આ કેવા દિવસો આવ્યા છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે?
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે?

રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ,
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે?

વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં,
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે?

કાં તો બાજી કાં તો પ્રલોભન કાં તો એ હથિયાર હશે,
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે?

ઝાંખુપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે,
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે?

- હેમેન શાહ

‘આ કેવા દિવસો આવ્યા છે?’ આ વાક્ય અત્યારના સમયમાં સૌથી વધારે બંધબેસતું છે. એક તરફ કોરોના મહામારી છે, બીજી તરફ નોકરી બચાવવાની ચિંતા, તો ત્રીજી તરફ મોંઘવારીનો માર... આવા સમયે માણસ Ebgx વાક્ય ન બોલે તો શું બોલે? ઘણા વૃદ્ધો વાતવાતમાં બોલી ઊઠતા હશે કે આવા દિવસો પણ જોવાના થશે એવી કલ્પના ક્યારેય નહોતી કરી. આવું તો અમે અમારા જન્મારામાં ક્યારેય જોયું નહોતું. માણસ અકલ્પ સમયમાં જીવી રહ્યો છે. હેમેન શાહે ગઝલમાં જે રદીફ વાપરી છે તે વિકટ સમયમાં અંદરથી નીકળતી હાય જેવી છે.

આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ વગેરેની પેઢી પછી જે પેઢી આવી તેમાં હેમેન શાહ ખૂબ મહત્ત્વના અને ઝીણવટથી અભ્યાસ કરવા જેવા કવિ છે. તેમની ગઝલમાં રહેલી બારીકાઈ અને અર્થનું ઊંડાણ તરત ધ્યાન ખેંચે છે. ઉપરની ગઝલ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેની રદીફ જુઓ, એકદમ સહજ અને સરળ છે. પણ એ રદીફ સિવાયના શબ્દોમાં કવિએ જે કૌવત કર્યું છે તે કૌવત રદીફને વધારે સબળ બનાવે છે. એક રીતે અહીં ફરિયાદ પણ છે કે આ કેવો કપરો સમય આવ્યો છે અમારી પર!

માણસને પોતાના જિવાતા સમય સામે ફરિયાદ ક્યારે થાય? જ્યારે તેમાં તેને સહજતા ન લાગતી હોય, ગોઠતું ન હોય. પોતે કલ્પેલું હોય તેનાથી કંઈક જુદું જ થાય, ઇચ્છિત સુખને બદલે ભારોભાર દુઃખ આવી ચડે, પોતે કરેલા કામનું ફળ ન મળે. જેણે કંઈ કર્યું ન હોય એને એ ફળ મળે ત્યારે એ ફરિયાદના સૂરે ચોક્કસ બોલી ઊઠે કે અરેરે આ કેવા દિવસો આવ્યા છે? ‘એક ડાળે પાન નથી’ કે ‘કોઈ ગળામાં ગાન નથી’ એ શબ્દોમાં પુષ્કળ નિરાશા છે. અહીં વૃક્ષો પર પાન ન હોવાં કે ગળામાં ગાન ન હોવું તેટલા સુધી વાત સુધી સીમિત નથી. બીજું ઘણું બધું છે. માણસના શરીરે એક ચીંથરું પણ પહેરવા ન રહે, કે ભૂખ્યાને પેટ ભરવા અન્નનો કોળિયા સુધ્ધા ન રહે એ કેવી સ્થિતિ કહેવાય? આવી સ્થિતિમાં ‘આ કેવો દિવસો આવ્યા છે?’ એવું વાક્ય જ મોંએ આવે ને?

જે માણસ રાતદાડો ફૂલો સાથે પનારો પાડે છે, તેને સુગંધ વિશે જ કશી ખબર ન હોય એ કેવું આશ્ચર્ય! ફર્નિચર બનાવનારને વૃક્ષ શું છે તેની ખબર ન હોય એટલી જ કરૂણતા આ વાતમાં છે. વાદળ, નદી, કૂવો, આંખો બધાને સીધો સંબંધ ભીનાશ સાથે છે, આંખની ભીનાશ અને નદી-કૂવા-તળાવની ભીનીશ અલગ છે. પરંતુ એ બધામાં જળ કેન્દ્રસ્થાને છે. આ બધાની વાત કરીએ ત્યારે ક્યાંય જળનું અનુસંધાન સુધ્ધાં ન હોય એ પણ વિચારવા જેવી વાત છે. સ્મિત હંમેશાં માટે જતું રહે તેવા વિકટ દિવસો પ્રભુ ક્યારેય કોઈને ન આપે. બે ક્ષણ પૂરતું ચમકતી ચીજને લોકો પૂજવા લાગે અને સૂરજની અવગણના કરે એ સમય પણ વરવો જ કહી શકાય. વર્ષોથી જ્ઞાન કે પ્રતિભાનું પુષ્કળ તેજ ધરાવતા માણસની ઠેરઠેર અવગણના થતી હોય અને આજકાલમાં આવેલી કોઈ વ્યક્તિ પોતાની છીછરી કલાથી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે. વળી લોકો પણ તેને પૂજનીય ગણવા લાગે ત્યારે ચોક્કસ ફરિયાદ થાય કે આ કેવા દિવસો આવ્યા છે?

આ ગઝલને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ શકાય તેમ છે. હેમેન શાહની જ અન્ય એક સુંદર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વહેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

આમ સ્હેજે આવવાનું એ છે પાસે ખુદ-બખુદ
અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડીએ.

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

- હેમેન શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો