બુલબુલ માંદું પડ્યું હોય ત્યારે ય ગાયા વિના નથી રહી શકતું



લોગઇનઃ

મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.

અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.

પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

પારૂલ ખખ્ખર

પારૂલ ખખ્ખર શબ્દને સલુકાઈથી કાગળ પર ઉતારનાર કવયિત્રી છે. આવું તે એટલા માટે કરી શકે છે, કેમકે તેમને કાગળ-કલમ અને અક્ષરો ઊંઘવા નથી દેતા. કહેવાય છે કે કવિતાનો પ્રથમ વિચાર ઈશ્વરદત્ત હોય છે, બાકીની મહેનત કવિએ જાતે કરવાની હોય છે. કોઈ વિચાર કવિને અંદરથી સ્પર્શી જાય ત્યારે લખ્યા વિના રહી શકાતું નથી. બુલબુલ માંદું પડ્યું હોય ત્યારે ય ગાયા વિના નથી રહી શકતું. સારો કવિ આ બુલબુલ જેવો હોય છે. વિકટ સ્થિતિમાં પણ તે કાગળ-કલમ નથી મૂકી શકતો. આ કવયિત્રી પાસે કવિતાના બળુકાં લશ્કરો પાસે આવે છે, જંગે ચડે છે અને વિચારયુદ્ધમાંથી અંતે કવિતાનું અવતરણ થાય છે.

આમ તો દરેક માણસમાં એક છૂપો કવિ બેઠો હોય છે. દરેકે ક્યારેક ને ક્યારેક કવિતા લખી જ હોય છે. સ્કૂલ-કૉલેજના સમયમાં નોટબુક કે ચોપડાનાં છેલ્લાં પાને મોટેભાગે શાયરીનો શણગાર ગૂંથાતો હોય છે. પોતાની નહીં તો બીજાની કવિતા, પણ કંઈક લખ્યું હોય ખરું. કંઈ નહીં તો ગમતી વ્યક્તિને યાદ કરીને કોઈ ફિલ્મનું ગમતું ગીત પણ ચીતરેલું હોય. પણ આ તો ટાઇમ પાસ કરવા માટેનું લખાણ થયું. એવા વિચાર ક્યારેય આવે કે જે લખીએ નહીં ત્યાં સુધી ઊંઘી ન શકાય, ત્યારે સમજવું કે કવ્યપ્રસવ થવાની સંભાવના છે.

અહીં તો કવિ પોતાની જ કબર પર આગંતુકની જેમ જઈ ચડવાની વાત કરે છે. ઘણાને પ્રશ્ન થાય કે પોતાની કબર પર પોતે કઈ રીતે જઈ શકે? ત્યાં તો લોકો કાંધે ચડાવીને, ઠાઠડીએ બાંધીને લઈ જાય તો થાય, પણ એ તો સામાન્ય ભાવકના મનમાં ઊઠતો પ્રશ્ન છે. ખરો ભાવક કવિતાનો મર્મ પામી જાય છે. આ કબર ભૂતકાળની હોઈ શકે, પોતે પ્રસંગોના પથ્થર મૂકીને જે કબર ચણી તે જ પ્રસંગો હવે ઊંઘવા નથી દેતા. આમ પણ ભૂતકાળ પાછળ લટકતા પૂંછડા જેવો છે, જે અંત સુધી માણસનો પીછો નથી છોડતો. ભૂતકાળ બે પ્રકારનો હોય - સારો અને ખરાબ. ધતૂરાનો સ્પર્શ દૂર્ગંધથી માથું ભમાવી દે, જ્યારે ગુલાબ સુગંધથી ભરી દે. આપણે ઇચ્છીએ તોય એની સુગંધથી મુક્ત ન થઈ શકીએ. ઘણા ભૂતકાળ આ સુગંધી સ્પર્શ જેવા પણ હોય, એની સુગંધ આપણને જીવનભર મહેકતા રાખે.

આપણે ફિલ્મમાં પોતાના પ્રિય વ્યક્તિની રાહ જોતી અને ઊંઘી ન શકતી હિરોઈન અનેક વાર જોઈ છે. તેની અંદર જાણે યાદોની જોગણીઓ ધ્યાન ધરીને બેઠી હોય એવું લાગે. અહીં કાવ્યનાયકના મનમાં પણ સ્મરણની જોગણીઓ પલાંઠી વાળીને બેસી ગઈ છે. યાદ ચિત્તને ઘમરોળ્યા કરે છે, ઊંઘવા નથી દેતી.

શ્વાસ વિસામો ખાય ત્યારે આપોઆપ મૃત્યુની ટપાલ આવી પહોંચે. કાવ્યનાયકને તો શ્વાસને વિસામો આપીને હંમેશાં માટે પોઢી જવું છે. પણ ‘કામઢા કારીગરો’ સૂવા નથી દેતા. આ કારીગરો એટલે કોણ? આ કારીગરો એટલે જિજીવિષા, અધૂરી ઇચ્છાઓ, મનમાં સળવળતી અને નહીં પૂરી થયેલી અનેક મનીષાઓ, તૃષ્ણાઓ... તમે એવી વાત સાંભળી હશે કે બાપ મરણ પથારીએ પડ્યો હોય, પણ મરતો ન હોય. સંતાન તેમને જોઈને ચિંતા કર્યા કરે. મરવા પડેલાનો જીવ કોઈ વાતમાં અટકી પડ્યો હોય, તેનો નિવેડો આવે એટલે આપોઆપ એ મૃત્યુ ભણી પ્રયાણ કરે. કવિને પણ જીવનલીલા સંકેલી લેવી છે, પણ પેલા અધૂરા ઓરતાના ‘કામઢા કારીગરો’ નવા નવા ઓરતા રચ્યા કરે છે. માણસ મૃત્યુ સુધી ઇચ્છામુક્ત નથી થઈ શકતો. આપણે જિજીવિષાના પીંજરામાં પુરાયેલા પંખી છીએ. પણ મહત્ત્વની વાત એ છે કે આપણને ખબર નથી કે આપણે પૂરાયેલા છીએ. દરેક માણસ પોતપોતાની પીડાના પીંજરામાં કેદ છે. કવિ આવા પીંજરાઓ શોધવાનું કામ કરતો હોય છે. પારૂલ ખખ્ખરને ઘણા વિચારો સૂવા નથી દેતા, પરિણામે તેમની કલમને ડાળખી ફૂટે છે અને આવી સરસ કવિતા આપણને મળે છે.

લોગઆઉટ

પીડાઘરના તૂટ્યાં તાળાં વસમી સાંજે
ઊડયાં રે આંસુ પાંખાળાં વસમી સાંજે.

એક કિરણ આશાનું એણે ઠાર કર્યું ત્યાં,
મ્યાન થયાં જાતે અજવાળાં વસમી સાંજે.

કાગળમાં ફૂલો બીડયાં’તાં ઉગતા પહોરે,
પ્રત્યુત્તર આવ્યા કાંટાળા વસમી સાંજે.

હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.

શું કહેવું એ શખ્સ વિશે જેણે ગણ્યા’તા,
બે ડૂસકાં વચ્ચેના ગાળા વસમી સાંજે.

~ પારુલ ખખ્ખર

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો