ઘોંઘાટથી થતો પર હું જ્યાં વસીવસીને

ઘોંઘાટથી થતો પર હું જ્યાં વસીવસીને,
પહોંચી ગયાં છે ત્યાં પણ શ્હેરો ખસીખસીને!

ચુપચાપ ડંખતો'તો એ તો હતો ભરોસો,
માર્યો નથી મને કંઈ સાપે ડસીડસીને.

આવા નસીબ કરતા પથરા જ આપી દેને,
ચમકાવી તો શકું હું એને ઘસીઘસીને.

એવી રીતે કહી મેં મારી વ્યથાની વાતો,
કે લોટપોટ થઈ ગ્યા મિત્રો હસીહસીને!

જેમાંથી છૂટવા તું ઘાંઘો બની ગયો છે,
એ ગાંઠ મારી‘તી તેં પોતે કસીકસીને!

એ બ્હાવરાં થયાં છે મળવા મને બને નહિ!
ખાબોચિયે નદી કંઈ આવે ધસીધસીને?

પૂરપાટ કાર માફક આગળ વધી જઉં છું;
પાછળ ભલેને દોડે શ્વાનો ભસીભસીને.

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો