અમે તો હેલ્થવર્કર તો અમારે કામનો માહોલ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઆઉટઃ

અમારે ક્યાં તમારી જેમ છે આરામનો માહોલ, અમે તો હેલ્થવર્કર તો અમારે કામનો માહોલ.

તમે થનગન કરો ઓગાળવા રક્ષિત રેખાને, અમારે હર તરફ કેવળ રહ્યો સંગ્રામનો માહોલ.

તમે ઘરમાં રહી કરશો કવિતા ફેસબુક લાઈવ,
અમે રચશું મરીઝ સાથે રહી બેફામનો માહોલ.

અમારે પણ સમય તો ગાળવો છે ફેમિલીની સાથ,
અમોને આપ જેવો ક્યાં મળે વિશ્રામનો માહોલ.

સટોસટ જીવ સાથે ખેલ ખેલે છે મહામારી,
અમારો યત્ન કે કરવો યથાવત ગામનો માહોલ.

ફરજ પર જોખમો છે તોય સૌ દિલથી બજાવે છે,
વિના પરવા કર્યે કેવો હશે અંજામનો માહોલ.

- રીનલ પટેલ

મહામારી ફેલાઈ રહી છે, સેંકડો લોકો તેનો ભોગ બની રહ્યા છે. ઇન્જેક્શનની કાળાબજારી ચાલી રહી છે. સગાવાદ વકર્યો છે. જરૂર ન હોય તોય પહેલાં ઓળખીતા-પાળખીતાને સેવા અપાય છે. જરૂરિયાતમંદ બહાર એકએક શ્વાસ માટે વલખે છે. આવા અનેક કિસ્સાઓ સાંભળવા મળશે. તેમાં સત્ય પણ હશે. પણ એ ન ભૂલવું જોઈએ કે આવા કાળા ડિબાંગ અંધકારમાં પણ અમુક દીવડાઓ ટમટમી રહ્યા છે. પોતાના પરિવારને જોખમમાં મૂકીને પણ ઘણા ડૉક્ટર્સ, નર્સ, હેલર્થવર્ક્સ રાતદાડો લોકોની સેવા કરી રહ્યા છે. બને તેટલા દર્દીઓ ઝડપથી સાજા થાય અને પોતાને ઘેર જાય તે માટે ખડેપગે ઊભા છે. કપરા કાળમાં ફરિયાદના પોટલાં એકબીજાને માથે મૂકવા કરતાં આપણે શું કરી શકીએ તે જોવું વધારે અગત્યનું છે. હેલ્થવર્ક્સને જોઈને આપણે બધાએ ઘણું શીખવા જેવું છે. પીપીઈ કીટ પહેરીને આઠ-આઠ દસ-દસ કલાક કામ કરવું કેટલું મુશ્કેલ છે તે કોઈ ડૉક્ટરને પૂછી જુઓ. ઘર, પરિવાર કે મિત્રોમાં કોઈને કોરોના થયો હોય તો ઘણા નજીક જતા પણ ડરે છે ત્યારે આ ખરા વોરિયર્સ કોરોના દર્દીઓની જીવ રેડીને સેવા કરી રહ્યા છે.

રીનલ પટેલ પોતે હેલ્થવર્કર છે અને હૈયું સંવેદનાથી ભરપૂર છે. પોતે કવયિત્રી છે એટલે પોતાની આ સંવેદનભરી સ્થિતિને કવિતામાં આલેખી શકે છે. ઉપરની ગઝલમાં રહેલી હેલ્થ વર્કરની સંવેદના તેમના અનુભવમાંથી નીપજી છે. આ ગઝલ ગુજરાત અને ભારતના એવા તમામ હેલ્થવર્કરને અર્પણ કે જેઓ પરવા કર્યા વિના નિસ્વાર્થભાવે દર્દીઓની સેવા કરી રહ્યા છે.

હેલ્થવર્કર્સ બહુ સારી રીતે જાણે છે કે આ સમય તેમની માટે પરીક્ષાસમાન છે. ઘણા લોકો આવા સમયમાં ભયભીત થઈ જાય છે. ચોવીસે કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ વચ્ચે રહેવાનું, આવા માહોલમાં પોતે પણ કોરોનાનો શિકાર થઈ જાય તો? અંજામની પરવા કરનાર ફરજના ફૂલમાંથી મહેક પ્રસરાવી શકતો નથી. હેલ્થવર્કર્સ સારી રીતે જાણે છે કે આ સમય તેમના માટે આરામનો નથી, કામનો છે. હૉસ્પિટલ્સ જાણે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ છે. તેમાં કામ કરતાં કર્મચારીઓ વિવિધ હેલ્થ-ઓજારો લઈને રોગ સામે લડી રહ્યાં છે. કવિઓ-કલાકારો ઓનલાઇન કાર્યક્રમ કરીને આ વિકટ સમયમાં પોઝિટિવિટી આપવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ ખરી પોઝિટિવિટી તો આ મુશ્કેલીમાં રહીને કામ કરતા લોકોમાં છે. તે થાક્યા-હાર્યા વિના એકધારા મચ્યા રહે છે. તેમને પણ પોતાનો પરિવાર છે, ધારે તો એ પણ આ ફરજ મૂકીને ઘરમાં ભરાઈ જાય. હોમ ક્વોરન્ટાઇન થઈને આરામથી વેબસિરિઝ, ટીવી સિરિયલ્સ, ફિલ્મો અને પુસ્તકોમાં પરોવાઈ જાય. પણ સાચા હેલ્થવર્કર જાણે છે કે આ ખરાખરીનો ખેલ છે. જો અત્યારે નહીં તો ક્યારેય નહીં. જ્યાં સુધી બધું સમુસૂતરું ન થઈ જાય ત્યાં સુધી મથતા જ રહેવાનું છે. કોઈ એક વ્યક્તિથી બધું નથી થઈ જવાનું, પણ પેલી રામની ખિસકોલી જેમ આપણાથી થાય એટલું તો કરી શકીએ ને?

ઘણી વાર તો ઇચ્છા હોવા છતાં પણ મદદ નથી થઈ શકતી. પથારીમાં પડેલા દર્દીને ઓક્સિજનની જરૂર હોય અને વ્યવસ્થા કોઈ કાળે ન થઈ શકે તે વખતની લાચારી હાર્ટ એટેક આવે તેવી હોય છે. માણસે ક્યારેય વિચાર્યું નહીં હોય કે મર્યા પછી અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડશે. બળવા માટે પણ ટોકનો લેવાની થશે. એકએક શ્વાસ માટેના વલખા છે તેવે સમયે પણ અમુક માણસો ઇન્જેક્શનની ઘાલમેલમાં પડ્યા છે. પૈસા લઈને હોસ્પિટલમાં બેડના સેટિંગ્સ કરી રહ્યા છે. એક્સપાયરી ડેટવાળા કે નકલી રમસેડિવર પધરાવી રહ્યા છે. માણસ તો મરણપથારીએ છે જ, માણસાઈ પણ મરી પરવારી છે. આ બધામાં વળી રાજકીય તાયફા-તમાશાઓનો ભાર તો પ્રજાના ખભે છે જ. તેના ભાર નીચે નિર્દોષ માણસ બાપડો કચડાઈ રહ્યો છે. આવો તમાશો હવે બંધ થવો જોઈએ. કદાચ આવું કરનાર માણસોને ઉદ્દેશીને જ કુણાલ શાહે આ પંક્તિઓ લખી હશે.

લોગઆઉટઃ

ખૂટવા લાગ્યા છે ખાંપણ, આ તમાશો બંધ કર,
માણસાઈ હો જરા પણ, આ તમાશો બંધ કર.

એકદમ શયતાનની નજદિક તું પહોંચી ગયો છે,
સ્હેજ તું જોઈ લે દર્પણ આ તમાશો બંધ કર.

- કુણાલ શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો