ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે?
– ચંપકલાલ વ્યાસ
એક પિતા પોતાના સંતાનો માટે આખી જિંદગી ખર્ચી નાખે છે. તેમની ઝંખના એટલી જ હોય છે, બાળકો મોટા થઈને બે પાંદડે થાય, તેમનું જીવન વ્યવસ્થિ વીતે, અને ખાસ — પોતે જે હાલાકી ભોગવી છે, જે પીડા વેઠી છે તે સંતાનોને ન વેઠવી પડે એ માટે તે વધારે પીડા વહોરી લે છે. પણ આખરે, જ્યારે સંતાનો સંપત્તિના ભાગ પાડે છે, પિતા પણ તે ભૌતિક વસ્તુઓ સાથે વહેંચાઈ જાય છે. આખી જિંદગી જેમની એકતા માટે ખર્ચી નાખી હોય, જેમના વહાલના વાવેતર કરવામાં લોહી-પાણી એક કર્યા હોય, તે તમને ડાળીએ ડાળીએ કાપે છે. તેનાથી વિશેષ દુઃખ એકે નથી હોતું. ચંપકલાલ વ્યાસે પિતાની આ વ્યથાને કાવ્યમાં વાચા આપી છે. નાનકડી ઝૂંપડીમાં રહીને જે પિતાએ સંતાનોને એવા પગભર બનાવ્યા હોય કે તે મહેલમાં વસી શકે, પણ સમય આવ્યે એ મહેલમાં ક્યાંય પિતાનું સ્થાન નથી હોતું.
પિતા એ એક એવો સ્તંભ છે, જે કદી દેખાતો નથી, પણ આખું ઘર એના ટેકે ઊભું હોય છે. એ પોતાના દુઃખની ચર્ચા સંતાનો સાથે નથી કરતો, કારણ કે તેના માટે આ ભવિષ્યની આશા અને અજવાળું છે. એવી આશા, જેને તે ક્યારેય મુરઝાઈ દેવા નથી માગતો, એવું અજવાળું, જે બધાને પ્રકાશિત કરે. સંંતાન નામનો સૂર્ય ઝળહળે, પ્રકાશ પાથરે તેવી તેની મનોકામના હોય છે, અને જ્યારે ખરેખર એવુંં સંભવ બને, ત્યારે સૌથી વધારે ખુશી જે કોઈની આંખમાં હોય છે, તે પિતા હોય છે. એમની થાકેલી આંખોને વાંચવી અઘરી હોય છે, કારણ કે તેણે તમારા અનેક કોયડાઓ ઉકેલ્યા હોય છે. તમારા સુધી પહોંચતા પહેલા જ અમુક સમસ્યાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હોય છે, એ સમસ્યાના પહાડ પર પિતાના મજબૂત બાહુઓ ફરી વળ્યા હોય છે. ખરબચડા કાંટાળા માર્ગને તેમણે સુંદર કેડી બનાવી દીધી હોય છે. પણ આપણને માત્ર સુંદર કેડી જ દેખાય છે, એ કેડી કેવી રીતે કંડારાઈ, ક્યારે કંડારાઈ, કેવી સ્થિતિમાં કંડારાઈ તેનો અંદાજ નથી આવતો. એટલા માટે જ પિતાના પરિશ્રમની ખરી કિંમત સંતાનને ભાગ્યે જ સમજાય છે. તેમની નાની નાની સાવચેતી, કાળજી, હિસાબો એ બધું બાળકોને નિરસ અને કામ વગરનું લાગતુંં હોય છે, યુવાન સંતાનોને લાગે છે પિતા તેમની વાત સમજતા નથી. તેમના વિચારો જૂનવાણી છે.
ઝાકીર ખાને એક કાર્યક્રમમાં પિતા વિશે સરસ વાત કરેલી, પિતા તમારાં સપનાઓની વિરુદ્ધમાં નથી હોતા, તે માત્ર તમને ગરીબ નથી જોવા માગતા.
આપણે ત્યાં શિક્ષકો વિશે એવું કહેવાય છે કે એક શિક્ષક સો માતાની ગરજ સારે છે. પિતા વિશે અંગ્રેજીના લેખક George Herbertએ કહ્યું છે કે, “એક પિતા સો શિક્ષકો કરતા પણ વિશેષ મૂલ્યવાન છે.” વિશ્વના મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઇડે પણ એક વાર કહેલું, “મને લાગે છે કે બાળપણમાં પિતા દ્વારા મળતા રક્ષણ કરતા વધારે ઘનિષ્ઠ અને ઊંડી જરૂરિયાત એકે નથી.” પરંતુ આ બધું કહ્યા પછી પિતાએ સંતાનો પર અધિકાર નથી જન્માવવાનો, તેમને મુક્ત પાંખો આપવાની છે. તેમનું પોતાના વ્યક્તિત્વના છોડને બરોબર પાંગરવા દેવાનો છે, તો જ પિતૃત્વ ખરું. સંતાન પોતાના જેવા થાય તેવી ઇચ્છા રાખીએ ત્યાં સુધી બરોબર છે, પણ હઠાગ્રહ રાખીએ તો નકામું. સંતાનને તેમના પોતાના જેવા બનવા દો. ખલીલ જિબ્રાને કહ્યું છે તે ગાંઠે બાંધી રાખવા જેવું છે, તમારાં બાળકો તમારાં નથી,એ તમારા દ્વારા જગતમાં આવેલાં છે.
ચંપકલાલ વ્યાસે આજના સમયની એક વ્યથાને વાચા આપી છે. સંતાન જેમની માટે ઘસાઈ જાય છે, એ જ સંતાને ખરા સમયે વસ્તુ માત્ર બની જાય છે. અને પિતા પણ સંતાનોમાં વહેંચાઈ જાય છે, વસ્તુની જેમ જ. કવિ રાજેશ વ્યાસ મિસ્કીને ઘરમાં, છતાંય બેઘર બની ગયેલા, જુદા ઓરડામાં રહેતા પિતાની વ્યથાને પોતાની ગઝલમાં ગંભીરતાથી રજૂ કરી છે.
લોગઆઉટઃ
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.
એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે
ઘરમાં છતાં ય બેઘર એ ઓરડો જુદો છે.
મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે
લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.
ઘરમાં જૂનું જે થાતું, બદલાઈ તરત જાતું
બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.
મૃત્યુ પછી પિતાના ખર્ચે કરી સજાવ્યો,
લાવ્યા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે.
- રાજેશ વ્યાસ મિસ્કીન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો