માણસ માણસ સિવાય બધું જ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન: 

अब तो मज़हब कोई ऐसा भी चलाया जाए।
जिसमें इंसान को इंसान बनाया जाए। 

जिसकी ख़ुशबू से महक जाय पड़ोसी का भी घर
फूल इस क़िस्म का हर सिम्त खिलाया जाए। 

आग बहती है यहाँ गंगा में झेलम में भी
कोई बतलाए कहाँ जाके नहाया जाए। 

प्यार का ख़ून हुआ क्यों ये समझने के लिए
हर अँधेरे को उजाले में बुलाया जाए। 

मेरे दुख-दर्द का तुझ पर हो असर कुछ ऐसा
मैं रहूँ भूखा तो तुझसे भी न खाया जाए। 

जिस्म दो होके भी दिल एक हों अपने ऐसे
मेरा आँसू तेरी पलकों से उठाया जाए। 

गीत उन्मन है, ग़ज़ल चुप है, रूबाई है दुखी
ऐसे माहौल में ‘नीरज’ को बुलाया जाए।

~ गोपालदास नीरज

ભારત સરકારની સર્વોચ્ચ ન્યાયાલયનું એક આદર્શ વાક્ય છે - धर्मो रक्षति रक्षितः આ જ વાક્ય ‘મહાભારત‘ અને ‘મનુસ્મૃતિ‘માં પણ મળી આવે છે. તેનો સરળ અર્થ થાય, જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે. મોટા ભાગના લોકો ધર્મ એટલે ઈશ્વરની આરાધના, પૂજા, આરતી, યજ્ઞ એવો કરતા હોય છે. ધર્મને આપણે ઈશ્વર સાથે જોડવાથી ટેવાયેલા છીએ. કેમ કે વર્ષોથી પુજારીઓ-સંતો-પંડિતો સત્ય, અહિંસા, માણસાઈ, પરોપકાર, પ્રેમ, સદાચાર, ઉદારતા, દાન વગેરે વિશે વાત કરતા આવ્યા છે. આપણે એ વાતને ધર્મ સમજવાને બદલે વાત કરનારને જ ધર્મ ગણી લીધો. વિચારને ખસેડી વ્યક્તિને કેન્દ્રમાં મૂકી દીધી. એટલા માટે આપણે ત્યાં સંતોનું મહત્વ સત્ય કરતા પણ વધારે છે, ભગવાન કરતા પુજારીનું મહત્વ વધારે છે, જ્ઞાન કરતા ગુરુનું મહત્વ વધુ છે. માણસાઈને હડસેલી માણસ આગળ બેસી ગયો છે. સેંકડો મંદિરો, મસ્જિદો, દેવળો એનું જીવતું જાગતું ઉદાહરણ છે. દર્શન માટે પૈસા, આરતી માટે રીતસર હરાજી થતી હોય તેમ બોલી લગાવાય. ધર્મ અને ભગવાનના નામે જેટલી છોતરપીંડી થઈ છે એટલી બીજા કોઈના નામે નથી થઈ. આ બધા થપ્પા મારી મારીને માણસને માણસ નથી રહેવા દીધો. એ કાં હિન્દુ છે, કાં મુસ્લિમ, કાં ખ્રિસ્તી છે, કાં ઈસાઈ, ખાં બૌદ્ધ છે અથવા જૈન. માણસ માણસ સિવાય બધું જ છે.

મહાન કવિઓ-દાર્શનિકોએ અનેકવાર કહ્યું છે, અનેક વાર લખ્યું છે. પણ આપણી સમજણ સ્મશાનવૈરાગ્ય જેવી છે. સ્મશાનમાં જવાનું થાય ત્યારે જીવનની નશ્વરતા સમજાય. આ ભેદવાવ, આ નાતજાત, આ પદ-પ્રતીષ્ઠા, મારું-તારું, ઉચ્ચ-નિમ્ન બધું વ્યર્થ છે. છેવટે બધાએ આ માટીમાં ભળી જવાનું છે. મૃત્યુ એ જ જીવનનું અંતિમ સત્ય છે. જ્યાં સુધી જીવવું હંમેશાં નીતિના માર્ગે ચાલવું. આવી આવી વાતોનું એક મોટું કીડિયારું ઊભરાય છે મનમાં, પણ જેવા બહાર નીકળીએ કે મનમાં ઊભરાયેલા કીડિયારાને પદ-પ્રતીષ્ઠા જેવા ખાંડના દાણા દેખાવા માંડે છે. નાત-જાત રૂપી લાલચો ઘેરી વળે છે. પોતે શ્રેષ્ઠ હોવાની હવા ભરાઈ જાય છે. કોઈ માણસ પોતાને નિમ્ન માનવા તૈયાર નથી. અને શું કામ માને? બધા જ શ્રેષ્ઠ છે એવું માનીને ન ચાલી શકીએ? તકલીફ ત્યારે થાય છે જ્યારે પોતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવા બણગાં ફુંકાવા માંડે. જ્ઞાતિના વાડા રચીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છળ યુગોથી ચાલ્યું આવે છે, કાળા-ધોળા રંગોના ભેદ ઊભા કરીને પણ પોતાની ઉચ્ચતા સાબિત કરવાના પ્રયત્નો થાય છે. અમીર-ગરીબની માપપટ્ટીથી પણ માણસને મપાય છે. 

માણસાઈ કરતા કહેવાતા ધર્મનું મહત્ત્વ વધવા માંડે ત્યારે સમજવું કે સાવધાન થવાનો સમય થઈ ગયો છે. પોતાનો ધર્મ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવાની હોડ જામે ત્યારે ખતરાની લાલ બત્તી થઈ રહી છે તેમ સમજવું. એટલા માટે જ ગોપાલદાસ નીરજ જેવા કવિઓએ લખવું પડ્યું કે હવે એવો ધર્મ એવો હોવો જોઈએ જેમાં માણસને માણસ બનાવી શકાય. ભાઈચારાની જ્યોત જ્યાં નિરંતર જલતી રહે. સદાચારના સૂર વહેતા રહે. પ્રેમનાં પુષ્પો ખીલતા રહે. કોઈ એક જણ ભૂખ્યું હોય તેને જોઈને બીજાના ગળે કોળિયો ન ઊતરે તેવી ભાવનાત્મક ચેતના વેકસે ત્યારે ધર્મ પોતે ધન્ય થાય છે. કોઈની આંખો રડતી હોય ત્યારે નાતજાત, ઊંચનીચ જોયા વિના કોઈનો હાથ રૂમાલ બની જાય ત્યારે આપોઆપ ધર્મની ધજા વ્હેંત ઊંચી થાય છે.

લોગઆઉટ:

જ્યાં પાય મારા તહીં શીશ મારું,
જ્યાં દેહ મારો તહીં હૈયું મારું,
વસુંધરાનું વસુ થાઉં તો સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું!
~ સુંદરમ

ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને…

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇનઃ

હો દયાળુ તો મને ઉત્તર ખુલાસાવાર દે
કા અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે

ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને
તું ભલે તલવાર ના દે, ચીસમાં તો ધાર દે

~ મધુસુદન પટેલ

કૃષ્ણ એક એવું પાત્ર છે કે જેમના વિશે ગ્રંથોના ગ્રંથો લખી શકાય. ફિક્શન કથાઓની સિરિઝ થઈ શકે. એક આખો કથાસરિત સાગર રચી શકાય. નાટકો, ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, રીસર્ચ જે ધારો તે કરી શકો. કવિઓ તો સદીઓથી તેમના પર કવિતા લખતા થાકતા નથી. ભક્તો તેમના ગીત ગાઈ ગઈને અમર થઈ ગયા. પ્રેમલક્ષણાભક્તિની આખી પરંપરા કૃષ્ણભક્તિના ટેકે ઊભી છે. ઓશો રજનિશથી લઈને જે. કૃષ્ણમૂર્તિ સુધીના ચિંતકોએ કૃષ્ણની ફિલસૂફીને પોતપોતાની રીતે રજૂ કરી છે. આ એક એવું પાત્ર છે કે જેમાં દરેક માણસને કંઈક ને કંઈક મળે છે. તે ગોપીઓનાં વસ્ત્રો હરે છે, તો ગીતા પણ સંભળાવે છે. વાંસળી હોઠ પર ધરે છે તો આંગળી પર સુદર્શન પણ ધારણ કરે છે. અરે જરૂર પડે તો રણ છોડીને ભાગવામાં પણ તેમને સંકોચ નથી. સામાન્યમાં સામાન્ય માણસને કૃષ્ણ ગમે છે, તેનું કારણ જ આ છે કે સામાન્ય માણસમાં હોય તેવા તમામ ગુણ-અવગુણ તેમના પાત્રમાં જોવા મળે છે.

આપણે ત્યાં તો અવતારની પરંપરા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે. આજે વિશ્વમાં સેંકડો યુદ્ધો થાય છે, ઠેરઠેર હત્યા, બળાત્કાર, ખુનામરકી, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી જેવા અગણિત ગુનાઓ બને છે. ડગલે પગલે અધર્મરૂપી કાલીનાગ ફુંફાડા મારી રહ્યો છે, દુશાસનો વસ્ત્રાહરણમાં રચ્યાપચ્યા છે. શકુનિઓ કાવતરામાં પાવધરા થતા જાય છે. કંસ ખુલ્લે આમ અત્યાચારો આચરી રહ્યા છે. શિશુપાલો ગાળાગાળી કરી રહ્યા છે, પણ કૃષ્ણનું ક્યાંય પગેરું નથી દેખાતું. નારીના વસ્ત્રાહરણની વાત તો દૂર ખુલ્લેઆમ નગ્ન કરીને પરેડ કરાવાય છે. બળાત્કારો થાય છે. અરે, શરીરને કાપીને કૂકરમાં બાફીને કૂતરાને ખવડાવાય છે. નવજાત બાળકી સુધ્ધાંને કુદૃષ્ટિથી કચડી નાખવામાં આવે છે, પણ હજી એને આ અધર્મ ઓછો પડતો હશે તે અવતાર નથી ધરતો. જ્યાં ઈશ્વરનો વાસ ગણાય, એવાં મંદિરો પણ ધંધાની દુકાનો બનીને બેઠા છે. પૈસા વિના દર્શન પણ નથી થતાં.

સામાન્ય પ્રજા કૃષ્ણજન્મોત્સવને એક પથ્થરની મૂરત સામે બેસીને પણ ઊજવી શકે, પણ પંડિતો તેમને સમજાવશે કે ના મંદિરમાં જઈને પૂજા કરવી પડે, તો જ સાચી ભક્તિ ગણાય. આરતી ઉતારવી એ તો મહાપૂણ્યનું કામ છે, પછી આરતી ઉતારવા જાવ તો ત્યાં હજારોની બોલીઓ લાગતી હોય. જાણે હરાજી થઈ રહી હોય! શ્રદ્ધા ખુલ્લેઆમ વેચાઈ રહી છે. ધર્મનો ઠેકો લઈને બેસેલા માણસો સત્તાના સોદાગરો બની બેઠા છે.

એટલા માટે જ મધુસૂદન પટેલ જેવા જાગૃત કવિ પ્રશ્ન કરે છે. એ કોઈ ઈશ્વરનું નામ નથી લેતા. કેમ કે આજે તો કોઈ એક ઈશ્વરનું નામ લેવામાં આવે તો બીજા ઈશ્વરમાં માનનારા લોકોની લાગણી દુભાઈ જાય છે. જો પરમકૃપાળુ હોય તો એનો ખુલાસો આપે અથવા તો આ અગોચર વિશ્વમાં જે થઈ રહ્યું છે, તે કેમ આવું છે, જરા અણસાર આપે. આટઆટલાં બળાત્કારો, ચીસો, હત્યાઓ, દુષ્કૃત્યો, ગેંગરેપો થઈ રહ્યાં છે, હૈયું ફાટી જાય એ હદે નારી ચીસો પાડે છે, પણ બધાના કાન બહેરા થઈ ગયાં છે. નારી વિવશ થઈને તલવાર ઉપાડી લે એ પહેલાં એની ચીસમાં તો કમસેકમ ધાર આપ.

કદાચ ઈશ્વર જેવું કશું હશે જ નહીં, આપણે કથાઓ રચી-રચીને, અમુક પાત્રોને મહાશક્તિ તરીકે રજૂ કરી કરીને, તેમને ઈશ્વર બનાવી દીધા છે. અને તેમનું ઈશ્વરપણું સાચવવામાં અમુક વાકપટુ પંડિતોનો પણ પૂરતો હાથ હશે, જેથી ઈશ્વરના નામે સદીઓ સુધી તેમની દુકાનો ધમધમતી રહે. જન્મ, મૃત્યુ, મોક્ષ, કર્મ, આત્મા જેવી અટપટી વાતોમાં સામાન્ય માણસને એવા ગૂંચવી નાખવામાં આવે છે કે પ્રામાણિકપણે પોતાનું કર્મ કર્યે જતો માણસ એમ સમજે છે કે હું કરું તે નહીં, પણ સાધુઓ, પંડિતો, પુજારીઓ સમજાવે તે જ સાચું કર્મ કહેવાય. ધર્મના સોદાગરો પણ લોકોની શ્રદ્ધાને પૈસાના ત્રાજવે તોળી પોતાની તિજોરીઓ ભરતા રહે છે. આ બધું જોઈને જ કદાચ મધુસૂદન પટેલે આ શેર લખ્યો હશે.

લોગઆઉટઃ

જન્મ, મૃત્યુ, કર્મ નહિ તો આત્માનું મુલ્ય શું?
મોક્ષ કરતા તો મને તું વૃક્ષનો અવતાર દે
- મધુસૂદન પટેલ

જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન:

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી!

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે!

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો!

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય,
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે!

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે!

~ લોકગીત

એક જાણીતો પ્રસંગ છે. એક સાધુ પર્વત ચડી રહ્યા હતા. ખભે એક જોળી, હાથમાં ભિક્ષાપાત્ર અને દેહ પર લંગોટ. પણ અત્યારે આ ભિક્ષાપાત્ર અને ઝોળીનો વજન પણ મણ મણનો થઈ ગયો હોય એમ લાગતું હતું. પગથિયાં કેમે ય ચડી શકાતા નહોતા. સાધુ થાકીને ત્યાં જ બેસી ગયા. ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું અને તેમની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. એક બાર-તેર વર્ષની છોકરી પોતાના નાના ભાઈને કાંખમાં તેડીને પગથિયાં ચડી રહી હતી. નવાઈ એ હતી કે તેના ચહેરા પર થાકનું નામોનિશાન નહોતું. છોકરી નજીક આવી તો સાધુએ પૂછ્યું, "તું તારા ભાઈને તેડીને ડુંગર ચડી રહી છો તો તને એનો ભાર નથી લાગતો? છોકરીએ તરત જવાબ આપ્યો, “આ ભાર ક્યાં છે? મારો ભાઈ છે!” 

જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો. ભાર વસ્તુનો હોય, સંબંધનો નહીં. સંબંધનો ભાર લાગવા માંડે ત્યારે સમજી જવું કે સંબંધ વસ્તુ બનવા માંડ્યો છે. ભાવનામાંથી ‘ભાવ‘ જતો રહ્યા પછી માત્ર ‘ના‘ અર્થાત નકાર બાકી રહે છે. ભાવના વિનાનું હૈયું પાણી વિનાના સરોવર જેવું છે. તેના કાંઠે પ્રેમના હંસ વસવાટ કરી શકતા નથી.

એક પુરુષના જીવનમાં ત્રણ સ્ત્રીઓની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. મા, બહેન અને દીકરી! મા તમને વઢે, વહાલ કરે, મારે, ધમકાવે દરેક વાતમાં તેનો નિસ્વાર્થ પ્રેમ જ છલકાતો હોય! દીકરી સાથેના પ્રાણ સુધ્ધાં સમર્પિત કરી દેવાની તૈયારી હોય છે બાપની! બહેનનો સંબંધ બે ભાગમાં હોય છે. લગ્ન પહેલાંનો અને પછીનો. સાથે ઉછરતા ઝઘડો કરતા નાની નાની વસ્તુઓ માટે કરેલા ઝઘડા બહેનની વિદાય પછી એક મોટું સાંભરણું બની જાય છે. બહેન નાનપણથી સમાધાનની સાંકડી કેડી પર ચાલતા શીખી જાય છે. અમુક ઉંમર પછી બહેન બહેન મટીને જાણે માની ભૂમિકા ભજવવા માંડે છે. બહેન બીજા નંબરની ખુરશીમાં બેસવાથી ટેવાઈ જાય છે. પણ ઘણા ભાઈઓ એવા પણ છે જે બહેનને પ્રેમના પહેલે પગથિયે બેસાડે છે. તેને અભાવની આંગળી પકડીને ચાલવું ન પડે માટે તે નિરંતર ભાવનાની નદી વહેતી રાખે છે. 

ભાઈ, બહેન અને રાખડી. આ ત્રણે મળીને એક પવિત્ર સંબંધને એક તાંતણાથી જોડે છે. જેમાં સલામતી અને સ્નેહ બંને છે. મહાભારતના યુદ્ધ વખતે કુંતા અભિમન્યુને રાખડી બાંધે છે. એ વખતે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછે છે. દાદી રાખડી બાંધતાં બાંધતાં સાતે કોઠાની માહિતી આપે છે. ઘણી વાર જીવન મહાભારતના સાત કોઠા કરતા પણ વધુ કપરું થઈ જાય છે. ત્યારે આપણે જીવનયુદ્ધમાં આપણે હારીએ નહીં એટલે બહેન આપણા રક્ષણ માટે રાખડી બાંધે છે. 

લોગઆઉટ:

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

~ લોકગીત

વૃદ્ધ મજૂરનું ગીત - અશોક ચાવડા 'બેદિલ'

બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરિયેથી છોને નીકળવાનું થાતું
મારી સામે તું જુએ ના તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું

આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા
બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

મારા પગ પર ઊભા રે'વું મારાથી ના બનતું કેવો થાક લઈને જીવું
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે જન્મારાનો વાંક લઈને જીવું

જાત ગળાતાં વાર હવે શી હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયાં
બીડીનાં એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

~ અશોક ચાવડા

ઊંઘ્યો છું - ઉવૈસ ગિરાચ

તમને આપીને ઘાટ, ઊંઘ્યો છું
એટલે ઘસઘસાટ ઊંઘ્યો છું

મારા વિચારો! શાંત થઈ જાઓ,
મૂકી દો કલબલાટ, ઊંઘ્યો છું..

સ્વપ્ન પણ હીંચકે ચડ્યા મારા,
ચાલુ હિંડોળે ખાટ ઊંઘ્યો છું!

કેવું દુઃખ છે કે જેમાં સુખ પણ છે,
તારો લઈને ઉચાટ ઊંઘ્યો છું!

ધૈર્યનું એક ઉદાહરણ છે આ,
મનમાં રાખી બફાટ ઊંઘ્યો છું.

જાગી જાગીને રાત કાઢી છે,
જોઈ જોઈને વાટ ઊંઘ્યો છું.

- ઉવૈસ ગિરાચ 

અઘરું છે ભૈ - અશોક જાની ‘આનંદ‘

પડછાયાની પાછળ પડવું અઘરું છે ભૈ,
કિસ્મતના માથા પર ચઢવું અઘરું છે ભૈ.

તારો રસ્તો તારી જાતે શોધી લેજે,
રાહ જોઈને પાછા વળવું અઘરું છે ભૈ.

મન મર્કટ તો કૂદકા મારે આડા તેડા,
એના ચક્કરને આંતરવું અઘરું છે ભૈ.

પરચમ તારો ભીનો છે મદના વરસાદે,
ભાર લઈને અહીં ફરફરવું અઘરું છે ભૈ.

જાત વગર કોઈ આરો નહી એ વાત ખરી છે,
ખુદ ખોવાઈ ખુદને જડવું અઘરું છે ભૈ.

તારી મૂડી તારી સાથે લઈને જાજે,
પાપ પુણ્યના ઝોલા ભરવું અઘરું છે ભૈ.

દોડી દોડી માંડ સરોવર કાંઠે આવ્યા,
સામે પાણી ને તરફડવું અઘરું છે ભૈ.

મન કરતાલ, મંજીરાં બાજે તો છે 'આનંદ',
તાલ વિના લ્યા અહીં રણઝણવું અઘરું છે ભૈ.

- અશોક જાની ‘આનંદ’