આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે.

તું ફ્ક્ત તારા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે,
આ બારણે, આ પાંપણે તરત મને મળી જજે.

નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ, છોડ આંગણે તરત મને મળી જજે.

સજા હું આકરી કરું તને કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

~ પંચમ શુક્લ

મનુષ્યજીવન એક યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા, અને કદાચ એનાથી પણ આગળની. આ યાત્રા દરમિયાન તે અસંખ્ય લોકોને મળે છે, અસંખ્ય અનુભવો મેળવે છે. પરંતુ જો ખૂબ ઊંડાણથી જોઈએ તો દરેકની એવી ઇચ્છા હોય છે કોઈક તેને અકારણ મળે, કોઈ સ્વાર્થ, નફો-નુકસાનની તમા રાખ્યા વિના મળે. ન કોઈ લાભાર્થે ન તો ફરજરૂપે, કેવળ મિલન, શુદ્ધ મિલન. આવું મિલન જ સોટચના સોના જેવું હોય છે અને તેનું મૂલ્ય સોના કરતા પણ વિશેષ, કેમ કે તે અમૂલ્ય હોય છે.

પરંતુ આજના સમયની મોટી પળોજણ હોય તો એ કે આપણે દરેક સંબંધને તર્કના ટાંકણાથી કોતરીએ છીએ, દરેક મિલનને કારણના બિલોરી કાચથી જોઈએ છીએ. મિત્રતા ફાયદો-ગેરફાયદો જોઈને કરવામાં આવે છે, લગ્ન આર્થિક સધ્ધરતા જોઈને, પ્રેમ ઉપકારભાવથી, અને ભક્તિ પણ માગણી, અપેક્ષા અને અધૂરી ઇચ્છા માટે કરીએ છીએ. પરંતુ ખરું મિલન તો એ છે જેમાં કોઈ કારણ ન હોય, માત્ર ઉપસ્થિતિ જ પર્યાપ્ત હોય. જેમ શ્વાચ્છોશ્વાસમાં વહેતું એક અદૃશ્ય સંગીત, તેના સૂર કોઈ વાદ્યમાંથી નહીં પરંતુ સ્વયં જીવાયેલા જીવનમાંથી ફૂટે છે. આવી પળે મળનાર અને પ્રતીક્ષા કરનાર એકરૂપ થઈ જાય છે. જેમ મીરાં કૃષ્ણમાં ભળી ગઈ, જેમ નરસિંહ કૃષ્ણમિલનમાં રાસ જોતા જોતા હાથ સળગી ઊઠ્યો છતાં લીન રહ્યો! આવી એકરૂપતા જ મિલનનું શિખર હોય છે!

કવિ પંચમ શુક્લએ પોતાની કવિતામાં મિલનનો માળો ગૂંથ્યો છે. એ માળામાં જે ટહુકા સંભળાય છે, તે ટહુકાને કોઈ કારણના ટેકાની જરૂર નથી. કેમકે તેમને પરિણામની ઝંખના નથી. કારણ વિના થતા મિલનથી શ્રેષ્ઠ મિલન કોઈ ન હોઈ શકે.

માણસ વિચારે છે કે તેણે મહાન અને વિરાટ અનુભવોની વાટ પકડીને શિખર પર પહોંચવું જોઈએ. દુનિયામાં સર્વોચ્ચ શિખરે પહોંચીને પોતાના સત્યને આત્મસાત કરવું જોઈએ. પરંતુ સત્ય ત્યાં જ ઊભું હોય છે, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ હોય. પાલો કોએલોની સુંદર નવલકથા છે - અલ્કેમિસ્ટ. તેની મૂળ કથા પણ એ જ, જેની શોધ માટે આખી જિંદગી રઝળ્યા એ તો ત્યાં જ હતું જ્યાંથી શોધ શરૂ કરી. મનોજ ખંડેરિયાએ પણ લખ્યું છે
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને!

અમુક મિલન એવાં જ હોય છે. આપણે જેને મળવા માટે જીવનભર ટળવળતા હોઈએ છીએ, તે આપણી સાથે જ હોય છે. માત્ર આપણને તેની પ્રતિતિ નથી થઈ હોતી, આપણને ખબર નથી હોતી.

કવિ પંચમ શુક્લ શ્વાસના પ્રત્યેક કણે પ્રિયતમને આહ્વાન આપે છે. આ આકર્ષણ દેહનું નથી, હૃદયનું છે. આ એ જ ઝંખના છે જે મીરાંબાઈમાં હતી, ‘પાયો જી મૈને રામ રતન ધન પાયો‘ પ્રેમ કે ભક્તિનું સૌથી શુદ્ધ રૂપ જ એ છે જેમાં કશો સ્વાર્થ ન હોય. મિલન કેવળ મિલન માટે જ હોય. અને આ મિલન માત્ર કોઈ પ્રિય વ્યક્તિની ઝંખના પૂરતું સીમિત નથી, તે પ્રભુને ઉદ્દેશીને પણ છે.

પંચમ શુક્લની કવિતા વાંચીને દરેકને પોતાના હૃદયમાં પાંગરતી મિલનની કૂંપળ ખીલતી દેખાશે. એ કૂંપળની સુગંધ દરેકની પોતાની હશે. મિલનની ઝંખના પણ પોતાની.

પ્રિય પાત્રના મિલન વિશે નિરંજન ભગતે લખેલી કવિતા વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો