અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

બધું ગમતું મળી રહે સુખ, એવું કિસ્મત નથી જોને!
નવું શમણુંય જોવાની હવે હિંમત નથી જોને!
હજીયે ત્યાં જ ખૂણો પાળતું મન એકલું બેઠું,
અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જોને!

~ મેધાવિની રાવલ

કવિએ ચાર પંક્તિના મુક્તકમાં, બોલચાલની ભાષા વાપરીને, માત્ર પોતાની હાલત નથી વર્ણવી, તેમણે એક ઊંડી ફિલસૂફી પણ રજૂ કરી છે, જે દરેક માણસને સમાનપણે લાગુ પડે છે. કવિતાની એ જ તો ખૂબી હોય છે કે દરેક વાંચનારને પોતાની લાગે, પોતાનો મનોભાવ રજૂ કરતી હોવાનો અનુભવ થાય. કવયિત્રી મેઘાવિની રાવલે બોલચાલના એક-એક અક્ષરના બે શબ્દો ‘જો-ને’થી હૃદયમાં પડેલી અમુક મૂક વાતોને ખરેખર મૂક-તક આપી છે.

માનવમનમાં ઉદભવતી ઇચ્છાની કરૂણતા એ છે કે તે ભાગ્યે જ સાકાર થાય છે. આપણે બધા જ જીવનભર આપણું ગમતું ઇચ્છીએ છીએ. પ્રેમ હોય કે મિત્રતા, પૈસો હોય કે પ્રતિષ્ઠા, સંબંધ હોય કે સંવેદના, બધું જ, અરે દુશ્મનાવટ કે નફરત પણ આપણને આપણી ગમતી રીતે અને આપણી શરતે જોઈએ છે. દુઃખનું આ જ સૌથી મોટું કારણ હોય છે. ઘણા લોકો પાસે અઢળક સંપત્તિ હોય છે, સિદ્ધિ હોય છે, પ્રતિષ્ઠા પણ હોય છે, છતાં અંદરથી દુઃખી હોય છે, કારણ માત્ર એટલું જ કે આ બધું તેમણે જે રીતે ઇચ્છ્યું હતું તે રીતે નથી મળ્યું હોતું. અને અમુક પાસે માંડ ગણી ગાંઠી સંપત્તિ હોય છે, ગણીને બે-પાંચ માણસો ઓળખતા હોય છે, છતાં પરમ સંતોષી હોય છે. તેમણે જે ઇચ્છ્યું હતું તે તેમની શરતે મળ્યું હોય છે.

મેળવવું, ગુમાવવું, સુખ અને દુઃખ ઘણી બધી રીતે સાપેક્ષ હોય છે અને એક જ વસ્તુ બધાને સુખી નથી કરી શકતી. કોઈકને એક ટંકનું ભોજન મળી જાય તો જિંદગી જીતી લીધા જેટલું સુખ થતું હોય છે અને અમુક લોકો સાત પેઢી ખાય તોય ન ખૂટે તેટલું હોવા છતાં ચોવીસે કલાક અભાવમાં ડૂબેલા રહેતા હોય છે. આ બધાના પાયામાં મૂળ વાત એક જ — બધું ગમતું મળી રહે તેવું નસીબ કોઈનું હોતું નથી.

જીવન એ બજાર નથી કે જ્યાં આપણી ઈચ્છાઓનાં ભાવ લખેલા હોય અને થોડાક પૈસા ફેંકીએ એટલે મળી જાય. તેમાં તો ડગલે ને પગલે કાંટાળી ઘટમાળમાંથી પસાર થવું પડે છે. સુખ-દુઃખની ઘંટીએ દળાવું પડે છે. પરંતુ એ પરિસ્થિતિમાં પણ આપણે સપનાં જોવાનું બંધ નથી કરતાં, કેમકે સપનાં જ તો આપણને જીવતાં રાખતાં હોય છે. કશુંક કરવાની, પામવાની, મેળવવાની ઝંખનાના પાયામાં આવી સ્વપ્નીલ ઇચ્છાઓ હોય છે. પણ પરિસ્થિતિનો માર ક્યારેક ઇચ્છાને ધરમૂળથી ઉખાડીને ફેંકી દે છે, દુઃખ અને નિરાશાની ભીંતો ચારે તરફ ચણી દે છે અને મન અંધારિયા ઓરડામાં પુરાઈ ગયાની અનુભૂતિ કરે છે. એવું નથી કે જીવનમાં ફરી ક્યારેય સવાર આવતી જ નથી, પણ અમુક રાતો એટલી લાંબી હોય છે કે આપણું મન સવારનું અજવાળું જોવાની આશા ગુમાવી બેસે છે. પછી નવું સ્વપ્ન જોવાની ઇચ્છા સુધ્ધાં નથી થતી, નથી થતી હિંમત.

હિંમત હારેલું મન કરે શું? ચુપચાપ એક ખૂણામાં બેસી રહે. નિરાશાનાં વાદળોને વઘારે ગાઢ બનાવે, દુઃખના ડુંગરો વધારે ઊંચા કરે, અફસોસની ભીંતોને મજબૂત બનાવે, અંદર ને અંદર સોરવાયા કરે, વલોવાતું રહે. વ્યથાની આગમાં ટળવળતું રહે. અને કરૂણતા એ કે આપણી આ પરિસ્થિતિથી આપણા અંગત સ્વજનો અવગત નથી હોતા. ચલો બધા ન હોય, કંઈ નહીં, પરંતુ એ વ્યક્તિ પણ નથી હોતી, જેને આપણે ખાસ ગણતા હોઈએ, શ્વાસ ગણતા હોઈએ.

દુનિયાને આપણા દુઃખની ખબર નથી. નજીકનાં લોકો પણ એ ખૂણા સુધી પહોંચી શકતા નથી. આપણું મન જ્યાં બેઠું છે, ત્યાં સુધી કોઈની આંખ નથી પહોંચી શકતી. આપણે લોકો સાથે વાતો કરીએ છીએ, મલકીએ છીએ પણ એ બધું એક અદૃશ્ય માસ્ક પહેરીને. અંદરથી મન ચીસો પાડતું હોય છે. અને એ ચીસોનો અવાજ માત્ર આપણે જ સાંભળતા હોઈએ છીએ. આપણે અંદરથી અત્યંત એકલા હોઈએ છીએ. અને એ એકલાનો ભાર એટલા માટે નથી હોતો કે જગત આપણને ન જાણી શક્યું, એટલા માટે હોય છે કે એ વ્યક્તિ પણ ન જાણી શકી, જેણે જાણવું જોઈતું હતું.

અન્ય એક સરસ હૃદયસ્પર્શી મુક્તથી વિરમીએ.

લોગઆઉટઃ

જાત સાથે વાત જ્યારે થાય છે
ઘાવ ભીતરના ઘણા રુઝાય છે
અવઞણે દુનિયા ભલે તારા ગુણો
રોશની શું વાદળે ઢંકાય છે?
~ દિવ્યા વીધાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો