ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા!’
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે!
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
- ઉમાશંકર જોશી
પંદરમી ઓગસ્ટ આવી, દેશનો સ્વતંત્રતાદિન ઊજવ્યો, ઝંડાઓ ફરક્યા, અને વાત પૂરી. એક દિવસનો દેશપ્રેમ સાંજ પડતા છાંપાં માફક પસ્તી થઈ જાય છે. આઝાદી પાછળ ખર્ચાયેલી સેંકડો કુરબાનીઓ ભૂલવામાં આપણે એક દિવસ પણ નથી લગાડતા. સવારે ગર્વથી ઊંચકેલો ઝંડો સાંજે ફૂટપાથ પર રઝળતો હોય છે. પ્રભાતે ગવાયેલું શૌર્યગાન સાંજે ક્યાંય હવામાં છૂમંતર થઈ જાય છે. આઝાદીનો અર્થ અંગ્રેજો પાસેથી મેળવેલી સ્વતંત્રતા નથી, હવે આપણે આપણી બદીઓમાંથી પણ બહાર આવવાનું છે. કવિ ઉમાશંકર જોશીએ ખૂબ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે- દેશ તો આઝાદ થત થઈ ગયો, તેં શું કર્યું? વર્ષો પહેલાં લખેલી આ કવિતા આજે પણ એટલી જ સાંપ્રત છે. દેશની સ્વતંત્રતા માટે જેમણે જીવન ખર્ચવાનુંં હતું, ખર્ચી નાખ્યું, પણ હવે આપણી જવાબદારી શું? ઉમાશંકર જોશી આપણી જવાબદારી તરફ આંગળી ચીંધે છે. તેમની આ રચના માત્ર સ્વાતંત્ર્ય દિવસના ઉત્સવની ઔપચારિક વધામણી નથી, આપણને હચમચાવતો એક પ્રશ્ન છે. તેઓ આપણે યાદ અપાવે છે કે સ્વાતંત્ર્ય ફક્ત એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ સતત વહેતો પ્રવાહ છે, જેને સ્વચ્છ, નિર્મળ અને પ્રબળ રાખવાની જવાબદારી દરેક પેઢીના ખભા પર છે.
સ્વાતંત્રતા અનેક પેઢીઓનાં લોહી, આંસુ, બલિદાન અને ત્યાગથી મળેલું પુણ્ય છે. એ પુણ્યને જાળવવામાં આપણે નિષ્ફળ જઈએ, તો આઝાદીનો અર્થ કશો રહેતો નથી. સ્વાતંત્ર્ય એક પવિત્ર વારસો છે, તેને વેડફવાનો અર્થ એ જ છે કે આપણે એ અમૂલ્ય ભેટને, જેની માટે હજારો શહીદોએ પોતાનો જીવ આપ્યો, તેને બેફિકરાઈમાં વેડફીએ છીએ. રાજકીય સ્વાતંત્ર્ય પછીનો સૌથી મોટો સંઘર્ષ આંતરિક છે—ભ્રષ્ટાચાર, અનૈતિકતા, જાતિવાદ, કોમવાદ, ધાર્મિક વૈમનસ્ય, લાંચ, રુશ્વત, સત્તાનો દુરુપયોગ અને સામાજિક અસમાનતાના સામેનો સંધર્ષ. આ બધા દુર્ગુણો આપણી વ્યવસ્થામાં ઘુસી ગયેલું વિષ છે. આ વિષ સ્વતંત્રતા પછી આપણે જ ઊભું કરેલું છે, તેને ડામવા માટે બહારથી કોઈ નથી આવવાનું.
આઝાદી પછી આપણે ભ્રષ્ટાચાર, કોમવાદ અને ધર્મવાદ જેવા વિવિધ વાદોના ગુલામ બની ગયા છીએ. આ વૈમનસ્ય આપણે જ ઊભું કર્યું છે, આ ગુલામીમાંથી પણ છૂટવું જોઈએ.
આપણામાંના મોટા ભાગના લોકો પોતાની ભૂલ સ્વીકારવા કરતા બીજાના ખામીઓ પર આંગળી ચીંધવાનું કામ વધારે કરે છે. રસ્તામાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, ઊંચનીચ અને જાતિવાદથી પર થવું, એ પણ સ્વતંત્ર ભારતને ઘડવામાં આપણે આપેલુંં આપણુંં વ્યક્તિગત યોગદાન છે. દરેક નાગરિક પાસે શિક્ષણનું, શ્રમનું, કુશળતાનું, કે સત્ય બોલવાની હિંમતનું બળ છે. એ બળનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્ર ભારતને વધારે સજ્જ બનાવવામાં નિમિત્ત બની શકીએ. સ્વાતંત્ર્યની સુરક્ષા એ કોઈ એક દિવસનું કામ નથી, દરરોજની જવાબદારી છે. આઝાદી આપણા પૂર્વજોના મહાન ત્યાગ અને બલિદાનનું પરિણામ છે, એ બલિદાનને જો સરખી રીતે સમજી નહીં શકીએ તો રક્ષણ કેવી રીતે કરીશું? આપણે સમજવું પડશે કે કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી, કોઈ દલિત નથી, કોઈ સવર્ણ નથી, સર્વ એકસમાન છે, દરેક ભારતીય પોતે જ એક ભારત છે.
ઉમાશંકર જોશીની કવિતા દેશ પ્રત્યેની જવાબદારીનો નૈતિક દસ્તાવેજ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સ્વાતંત્ર્યના ઉત્સવમાં ફક્ત ધ્વજ ફરકાવવો, ભાષણ આપવું કે ગીત ગાવું પૂરતું નથી. સ્વાતંત્ર્યનું સાચું સન્માન એ છે કે આપણે દૈનિક જીવનમાં પ્રામાણિકતા, શ્રમ, ન્યાય, પરસ્પર સન્માન અને સામૂહિક હિત માટે તત્પર રહીએ. નાગરિક તરીકેની ફરજો બજાવ્યા વિના સ્વાતંત્ર્યનાં સપનાંઓ માત્ર ઉપલક વાતો બનીને રહી જશે.
લોગઆઉટઃ
હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?
સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;
સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;
સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;
સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?
- ઉમાશંકર જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો