લોગઇનઃ
દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંનાં વારસદાર છે.
બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.
કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે.
વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને-
સૌ કુહાડી મારવા તૈયાર છે.
ડૂસકાંઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે.
નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે.
ટોચ પર જાવાનું સપનું રહી જશે,
‘પાર્થ’ ક્યાં થોડોક પણ વગદાર છે.
- પાર્થ પ્રજાપતિ
પાર્થ પ્રજાપતિ! આ કવિએ થોડા દિવસો પહેલા માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી. આ સમાચાર સાંભળતા જ સાહિત્યજગતમાં ઉદાસી છવાઈ ગઈ. માત્ર ત્રેવીસ વર્ષની વયે આપઘાત કરવો એ નાનીસૂની વાત નથી. એક કવિ પોતાના હાથે પોતાના શ્વાસ અટકાવી દે છે, તે ઘટના કવિજગત માટે વધારે શોકજનક છે. રમેશ પારેખે લખ્યું છે કે કવિએ તો આત્મહત્યા કરતા માણસના પગની સાંકળ બનવાનું હોય, પણ એવી કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે કે સાંકળ બનનારે પોતે જ પોતાનો સકંજો બની જવું પડે? ઘણા સાહિત્યકાર મિત્રો તેને પ્રત્યક્ષ ઓળખતા હશે, ઘણા પરોક્ષ જાણતા હશે. પણ તેના આ પગલાં પછી સમગ્ર સાહિત્યજગતમાં તેનું નામ દરેકના હોઠ પર આવી ગયું. સ્યુસાઇડ? આટલી નાની ઉંમરે? એક કવિ થઈને? ના હોય... ચકિત થયેલા સૌનાં મોંમાંથી આવા જ ઉદગારો નીકળતા હતા. મિત્રો અને સ્વજનોને આંસુ અને ડૂસકાંનો વારસો આપીને આ કવિ તો અચાનક અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.
અમુક લોકોએ એમ પણ કહ્યું કે હજી થોડાક દિવસ પહેલાં જ તો વાત થઈ હતી. ઘણાએ એમ પણ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ મળ્યો હતો, એ તો ઘણો ઉત્સાહથી વાત કરતો હતો, કેમ અચાનક આવું થયું? ઉર્દૂમાં એક શેર છે-
વો તો બતા રહા થા કઈ રોઝ કા સફર,
ઝંઝીર ખીંચ કે જો મુસાફિર ઉતર ગયા.
જે મુસાફર દૂર-દૂર જવાની વાત કરતો હોય, તે અચાનક ટ્રેનની ચેન ખેંચીને અધવચ્ચે ઊતરી જાય તેવું જ આ કવિએ પણ કર્યું. જીવનની સફર તો હજી ઘણી બાકી હતી. હજી દૂર સુધીની મજલ કાપવાની હતી, અને અચાનક જ જીવનની ટ્રેનની ચેન ખેંચીને કવિ ઊતરી ગયા? કવિ તો કાચી ઉંમરે ઊતરી ગયા, પણ પરિવારજનોના આઘાતનું શું, મિત્રો-સ્વજનોના વિલાપનું શું? કવિએ પોતે જ લખ્યું હતું,
પુત્રની અર્થી ઉપાડે કઈ રીતે?
બાપ તો ભાંગીને ભુક્કો થઈ ગયો.
આવું લખતા પહેલાં આ કવિએ પોતે નહીં વિચાર્યું હોય કે મારી અર્થી ઉપાડતી વખતે મારા પિતા ભાંગીને ભૂક્કો થઈ જશે! શક્ય છે વિચાર્યું પણ હોય, પરંતુ પોતાની અંદર રહેલી પીડાનો ભાર પિતાના ખભે આવનારી અર્થીના ભાર કરતા તેને વધારે લાગ્યો હશે. પણ એક વાર પિતાની આંખે, મિત્રો, સ્વજનો, સ્નેહીઓની આંખે પોતાને જોયો હોત તો કદાચ આ પગલું ન ભરાયું હોત. પણ આ કવિ પોતાની જાતને તૂટેલા કાચ જેવી અનુભવતા હતા. આવું પગલું ભરતાં પહેલાં તેમની અંદર અનેક મનોમંથનની કરચો ઊડી હશે. એટલે જ તો એણે લખ્યું હશે, ‘કાચ તૂટેલો મને જોઈ કહે, એકસરખો આપણો આકાર છે.’ એણે જ લખ્યું હતું કે ‘ટોચ પર જાવાનું સપનું રહી જશે, પાર્થ ક્યાં થોડોક પણ વગદાર છે.’ જીવનની વગમાં કવિ ન ફાવી શક્યા, ટોચ પર ન જઈ શક્યા, તો સીધી ઈશ્વર સાથે વગ વાપરી અને અનંતના શિખરે પહોંચી ગયા.
કૃષ્ણ દવેએ આત્મહત્યા કરવા જતી વ્યક્તિને ઉદ્દેશીને લખેલી આત્મહત્યાનો વિચાર જેના મનમાં આવતો હોય તેવી દરેક વ્યક્તિએ વાંચવા જેવી છે. તેમણે લખ્યું છે-
‘ગાઢ અંધારું છે એય સાચું,
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું,
પણ એથી કાંઈ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને
અને પૂરવાનું હોય થોડીક ધીરજનું તેલ,
બાકી સવાર તો આવી જ સમજો...’
આ પંક્તિઓ આત્મહત્યાના વિચાર પહેલાં કાશ પાર્થ પ્રજાપતિના હૈયામાં પણ સ્ફુરી હોત તો કેટલું સારું થાત!
લોગઆઉટ
મીણબત્તી જેમ ધીમે ધીમે આખ્ખી પીગળે,
રાતનો અંધાર એ રીતે મને ઝીણું દળે.
‘હું જીવું છું’ એમ આ આરોપ ક્યાંથી ટાળવો?
ક્યાંકથી આ શ્વાસ માંદા આવી મારામાં ઢળે.
મારાં કરતાં તો વધારે સુખી છે આ આંસુઓ,
દુઃખ વલોવી દે એ પ્હેલાં રોજ નીકળવા મળે.
ભીંતથી છૂટી પડેલી એક બારી જેવો છું હું,
તોડી નાખો તે છતાં ઘર જેવું કંઈ ના નીકળે.
હું મને પણ ના મળું મેં એમ છુપાવ્યો મને,
તોય ક્યાંથી આવીને પીડા મને વળગે ગળે?
- પાર્થ પ્રજાપતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો