એ હશે ઉપર તો નીચે આવશે, કોઈ સીડી પર હવે ચડવું નથી.


લોગઇનઃ

બસ હવે હસવું નથી, રડવું નથી;
છેક પાસે છે છતાં અડવું નથી.

એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.

એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવાને પણ હવે નડવું નથી.

સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી, પડવું નથી.

એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.,
જાતથી પણ જાતને જડવું નથી.

- સુભાષ શાહ

સુભાષ શાહ, એટલે એ સર્જક જેણે લાભશકંર ઠાકર સાથે રહીને ‘એક ઉંદર અને જદુનાથ’ નામનો પ્રથમ ગુજરાતી એબ્સર્ડ નાટકનો પ્રયોગ કરેલો. આ નાટક ફ્રેન્ચ સર્જક સેમ્યુઅલ બેકેટ લિખિત ‘વેઇટિંગ ફોર ગોદો’ પરથી થયેલું આ અનુસર્જન હતું. એ સમય વિશ્વસાહિત્યમાં ન સમજાય તેવા – એબ્સર્ડ સાહિત્ય સર્જવાનો કાળ હતો. કેમકે વિશ્વ બબ્બે વિશ્વયુદ્ધનો સંહાર જોયા પછી બધાને લાગતું હતું કે બધું જ નિરર્થક છે. તેના પાયામાંથી જ નિરર્થકતાવાદની હિમાયત કરતા એબ્સર્ડ સાહિત્યનું સર્જન થવા લાગ્યું. સેમ્યુઅલ બેકેટના વેઇટિંગ ફોર ગોદોએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેના પડઘા સમગ્ર વિશ્વામાં પડ્યા. ગુજરાતીમા તેનો પડઘો પાડવાનું શ્રેય સુભાષ શાહ અને લાભશંકર ઠાકરને જાય છે.

માત્ર પંદર મિનિટ કોઈ માણસની જિંદગી બદલી શકે તે વાત માત્ર કથામાં સાચી લાગે, જીવનમાં નહીં. પણ સુભાષ શાહના જીવનમાં એવું થયેલું. પોતાના યુવાકાળે તેમને સંસારમાંથી રસ ઊઠી ગયો અને સંન્યાસી થઈ હિમાલયમાં જીવન ગાળવાનું વિચાર્યું. ગૃહત્યાગ કર્યો. ટ્રેન પકડવા સ્ટેશને ગયા. સંજોગવસાત એ જ દિવસ ટ્રેન પંદર મિનિટ મોડી પડી. આ દરમિયાન તેમના પરિવારના માણસો ત્યાં આવી પહોંચ્યા અને તેમને મનાવી-ફોસલાવી ઘેર લઈ આવ્યા. જો તે પંદર મિનિટ મોડી આવનાર ટ્રેન સમયસર આવી હોત તો આપણને સુભાષ શાહ પાસેથી આ નાટક અને આવાં બીજાં અનેક નાટકો ન મળ્યાં હોત. અનેક કવિતાઓ ન સાંપડી હોત. વિશ્વ સાહિત્યના નાટકોના અનુવાદો ન મળ્યાં હોત. આદિલ મન્સૂરી, ચિનુ મોદી, લા.ઠા. વગેરેએ ચલાવેલ રેમઠનો એક આ સર્જક પણ ન મળ્યો હોત. પાછા આવ્યા પછી નોકરીના કારણોસર લાભશંકર ઠાકર વગેરેના સંપર્કમાં આવ્યા અને સાહિત્યમાં જોડાણ થયું. ત્યાર પછી એ સફર આજીવન ચાલતી રહી. આજીવન તેઓ સાહિત્યનું કામ કરતા રહ્યા. વિશ્વની ફિલ્મો વિશે તેમણે જે લખ્યું છે, તે પણ ફિલ્મરસિકોએ વાંચવા જેવું છે. આ સિવાય અનેક સાહિત્યકારોના જીવન પર બનાવેલ ડોક્ટુમેન્ટરીઝ તો ગુજરાતી સાહિત્યની આર્કાઇવ્ઝ થઈ શકે તેમ છે. વર્ષો સુધી તેમણે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં વી થિયેટર ચલાવેલું. આજે ફિલ્મ અને સિરિયલ્સમાં દેખાતા ઘણાં મોટાં નામ ડાયના રાવલ, કિરણ જોશી વગેરે તેમના હાથ નીચે તૈયાર થયેલા.

તેમની આ ગઝલ તેમની સર્જકતાની ઝાંખી કરાવે છે. રેમઠ તથા બુધસભા, શનિસભામાં રહીને તેમણે અનેક કાવ્યો પણ સર્જ્યાં. આ ગઝલ તેમની આ જ સર્જનપ્રવૃતિની એક છબી છે. આપણામાં રહેલ જિજીવિષાઓને આપણે ક્યારેક સ્થિતપ્રજ્ઞ રહીને હસ્યા કે રડ્યા વિના સ્પર્શવાની જરૂર હોય છે. ક્યારેક આપણે પોતે એવી સ્થિતિમાં પહોંચી જતા હોઈએ છીએ કે આપણું મન આ ગઝલના પ્રથમ શેર જેવું બની જાય છે. બધું જ પાસે હોવા છતાં, કશાનો મોહ રહેતો નથી. પણ આવી સ્થિતિ ઓછા લોકોને – ઓછા સમય માટે આવે છે. આવી સ્થિતિ આવી જાય તેને ઈશ્વરની પણ શેની તમા હોય? જે આવી સહજતા સુધી પહોંચે તેના સુધી ઈશ્વર પોતે સામે ચાલીને આવતો હોય છે. ગઝલનો બીજો શેર એટલે જ કદાચ ઈશ્વરને ઉદ્દેશીને કહેવાયો છે કે એ ઉપર હશે તો નીચે આવશે, આપણે કોઈ જ સીડી પર ચડવા જવું નથી. આ સ્થિતિમાં ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવ્યા વિના ન રહે. તેમણે લખ્યું છે, ‘તું મને સરનામું પાક્કું આપ બસ, રોજ મંદિરનો મને ધક્કો પડે.’ સુભાસ શાહ કહે છે ઈશ્વર આકાશમાં હશે તો નીચે આવશે અને ગૌરાંગ ઠાકર કહે છે, તું મંદિરમાં નથી મળતો, મને ધક્કો પડે છે. તું ક્યાં રહે છે તેનું સરનામું આપ. આપણે મોટેભાગે ઈશ્વરની વાત આવે ત્યારે આકાશ તરફ આંગળી ચીંધી દેતા હોઈએ છીએ. અમુક લોકો શ્રદ્ધાને મૂર્ત રૂપ આપવા મંદિરમાં રહેલી મૂર્તિ બતાવે, પણ ઈશ્વર ખરેખર છે ક્યાં? ઈશ્વર તો ખરેખર આપણી શ્રદ્ધામાં છે, એ નથી આકાશમાં કે નથી મંદિરમાં.

ઈશ્વરની શોધ પછી માણસ નિઃશેષ થયા વિના ન રહે. જેનું હૃદય પવિત્ર હોય તે માણસોને તો ઠીક હવાને પણ નડતર ન થાય એમ શ્વસતો હોય છે. આ રીતે જીવનાર માણસમાં આપોઆપ સ્થિતપ્રજ્ઞતા આવી જાય. અંતિમ શેર આજે જ્યારે સુ.શા.ની હયાતી નથી ત્યારે વધારે માર્મિક લાગે છે. એ રીતે સંતાઈ જવાનું છે, કે આપણે પોતે જ પોતાને જડવાનું નથી. દરેક માણસે આખરે એક દિવસ મૃત્યુ નામની કોઈ ગુપ્ત જગ્યાએ સંતાઈ જવાનું છે.

લોગઆઉટ

લે આ ઢાંક્યો સૂરજ, કાળી રાત કરી;
બોલ કર્યો મેં પ્રેમ કે ખાલી વાત કરી?
વર્ષો પહેલાં એક વખત બદનામ થયેલો,
ગઝલ લખીને પાછી મેં શરૂઆત કરી.

- સુભાષ શાહ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

2 ટિપ્પણીઓ: