સાવ આવું કરવાનું, સાવ?

સાવ આવું કરવાનું, સાવ?
ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!

પહેલાં તો મોજાં પર મસ્તીથી તરવાની
ઝંખનાનું રોપો છો બીજ,
ત્યારબાદ સામેના કાંઠે બતલાવો છો
માંહ્યલાની મોહક કોઈ ચીજ

દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!
સાવ આવું કરવાનું, સાવ?

પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ
ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;
એકાદું આંસુ પણ સારીએ તો ડોકાતા
કેમ નથી રૂમાલ થઈ લૂછવા?

નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખો છો ઊંડી કોઈ વાવ!
સાવ આવું કરવાનું, સાવ?

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો