હોય ઇશારા હેતના, એના ના વગડે કંઈ ઢોલ



લોગઇનઃ

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે-બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વનવન વાંસળી, મારું પલપલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

બાલમુકુંદ દવે

બાલમુકુંદ દવેએ અનેક ઉત્તમ કાવ્યો આપ્યાં છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ નામનું સોનેટ તો સીમાચીહ્ન છે. ‘કેવા રે મળેલાં મનના મેળ’ અનેક ગાયકોએ ગાયું છે અને ખૂબ લોકપ્રિય પણ થયું છે. ‘સીમને સીમાડે તને જોયો મારા બંદા’ કાવ્ય પણ જાણીતું છે. 7-3-1916માં જન્મેલા આ કવિની કવિતામાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનો રંગ ખરી રીતે નીખર્યો છે. આમ તો એમના વિશે ઘણું લખી શકાય તેમ છે, પણ આપણે અત્યારે ઉપરની ‘વિરહિણી’ કવિતાની વાત કરીશું. આમ પણ અત્યારે વર્ષાઋતુ ચાલી રહી છે. ચોમાસું પોતાનો રંગ દેખાડી રહ્યું છે. સૂકી ધરતી હરિયાળીની ચાદર પહેરી રહી છે, ત્યારે પ્રોષિતભર્તુકાને - અર્થાત જેનો પતિ પ્રવાસે ગયો હોય તેવી સ્ત્રીને આ શ્રાવણના સરવડાં ઠારવાને બદલે બાળે છે. તેના હૃદયમાંથી વેદનાની વરાળ નીકળે છે. આપણે આવી જ વેદનાની વરાળ કાઢતી એક કવિતા વિશે વાત કરીએ.

પહેલાના સમયમાં પતિ વિદેશમાં કમાવા જતા. ગુજરાત બહાર જાય એને પણ બીજા દેશે ગયા એવું કહેવાતું. એ વખતે મોબાઇલ ફોન તો હતાં નહીં, માત્ર પત્રવ્યવહારથી વાત થતી. ઘણી વાર તો પતિને આવા પત્ર પણ ન લખી શકાતા. કારણ કે એવા પત્ર સીધા પત્નીના હાથમાં ન પણ આવે. આવી સ્થિતિમાં પત્ની વિરહિણી બની પતિની યાદમાં ઝૂર્યા કરતી. બાલમુકુંદ દવેએ આ કવિતામાં ઝૂરોપો બરોબરનો ઝીલ્યો છે. કાવ્યનાયિકાનો પતિ ગુજરાત બહાર કમાવા ગયો છે. પત્ની એકલી છે. ચૈતરમાં આંબાડાળ મહોરી છે. તેણે તો પતિ માટે મોગરાની માળા પણ ગૂંથી છે. આંગણે જૂઈ જળૂંબે છે, બાગેબાગે ફાલ લહેરાઈ રહ્યો છે, ત્યારે તે પતિ પર પ્રેમાળ રોષ ઠાલવીને કહે છે કે, “હે વેરી વાલમા, તું આમ મને એકલી મૂકીને ક્યાં જતો રહ્યો? ચૈતરની ચાંદની ખીલી છે, માણ્યા જેવી રાત છે, ત્યારે મને આમ એકલી મૂકીને જવાનું તને શીદને ગમે છે? તું જલદી ગજરાત પાછો આવી જા. હું તારા વિના ઝૂર્યા કરું છું.” યુવાનોની ભાષામાં કહીએ તો કાવ્યનાયિકા તેના પતિને ખૂબ મિસ કરી રહી છે.

એક તો પિયુ ગામતરે ગયો છે અને ઉપરથી કોયલ પંમચ સૂર રેલાવે છે. આટલું ઓછું હતું તે વાંસળી વાગી રહી છે. આ બધું થવાથી પળેપળ કાવ્યનાયિકાનું હૈયું વીંઘાઈ રહ્યું છે. વિરહમાં તેણે ઓઢણું પણ અવળું પહેરી લીધું છે. વાળ ઓળવાની પણ હોંશ નથી રહી, કેશ છુટ્ટા મૂકી દીધા છે. વિરહ સહન ન થતા તે પતિને ‘નિર્દય કંથડા’ કહે છે. તે ભલે રોષ ઠાલવતી હોય, પણ આ રોષમાં પણ પતિ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છે. તેને થાય છે કે મંદિરમાં જેમ આરતીમાં લોબાન બળે છે, એમ પિયુ વિના હું બળી રહી છું. પણ મારો ઝૂરાપો, મારાં અરમાન કે મારી આ બળતરા કોણ સમજે? આવી વાત તો શાનમાં સમજવાની હોય. કવિએ અદભુત પંક્તિ પ્રયોજી છે, ‘હોય ઇશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!’ પ્રેમનો તે કંઈ ઢોલ ટીપવાનો હોય? એ તો ઇશારા માત્રથી મહોરી ઊઠે. વળી કાવ્યનાયિકા કહે છે કે હું નારી છું, નારીનું હૈયું સાવ કૂણું હોય, બરડ કાચ જેવું હોય, તરત તૂટી જાય. પણ તું પુરુષ છે. આ વાત તને હું કઈ રીતે સમજાવું? ગમે તેટલું સમજાવીશ તો તું પૂરેપૂરું નહીં સમજી શકે. વળી અંતે કહે છે કે, “હે બ્રહ્માજી, તમે નારીનું હૃદય સર્જીને બહુ ભારે ભૂલ કરી છે. હૃદય સર્જ્યું ત્યાં સુધી તો ઠીક હતું, તમે એમાં લથબથ નિતરતો નેહ પણ ભર્યો. ચલો એ ય સમજ્યા, પણ પછી અંતે આ નેહને જીરવાય નહીં એવો વ્રેહ અર્થાત વિરહ પણ આપ્યો!

બાલમુકુંદે વિરહિણીની હૃદયની વેદનાને સચોટ રીતે વ્યક્ત કરી છે. અંતે હિન્દી ફિલ્મ ‘પિયા મિલનકી આસ’ના સુપ્રસિદ્ધ ગીતની બે પંક્તિથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

કાગા સબ તન ખાઈયો, ચુનચુન ખાઈયો માંસ,
દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન કી આસ.
~ ભારત વ્યાસ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો