આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?

આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?
એકલી ને એકલી એ પાડે છે રોજ તને વણજોયે જોયાના કોલ!
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?

મીંચું તો મોગરાની ઊડે છે મ્હેક,
અને ખોલું તો સપનાંની ધૂળ,
ભૂલું તો પાંપણના પરદાઓ ભીંજે,
ને સમરું તો ભોંકાતા શૂળ,

મારા વિના ના કોઈ સાંભળી શકે રે એમ વગડાવે નજરુંના ઢોલ,
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?

સાંભળવા માટે એ રાખે નહી કોઈ દિવસ
સાડાબારી સ્હેજે કાનની,
વાતોની આપલેમાં ક્યાંય ગરજ દાખવે ના
શબ્દોના પોલા વિમાનની.

પાંપણથી બોલી દે, રાખે ગરજ નહીં શબ્દોના શાણા ગુમાનની.
આ અડવીતરી આંખોનું શું કરવું બોલ?

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો