બોમ્બ વાવવાથી કબર ઊગે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ખાલી પેટે
ગયું દોડતું મા પાસે
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું
“મા, મા, આ ફળ વાવું તો શું ઊગે?”
અશ્રુભીની આંખે
બાળકના માથે હાથ ફેરવતા
ચીંધી આંગળી
પતિની કબર તરફ !

~ નિલેશ રાણા

અણુબોમ્બના પરિક્ષણ પછી તેના સંશોધક ઓપનહાઇમરે ભગવદગીતાના શબ્દો ઉચ્ચારીને કહ્યું હતું, “હવે હું મૃત્યુ બન્યો છું, જગતનો સંહારક.” અને આ સંહારલીલાનો અનુભવ દુનિયાએ પ્રત્યક્ષ જોયો, બીજા વિશ્વયુદ્ધ વખતે, હિરોશીમા અને નાગાશાકી પર ફેંકાયેલા બોમ્બ દ્વારા. તેની વિનાશક અસરમાંથી આજની તારીખ સુધી જાપાન સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી. બોમ્બની શોધની સાથે જ આપણે વિનાશ તરફની ગતિ શરૂ કરી દીધી હતી. કવિ નિલેશ રાણાએ બાળક અને બોમ્બને સાથે જોડીને યુદ્ધની ભયાનકતાને ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે. આ કવિતામાં બાળસહજ વિસ્મય છે અને વિનાશનો ચિત્કાર પણ. બાલિશતા છે અને બર્બરતા પણ.

કવિએ એક કાશ્મીરી બાળકની વાત કરી છે. બાળક ગ્રેનેડ લઈને માતા પાસે જાય છે, અહીં ‘લીલી ગ્રેનેડ’ શબ્દ પર અન્ડરલાઇન કરવા જેવી છે, ગ્રેનેડ લીલી છે, અર્થાત જીવંત છે, તે કોઈ પણ ક્ષણે ફૂટી શકે છે. વળી ગ્રેનેડનો આકાર પણ કોઈ ફળ જેવો હોય છે. બાળક તો વિસ્મય અને જિજ્ઞાસાથી માતાને પૂછે છે કે આ ફળ વાવવાથી શું ઊગે? તેના પ્રશ્નમાં નિર્દોષતા અને બર્બરતા વચ્ચેનો છૂપો પુલ બંધાય છે. માતા બિચારી કશો ઉત્તર આપી શકતી નથી. કેમ કે તે આ ફળથી ઊગતા વિનાશને અનુભવી ચૂકી છે. તે માત્ર આંગળી ચીંધે છે, પતિની કબર તરફ. એ બાળકનો પિતા પણ આવા જ કોઈ બોમ્બનો ભોગ બનેલો. કેવો કરૂણ વિરોધાભાસ.

સંભવ છે કાશ્મીરની કોઈ ઘટના કવિના હૃદયને ધ્રૂજાવી ગઈ હોય, અને તેમણે આ કાવ્ય લખ્યું હોય. પરંતુ આ કવિતા માત્ર કાશ્મીરની નથી. આ તો સમગ્ર માનવજાત સામેનો વેધક પ્રશ્ન છે. આપણાં બાળકો કેવા સમયમાં જીવી રહ્યાં છે? આપણી જિંદગી ટ્રેનના બે પાટા પર ચાલી રહી છે, જેમાંથી એક પર નાવિન્ય છે, આધુનિકતા છે, શોધ અને સંશોધન છે, તો બીજા પાટા પર એ જ નાવિન્યથી ઊભી થતી વિમાસણો છે, આધુનિકતાથી રચાતી અધોગતિ છે. મોબાઇલ, જે આજે સૌથી ઉપયોગી અને હાથવગું સાધન ગણાય છે, એ જ સાધન સૌથી નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. કોઈ પણ શોધની સાઇડ ઇફેક્ટ હોય છે, આપણે તેને અવગણીએ છીએ, અને આ અવગણના જ ક્યારેક વિનાશનું મહાકારણ બને છે.

પરમાણુ શક્તિના વિકાસ માટેની દુનિયાની દોડ પણ છેવટે તો મહાવિનાશ તરફની ગતિ છે. તે ભયને ઉછેરી રહ્યા છે. જેવો બોમ્બનો ઉપયોગ થાય કે તરત ભયના છોડ પર મૃત્યુના ફળ ઊગી નીકળે છે.

ગુજરાતીમાં કહેવત છે — જેવું વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર. તમે બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકો. પરંતુ વિચિત્ર વાત એ છે કે આ સમયમાં આપણે યુદ્ધની વાવણી કરીએ છીએ અને શાંતિનો પાક લણવાની આશા રાખીએ છીએ. વિશ્વના નેતાઓમાં શાંતિદૂત થવાની હોડ છે, અને તે યુદ્ધના માર્ગ પર ચાલીને! આ જ તો વિમાસણ છે આજની.

બાળકના હાથમાં નાની કેરી, સફરજન કે જામફળ જેવાં ફળ શોભે છે, પણ અહીં તો ગ્રેનેડ છે. આ વિરોધાભાસ એ જ આજની દુનિયાનું દર્પણ છે. એ કાશ્મીર હોય કે પેલેસ્ટાઇન, યુક્રેન હોય કે આફ્રિકા, અમેરિકા હોય કે અમદાવાદ, ગાઝા હોય કે દિલ્હી, જ્યાં બોમ્બની વાવણી થાય ત્યાં કબરોનો મોલ ફાલે છે. શાંતિની આશાથી વિનાશી શસ્ત્ર વપરાય ત્યાં શાંતિ નહીં, સન્નાટો ઊગે છે. તેને રક્તની ધારાઓ અને લાશોનું ખાતર પોષણ પૂરું પાડે છે.

1961માં જ્યારે શીતયુદ્ધની ચરમ સીમાએ હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડીએ યુનાઇટેડ નેશનના એક ભાષણમાં જે વાત કહી હતી તેની સાથે વિરમીએ.

લોગઆઉટઃ

માનવજાતે યુદ્ધનો અંંત લાવવો પડશે, નહીંતર યુદ્ધ માનવજાતનો અંત લાવશે.
- જે. એફ. કેનેડી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો