મીરાંની જેમ
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?
જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.
નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?
નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.
વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?
- અનિલ ચાવડા
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના ભણકારા
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!
ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!
પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
ધારો કે રસ્તો આ રસ્તો ના હોત અને
હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!
આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
~ અનિલ ચાવડા
સાવ આવું કરવાનું, સાવ?
ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!
પહેલાં તો મોજાં પર મસ્તીથી તરવાની
ઝંખનાનું રોપો છો બીજ,
ત્યારબાદ સામેના કાંઠે બતલાવો છો
માંહ્યલાની મોહક કોઈ ચીજ
દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!
સાવ આવું કરવાનું, સાવ?
પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ
ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;
એકાદું આંસુ પણ સારીએ તો ડોકાતા
કેમ નથી રૂમાલ થઈ લૂછવા?
નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખો છો ઊંડી કોઈ વાવ!
સાવ આવું કરવાનું, સાવ?
~ અનિલ ચાવડા
તમને ખાલી મળવું’તું
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.
ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
– અનિલ ચાવડા
મોટી ઉંમરે અપરણિત પુરુષનું ગીત
ઘરની પછીત ઉપર બૂશકોટ સાથ હોય ઓઢણીય ટીંગાતી ખીંટીએ
એવી એ લાલચટક મહોલાતે છલકાતા દિવસોમાં આપણેય વીતીએ
ક્યાં સુધી વીંધાવું રોજરોજ આમ હવે એકલતા નામે આ ચાબખે?
સાચું કહે મનજીડા, આનાથી જાજું કંઈ ઇચ્છ્યું છે આપણે?
ગામલોક? લ્યા એની શું પરવા કંઈ કૂવા પર ગરણાં બંધાય નહિ!
આપણુંય નામ કોક મેંદીમાં મૂકે બસ એટલીય મંછા રખાય નહિ?
ગાગરની જેમ કોક ઊંચકો કે પીંડ પડ્યો લંબાતી ઉંમરના ચાકડે!
સાચું કહે મનજીડા, આનાથી જાજું કંઈ ઇચ્છ્યું છે આપણે?
~ અનિલ ચાવડા
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?
મીંચું તો મોગરાની ઊડે છે મ્હેક,
અને ખોલું તો સપનાંની ધૂળ,
ભૂલું તો પાંપણના પરદાઓ ભીંજે,
ને સમરું તો ભોંકાતા શૂળ,
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?
સાંભળવા માટે એ રાખે નહી કોઈ દિવસ
સાડાબારી સ્હેજે કાનની,
વાતોની આપલેમાં ક્યાંય ગરજ દાખવે ના
શબ્દોના પોલા વિમાનની.
વાત જવા દે...
ધખધખતાં સપનાં જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો
ને ભીતરનો આ વૈભવ જાણે હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું મારામાં અને પછી તો થતો ગયો હું
ધીરે ધીરે ખખડેલા ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાનાં જાળાં બાઝ્યાં જાળા બાઝ્યાં જાળા બાઝ્યાં વાત જવા દે
ધખધખતું સપનું જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
રોજ વિચારું જ્યાં જ્યાં ભીતરમાં ફૂટ્યા છે જ્વાળામુખી
સઘળે સઘળા સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થયું કે આંસુ અંદર ડૂબાડીને
સૂરજ સુધ્ધાં લાવ ઓલવી નાખું;
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે,
ધખધખતાં સપનાં જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
- અનિલ ચાવડા
શુભ દીપાવલી
– અનિલ ચાવડા
દિવાળીની હાર્દિક શુભકામનાઓની કવિતા...
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા
પીડાને ઠપકો
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
– અનિલ ચાવડા
હૈયામાં ફાળ પડી
કમ સે કમ આટલું તો થાય
કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ
ખળખળ વહાય.
આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ
કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળ જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…
માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો
અપાય.
કમ સે કમ આટલું તો થાય…
- અનિલ ચાવડા
આ કવિતાનો વીડિયો પણ જુઓઃ
બોલો કંઈક તો બોલો...
બોલો કંઈક તો બોલો...
એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડેને?
છીપ હોઠની ખોલી નાખો મોતી અમને તો જ જડેને?
મૌન મગફળી જેમ હોય છે જરાક એને ફોલો,
બોલો કંઈક તો બોલો...
કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો કંઈક તો બોલો...
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો કંઈક તો બોલો...
~ અનિલ ચાવડા
આ કવિતાનો વીડિયો પણ જુઓઃ
વર્ષો પછી પ્રેમિકાને મળતાં...
બોલ હવે અનિલ્યા!
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
લઈ ખભા પર રાત આખી આ તારલિયાનો ખેસ,
રાત વાટતી રહી અંધારું અને બનાવી મેશ;
જરાક અમથી મેશ લઈ મેં આંખોમાં આંજીલ્યા!
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
સૂરજ! તેં તો ન્હાવા માટે અજબ કર્યો છે નુસખો,
જળને સ્હેજ હલાવા વિણ તડકાથી માર્યો ભૂસકો;
મારી અંદર હલ્યાં સરોવર, કમળ અચાનક ખીલ્યાં,
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
- અનિલ ચાવડા
- આ કવિતાનું પઠન પણ સાંભળો
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ!
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ?
મહેક્યા છે પુષ્પો કે શ્વાસ?
સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ!
છાતીના કોડિયામાં દીવો,
શરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીઓ!’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ!
વાત જવા દે!
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…
ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…
એવો વરસાદ અમે પીધો !
મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો.
ભીંજાતા બચવા કોઈ ભીંતે લપાય
અને કોક કોક છત્રીઓ ગોતે;
આપણે તો પહોળા બે હાથ કરી
આભ સામું ઝાડ જેમ ઊભા 'ર્યા પોતે!
બાથે ભરાય નહીં એવા આ વાયરાને શ્વાસોથી બથોડી લીધો!
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો!
વાછટ છે, ઝરમર છે, છાંટા છે,
ક્યાંક વળી નેવેથી દડદડતો રેલો,
કોકે ત્યાં આભ મહીં પાણીથી લસલસતો
વાદળનો ખોલ્યો છે થેલો;
સૂરજની હાજરીમાં ધોધમાર વરસીને તડકાને નવડાવી દીધો!
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો!
~ અનિલ ચાવડા
લાઇવ કાર્યક્રમ જુઓઃ
દીકરીની વિદાય
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઇ જાતું રજવાડું,
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું..
- અનિલ ચાવડા
કમ સે કમ આટલું તો થાય
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…
માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…
– અનિલ ચાવડા