દુવા માટે ઊભા’તા એ દવા માટે ઊભેલા છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇનઃ

થશે ક્યારે રમત પૂરી, હવે જલદી જણાવી દે, તું કાં તો આવ અહીં, કાં તો મને ઈશ્વર બનાવી છે.

બધાંએ શક્તિ મુજબ દાનપેડીમાં ધર્યા રૂપિયા,
પડ્યા ઓછા તને કે હોસ્પિટલના બિલ ચડાવી દે.

દુવા માટે ઊભા’તા એ દવા માટે ઊભેલા છે,
લખી દે એમને હૂંડી અને હૂંડી ચલાવી દે.

જો લાશો પણ ઊભી છે રાહ જોઈને કતારોમાં,
ભલે ઘર ના દીધું તું એક ભઠ્ઠી તો અપાવી દે.

‘નિનાદ’ એ ધારે તો રોશન નગરને પણ કરે સૂમસામ,
એ ધારે તો અહીં સમશાનને પણ ઝગમગાવી દે.

- નિનાદ અધ્યારુ

અચ્છા અચ્છા માનવી ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી દે એવો સમય છે. અને કડવી હકીકત એ છે કે આપણી પાસે શ્રદ્ધા સિવાય કશું નથી. બધા ભગવાન ભરોસે છે. સરકાર સબ-સલામતના ગાણાં ગાઈ રહી છે. પ્રજા સબ હાહાકાર અનુભવી રહી છે. એક આંખે બે વરવાં ચિત્રો આપણે જોઈ રહ્યાં છીએ. ત્યારે પ્રખર શ્રદ્ધાળુની શ્રદ્ધા ન ડગે તો શું થાય? આવા કપરાં સમયમાં સરકાર, સિસ્ટમ કે અમુક કાળાબજારિયાઓને ભાંડ્યા કરતાં આપણો પરિવાર કઈ રીતે સલામત રહી શકે તે જ જોવાનું છે. વિમાનમાં બેસનાર પેસેન્જરને એર હોસ્ટેસ અમુક સૂચનો આપે છે. તેમાં એક સૂચન ખાસ મહત્ત્વનું હોય છે. તમે તમારા બાજુવાળાને કે સ્વજનને મદદ કરવાની ઉતાવળ ન કરતા. મુશ્કેલી આવે ત્યારે પહેલાં તમારા ચહેરા પર માસ્ક લગાવી લેજો, પછી જ તમારી બાજુમાં બેસેલા પેસેન્જરને કે સ્વજનને મદદ કરજો. નહીંતર તમે પણ તકલીફમાં મૂકાઈ જશો અને સ્વજનને પણ નહીં બચાવી શકો.

કોરોનાની આ વિકટ સ્થિતિ પણ કંઈક આવી જ છે. આપણે આપણા સ્વજન પાછળ હાંફળાં-ફાંફળા થઈ જઈએ છીએ. અફકોર્સ, એવું થાય જ! પોતાના ઘરનું માણસ મરણપથારીએ પડ્યું હોય તો કોનો જીવ ઉચાટમાં ન આવે? આ ઉચાટ સો ટકા વાજબી છે. હોવો જ જોઈએ. પણ આ ઉચાટમાં પોતાની સલામતી ન ભૂલશો. પોતે સાજા હશો તો બીમાર સ્વજનો-મિત્રોને મદદ કરી શકશો. મદદ કરવા માટે પણ સલામત રહેવું જરૂરી છે.

ઉપરની ગઝલમાં નિનાદ અધ્યારુએ ઈશ્વરને ઉદ્દેશની ઘણી કડવી હકીકત કહી દીધી છે. તેમાંથી આજની પરિસ્થિતિનો પડઘો પડે છે. કોરોના નામની આ કારમી રમત ક્યારે પૂરી થશે કોઈ કહી શકતું નથી. અત્યારે આપણે આ રમતના બીજા રાઉન્ડમાં છીએ. આ રાઉન્ડ પહેલા રાઉન્ડ કરતાંય વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. એની ભયાનકતા જોઈને જ કદાચ ઉપરની ગઝલમાં કાવ્યનાયકે ઈશ્વરને ફરિયાદ કરી છે કે આ રમત ક્યારે પૂરી શશે? તું પોતે અહીં આવી જા, અથવા તો મને ત્યાં બોલાવી લે. આપણે ત્યાં અવતારની માન્યતા છે. વિકટ પરિસ્થિતિમાં ઈશ્વર અવતાર ધરે છે અને લોકોને મુશ્કેલીમાંથી બચાવે છે. જો એ અવતારવાદ સાચો હોય તો અત્યારે પ્રભુના જન્મ લેવાનો સમય થઈ ગયો છે. કોરોના નામના રાક્ષસે આખા વિશ્વને ભરડામાં લીધું છે. તેને નાથવો જ પડશે. પણ ઈશ્વર ક્યાં છે? તે મારી-તમારી અંદર જ છે. આપણે જ અવતાર છીએ. શું આપણે પોતે કશું ન કરી શકીએ?
કવિએ તો ઈશ્વરને છેક ત્યાં સુધી ફરિયાદ કરી છે કે તને અમે દાનપેટીમાં રૂપિયા ધરીએ છીએ એ ઓછાં પડ્યા કે હવે તું હોસ્પિટલોનાં બિલ રૂપે રૂપિયા ખંખેરી રહ્યો છે? રાત-દાડો જે હાથ દુવા માટે ઊઠતા હતા. એ હાથ દવા માટે વલખે છે, આનાખી વિકટ સ્થિતિ બીજી કઈ હોઈ શકે? મર્યા પછી પણ લાઇનમાં ઊભું રહેવું પડે એનાથી મોટી કરુણતા કઈ? જીવન તો ઠીક સરખું મરણ પણ નસીબમાં ન હોય ત્યારે માણસની શ્રદ્ધા સંકાચાય નહીં તો શું થાય? નગરમાં ફેલાતો જતો અંધકાર અને સ્મશાનમાં પ્રસરતી રોશની ચીસો પાડી પાડીને કહી રહી છે કે માનવી અને માનવતા બંને મરણપથારીએ છે. એને મરણપથારીએથી આપણે જ બેઠા કરી શકીએ તેમ છીએ. દરેક માણસ પોતે પોતાનું ધ્યાન રાખે તોય આપણે ધીમેધીમે આ કોરોના નામના કાળને નાથી શકીશું. કપરી સ્થિતિની ફરિયાદો કરવા કરતાં તેમાંથી કઈ રીતે નીકળી શકાય તેના પ્રયત્નો કરવા બહેતર છે.

લોગઆઉટઃ

અમથા અમથા લોક ડરે છે,વાત જવા દે
કોના વાંકે કોણ મરે છે? વાત જવા દે

પાણી માટે વલખાં મારે છે જે લોકો
શિવ મંદિરમાં દૂધ ઘરે છે, વાત જવા દે

જીવતા માણસની પીડાને સમજે ના જે
પથ્થર આગળ ધૂપ કરે છે, વાત જવા દે

જે બીજાને અમર થવાના આશિષ દે છે
એના માથે ઘાત ફરે છે! વાત જવા દે

ફૂલોની મોસમ ચાલે છે, તો પણ જોને
ડાળી પરથી ફૂલ ખરે છે, વાત જવા દે

શ્રદ્ધા જેવું ક્યાં છે? ક્યાંથી શ્રદ્ધા રાખું
વાતે વાતે લોક ફરે છે, વાત જવા દે

ચિંતા ના કર હું બેઠો છું સૌ બોલે છે
કોનાં દુઃખડા કોણ હરે છે?વાત જવા દે

રોફ જમાવે દાતાના વાઘા પ્હેરી જે
એ પોતાના કરજ ભરે છે,વાત જવા દે

- ડૉ. દક્ષેશ ઠાકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો