એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મુકેશ જોશી

દરેક પુરુષમાં છૂપું માધવપણું મોજુદ હોય છે, દરેક સ્ત્રીમાં રાધા. પ્રણયની અમુક ઊર્મિમય ક્ષણોમાં એ જીવંત થઈ જાય છે. ચોમાસું આવી જ એક ઊર્મિસભર ઋતુ છે. ભીતરના સૂનકારને ભીનાશ અર્પવાની ઋતુ. વરસાદનું પહેલું જળબિંધુ ધરાને સ્પર્શે તો લાગે ઉજ્જડતામાં અમી ઊભરાયું. એ અમી એટલે રાધા. પણ હૃદયની ભૂમિ દુષ્કાળ વેઠતા ખેડૂતના ખેતર જેવી હોય છે. જ્યારે ખૂબ જરૂર હોય ત્યારે જ વરસાદ ન પડે, અને માંહ્યલાનો મોલ સૂકાઈ જાય. ત્યારે બહારનો ધોધમાર વરસાદ પણ અંદર કશું ઊગવી શકતો નથી. ભીતરનો આ દુષ્કાળ અસમંજસ, દ્વિદ્ધા અને પરિસ્થિતિમાંથી ઊભો થયો હોય છે. અનેક ચોમાસામાં ચાર આંખે વરસાદને નિહાળ્યા બાદ રાતોરાત રોશની જતી રહી હોય તેમ આંખો અંધકારમય થઈ જાય છે. તેનું કારણ — આપણી અંદરના કૃષ્ણએ ગોકુળ છોડીને મથુરા તરફ ગતિ કરી હોય છે.

મુકેશ જોશી મર્માળુ કવિ છે. તે વાત તો રાધા-કૃષ્ણની કરે છે, પણ તે વાત માત્ર મહાકથાના આ બે ઉન્નત પાત્રો પૂરતી મર્યાદિત નથી, તે તો મારી, તમારી, આપણા સૌની વાત કરી રહ્યા છે. કૃષ્ણ તો ભાતરવર્ષની ભૂમિ પર જીવંત થઈને અદૃશ્ય થઈ ગયા, રાધા વિલુપ્ત થઈ ગઈ. હવે ક્યાંથી એ સુદર્શન, એ શંખ, એ વાંસળી, એ પ્રેમ, એ ગોકુળ, એ વિરહ, એ મથુરા. આ બધું કહીને કવિ આપણી અંદરના ઉર્મિમય જગતને વ્યક્ત કરે છે — રાધાકૃષ્ણના માધ્યમથી. એક રાતે કૃષ્ણમાંથી રાધા બાદ થાય છે, તે રાધા આપણી પોતાની છે.

સુદર્શનની જેમ આપણે સમયને કાપતા રહીએ, પરિસ્થિતિના પીંડમાં બંધાઈને રાત-દિવસ નામના ચાકડે ચડતા રહીએ છીએ. વિરહનું ચક્ર સુદર્શન કરતા વધારે તીવ્ર અને ધારદાર હોય છે. કરૂણ વાત એ કે તે અંદરથી ભેદે છે. અંદર ઊગતી ઊર્મિઓના માથા છેદી નાખે છે. બાહ્ય રીતે આનંદિત લાગતો માણસ કોના વિરહથી પીડાતો હશે, તો તે માત્ર તેનું હૈયું કહી શકે.

કૃષ્ણ અને રાધાના પ્રણયને વ્યક્ત કરતું સંગીતમય શાસ્ત્ર એટલે વાંસળી. એ પ્રતીક છે, પ્રેમનું. સૂર કાનમાં રેલાય અને હૃદયભાવ આપોઆપ ખીલી ઊઠે. ચરણ દોડી ઊઠે એ દિશામાં જ્યાં કૃષ્ણ હોય. આજના કૃષ્ણ પાસે પણ વાંસળી છે, પણ એ વાંસની બનેલી, કાણાવાળી, સૂર છેડતી ભૈતિક પ્રતિકૃતિ જ હોય તેવું સંભવ નથી. દરેકની પોતાની બંસરી હોય છે. સંજોગનું ચક્ર ફરે અને પ્રિયજનથી અલગ થવું પડે ત્યારે પેલા વાંસળી જેવાં અનેક પ્રતિકો રહી રહીને પ્રિયતમની વાતો મનમાં જગાવ્યા કરે છે, તેની છબિ આંખ સામે લાવ્યા કરે છે, આ વાંસળીમય પ્રતિકો કોઈ પત્ર રૂપે હોઈ શકે, ફોનમાં પડેલી જૂની ચેટ હોઈ શકે. કોઈ ખાસ દિવસે મળેલી ભેટ પણ હોઈ શકે. એ બધી વસ્તુઓ જોતાની સાથે પ્રિય વ્યક્તિ આપોઆપ દેખાઈ જાય — આંખો મીંચો તો પણ. ત્યારે વાંસળી જેવાં તમામ પ્રતીકોથી દૂર થઈને શંખ જેમ ફૂંકાવું પડે છે. પરિસ્થિતિ સામે યુદ્ધે ચડવું પડે છે.

દરેકની અંદર મોટી ગેલેક્સી છે. તેની અંદર સેંકડો ઇચ્છાના તારાઓ ઝળહળે છે. પરંતુ કોઈ ખાસ વ્યક્તિની ગેરહાજરી અંદરના બ્રહ્માંડની બોલતી બંધ કરી દે છે. તે સતત એક ગમતા સિતારાની ઝંખના કરે છે, તેની રોશનીથી પ્રકાશિત થવાની કામના રાખે છે. પ્રિય વ્યક્તિના પ્રણયનો મૌન નાદ અંદરના આકાશમાં નિરંતર પડઘાયા કરે છે. બહારનું જગત તેને સાંભળે ન સાંભળે, અંદરની ઊર્જા સતત તે સાદને સાંભળતી રહે છે.

રાધા માત્ર એક પાત્ર નથી. સમય પર ચિતરાયેલી સ્મૃતિ છે, વિરહની વ્યાખ્યા છે અને મિલનની ઝંખના પણ. રાધા એ પ્રણયના રંગમાં ડૂબેલા વ્યક્તિઓ માટે એક ઋતુ છે, જે માત્ર તેમના હૃદયમાં જ આવે છે, જે પોતે વસંત બની ચૂક્યા હોય. રાધા એ શ્વાસમાં સંભળાતી વાંસળી છે, એવા શ્વાસ જે સહૃદયતાનું સરનામું ચીંધતા હોય. કૃષ્ણનું જીવનફલક અત્યંત વિશાળ છે, ગોકુળ, મથુરા, દ્વારકા — બધે તેમની મહાગાથા પથરાયેલી છે, પરંતુ એ મહાકથાનું કોઈ રંગીન અને હૃદયછલોછલ પાનું હોય તો તેનું નામ રાધા છે. કૃષ્ણને સમજવા માટે તેમના રણક્ષેત્રના યુદ્ધો નહીં, હૃદયભૂમિ પર જીતાયેલા સંગ્રામ જાણવા જોઈએ. રાધા એવા જ એક મધુરા સંગ્રામનું નામ છે. રાધા એ કૃષ્ણના પ્રણયભાવનો અનુવાદ છે.

લોગઆઉટઃ

દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું રે જવાબ દઇશ માધા?
- ઈશુભાઈ ગઢવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો