ્યો. બીજા દિવસ તે ભાનમાં આવ્યો. તેણે પૂછ્યું કે હું ક્યાં છું, ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું અત્યારે તમે દવાખાનામાં છો, પણ કાલે અજગરના પેટમાં હતા. આટલું સાંભળીને ભાનમાં આવેલ સ્વસ્થ માણસ ત્યાં જ હેબતાઈને મરી ગયો. કશી ખબર ન હોવી એ ઘણીવાર બહુ ઉપકારક હોય છે. 

દરેક વાર્તાનો અંત છે. સર્જન છે તેનો વિનાશ છે. વારતા પતવી જ જોઈએ. કશું કાયમી નથી. અશ્વત્થામાની વારતાથી આપણે પરિચિત છીએ. તેને અમરત્વનું વરદાન મળ્યું, પણ કેવું વરદાન પીડિત, શાપિત વરદાન. અગ્રેજી ફિલ્મ એક્સમેના હીરોને પણ આવો શાપ છે તે ક્યારેય મરી નથી શકતો. તેના ઘાવ આપોઆપ ભરાઈ જાય છે. જીવન જરૂરી છે, તેટલું જ મૃત્યુ પણ જરૂરી છે. 

લોગઆઉટ 

કોઈ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી
એને ગળી ગઈ છે ઘરબારની ઉદાસી

ઉંચા વિચાર,શેરો ને ફિલસૂફી જીવનની
કંઈ કેટલું દઈ ગઈ પળવારની ઉદાસી

જુદી-જુદી કરી છે મારી સરળતા માટે
અજવાસની ઉદાસી,અંધારની ઉદાસી

આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે
કેવી વિશાળ મળશે કરતારની ઉદાસી

અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી

- વિરલ દેસાઈ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો