ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની છે
સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી છે
સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.
– જયા મહેતા
એક ખૂણે રહીને કવિતાનું સૂતર કાંત્યા કરતા સર્જક, અન્ય ભાષાની કવિતાને ગુજરાતીમાં અવતારનાર લેખિકા જયા મહેતા હવે આપણી વચ્ચે નથી. તેમનું સર્જન ઓછું છે, પણ જેટલું છે — ઊંડું અને અર્થસભર છે. ઉપરોક્ત કવિતામાં તેમણે સ્ત્રીની વ્યથાની વણી લીધી છે, અને આ વ્યથા કોઈ એક સમયની નથી.
સ્ત્રી — ક્યારેક દેવી, ક્યારેક દાસી, ક્યારેક દુહિતા, ક્યારેક દુર્ગા, ક્યારેક ભગિની ક્યારેક ભીખારી. અસંખ્ય ઉપાધિઓની આંધીમાં તેનું મૂળ સ્ત્રીત્વ ફાટેલા વસ્ત્રના ચીંથડાની જેમ ઊડ્યા કરે છે. સમાજે સ્ત્રીને પ્રતીકોથી પોંખી, સંજ્ઞાઓથી શણગારી, પરંતુ મનુષ્ય તરીકે જોવાની દુર્લભ દૃષ્ટિ ન વિકસાવી. જયા મહેતાએ એ જ પીડાને વાચા આપવા પ્રયત્ન કર્યો છે.
સ્ત્રીને દેવી કહીને દેરીમાં બેસાડી દેવી કે ડાકણ કહીને દૂર હડસેલી દેવી, બંને સ્થિતિમાં એક જ દંભ કામ કરે છે, સ્ત્રીને માણસમાંથી મિથકમાં ફેરવી નાખવાનો દંભ. જ્યારે પણ સામાજિક મૂલ્યોની વહેંચણી કરવામાં આવે છે ત્યારે સ્ત્રીના ભાગે આવે છે — પરંપરાના નામે પીડા, ધર્મના નામે ધુત્કાર, અને પરિવારવાદના નામે પરિશ્રમ. ચૂલાથી લઈને ચોક સુધીનાં કર્તવ્યો ચુપચાપ સ્ત્રીના પાલવમાં બાંધી દેવામાં આવે છે, અને તેનાથી મળતો યશ પુરુષના મુગટમાં મૂકાય છે. સ્ત્રીઓને મળતું સન્માન પણ અમુક અદૃશ્ય સાંકળોથી બંધાયેલું હોય છે. સન્માન એટલે? બસ, ત્યાગનો કાંટાળો તાજ પહેરાવીને અધિકારોની ટોપી ઉતારી લો. થઈ ગયું સન્માન! નારીના અભ્યાસક્રમમાં એવું પુસ્તક ગોઠવી દેવામાં આવ્યું છે, જેમાં કર્તવ્યોના પાંનાં અસંખ્ય છે, અધિકારનાં અમુક જ.
નીચું મોં રાખીને ચાલતી, કહ્યું માનતી, ઘરને અઢળક પરિશ્રમપૂર્વક સજાવતી નારીને આપણે સંસ્કારી કહીએ છીએ, પણ એ જ સ્ત્રી જ્યારે સમાજના નિર્ધારિત કરેલા ચીલે ચાલવાનું છોડી પોતાનું આગવું પગલું ભરવાની પહેલ કરે તો સમાજ તેને અસંસ્કારી, ઉદંડ કહીને ધિક્કારે છે. ઘણી વાર, ઘણા સ્થાને સ્ત્રીઓને આઝાદી મળે છે – મૂલ્યોની, વિચારોની, વાણીની, વર્તનની, અભિવ્યક્તિની. પણ તેનો અર્થ એ નથી કે આખું આકાશ મળી ગયું. તે આઝાદીનો અર્થ એ જ છે કે પીંજરું મોટું કરવામાં આવ્યુંં. જેથી તે પાંખો ફેલાવીને સમાજે પીંજરાની જે સાઇઝ નક્કી કરી છે, ત્યાં સુધી ઊડી શકે.
ફિલ્મમાં એકલી સ્ત્રી ફરવા નીકળી પડે, ગમતા પાત્ર સાથે ગીતો ગાય, સમાજ વિરુદ્ધ ક્રાંતિ કરે એ બધું જોવાનું ગમે છે. તેને બે હાથે વધાવીએ છીએ, પણ ફિલ્મમાં બનતી એ જ ઘટનાઓ આસપાસ બને ત્યારે જે હાથ હરખથી તાળીઓ પાડતા હતા, એ બેડીનું રૂપ ધારણ કરી લે છે.
ચંદ્રકાન્ત બક્ષીએ એક લેખમાં કહેલું, સ્ત્રીને પાળી શકાય છે, તેની માટે ચાબૂક કે લગામની જરૂર નથી. કેટલું કડવું સત્ય! ઘણી વાર સંસ્કાર, રૂઢી, પરંપરા, રીતરિવાજ, માનમર્યાદા, આ બધા જ એક રીતે ચાબૂક અને લગામની ભૂમિકા ભજવતા હોય છે. જયા મહેતાની કવિતા વાંચી સમાજમાં સ્ત્રીત્વનું તેજ ક્યાં ક્યાં ઢંકાય છે, તેની જે પ્રતિતિ થઈ તેને મારી રીતે લખવા પ્રયત્ન કર્યો છે. તેમણે અનુવાદ કરેલી ઊડિયા ભાષાની કવયિત્રીની કવિતા પણ વાંચવા જેવી છે.
લોગઆઉટઃ
આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)
હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?
ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
– બ્રહ્મોત્રી મોહંતી, (અનુવાદ: જયા મહેતા)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો