માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે તર્કની દીવાલને પણ પાર થઈ ગયા,
તે ચારપાંચ યાદના તહેવાર થઈ ગયા

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું,
જેને બતાવ્યું એ બધા કુંભાર થઈ ગયા

મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે,
જે દાગ લાગતા હતા, શણગાર થઈ ગયા

જે અણબનાવ આંખને પૂરા પચ્યા નહીં,
તે દ્રશ્ય એક બંડના આધાર થઈ ગયા

મારા સ્વભાવનું મને એવું વ્યસન થયું,
આવ્યા નવા વિચાર તો, પડકાર થઈ ગયા

વચ્ચેથી વહેમના બધા પડદા હટી ગયા
પ્રશ્નો હતા બધા જ તે ઉદગાર થઈ ગયા

- વિશાલ દેસાઈ

માનવજાતનો ઇતિહાસ જોતા સમજાય છે કે દરેક ક્રાંતિ, દરેક શોધ, દરેક પરિવર્તન કોઈ એક માણસના હિંમતભર્યા તર્કનું પરિણામ છે. કોપર્નિકસે જ્યારે કહ્યું કે, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે, ત્યારે તે માત્ર વૈજ્ઞાનિક તથ્ય નહોતું; તે માનવમનના બંધાઈ ગયેલા તર્કની દીવાલને તોડવાનો પ્રયત્ન હતો. સૃષ્ટિના સત્યને નવા તર્કપૂર્વક સમજવાની મથામણ હતી. હકીકતમાં તો મથામણો જ મહેક વેરતી હોય છે. પુષ્પ પણ પીસાય ત્યારે વધારે સુગંધ વેરે, પથ્થર ઘસાયા વિના મૂલ્યવાન હીરો ન થઈ શકે. સત્ય ઘણીવાર આપણી માન્યતાઓના ખડકામાં બંધાયેલું રહે છે, ખડક તોડવો જરૂરી હોય છે. એને તોડવા માટે જરૂરી છે અજોડ ધૈર્ય. એ ધૈર્ય ક્યારેક કલાકોનું હોય, દિવસોનું, મહિનાનું, વર્ષોનું કે જન્મોનું પણ હોય. રૂઢ થઈ ગયેલી તર્કની દીવાલને તોડીને પોતાનો ચીલા ચાતરનાર ઉત્સવ થઈ ઊજવાતા હોય છે.

આપણો સમાજ એક અજોડ વલણ ધરાવે છે: કોઈકનું દુઃખ જાણતાંની સાથે જ્ઞાનવંત થઈ જાય છે. એ સાંભળવા કરતાં સુધારવામાં પડી જાય છે, એ પણ માત્ર ઠાલા શબ્દોથી, પ્રેક્ટિકલી નહીં. દુઃખી વ્યક્તિ માટે સૌથી મોટી રાહત એ છે કે કોઈ એને શાંતિથી સાંભળે. કોઈ ટિકાટિપ્પણી કે ખણખોદ વિના સાંભળે. પણ આ સરળ લાગતું કાર્ય ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ છે. તમે કોઈને તમારી વ્યથા કહો કે મારે તો આમ થયું, તો તરત જ એ સામે કહશે અરે તારે તો કંઈ નથી, એક વાર તો મારે આમ થયું, પછી તેમ થયું, પછી ફલાણું, પછી ઢીંકણું. લોકોને પાતાનાં ફલાણાં અને ઢીંકણાં જ રસ છે, અન્યનાં નહીં. અમુકને તમારી વ્યથા સંભળાવો તો તરત જ કહે કે, ભલા માણસ આવું કરાતું હશે? તેમ કરો તો પછી આમ જ થાયને, તમારે મને પહેલા કહેવું જોઈતું હતુંને, હવે શું?

તમારા માટીના તૂટેલાંં સપનાને લઈને કોઈકની પાસે જશો એટલે બધા એક્સપર્ટ કુંભારની જેમ તમારી સામે વર્તશે. માટી કઈ રીતે ખુંદવી, પીંડ કઈ રીતે ચાકડા પર મૂકવો, વાસણને આકાર કેમનો આપવો — અથથી ઇતિ તમને સંભળાવશે. એમાં પણ જોકે ઊંડે ઊંડે તમને મદદ કરવાની ભાવના કરતા, પોતે કેટલા અનુભવી અને જ્ઞાની છે, તે દર્શાવવાની સુષુપ્ત ખેવના વધારે હોય છે. અમુક તો ચોવીસે કલાક સલાહની શરણાઈ લઈને જ બેઠા હોય છે, તમે કશુંક બોલ્યા નથી કે ફૂંક મારીને પીપુડી ચાલુ કરી નથી.

તમે તૂટેલા વસ્ત્ર જેવા હશો, તો દુનિયા સોઈદોરો બનીને તમારી સિલાઈ નહીં કરે. દુનિયા તો તમારી ફાટેલી જગ્યા પર વારંવાર આંગળી ચીંધીને દેખાડશે કે, “જુઓ, અહીં તૂટ્યું છે, જુઓ ત્યાં ફાટ્યું છે.” આપણને બીજાનાં દુઃખોની ટિકા કરવી, તેની પર આંગળી ચીંધવી, બધાનું ધ્યાન તેના પર જાય તેવું કરવું હંમેશા ગમે છે. એમાં એક પ્રકારનો છુપો માનસિક આનંદ મળે છે, શરત માત્ર એટલી જ છે કે તે દુઃખ બીજાનું હોવું જોઈએ.

ઘણા અભાવનું કારણ અસ્વીકાર હોય છે. પોતાની પરિસ્થિતિને પૂર્ણપણે સ્વીકારી ન શકવાથી ઊભી થતી મુૂંઝવણો માથા પરનો મોટો બોજ લાગે છે. અરેરે આવું ક્યાં થઈ ગયું, મેં આમ નહોતું ધાર્યું. બધાને કેવું છે અને મારે કેવું. પહેલા કેવું હતું અને હવે કેવું છે. આપણે આપણા જ ભૂતકાળ સાથે પોતાને સરખાવીને દુઃખી થઈએ છીએ, એમ કરતાં પણ દુઃખ ન ઉદ્ભવે તો આપણાથી વધારે સુખી લાગતા માણસો સાથે સરખાવીને દુઃખ ઊભું કરીએ છીએ. દુઃખી થયા વિના આપણને ચાલતું નથી. અને દુઃખનું મોટું કારણ હોય છે — અસ્વીકાર. પોતે જે હોય છે, તેનો અસ્વીકાર કરીને જે નથી તે હોવાની ધારણા કરવી.

વિશાલ દેસાઈએ જીવનની કેટલીક મૂલ્યવાન વાતોને પોતાની ગઝલના ચાકડે ચડાવીને સરસ પીંડ બાંધ્યો છે. અચ્છા ગઝલકારની આ જ તો ખૂબી છે, સીધું કહેવાને બદલે અંગુલીનિર્દેશ કરે.

લોગઆઉટઃ

રિયો સભાનતાની અવસ્થા નજીક છે
ભરતી ને ઓટ બેઉમાં અંતર જરીક છે

લાચાર આંખ રાહ જુએ છે વળાંકની,
કિરદારનો જે અંત એ પડદાની બીક છે

મારી ગુલામ આંખ એ સ્વીકારશે નહીં,
નહીંતર તમામ તારા ઈશારા સટીક છે

ઉભરાઈ તો રહ્યું છે છલોછલ નથી થયું
આ તારા ભાવ પાત્રનો ઉભરો ઘડીક છે

હું કેમ કેમ કેમ સતત પૂછતો રહ્યો
તારા ગયાના દર્દ ઘણા દાર્શનિક છે

- વિશાલ દેસાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો