લોગઇનઃ
કેટલાક મરવાના બાકી છે?
દેખેંગે, સોચેંગે, લડલેંગે આરપાર સાંભળીને પબ્લિક પણ થાકી છે.
એક પછી એક બધાં કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય?
ઘરમાં ઘૂસીને રોજ માથાં વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
“આસમાન સાફ હૈ ને બીજલી ગીરેગી” આમાં નો હાલે કવિતાની વાતું
બીજાની પાસેથી એટલું તો શીખો કે બોલવાથી કાંઇ નથી થાતું
થોડુક હલાવશો તો તરતજ ઇ ખરવાની ડાળી પર કેરિયું જે પાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
લાગી છે આગ એને ઠારવાની વાત, એમાં ભાગ્યા ક્યાં? અહિયાં તો અટકો,
પોતાના કૂવામાં પાણી ભરપૂર છતાં પારકાના કૂવે કાં ભટકો?
આખ્ખી દુનિયાને શું ક્હેતા ફરો છો કે કૂતરાની પૂંછડી તો વાંકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
- કૃષ્ણ દવે
સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કવિતા લખતા સર્જકો આપણે ત્યાં જૂજ છે. કૃષ્ણ દવે તેમાં મોખરાનું નામ છે. થોડા દિવસ પહેલાં જ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં અનેક યુવાનો શહીદ થઈ ગયા ત્યારે કવિતા કેટલી પ્રાસંગિક લાગે છે. વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરીના દિવસે - પ્રેમના દિવસે લોહિયાળ જંગ જંગ સર્જાઈ. ગુલાબો વહેંચવાના દાડે ગોળીઓ ચાલી. ગુલાબી રંગ લાલ થઈ ગયો. શહીદોએ ભારતમાતાના ચરણોમાં પોતાનું જીવનરૂપી ગુલીબ મૂક્યું. પોતાનો પરિવાર મૂકીને સરહદે ઊભેલો સૈનિક જીવની પરવા કર્યા વિના ખડેપગે દેશ માટે લડતો રહે છે, ત્યારે આપણા સત્તામાં બેઠેલા ખુરશીધારીઓ શું કરે છે ભાષણો અને વાયદા સિવાય? દરેક વખતે દેખેંગે, સોચેંગે, ઐસા કરેંગે, વૈસા કરેંગેના વાજાં તો વગાડે છે, પણ તેમાંથી નીકળતો સૂર સાવ ઢોંગી છે.
આજે દેશની સ્થિતિ પ્રાથમિક શાળામાં આવતા વાંસળીવાળાના પાઠ જેવી છે. એક વાંસળીવાળો વાંસળી વગાડે અને બધા ઉંદર તેની પાછળ પાછળ વાંસળીના સૂરે ખેંચાતા જાય છે. છેવટે વાંસળીવાળો એક નદીમાંથી પસાર થાય છે અને તેમની પાછળ આવતા ઉંદરો નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. આપણા દેશવિદેશમાં ફરતા અને વિકાસના ઢોલ ટીપતા સાહેબ પોતાના સદ્કાર્યોની વાંસળી વગાડી રહ્યા છે, કરેલા-નહીં કરેલા કામનો માર્કેટિંગ રૂપી પાવો વાગી રહ્યો છે અને પ્રજા ભોળા ઉંદરની જેમ એ વાંસળીવાળા પાછળ દોડી રહી છે. આમાં ઘણાં તો સંજોગ નામની નદીમાં તણાયા પણ ખરાં. જેમ સમજ્યા એ પાછા વળ્યા અને નથી સમજ્યા એ દોડ્યે જાય છે. દરેક સરકારના કાર્યકાળમાં અમુક વાદ-વિવાદ સર્જાતા હોય છે, સારાં-નરસાં કાર્યો થતાં હોય છે, પણ સમયગાળામાં જે થઈ રહ્યું છે તે કંઈક વધારે પડતું છે. કારણ કે સરકાર કોઈ કંપની જેવી થઈ ગઈ છે, તે પાઉડર વેચતની કંપની જેમ પોતાના પાવડરનું માર્કેટિંગ કરે તેમ સરકાર પ્રજાના કામ કરવાને બદલે પોતાની સેવા (જે નથી કરી તેની પણ)નું માર્કેટિંગ કરવામાં પડી છે.
સીઆરપીએફના જવાનો પર થયેલો આ હુમલો કોઈ કાળે સહ્ય નથી જ. એક બાજુ થિયેટરમાં ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઇકની ગૌરવગાથા ગાતી ફિલ્મ ધૂમ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ આ કરૂણાંતિકા સર્જાઈ છે. આ પણ કેવો વિરોધાભાસ છે. કબીર અતહર નામના ઉર્દૂ કવિનો શેર છે, ‘બસ ઇતના દખલ થા મેરા ખુદા કે કામોં મેં, મૈં મરતે લોગોં કી જાને બચાયા કરતા થા.’ રાજકારણીઓ માટે આ શેરને ઊંધી રીતે સમજવો. તે હંમેશાં એમ કહેતા હોય છે કે ઇતની સહુલિયત કર દેતા થા મૈં યમ કે કામ મેં, કઈ આદમીંયો કો વક્ત સે પહલે માર દેતા થા મૈં. સરહદ પરનો જવાન પોતાની પત્ની, માતાપિતા અને આખા પરિવારને છોડીને દેશ માટે લડતો હોય છે, ત્યારે આપણા વાયદાપુરુષો વાતચીતના વડા કર્યા કરશે, નક્કર પગંલા લેશે જ નહીં. આટલો મોટો હુમલો થાય અને કોઈને અણસાર સુધ્ધાં ન આવે એ તંત્રની બેદરકારી નહીં તો બીજું શું?
જોકે આ છાપામાં લેખ લખી નાખવા જેટલી સહેલા વાત નથી જ, તે પણ સમજી શકાય. પણ પોતે જ્યારે સુરક્ષાની વાતો કરતા હોય, સર્જિકલ સ્ટ્રાઇકનાં ગાણાં ગાતાં હોય, દેશ સંપૂર્ણપણે સલામત છેના પાવા વગાડતા હોય આખા વિશ્વમાં અને ત્યારે આવું થાય તે વધારે અસહ્ય છે. બે શહિદોના સંવાદવાળી કૃષ્ણ દવેની આ કવિતા પણ ધારદાર છે.
લોગઆઉટ
નવા નવા થયેલા શહિદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આ સાંભળીને એક સિનિયર શહિદ બોલ્યા,
“ગર્વ તો અમને પણ હતો ભાઈ.
મેં પણ મારો જીવ આપી બચાવી હતી સંસદને
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે.
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે
અને મને મારનારા જેલમાં આરામથી બીરિયાની ખાઈ રહ્યા છે.
- કૃષ્ણ દવે
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો