તારા વિચારમાંથી, મારા વિચારમાંથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌનાં વિચારમાંથી.

શોધી શકાય છે જે, થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળાં વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે, નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે, પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવાં વિચારમાંથી.

- આર. બી. રાઠોડ

અવિચારી જીવનના તટ પરથી વિચારોની વહેતી નદીમાં ઝાંખી કરીએ તો જાણ થાય કે પ્રત્યેક ટીપું ગહન ફિલસૂફી છે અને દરેક લહેર એક વિરોધાભાસ. ચિંતા અને વિચાર વચ્ચેનું અંતર માત્ર એટલું જ છે કે ચિંતા શંકા અને વ્યથામાંથી ઉદ્ભવે છે, વિચાર સંશોધન કે નવર્જનમાંથી. આર.બી. રાઠોડની આ ગઝલ વિચારના વિવિધ આયામો આપણી સામે ઉઘાડી આપે છે.

કહેવાય છે કે માણસ હાડમાંસનો બનેલો છે, પણ એ હાડમાંસમાં જો માણસઈનો મર્મ કોઈ પૂરતુંં હોય તો છે વિચારવાની શક્તિ. આ શક્તિ જ તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. વિચારની જે શક્તિ મનુષ્ય પાસે છે, તે અન્ય પ્રાણીઓમાં નથી, એટલે તો મનુષ્ય સામાજિક, આર્થિક, રાજકીય, નૈતિક કે અનૈતિક તમામ બાબતે દૃઢતાથી ડગ ભરી શક્યો. કોઈ પણ નવી શોધના પાયામાં વિચાર નથી, તો બીજું શું છે? આકાશમાં વિમાન એમ ને એમ જ ઊડવા નથી માંડ્યું, પહેલા વિચાર ઊડ્યો છે મનમાં, એ વિચારે આકાર ધારણ કર્યો ત્યારે વિમાન બન્યું. રોડ પર કાર દોડતા પહેલાં મનમાં એક વિચાર સ્વરૂપે દોડી હતી. કમ્પ્યુટર કમાલ કરતું થયું, તે પહેલાં એ કમાલ મનમાં થઈ હતી, એક વિચાર તરીકે. સુખ-દુઃખ, પાપ-પુન્ય, ધર્મ-અધર્મ, સારું-નરસું, ભગવાન-શયતાન, આ બધાં પણ વિચારોનાં જ સંતાનો છે. અરે આ વાંચતી વખતે અત્યારે તમારા મનમાં જે થઈ રહ્યું છે તે પણ વિચારોની શક્તિને લીધે જ.

માણસ ખરેખર તો રસ્તા પર નથી ચાલતો, વિચાર પર ચાલતો હોય છે. રસ્તો તો તેના દેહનું વહન કરે છે, જિંદગીની ગતિ તો વિચારો પર જ નિર્ભર હોય છે. તમે ક્યારે, કોના સામે કેવું વર્તન કરો છો, શું બોલો છો અને શું નથી બોલતા — બધાના પાયામાં તમારા મનમાં રહેલા વિચારો જ છે. એ જ તમારી છબિ અન્ય લોકો સામે નિર્ધારિત કરે છે. તમે જે બોલી ગયા અને હવે પછી બોલવાના છો, તે અદૃશ્ય રીતે મનમાં પડેલા વિચારોના રસાયણોમાંથી જ સર્જાય છે. આ રસાયણ સમાજમાં, મિત્રોમાં, ક્લાસરૂમમાં કે જાહેર જીવનમાં તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે.

વિચારવાની સ્થિતિ ક્યારેય અટકતી નથી. તમે ઊંઘમાં પણ હોવ ત્યારે સ્વપ્ન થઈને તે કાર્યરત હોય છે. દીકરી દસ મિનિટ મોડી આવે તો મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે, પુત્ર ટ્રોફી જીતી લાવે તો પણ એ જ વિચારો ઉત્સાહનું પૂર લાવી દે છે. તમે મરણ પ્રસંગે જાવ કે જન્મની પાર્ટીમાં — તમારું મન વિચારોનું પ્રોડક્શન કરતું રહે છે. વિચાર ક્યારેક માયાજાળ પણ સર્જે છે, એ જાળમાં પોતે જ ફસાઈ જવાનું થાય છે, એટલા માટે જ સંતો નિર્વિચારની સ્થિતિની વાત કરે છે.

આપણે ત્યાં કહેવત છે — તુંડે તુંડે મતિર્ભિન્ના. અર્થાત્ દરેક મસ્તિષ્ક અલગ વિચાર ધરાવે છે. એક જ વિષય પર એક ક્લાસમાં વિદ્યાર્થીઓને લખવા આપો, દરેક વિદ્યાર્થી અલગ લખશે. વળી એ પણ સત્ય છે કે કોઈ પણ વિચાર અંતિમ સત્ય નથી હોતો. જ્યારે કમ્પ્યુટર નવું નવું શોધાયું ત્યારે જાદુ જેવું લાગતું. એક જ બોક્સમાં આટલું બધું કરી શકાય. દરેક શોધમાં આવું જ હતું, વિમાનની વાત કરો, કે કારની. આજે એ.આઈ. છે, સમય જતાં એ પણ જૂનવાણી થઈ જશે અને કશુંક નવું આવશે. વિચારો અપડેટ થશે. પણ અમુક વિચારો કાયમ મનમાં ઘર કરી જાય છે, ઘૂમરાતા રહે છે, જ્યાં સુધી તે કોઈ ગ્રંથસ્વરૂપે વ્યક્ત ન થઈ જાય ત્યાં સુધી ચેન નથી પડતું. જગતમાં રચાયેલાં મહાન ગ્રંથોનું સર્જન પણ જે તે સર્જકોના વિચારોની જ દેન છે.

ઘણા વિચારો એવા પણ હોય છે, જે આપણે સમજીએ છીએ, પરંતુ ગમે તેટલા પ્રયત્નો પછી પણ તે બીજાને સમજાવી શકાતા નથી.

લોગઆઉટઃ

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,
ઘણું સમજું છું એવું, જે હું સમજાવી નથી શકતો.
- મરીઝ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો