લોગઇનઃ
તારે જબરી મજા!
હું છું અડધો નાગો તારે છપ્પન ગજની ધજા!
તારે ભીડ પડી ત્યારે તું મથુરા મૂકી નાઠો,
અટક્યો અંતે ત્યાં જઈને જ્યાં આવ્યો દરિયાકાંઠો,
મારે તો હું જ્યાં છું ત્યાં ને ત્યાં રહેવાની સજા!
તારે જબરી મજા!
નહીં દ્વારકાનો કેવળું તું, આખા જગનો ધણી,
જગા એટલી નહીં મારે કે મૂકું સોયની અણી;
કેવો તું છે રાજા, હું છું કેવી તારી પ્રજા!
તારે જબરી મજા...
- જગદીશ વ્યાસ
જગદીશ વ્યાસ કાળની ગર્તામાં ખોવાઈ ગયેલું નામ છે. 18-08-1959ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મીને 16-12-2016ના રોજ 47 વર્ષની ઉંમરે જગતને અલવિદા કહી જનાર આ સર્જકે ‘પાર્થિવ’ અને ‘સૂરજનું સત’ નામે બે કાવ્યસંગ્રહો આપ્યા છે.. કેન્સરની સામે ઝઝૂમીને નાની ઉંમરે આ કવિ મૃત્યુને શરણ થયા. જીવનની અંતિમ પળોમાં કેન્સરના દર્દી તરીકે દીકરીને સંબોધીને તેમણે જે કાવ્યો લખેલાં તે પણ વાંચવા જેવાં છે.
આજે જ્યારે રામ મંદિર માટે લોકો લડી મરે છે ત્યારે કવિએ દ્વારિકાધીશને ઉદ્દેશીને લખેલી આ કવિતા આટલા સમય પછી પણ કેટલી સાંપ્રત છે! ‘તારે જબરી મજા!’ એમ કહીને કવિ સીધા દ્વારિકાધીશ પર પ્રહાર કરે છે. આજે માણસોને પહેરવા માટે કપડાં નથી, ત્યારે ભગવાનને છપ્પન-છપ્પન ગજની ધજા ચડાવવામાં આવે છે. ઈશ્વરની અંધભક્તિનું આનાથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે? ઈશ્વરના ચરણોમાં પાંચ-પાંચ સાત-સાત કિલો સોનાનાં ઘરેણાં ચડાવનાર ધનપતિ કરતા બહાર રઝળતા ગરીબોને પાંચ-સાત રૂપિયાનું બિસ્કિટનું પડીકું અપાવનાર સાધારણ માણસ ઈશ્વરની વધારે નજીક હોય છે. ઈશ્વરને કશુંક આપવાના મૂળમાં તો પામવાની ઇચ્છા જ હોય છે. સામાન્ય માણસ જ નહીં, હીરો-હિરોઇનોથી લઈને મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટિઓ પણ ચઢાવાની આવી અંધશ્રદ્ધામાં પાછળ નથી. આપણે તો મૂર્તિમાં ઈશ્વરને કલ્પીએ છીએ. પથ્થરની મૂર્તિમાં ઈશ્વર તો ક્યાંથી હોય, પણ આપણે તેની પર જે શ્રદ્ધાનું આરોપણ કર્યું છે, તેમાં ચોક્કસ ઈશ્વર હોઈ શકે. લોકો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે કેવાં કેવાં વાનાં કરતાં હોય છે! આ બધું જોઈને જગદીશ વ્યાસ જેવો કવિ ચોક્કસ કટાક્ષ કરી ઊઠે કે, તારી જબરી મજા!
આગળ કહે છે, પ્રભુ, તારે મુશ્કેલી પડી ત્યારે તું તો મથુરા મૂકીને નાઠો. કૃષ્ણ યુદ્ધમાં રણમેદાન મૂકીને ભાગેલા, તેના લીધે રણછોડ કહેવાયા તે પ્રસંગ બધાને ખબર હશે. અહીં તો જીવનસંગ્રામ એટલો આકરો છે કે યુદ્ધમાંથી ભાગી શકાય તેવું પણ નથી. પ્રત્યેક દિવસ એક યુદ્ધ જેવો છે, રોજ પરિસ્થિતિ નામના શત્રુ સામે લડવું પડે છે. ક્યારેક ઑફિસમાં બોસ સાથે, ક્યારેક મિત્રો સાથે, ક્યારેક પત્ની સાથે તો ક્યારેક પરિવાર સાથે માણસ સતત સંજોગોના સંગ્રામમાં અસ્તિત્ત્વની તલવાર વીંઝ્યા કરે છે. તે રણમેદાન છોડીને ભાગી શકતો નથી. કૃષ્ણ તો મથુરા છોડીને દરિયાકાંઠે ભાગી આવ્યા, દ્વારિકા નગરી વસાવી. આપણે ક્યાં જવું? આપણે તો જ્યાં છીએ ત્યાં રહેવાની સજા આજીવન ભોગવ્યા કરવાની છે, છૂટકો નથી!
કૃષ્ણ તો માત્ર દ્વારિકાનો જ નહીં, આખા જગતના ધણી છે. ભગવદગીતામાં કૃષ્ણના મુખે જ કહેવાયું છે, મારી ઇચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. અણુ-અણુ પર એનું સામ્રાજ્ય છે, અર્થાત આપણે જે કરીએ કે ન કરીએ તે બધું તેની ઇચ્છાને આધીન છે. આપણે તો માત્ર તેનો હાથો છીએ, એવું જ થયું ને? આજે કરોડો-અબજોના ખર્ચે મોટાં-મોટાં મંદિરો, દેવળો, મસ્જિદો બંધાય છે, જ્યારે ગરીબો પાસે માથું ઢાંકી શકાય તેવી સરખી છત પણ નથી. વળી જે મંદિરો સામે ગરીબો ભૂખ્યાં-તરસ્યા ટળવળતાં હોય, રઝળતાં હોય એ મંદિરોમાં ગરીબોની સેવાના ગુણગાન ગાવામાં આવે છે, આ કેવો વિરોધાભાસ? એટલા માટે જ જગદીશ વ્યાસ કહી ઊઠે છે કે પ્રભુ તું આખા જગનો ધણી છે, પણ મારા જેવા વ્યક્તિને રહેવા માટે તો સોયની અણી જેટલી પણ જગ્યા નથી! સોયની અણી જેટલી જગા કહીને કવિએ વધારે ધારદાર કટાક્ષ કર્યો છે. ઈશ્વર તો સમગ્ર જગતનો ધણી છે, નાથ છે, આપણે તેની પ્રજા છીએ, પણ જો આવું જ બધું થતું હોય તો એ કેવો રાજા છે કે એની પ્રજાને આટલી હાલાકી ભોગવવી પડે? રાજાનું પહેલું લક્ષ્ય પ્રજાનું સુખ હોવું જોઈએ... તો શું ઈશ્વર નામનો આ રાજા પ્રજાને સુખી રાખવા બાબતે વામણો સાબિત થયો છે? રાજા તરીકેની ભૂમિકામાં તે ઊણો ઊતર્યો છે? શું ઈશ્વર તેની સત્તા ચલાવવામાં નિષ્ફળ ગયો છે?
લોગઆઉટ
હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો,
ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે.
- જલન માતરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો