જન્મ્યા પછીના દરેક દિવસની ગતિ મૃત્યુ તરફની હોય છે


લોગ ઇનઃ
એકલા જ આવ્યા મનવા એકલા જવાના,
સાથી વિના સંગી વિના એકલા જવાના...
કાળજાની કેડીએ કાયા ના સાથ દે,
કાળી કાળી રાતડીએ છાયા ન સાથ દે,
કાયાના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના...
સાથી વિના સંગી વિના એકલા જવાના...
આપણે અહીં એકલા ને કિરતાર એકલો,
એકલા જીવોને એનો આધાર એકલો,
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે,
એકલા રહીને બેલી થવું રે બધાનાં...
સાથી વિના સંગી વિના એકલા જવાના...
બરકત વિરાણી બેફામ
આજે ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર બેફામ સાહેબનો જન્મદિવસ છે. પરંપરાગત ગઝલમાં તેમનું મોખરાનું નામ છે. અનેક યાદગાર શેર આપીને તેમણે ગુજરાતી ગઝલને મુઠ્ઠી ઊંચેરી બનાવી છે. તેમનું મુખ્ય પ્રદાન ગઝલમાં છે, પણ આજે તેમનો જન્મદિવસને ગીતથી ઉજવીએ. આ ખીત ખૂબ જ જાણીતું છે, પણ ઘણાં ઓછા જાણે છે કે આ બેફામ સાહેબે લખ્યું છે. જાલમસિંગ જાડેજા નામની ગુજરાતી ફિલ્મમાં આ ગીત લેવામાં આવ્યું છે. દિલીપ ધોળકિયાએ તેનું સ્વરાંકન કર્યું છે. એ વખતે આ ગીત ખૂબ જ લોકપ્રિય થયેલું અને આજે પણ તે લોકહૃદયમાં સચવાયેલું છે.
આ ધરતી પર બધા એકલા આવ્યા છે અને એકલા જ જવાના છે. મૃત્યુ સમયે કોઈ સાથે આવતું નથી. એ પરમ સત્ય છે. આ સત્યને અનેક સર્જકોએ પોતાની રચનાનો વિષય બનાવ્યો છે. ભજનથી લઈને ગઝલ સુધી દરેક જગ્યાએ જીવનની આ નિરર્થકતા ડોકાતી રહી છે. આ ગીતમાં રહેલો ભાવ સનાતન છે. બેફામ સાહેબની ગઝલમાં મૃત્યુ બહુ સારી રીતે ઝીલાયું છે. મૃત્યુ વિશે તેમણે ઘણા શેર લખ્યાં છે. તેમાંથી અમુક ગુજરાતી ગઝલમાં શિલાલેખની જેમ અંકાઈ ગયા છે. જેમકે,
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
એ બધા બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
આવા બીજા પણ અનેક શેર ટાંકી શકાય. મૃત્યુની વાત કરીને જન્મ ઉજવવો એ જ તો ખરી કવિતા છે અને બેફામ સાહેબે તો તેમની ગઝલોમાં મૃત્યુને ખૂબ ગાયું છે. તેમના જન્મદિવસે જીવનના પરમ સત્ય મૃત્યુની વાત કરવી વધારે યોગ્ય લાગે છે. આમ પણ જન્મની સાથે જ મૃત્યુ નિશ્ચિત થઈ જતું હોય છે. જન્મ્યા પછીના દરેક દિવસની ગતિ મૃત્યુ તરફની હોય છે. મૃત્યુનો ભાવ બેફામ સાહેબ જેમ અનેક કવિઓએ આલેખ્યો છે.
ક્યારેક હૃદય અને મગજ બંને અલગ ચાલતા હોય છે. કાળજું જે કેડી પર ચાલવા માગતું હોય છે, ત્યાં કાયા સાથ નથી આપતું. જેમ અંધાકારમાં પડછાયો વિલિન થઈ જાય છે, તેમ આપણી નશ્વરતા પણ એક પરમ અંધકારમાં ભળી જાય છે. આપણું સમગ્ર જીવન એક દિવસ જેવું છે. આજીવન આપણે એ દિવસમાં જીવવાનું છે. જીવનની સાંજ પડે એટલે આપણે આથમી જવાનું છે. આપણા આથમવા સાથે સૂરજને કંઈ જ લેવા દેવા નથી. અડધી રાતે પણ આથમીએ અને વહેલી સવારે પણ. આ તો શ્વાસના સૂર્યની વાત છે. આકાશમાં રહેલા સૂર્યને પણ કરોડો અબજો વર્ષ પછી હંમેશાં માટે ઓલવાઈ જવાનું છે. જે સર્જાયેલું છે, તેનું વિસર્જન નક્કી છે. હિન્દુ ધર્મ તો જન્મોના ચક્રમાં માને છે. ચોર્યાસી લાખ ફેરા પસાર કરવાના છે, પણ તમામ ફેરામાં એકલાએ આવવાનું છે અને એકલાએ જવાનું છે.
પ્રકાશમાં સતત સાથે રહેનારો પડછાયો પણ અંધાર થાય કે તરત ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં પડછાયો પણ સાથે રહેતો નથી. આ તો મૃત્યુની વાત! કોણ સાથે આવે? આપણે જ આપણને લઈને નીકળવાનું છે. સ્વજનો તો માત્ર શરીર સ્મશાન સુધી લઈ જાય છે, પણ શરીરને ચલાવનાર પ્રાણ તો એકલો હતો, આવ્યો તો એટલો અને જશે પણ એકલો. કોઈ સાથી કે સંગાથી વિના જ. આપણે આપણા પંથે જાણે આપણા વિના જ નીકળી પડીએ છીએ. મૃત્યુને ક્યાં કોઈ ટાળી શક્યું છે. તે ક્યારેય મિથ્યા નથી થતું. ચીનમાં એક કહેવત છે, સૃષ્ટિમાં એક જ ચીજ સ્થાયી છે અને એ છે પરિવર્તન. આવા થોડા સમયના જીવન માટે એકાદ માણસને આપણે મદદ કરી શક્યા તોય ભયોભયો. એકલા રહીને સહુના થવાનું છે. બેલી બનવાનું છે. બેફામ સાહેબનું ગીત તો ફિલ્મની સ્થિતિને ધ્યાનમાં રાખીને લખાયું હશે, પણ એ સ્થિતિને બાદ કરતા પણ આ ગીત તેના ભાવને લઈને સનાતન છે.
લોગ આઉટઃ
સાવ જૂઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.
કોણ કોનું અને એય તે ક્યાં લગી?
છે બધું મનઘડંત કોઈ તારું નથી.
જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.
કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી,
છેક સુધી સતત કોઈ તારું નથી.
કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત
? કોઈ તારું નથી.
કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.
રાજેશ વ્યાસ મિસ્કીન
(ગુજરાત સમાચાર, 'રવિપૂર્તિ'માં આવતી કૉલમ 'અંતરનેટની કવિતા' - અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો