એક વાસી ગુલાબ તો આપો


લોગઇનઃ

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

– અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ ગુજરાતી ગઝલનો આગવો મુકામ છે. તેમની રજૂઆત અને ભાષાકર્મમાં ઠાઠ, ઠસ્સો અને મિજાજ દેખાઈ આવે છે. આ શાયર પાળિયાને બેઠા કરી શકવાની ક્ષમતા ધરાવે છે. સાથી મિત્રો જ્યારે નોકરીને લીધે મુશાયરામાં જવાનું ટાળે, ત્યારે આ શાયર કપાતા પગારે કવિતા માટે રજા લે છે. ઘાયલ સાહેબના અનેક પ્રસંગો કવિ-શાયરોના હૈયામાં વસે છે. ભલભલા સાહેબોને પણ મોં પર રોકડું પરખાવવામાં ઘાયલ સાહેબ પાછી પાની કરતા નહોતા. સૌરાષ્ટ્ર જ્યારે અલગ રાજ્ય હતું અને ઉછંગરાય ઢેબર ત્યાંના મુખ્યમંત્રી હતા, ત્યારે ઘાયલ સાહેબને મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યો સામે કાવ્યપાઠ કરવા માટે કહેવામાં આવ્યું, પણ તેની માટે ઘાયલની પૂર્વમંજૂરી લીધી નહોતી, તેથી ઘાયલ સાહેબે ના પાડી. ત્યારે ઘાયલને કોઈકે કહ્યું, ‘ધ્યાન રાખજો, તમારી સરકારી નોકરી છે, આ રીતે ના પાડવી યોગ્ય નથી.’ ત્યારે ઘાયલે જે જવાબ આપ્યો, તે શાયરની ખુમારી અને ખમીરને શોભે તેવો છે. તેમણે કહ્યું, ‘ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ભલે સરકારી નોકર હોય, ઘાયલ નથી.’ શાયરમાં આત્મસન્માન અને સ્વાભિમાનની ખુમારી હોવી જ જોઈએ.

ઉપરોક્ત મુક્તક સાથે ઘાયલ સાહેબની બાઅદબી પ્રગટ કરતો કિસ્સો જોડાયેલો છે. આ વાત જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન હતા તે વખતની છે. તે વખતે ગુજરાતના એક શહેરમાં મુશાયરો રાખવામાં આવ્યો હતો. જાણીતા ગુજરાતી શાયરો પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરવાના હતા. આ મુશાયરામાં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ હાજર હતા. ઘાયલ સાહેબે મોકો જોઈને, નહેરુજીને ઉદ્દેશીને કહ્યું, થોડો ઝાઝો હિસાબ તો આપો, ખોટો-સાચો જવાબ તો આપો, બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો.

નહેરુજીને ગુલાબ રાખવાનો શોખ હતો, તેનાથી આપણે બધા પરિચિત છીએ. ત્યારે ઘાયલે એ જ ગુલાબને જુદી રીતે રજૂ કર્યું. સરકાર લોકો દ્વારા લોકો વડે ચાલે છે. આખો દેશ એક બાગ છે, તેમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી છે, પણ આ ભાગીદારીનો રાજનેતાઓ ગેરલાભ લેતા હોય છે. આખા બાગના માલિક બની બેસતા હોય છે. સરકારી મંત્રીઓ પોતાને રાજા સમજી બેસતા હોય છે, ખરેખર તો આ મંત્રીઓ રાજાઓ નહીં, પણ પ્રજાતંત્રના ટ્રસ્ટીઓ છે. તે તો લોકોનો ટ્રસ્ટ સાચવવાનું તથા દેશની સંપત્તિનું મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે, તેના માલિક થઈ જાય તે કેટલે અંશે યોગ્ય છે? આજે લાખો-કરોડોના એમઓયુ થાય છે, દેશહિત માટે પુષ્કળ પૈસા ખર્ચાય છે, પણ તે ક્યાં ખર્ચાયા, ક્યાં વપરાયા તેનો કોઈ જ હિસાબ નથી આપતા.

એક સમયે ઘાયલ સાહેબે જવાહરલાલ નહેરુને કહ્યું હતું, તેમ આજે કોણ છે જે મોદી સાહેબને કહી શકે કે થોડો ઝાઝો હિસાબ તો આપો... લાખો-કરોડોના એમઓયુની સામે અમલ ક્યાં થાય છે, કેટલો થાય છે, જેટલા લાખ-કરોડના એમઓયુ થયા છે તેની સામે કેટલું કામ થયું છે તે જોઈએ એટલે આપોઆપ ફુલાયેલા ફુગ્ગાની ઘણી હવા નીકળી જાય. આચરણ કેટલું થયું તે જોઈએ, એટલે આપોઆપ સમજાઈ જશે કે આ તો ઢોલ જેવું છે, બહારથી વાગે છે, અંદર જોઈએ તો બધું સાવ પોલું છે.

સરકારી યોજનાઓની જાહેરાતોમાં જેટલો ખર્ચ કરવામાં આવે છે, તેટલો જ ખર્ચ ખરેખર જે તે યોજનામાં ઉમેરીને કરવામાં આવતો હોય તો કદાચ પ્રજાને વધારે લાભ થાય. એક સમયે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે હું એક રૂપિયો સરકારમાંથી મંજૂર કરું છું, ત્યારે તેમાંથી દસ પૈસા માંડ લાભધારક પાસે પહોંચે છે. આજે પણ કદાચ એ જ પરિસ્થિતિ છે. ટ્રાન્સપરન્સીની વાત પોકળ સાબિત થઈ છે. આ સરકાર કે તે સરકાર, બધી સરકારના કાગડા કાળા છે. જ્યારે પણ ક્યાંય ખોટું દેખાય ત્યારે સાચો કવિ તે તરફ સમાજનું ધ્યાન દોરતો હોય છે. હમણા જ અહેવાલ આવ્યો હતો કે દેશની નેવું ટકા સંપત્તિ દેશના એક ટકો ધનપતિઓ પાસે છે.

ફકત વહેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા, 
પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.

આજે ટેન્ડરના નામે ગમતા માણસોને બધું પધરાવી દેવાય છે. ફૂલોના ઢગલા વહેંચાય છે – આખા બાગબગીચા વહેંચાય છે, જ્યારે એક પાંદડીમાંથી આખા દેશનો ભાગ પાડવામાં આવે છે, આ જ તો મોટી કરૂણતા છે આપણા દેશની. જુદા જુદા રાજનેતાઓની નૈતિકતાને પણ આજે વટાવી ખવાય છે. ગાંધી, સરદાર, સુભાષચંદ્ર બોઝ, આંબેડકરજી બધાના નામે પોતાના પાપડ વણતા લોકો આજે ઓછા નથી. શેખાદમ આબુવાલાનું ગાંધીજીને ઉદ્દેશીને લખાયેલું આ મુક્તક ઘણું કહી જાય છે.

લોગઆઉટ

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

- શેખાદમ આબુવાલા

(“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો