જીવનનું એકાઉન્ટ બંધ થાય એ પહેલાં માનવતાનો ટેક્ષ ભરી દેજો


લોગઇનઃ

અડધી રાતે બંધ પાંપણમાં જામેલી ઊંઘ હડસેલીને
ચિત્રગુપ્ત પૂછે છે, ‘ટેક્ષ ભર્યો?’
‘ક્યારનો’ હું વટપૂર્વક જવાબ દઉં છું
ચોપડો ચકાસી ચિત્રગુપ્ત કહે, ‘નથી ભર્યો.’
‘કયો અને કેટલો બાકી છે?’ હું આંખો ચોળતા-ચોળતા પૂછું છું
આટઆટલાં સોનેરી કિરણો આપ્યાં તારી સવારને,
એનો ટેક્ષ ભરવો પડે કોઈ અંધારી ઓરડીમાં ચપટીક અજવાળું ફેલાવીને!
તાજાં ફૂલોની સુવાસ રેડી તારા શ્વાસમાં,
કોઈના ગંધાતા જીવનમાં કરૂણાની સુવાર આપી ટેક્ષ ભરપાઈ કરવો પડે!
….બાકી બોલે છે બોસ!
કોઈ તને કેટકેટલું વહાલ કરે છે,
ચાહતથી વધુ બીજી કોઈ મૂડી નથી, એના પર vat લાગે વહાલપનો.
પણ તેં તો વેઠ જ કરી છે... નહીં ચાલે ટેક્ષ તો ભરવો જ પડશે.
ખબર છેને માર્ચ એન્ડિંગ નજીકમાં છે?
ચિત્રગુપ્તનો ચોપડો બંધ થાય છે, આંખો ખૂલી જાય છે
સવારે ઑફિસમાં એકાઉન્ટન્ટ આવીને કહે છે, 
‘સાહેબ ઇન્કમટેક્ષ-સેલ્સટેક્ષ બધું ભરાઈ ગયું છે.’
પ્રમોશનની આશાએ ઊભેલ એને શું સમજાવવું?

– હરેશ મહેતા

વાત શરૂ કરીએ એક નાનકડા પ્રસંગથી. જેઆરડી ટાટાને તેમના માણસે કહ્યું કે સાહેબ હું કહું તેમ કરો તો તમારો બધો જ ટેક્સ બચી જશે અને બધું કાયદાની રીતે લીગલી પણ લાગશે. ટેક્સના કરોડો રૂપિયા બચી જશે. માત્ર થોડીક જ ઘાલમેલ કરવાની છે. જેઆરડીએ પૂછ્યું પરંતુ એ નૈતિક રીતે યોગ્ય છે ખરું? પેલા માણસ પાસે આનો કશો જવાબ નહોતો. ટાટાએ બધો જ ટેક્ષ કાયદાકીય રીતે ભર્યો. શું આપણે સરકારી કે માનવતાના ટેક્ષમાં ક્યાંય પણ નૈતિક રહી શકીએ છીએ ખરા? તમારી જાતને આ પ્રશ્ન પૂછી જોજો.

જેમ સરકાર આપણને સુવિધા આપીને સામે ટેક્ષ વસુલ કરે છે, તેમ કુદરત પણ આ રીતે આપણને અનેક સુવિધાઓ આપે છે, પણ તે ક્યારેય ટેક્ષ નથી માગતી. શું એનો ટેક્ષ આપણે ન ચૂકવવો જોઈએ? કવિ હરેશ મહેતા આવા માનવીય ટેક્ષની વાત કરે છે. હજી હમણા જ માર્ચ એન્ડિંગ ગયો છે ત્યારે આ કવિતા કેટલી પ્રાસંગિક લાગે છે.

રોજ સવારે સૂર્ય સોનેરી કિરણોથી ધરતીને પ્રકાશિત કરી દે છે. પંખીઓ એમના કલરવથી વાતાવરણને સંગીતમય બનાવી દે છે. ફૂલો એની સુગંધથી બધું જ મહેક-મહેક કરી દે છે. વૃક્ષ ફળ-ફૂલ-લાકડું શું નથી આપતું? નાનામાં નાનો છોડ સુધ્ધાં આપણને વનસ્પતિ તરીકે ઉપયોગી બની રહે છે. કુદરત આપણને બે હાથે જે ખોબલે-ખોબલે બધું આપે છે તે આપણે લઈએ છીએ. આપણે ત્યાં તો કહેવત છે કે માગ્યા વિના મા પણ પીરસતી નથી, પણ પ્રકૃતિરૂપી આ માતા તો વગર માગ્યે કેટકેટલું આપી છે! કહેવાય છે કે દુનિયામા કશું જ મફતમાં મળતું નથી. સરકાર સુવિધા આપીને કર વસૂલે છે, અરે! ઘણી વાર તો નથી આપી એવી સુવિધાનો પણ કર વસૂલી લે છે. માણસો કાયદાની બીકે સમયસર ટેક્ષ ભરે પણ છે. આપણને આ ટેક્ષ યાદ રહે છે, જીવનની ઘાલમેલમાં આપણે માનવતાનો ટેક્ષ ભૂલી જઈએ છીએ. સીએ આર્થિક ટેક્ષ સારી રીતે જોઈ શકે, પણ જીવનની સંવેદનાના ટેક્ષને જોવા માટે તો કવિની આંખ જોઈએ. હરેશ મહેતા જેવા કવિ આ ટેક્ષને જોઈ શકે. પ્રકૃતિ જે આપી રહી છે, તેનું ઋણ પણ આપણા માથે છે, તે પણ આપણે ચૂકવવું જોઈએ.

કવિને સપનું આવ્યું, અડધી રાતે યમરાજા સપનામાં આવીને કહે છે કે ભાઈ તારો હજી ટેક્ષ ભરવાનો બાકી છે. કવિ તો ખોંખારીને કહે છે કે મેં તો બધો ટેક્ષ ભરી દીધો. ત્યારે સામે કહે છે કે તારી સવારને આટઆટલાં સોનેરી કિરણો આપ્યાં, તેનો ટેક્ષ કોઈ અંધારી ઓરડીમાં અજવાળું કરીને તારે ચૂકવવો પડે! તમે અંધારી ઓરડી જેવા કોઈના જીવનમાં આશ્વાસનનો એકાદ દીવો પેટવાની કોશિશ કરી છે? કોઈના ગંધાતા જીવનને ટેકો આપીને સહેજ પણ સુવાસિત કરવા માટે મથ્યા છો ખરા? કોઈનાં આંસુ લૂછવા માટે હાથ લંબાયો છે તમારો? તો સમજો કે તમે તમારા જીવનના ટેક્ષમાં ચોરી નથી કરી. આંધળા માણસને રસ્તો ક્રોસ કરાવવામાં પણ જીવનનો એક ટેક્ષ જ ચૂકવાતો હોય છે. આમાં કંઈ આપણે એ માણસ પર ઉપકાર નથી કરતા, આપણને મદદ કરવાની તક આપી તે માટે આપણે તેના આભાર માનવો જોઈએ. જો આપણે જીવનભર કોઈને મદદ કરતા જ નથી, તો સમજી લેવું કે આપણો ઘણો ટેક્ષ બાકી બોલે છે બોસ!

કેટકેટલા ટેક્ષ આપણી પર છે, વહાલનો ટેક્ષ, સંબંધોનો ટેક્ષ, લાગણીનો ટેક્ષ... શ્વાસ-એન્ડિંગ થઈ જાય એ પહેલાં જીવનના માર્ચ-એન્ડિંગની ભરપાઈ પણ કરી દેવી જોઈએ. એમાં ઘાલમેલ ન ચાલે. કોઈ દુઃખી માણસને મદદ કરવામાં જેટલો આનંદ છે એટલો બીજા કશામાં નથી. જીવનનું એકાઉન્ટ આમ જ બંધ થઈ જાય અને માનવતાનો ટેક્ષ ભરવાનો રહી ન જાય એ ખાસ જોજો.

લોગઆઉટ

કુછ ફૂલ ખિલાયે હૈ હમને, ઔર કુછ ફૂલ ખીલાને હૈ,
મુશ્કિલ યે હૈ બાગ મેં અબતક, કાંટે કઈ પુરાને હૈ ।
(વર્ષ 2015નું બજેટ જાહેર કરતી વખતે અરૂણ જેટલીએ બોલેલ કાવ્યપંક્તિઓ)

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો