![]() |
પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો. |
સંપાદનઃ
મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા
કિંમતઃ 300/- રૂપિયા । પ્રકાશકઃ આર. આર. શેઠ, અમદાવાદ
પ્રસ્તાવના
રઈશભાઈનો ફોન આવ્યો, “હલો અનિલ, મોહસીનભાઈ – મરીઝસાહેબના દીકરાની ઇચ્છા એવી છે કે મરીઝસાહેબની ગઝલોના આસ્વાદનું એક સરસ પુસ્તક થાય. આનું સંપાદન કરવાનું વિચાર્યું છે, તને સંપાદનનો અનુભવ છે, તને આમાં જોડાવાની ઇચ્છા છે?”
નદી સામે ચાલીને તરસ્યા પાસે આવે તો કોણ ના પાડે? મેં એક ક્ષણનોય વિલંબ કર્યા વિના હા પાડી દીધી. આ રીતે આ પુસ્તકના સંપાદનમાં જોડાવાનું થયું. મરીઝ સાથે આ રીતે જોડાવાની તક આપવા માટે રઈશભાઈ, મોહસિનભાઈ અને ચિંતનભાઈનો દિલથી આભારી છું.
આમ તો આ પુસ્તક વિશે મોહસિનભાઈ અને રઈશભાઈએ તેમની પ્રસ્તાવનામાં વિગતે વાત કરેલી જ છે, એટલે મારે વિશેષ વાત કરવાની રહેતી નથી. મરીઝ ગુજરાતી ભાષાના ગાલિબ છે કે મરીઝ ગુજરાતી ગઝલનું શિખર છે કે મરીઝ ગુજરાતી ભાષાના અનન્ય ગઝલકાર છે એવું કહીને વાતોનું પુનરાવર્તન કરવાનો પણ અર્થ નથી, કેમકે મરીઝની કલમના કૌવતને ગુજરાત સારી રીતે પિછાણી ગયું છે.
પણ આ સંપાદનસંદર્ભે એટલું કહી શકાય કે ગુજરાતી ગઝલમાં સર્વોચ્ચ સ્થાને બેસનાર ગઝલકારની રચનાઓનું અલગ અલગ કવિઓ દ્વારા આસ્વાદ થાય તો મરીઝના ચાહકોને અન્ય કવિઓનો મરીઝની ગઝલો તરફનો દૃષ્ટિકોણ જોવા-જાણવા મળે. સાથે સાથે જે તે કવિ પણ મરીઝની ગઝલને કઈ રીતે આત્મસાત કરે છે, તેનો પરિચય થાય.
આ સંપાદનમાં કોની પાસે કવિતાના આસ્વાદ કરાવવા તે એક પ્રશ્ન હતો, કેમકે મરીઝના ચાહકો તો હજારો છે. પણ ચર્ચાને અંતે એમ ઠરાવ્યું કે જે કવિઓ હોય તેમની પાસે જ આસ્વાદ કરાવવા. કવિ સર્જનની કપરી ઘડીમાંથી પસાર થયો હોય છે, માટે તે સર્જનનો આનંદ અને પીડા બંને સારી રીતે જાણતો હોય છે. કવિના ચિત્તમાં સર્જનની ગર્ભાવસ્થા ઓછેવત્તે અંશે પડી હોય છે, જે આસ્વાદટાણે ખપમાં લાગે છે. ગઝલમાં કલા-કસબ લાવવામાં કેટલી વીસે સો થાય તે દરેક કવિ સ્વાનુભવે જાણે છે, તેથી જો સિદ્ધહસ્ત કવિઓ દ્વારા મરીઝની ગઝલનો આસ્વાદ થાય તો કવિતાપ્રેમીઓને કશુંક વિશેષ મળે.
કઈ કવિતાનો આસ્વાદ કોની પાસે કરાવવો એ વધારે મૂંઝવનારો પ્રશ્ન હતો, પણ એ બાબતે જે તે કવિના મૂડ મુજબ કવિતા પસંદ કરીને આપવાને બદલે કવિતાની સામે નક્કી કરેલા કવિના લિસ્ટમાંથી નામ આવતાં ગયાં તેમ તેમ મોકલતા ગયા. એટલે કોના ભાગે કઈ કવિતા આવે તે નિશ્ચિત નહોતું.
મરીઝ પ્રત્યેના પ્રેમને જોતા દરેક કવિએ ધાર્યા કરતા વહેલા આસ્વાદલેખો મોકલી આપ્યા છે, તે માટે સૌ કવિમિત્રોનો અમે સંપાદકો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ચિંતનભાઈની ચીવટ આર.આર. શેઠના દરેક પુસ્તક-પ્રોડક્શનમાં દેખાઈ આવે છે. આ પુસ્તક પણ એટલી જ ચીવટાઈથી તે પ્રગટ કરશે તેમાં બેમત નથી. આ વિચારને સાકાર કરવા માટે તેમનો આભાર.
મરીઝપ્રેમીઓને આ પુસ્તક ખૂબ ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા છે.
- અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો