લોગઇનઃ
અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
– જિતેન્દ્ર જોશી
ઘણા લોકોએ
ચકલીને દર્પણ પર ચાંચ મારતા જોઈ હશે. પણ ચકલી આવું શું કામ કરે છે તેવો પ્રશ્ન
ભાગ્યે જ તેમના મનમાં થયો હશે. વળી આવું જોઈને કોઈને કંઈક નવી વિચાર આવ્યો હોય તેવું
પણ ઓછું બને. પણ કવિ જ્યારે આવી ઘટના જુએ ત્યારે અવશ્ય તેમના મનમાં કાવ્ય સ્ફૂરે.
જિતેન્દ્ર જોશીએ પણ આ ઘટના જોઈ અને તેમના મનમાં કાવ્ય સ્ફૂર્યું. તેમણે કવિતા થકી
ચકલી સાથે સંવાદ સાધ્યો. કવિ ચકલીને કહે છે કે ચકલી, તું અમથી અમથી દર્પણ પર ચાંચ મારે છે, તારે અંદરથી
શું લઈ લેવાનું છે? કારણ કે આ તો એક નક્કર કાચ છે તેમાંથી
કશું મળી શકે તેમ નથી. તું તારું પ્રતિબિંબ જોઈને અંદર બીજું કોઈ છે એવો ભ્રમ
રાખતી હોય તો મૂકી દે, તું ખોટા સરનામે પહોંચી ગઈ છે. તું તો
ઝાડની ડાળ પર કેવ સરસ ઘેલી થઈને ઘૂમતી હોય છે, પણ આ તો નક્કર
બરછટ કાચ છે, અહીં તારું ઘેલાપણું ચાલે તેમ નથી. કંઈ
ખોવાયેલું શોધતી હોય તેમ એને ચાંચ ન માર, તારે જ દુઃખી
થવાનું આવશે.
વળી આ ચકલી
ફરફર કરત તેની પાંખો ફફડાવી રહી છે. સાથેસાથે કોઈ નર્તકી નાચતી હોય તેમ તેની આંખો
નાચી રહી છે. બંનેમાં તેની સહજ ચંચળતા દેખાય છે. પણ તેના આ ચંચળ નાચની કોઈને પડી
નથી. કોઈ તેને જોતું નથી. માટે તું ચાંચ મારવાનું રહેવા દે. દર્પણમાં જોઈને તું આ
બધું કરી રહી હોય તો એ ફોગટ છે. ચાંચ મારવાથી કંઈ જ હાથમાં આવવાનું નથી. આ રીતે
કેટલાય આવ્યા અને ગયા, તે પણ નિરાશ થયા છે,
તું પણ નિરાશ જ થઈશ. વારંવાર ચાંચ માર્યા કરવાથી તું જ ઘાયલ થઈશ,
માટે આ મિથ્યા પ્રયત્ન મૂકી દે. તું જે દર્પણને ચાંચ મારી રહી છે એ
દર્પણ પણ છેવટએ એક પથ્થર છે. પથ્થર પર માથા પછાડવાથી માથું જ તૂટતું હોય છે.
સીધી રીતે
જોઈએ તો વાત ચકલીની છે, પણ માત્ર
ચકલીની પૂરતી સીમિત નથી. આપણું મન પણ ક્યારેક આવી દર્પણ જેવી ભ્રમીત દીવાલ પર
ચકલીની જેમ ચાંચ માર્યા કરતું હોય છે. આપણી અધૂરી ઇચ્છાના પ્રતિંબબને જોઈને આપણે
મહેચ્છાના માગા નાખીએ છીએ, પણ ઇચ્છા આપણને વરતી નથી. કવિએ
છેલ્લે સરસ વાત કરી છે, કે આ દર્પણ પણ છેવટે એક પ્રકારનો
પથ્થર જ છે. પણ આ વાત આપણે આપણી અંદરની ચકલીને સમજાવવાની હોય છે.
ચકલીની વાત
કરીએ છીએ ત્યારે રમેશ પારેખનું વૈભવી ગીત યાદ આવ્યા વિના ન રહે.
લોગઆઉટ
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
~ રમેશ પારેખ
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
~ રમેશ પારેખ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો