માવાના શોખીનોનું ગીત


લોગઇનઃ

પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ, વ્હાલમજી માવાને વસ
બન્ને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાની જેમ રોજ રોજ એનુંય સ્વાસ્થ્ય કથળે છે
પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ, વ્હાલમજી માવાને વસ

લાલલાલ હોઠ નહી કાળુંછમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરીકટ બાળી
કેટલાંય સુખ ત્યજી નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ, વ્હાલમજી માવાને વસ

– નરેશ સોલંકી

આજકાલ નવી કવિતામાં વિષયનાવિન્ય ઘણું જોવા મળે છે. નરેશ સોલંકીની કવિતામાં આવું વૈવિધ્ય છે. પ્રેમી માવાનો શોખીન છે, તેવી વાત કોઈ પ્રેમિકા ગીત દ્વારા કરે તે કેટલી અજાયબ વાત છે. ‘માવાના શોખીનોનું ગીત’ દ્વારા અહીં કવિએ જુદા વિષયને જુદી રીતે છેડ્યો છે. વિષય જરા અજુગતો છે, પણ ગીત મજા કરાવે એવું છે.

આમ તો આખા ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ પાન-માવા ખાવાનું બહુ ચલણ. એમાંય માવો તો દરેક યુવાન-પુખ્ત કે બુઢ્ઢો મોટે ભાગે ખાતો જ હોય. શેઠ હોય કે નોકર, એક જ માવામાંથી ભાગ પાડીને ખાતા હોય. જેમ ઘરે આવેલ મહેમાનને ચાપાણી પુછાય એમ બે મિત્રો મળે તો તરત માવાનું પૂછાય કે, માવો-બાવો ખાઈશ? પેલો મિત્ર પણ જાણે આવું કહેવાની જ રાહ જોઈને બેઠો હોય તેમ કહેશે, સારું લાવ ત્યારે, તરત ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી સોપારી, તમાકુ, ચુનો કાઢીને મસળવા માંડશે. ઘણી જગ્યાએ તો માવાને ઘસવા માટે ખાસ પગલૂછણિયા અથવા તો તેના જેવા અમુક કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે ઘસીને ગરમા-ગરમ કરીને આપે જાણે કોઈ મોંઘી વાનગી આપતા હોય. જોકે માવો અમુક રીતે વાનગી કરતા પણ મોંઘો છે, આ આડવાત! 15-20 રૂપિયામાં પાંચસાત સોપારીના ટુકડા, એક ચપટી તમાકુ, જરાક ચુનાનું પાણી. આની કરતા કાજુબદામ સસ્તાં પડે. મોંઘું તો હોય, પણ માવાના શોખીનોને એ મોંઘવારી થોડી નડે? એક રોટલી ઓછી ખાવાની, પણ માવો તો જોઈએ.

હવે આવા માવાપ્રેમીના પ્રેમમાં કોઈ છોકરી પડે અને તે પોતાની બહેનપણીને પોતાના પ્રેમીના આ માવાપ્રેમ વિશે વાત કરે તો શું કરે? એ જ વાત કરે, જે વાત અહીં નરેશ સોલંકીએ કરી. વળી ગીતની શરૂઆત પણ કેવી, પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો... ચૂનામિશ્રિત સોપારી પણ મોઢું દઝાડે છે, જેમ ખરાબપોરે સૂરજ તાપથી દઝાડે. વળી આ ચૂરામાં રસ શેનો, તો કહે ચાંદાનો. ચાંદો પણ સફેદ અને ચૂનો પણ સફેદ. એટલે વાત પણ સીધી મનમાં બેસી જાય કે બરોબર છે.

ઘણા તો વળી માવો મસળવાના કારીગર હોય એમ હાથમાંથી ઝૂંટવી લે અને કહે કે લાવ, એ તને નહીં આવડે. એની ખાસ ટેકનિક હોય. પછી એ રીતે મસળે જાણે આખું આકાશ ચોળી નાખવાનું હોય, દરિયો ડ્હોળી નાખવાનો હોય! માવો ખાવો એ ખાંડાના ખેલ નથી, એવી અદામાં પછી એ મોઢામાં નાખે. પણ આ અદાઓ, છેવટે દવાનાખાના ખાટલામાં જઈને ઓગળે. માવાનો પ્રેમ કેન્સર નામની પ્રેમિકા સુધી લઈ જાય છે અને આ પ્રેમિકા હિન્દીમાં કહીએ તો મુંતોડ જવાબ આપે છે. કેમકે કેન્સરના લીધે ઘણાની જીભ કાઢી નાખવામાં આવે છે, જડબું કાઢી નાખવામાં આવે છે, દાંત ને મોઢાના અમુક અંગો કાપી નાખવામાં આવે છે. આ મુંતોડ જવાબ નહીં તો બીજું શું? જોકે માવો ખાનાર આ બધું જાણે છે, છતાં ખાય છે.

બાપડી પ્રેમિકાને તો લાલ હોઠનું સદભાગ્ય ક્યાંથી, હોઠ પણ કાળા, મોંમાંથી આવતી વાસ પણ કાળી, મોગરાની સુગંધ પણ કાળી. પૂનમની રળિયામણી રાત પણ કાળીમેશ જ! આ બળતરા માત્ર બહારની નથી, અંદરની પણ છે. અત્યારે એક જોક્સ યાદ આવી ગયો, માવાનો જ તો! કહી જ દઉં ત્યારે. એક માવાપ્રેમી છોકરાને કેટરીના કેફ મળી. કહે હું તને પ્રેમ કરું છું, પણ તારા માબાપ, ભાઈ-બહેન, દાદાદાદી આખા પરિવારને છોડી દે. છોકરો રાજી થઈ ગયો. કહે કે અબઘડી છોડી દઉં. પછી કેટરીના કહે, માવો પણ છોડી દે. છોકરો કહે, જા જા હાલતી થા. આવા માવાપ્રેમીઓ માવા ખાતર કેટરીના જેવી સુંદર પ્રેમીકાને પણ છોડી દે. આ વાત માત્ર માવાની નથી, જિંદગીના લાવાની છે, જેમાં ખાનાર પોતે ધીમે ધીમે બળતો રહે છે. ખેર, સમજ્યો તે બચ્યો. અંતે આ લખનાર દ્વારા લખાયેલ પાનના ગલ્લાની એક ગઝલ દ્વારા – જેમાં પાનના ગલ્લાની વિવિધ વસ્તુઓને પ્રતીક તરીકે લઈને જીવનની નશ્વરતાની ફિલસૂફી રજૂ કરાઈ છે. તેના દ્વારા લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મૂક ને પંચાત આખા ગામની; 
વાત કર તું માત્ર તારા પાનની.

લે બીડી સળગાવ, ને ચલતી પકડ, 
કર નહીં પડપૂછ જીવનની આગની.

કાળ સૌને ચાવી થૂંકી નાખશે, 
કેમ બહુ ચિંતા કરે છે ડાઘની?

દિ' તમાકુ જેમ ચોળ્યા બાદ, બોલ,
ઊંઘ સારી આવે છે ને રાતની?

ગૂટકા સંજોગની ચુપચાપ ખા;
કર નહીં ફરિયાદ એની બ્રાન્ડની!

હું સમયના હોઠથી પીવાઉં છું, 
રોજ ઢગલી થાય મારી રાખની.

~ અનિલ ચાવડા

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો