વેકેશન પછીનો સૂનકારલોગ ઇનઃ
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં
સદામાં ગંગાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગ્યા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી
;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
ઉશનસ્
અનુગાંધી યુગના કેટલાક મહત્ત્વના સર્જકોમાં ઉશનસનું નામ પ્રથમ હરોળમાં મૂકવું પડે. તેમણે કવિતા ઉપરાંત વિવેચન, પ્રવાસવર્ણન, હાસ્યલેખો અને લઘુનવલ પણ આપી છે, પણ તેમની મુખ્ય ઓળખ હંમેશ કવિ તરીકે રહી. આજીવન તેઓ કવિતાનો શબ્દ સેવતા રહ્યા. ગીતો, મુક્તકો, સંવાદકાવ્યો, દીર્ઘકાવ્યો , છંદોબદ્ધ કાવ્યોમાં તેમણે મહત્ત્વનું કામ કર્યું. તેમાંય સોનેટમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું.  વળાવી બા આવી તેમનું ખૂબ જ જાણીતું સોનેટ છે. બ.ક. ઠાકોરથી શરૂ થયેલી સોનેટયાત્રાનો આપણે ત્યાં ભવ્ય કવિતાસભર ઇતિહાસ છે. આજે ગઝલની જે બોલબાલા છે, તેવી એક સમયે સોનેટની હતી. અત્યારે ઉશનસઆ સોનેટ વિશે વાત કરવાનું ખાસ કારણ એ છે કે દિવાળી વેકેશનનો સમય હવે પતવા આવ્યો છે. વળાવી બા આવી એ શીર્ષક ઘણું સૂચવી જાય છે.
સોનેટનો ઉઘાડમાં જ દિવાળીની રજાઓ પૂરી થવાનો ઉલ્લેખ છે. દિવાળી વેકેશનમાં આપણે ત્યાં મોટેભાગે બાળકો તેના મામાને ત્યાં જાય છે. દૂર દૂર ધંધાર્થે વસતા લોકો આ સમયમાં પોતાના વતનમાં આવે છે. વતનમાં હવે બા અને બહેન સિવાય કોઈ નથી. આ કવિતા પણ એ જ સ્થિતિનો માર્મિક રીતે ઉલ્લેખ ખરે છે. હવે વેકેશનનો માર્ગ બદલાયો છે. લોકો ગામડે રહેતા માતાપિતાને મળવા કરતા ક્યાંક બહાર ફરવા જવાનું પસંદ કરે છે. સંયુક્ત પરિવારમાં રહેતા લોકો તો બા-બાપુજી સહિત ફરવા ઊપડી જાય છે. આવા પ્રવાસો પરિવારને વધારે નજીક લાવતા હોય છે, પણ આ કાવ્ય તો બાની પ્રતીક્ષાના પ્રવાસની વાત કરે છે. કેમકે પુત્રો તો તેમને નોકરી મળવાથી અથવા તો ધંધાર્થે દૂર દેશાવર જઈને વસ્યા છે. વારંવાર તે ઘરે આવી શકતા નથી. જ્યારે બાળકોને વેકેશન પડે, દિવાળીનો સમય હોય ત્યારે તેમને પણ થોડા દિવસનો સમય મળી રહે – ત્યારે તે ઘરે આવી શકે છે. આ સમયમાં આખું ઘર બાળકોથી ભર્યું ભર્યું અને કલ્લોલતું થઈ જાય છે. બાની પ્રતીક્ષા જાણે પુષ્પ બનીને મહોરી ઊઠે છે.  પણ તેમના આનંદની સુગંધ વધારે દિવસ ટકતી નથી. જેવું વેકેશન પૂરું થાય કે તરત સંતાનોને ધંધાર્થે ફરીથી જવું પડે છે.
દિવાળીની રજાઓ પૂરી થઈ જેવી સાહજિક વાતથી શરૂ થતી કવિતા અંતે માર્મિક કરૂણતા નિપજાવે છે. માતાની સાથે ઘરડાં ફોઈ પણ છે. એ તો જાણે સદાનો વિરહ લખાવીને લાવ્યાં છે. આવતી કાલે સવારે જવાનું છે, સાંજે અલક-મલકની વાતો થાય છે. તેમાં પણ હૈયા અંદર છુપાયેલો ખાલીપાનો આર્તનાદ હોય છે. એ આર્તનાદ છેક આવતા વર્ષે આર્તનાદ ઠરે છે. નવા વરસની દિવાળી આખા વર્ષના સૂનકારને આનંદથી ભરી દે છે. સવારે ભાઈ પત્ની અને બાળકો ગયો, સાથે અને અડધું ઘર ખાલી થઈ ગયું. બપોરે ફરી બીજા બે ભાઈ પોતાની નવોઢા ભાર્યાઓ લઈને ઊપડ્યા અને આખું ઘર ખાલી થઈ ગયું. નવોઢા ભાર્યા પણ કેવી? પ્રિયવચન મંદસ્મિતવતી! ધીમું, પણ મંદ સ્મિત સાથે બોલનાર... એક પછી એક બા પોતાનાં તમામ સંતાનોને વળાવી આવી. પણ ઘરે આવીને જુએ છે તો વિરહ આખા ઘરમાં વ્યાપી વળ્યો છે, આ જોઈને તે તે પગથિયે જ બેસી પડે છે. વેકેશનનો આનંદ વિરહમાં ફેરવાઈ ગયો છે. મુકેશ જોષીએ પણ બા એકલા જીવે નામનું સુંદર ગીત રચ્યું છે. અત્યારે દિવાળી વેકેશન પૂરાં થવાને આરે છે ત્યારે ઉશનસની આ કવિતા વધારે પ્રાસંગિક લાગે છે. તેમની જ પિતા વિશેની હું મુજ પિતા નામની સંવેદનશીલ કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટઃ
અરે આ વેળા તો અનુભવ થયો અદભુત નવો,
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો.
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની.
અશા કૌતુકે કો પરિચયથી જોઈ રહું કૈં
પ્રવાસી વસ્ત્રોને પરહરી જૂનું પંચિયરું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા
અરીસે જોઉં તો જનક જ કપાળે સુખની
ત્રિવલ્લી ભસ્માંકો અચરજ બપોરે સૂઈને ઊઠ્યો
પિતાજીની ટેવે અશી જ પ્રગટી પત્રની તૃષા
સૂતો રાત્રે ખાટે જનકની જ રે ગોદડુંય એ
નનામીયે મારી નીરખું પછી ને ભડ્ભડ્ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું હું મુજ પિતા.
ઉશનસ્
('ગુજરાત સમાચાર, રવિપૂર્તિ'માંથી આવતી કૉલમ 'અંતરનેટની કવિતા‘, - અનિલ ચાવડા')

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો