નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો


લોગઇનઃ

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

- અનંત રાઠોડ

અનંત રાઠોડ વર્તમાન ગુજરાતી ગઝલનું બળકટ નામ છે. તેમની ઉંમર કરતાં તેમણે વધારે પક્વ અને સત્વશીલ સર્જન કર્યું છે. ઓછું, પણ આછું નથી, તેવું તેમનું સર્જન છે.

પ્રસ્તુત ગઝલ તેમની સર્જનશીલતાનો પરિચય આપે છે. ઘણી વાર વ્યક્તિ ધોબીના કૂતરા જેમ નથી ઘરની રહેતી કે નથી ઘાટની. સંજોગોવસાત એવી પરિસ્થિતિમાં મુકાઈ જવાતું હોય છે. ઘણા સંસાર છોડીને સાધુ થઈ ગયેલા માણસોને સાધુપણું પણ માફક નથી આવતું. આવા લોકો નથી સંસારના રહ્યા કે નથી આધ્યાત્મજગતના. આવા લોકોને ઉદ્દેશીને જ કહેવાયું છે કે બાવાના બેય બગડ્યા. અમુક માણસો જ્યાં હોય છે ત્યાં તે હોતા જ નથી, માનસિક રીતે તે હંમેશાં બીજે રખડતા હોય છે. આવા માણસોની આપણે ત્યાં કમી નથી. કવિ પણ નથી વાડના રહ્યા કે નથી મકાનના રહ્યા. તેમની કરૂણતાને બેવડાવવા આગળ તે કહે છે, હું સાંકળે તો છું, પણ કમાડનો નથી રહ્યો. કાયમ ચાંદપુરી નામના ઉર્દૂ કવિનો એક સરસ શેર છે,

‘દુનિયા મેં હમ રહે તો કઈ દિન પ ઇસ તરહ, 
દુશ્મન કે ઘર મેં જૈસે કોઈ મેહમાં રહે.’

દુનિયામાં રહેવું એ દુશ્મનના ઘરમાં મહેમાન થઈને રહેવા જેવું છે. ડગલે ને પગલે સંભાળવું પડે છે.

દીવો અને અંધકારને બાપે માર્યા વેર છે. ઉજાસ હોય ત્યાં અંધકાર ક્યારેય ન રહી શકે. અંધકાર એ બીજું કશું નથી, અજવાશની ગેરહાજરી છે. તમે અજવાળું કરીને ક્યારેય અંધારને ન શોધી શકો. ઘણા કહેતા હોય ચે, આવી વસ્તુ દીવો લઈને શોધવા જાવ તોય ન મળે. આ વાક્ય જોકે જે-તે વસ્તુની મહત્તા દર્શાવવા માટે કહેવામાં આવે છે, પણ અંધકાર માટે આ વાક્ય સો ટકા સાચું છે. દીવો લઈને ક્યારેય અંધકાર શોધી શકાતો નથી. કવિ દીવો લઈને અંધકાર શોધવા ગયા અને અજવાશના પણ ન રહ્યા. મરીઝનો શેર યાદ આવી ગયો, ‘લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.’

તરસ પોતે તરસ્યાને ગળે વળીને રડી પડે એ કેટલું કરૂણ દૃશ્ય છે. પણ આ દૃશ્ય કવિએ અનુભવ્યું, તરસ એટલા માટે ગળે વળગીને રડી પડી કેમકે તરસી વ્યક્તિ હવે તળાવની નથી રહી. અર્થાત તે પાણી પી શકે તેમ નથી. તરસને લીધે તેણે જીવ ગુમાવી દીધો છે. અથવા એમ પણ કહી શકાય કે તે વ્યક્તિ ખૂબ તરસી છે, તરસીને લીધે મરી જાય તેમ છે, આંખ સામે જ સરોવર છે, છતાં પાણી પી શકાય તેમ નથી, કારણ કે તળાવ સાથેનો તેનો સંબંધ હંમેશ માટે કટ થઈ ગયો છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં પણ આ વાત જોઈ શકાય. જ્યારે ખબર પડે કે સામેની વ્યક્તિ આપણી નથી રહી, ત્યારે તમામ લાગણીઓ જાણે આપણને ગળે વળગાડીને રડી પડતી હોય છે.

એક વાત એવી છે કે જે કોઈના નથી હોતા, તે બધાના હોય છે. બીજી વાત એવી પણ છે કે બધાના થવાની લાહ્યમાં કોઈના થઈ શકાતું નથી. કવિ અહીં કોઈ ધર્મ કે વાડામાં સીમિત નથી રહ્યા, તેમણે પોતાની જાતને વિસ્તારી છે અને હવે તે કોઈ ધર્મ કે પંથના નથી રહ્યા, પરંતુ સમગ્ર માનવજાતમાં ઓગળી ગયા છે. અમિત વ્યાસનો શેર આ ક્ષણે યાદ આવ્યા વિના ન રહે, ‘હોય માનવતા જો તારું ગોત્ર તો, આ જગત આખુંય તારું કુળ છે.’

ઉપરના જ શેરની એક જુદી દિશામાં જોઈએ તો છેલ્લા શેરના પામવામાં વધારે મજા આવશે. આપણે પોતાને અલગ અલગ એટલા બધા વિભાગમાં વહેંચી દઈએ છીએ, ચણી લઈએ છીએ કે કોઈ એક પ્રકારમાં બંધાઈ રહી નથી શકતા. પરિણામે કોઈ ચોક્કસ આકાર નથી મળી શકતો જીવનને. આ કવિની જ એક અન્ય ગઝલથી લેખને લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં
ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે

- અનંત રાઠોડ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો