બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ...



લોગ ઇનઃ

જાણ્યું એવું જડ્યું નહીં કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

વનમાં ઝાઝા વાંસ વાયરા શિશ ધુણાવી ગાતા
લળક-ઢળક સૌ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ...
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

શુષ્ક સરોવર, સાંજ, નહીં કોઈ ગલ-હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પ્હોંચ્યા સંજુ વાળા.
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહીં કંઈ...
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

- સંજુ વાળા

સંજુ વાળા મર્મ સમજીને શબ્દગૂંથણી કરતા કવિ છે. અહીં આપેલી કવિતા આપણને જુદી જુદી દિશામાં અંગુલીનિર્દેશ કરે છે. કવિ શરૂઆત કરે છે આ પંક્તિથી – જાણ્યું એવું જડ્યું નહીં કંઈ... બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ... – બોર પાડવા માટે બોરડી ઝંઝેડવાની વાત તમે સાંભળી હશે. બોરડીમાંથી બોર વીણવામાં કાંટા વાગવાની પૂરી શક્યતા છે, ખાસ કરીને ચણીબોર વીણો ત્યારે કાંટા વાગે જ. આવા સમયે નાનકડાં બોરને લેવા બોરડી ઝંઝેડી નાખવામાં આવે છે, જેથી બોર ખરી પડે અને વીણી લેવાય. કવિએ પણ પોતાના ઇચ્છિત ફળને પામવા ઝાડ ઝંઝેડ્યું, પણ કશું પડ્યું નહીં... હવે એ ફળ કયું? શું તે જીવનરૂપી વૃક્ષ પરથી આધ્યાત્મિકતાનું અમીફળ પામવા માગે છે? પરસ્પર માનવસંબંધોમાં ઊષ્મા શોધવા જતા કશું હાથ ન લાગ્યું તેની વાત કરે છે? કે જીવનની વ્યવહારિકતામાં પોતે જે સપનાં સેવ્યાં છે, તે પામવામાં નિષ્ફળતા મળી છે તેનો ઉલ્લેખ કરીને કહે છે?

જીવન નામના વૃક્ષ ઉપર પણ ઘણાં ફળ છે, કોઈને તેમાંથી કારકિર્દીનું ફળ પાડવું છે, કોઈને સંબંધોનું, કોઈને વ્યવસાયિક સફળતાનું, કોઈને આધ્યાત્મિક જ્ઞાનનું તો કોઈને પરમની પ્રાપ્તિનું... બોરડી જેમ જીવનવૃક્ષમાં પણ ઘણાં કાંટા છે. ફળ તોડવા જતા વાગવાની પૂરી શક્યતા છે. આથી આપણે જીવનને બોરડી જેમ ઝંઝેડવા પ્રયાસ કરીએ છીએ. જેથી કાંટા વાગ્યા વિના ફળને પામી શકાય. કવિએ પણ પોતાના ઇચ્છિત ફળને પામવા માટે ઝાડ ઝંઝેડ્યું... પણ કશું પડ્યું નહીં. આપણે ઇચ્છીએ એવું આપણને મળે જ, એવું દરેકના નસીબમાં નથી હોતું. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય છે કે જે ઇચ્છતી હોય તે તેને મળે. બાકી તે જે મળે તે લેવાનું હોય છે. જીવન ઘણા રંગ બતાવે છે. જીવનના આંબા પર કેરીઓ હોય જ એવું જરૂરી નથી. વળી, જીવનની ખજૂરી સાવ ઊજ્જડ હોય એવું પણ જરૂરી નથી. આપણે તો માત્ર ઝાડ ઝંડેવાનું છે, એમાંથી કશું પડે પણ ખરું ને નાયે પડે. હા, બીજું કશું પડે ન પડે, વસવસો કે અફસોસ ચોક્કસ પડે છે. કવિએ ઝંઝેડેલા ઝાડ પરથી કશું પડ્યું નહીં.

અંતરમાં પ્રકૃતિનો ઉદ્દેશ છે. વનમાં પવનના સૂસવાટામાં વાંસ શિશ ધુણાવી રહ્યા છે, અર્થાત આમથી તેમ હાલકડોલક થઈ રહ્યા છે. ઘાસ વાયુની સાથે હિલ્લોળા લઈ રહ્યું છે. પ્રકૃતિ પોતાના લયમાં લીન છે. પણ કાવ્યનાયકના સ્વરમાં કોઈ લય આવતો નથી, સ્વર પામવાની મથામણ હજી અધૂરી છે. અધૂરપ માણસને કોરી ખાતી હોય છે. પણ આ કવિ તો અધૂરપનો પણ આનંદ લે છે. એમને રડવું છે, પણ દુઃખી થઈને નહીં, રડવાનો પણ આનંદ લેવો છે. એટલા માટે જ એક સાંજે એક શુષ્ક સરોવરે તે રડવા માટે જાય છે. તળાવ શુષ્ક છે, હંસો નથી. વેરાન જગ્યાએ રડવાનું સુખ લેવા માટે કવિ આંખ, હાથ અને હૈયું જોડે છે, પણ એક ટીંપુ આંસુ પણ તેમને મળતું નથી. અને અંતે એક પંક્તિ પર પાછા આવીને ઊભા રહીએ છીએ કે જાણ્યું એવું જડ્યું નહીં કંઈ...

જીવનને આપણે જાણીએ તેવું જડે જ તે ક્યાં જરૂરી છે? સંજુ વાળા આ વાત બહુ સારી રીતે સમજે છે એટલા માટે જ તો આ મર્મ તે કવિતામાં ગૂંથી જાણે છે. આ કવિ ‘ગહરા મરમ’ના કવિ છે. તેમની કવિતામાં ભાણસાહેબ, ખીમસાહેબ જેમ સાહેબ પરંપરાની મ્કેક વરતાય છે. તેમના ઘણા શબ્દો એવા તળપદા અને ભજનિકના લહેજાવાળા આવે છે એ શબ્દો તેમની કવિતાનું જમાપાસું બની જાય છે. તેમની શબ્દપ્રયુક્તિ અને રજૂઆત તેમની આગવી છે. રાજેન્દ્ર શુક્લ એક ગઝલમાં કહે છે કે પોત અલગ છે ભાત અલગ છે, તેમ સંજુ વાળાની ભાષાનું પોત અને તેમની કવિતાની ભાત બંને અલગ છે.

લોગ આઉટઃ

અવળી ચાલ અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતના ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબુધની આગળ મુકેલા અઘરાં કોઈ ઉખાણાં.
ચાખે એ સહુ નાચે લઈને માથે નવનવ બેડાં...
અવળી ચાલ અજાયબ કેડા...

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા,
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં,
મીટ-અમીટે એ જગ જોવા વિણ વાયક વિણ તેડાં...
અવળી ચાલ અજાયબ કેડા...

- સંજુ વાળા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો