ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો
પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો
જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો
ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો
મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો
– રિષભ મહેતા
ગરબો ગુજરાતી સંસ્કૃતિની ગરિમા છે. તે વિશ્વભરતમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ જ નથી કરતો, ઓળખ પણ આપે છે. ‘ગરબો’ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. ગર્ભ અર્થાત્ કોખ, જીવનનો સ્રોત. દીપ એટલે દીવડો. માટલાના ગર્ભમાં દીવડો મૂકવામાં આવે છે, એ માટલાને નાના કાણા કરેલા હોય છે, જેમાંથી ચોમેર અજવાળું પથરાય છે. એ અજવાળાનો અર્થ છે અંધકાર પર પ્રકાશનો વિજય. માતાજીએ નવ નવ દિવસ આસુરી શક્તિ સામે લડીને વિજય મેળવ્યો એ સંદર્ભ પણ ખરો. એટલા માટે જ તો નવ નવ રાત સુધી આ તહેવારને ઉજવવામાં આવે છે. આ વિજયનો મહોત્સવ છે. આ મહોત્સવને કવિઓએ વિવિધ સ્વરૂપે ગાયો છે, જે સાહિત્યની ભાષામાં ગરબો કે ગરબી થઈને પ્રગટ્યો. વલ્લભ મેવાડા, દયારામ વગેરેએ માતાજીની સ્તૂતિને ભક્તિમય થઈને ગાઈ તે ગરબામાં પરિણમી. ગરબો બીજી કવિતાની જેમ માત્ર કાગળ પર છપાવા માટે નથી રચાતો, તેના સર્જનનો ખરો યથાર્થ એમાં જ છે, જ્યારે તે ગવાય, લોકો તેના તાલે ઝૂમે.
અશરફ ડબાવાલા જેવા સક્ષમ કવિએ તો ગઝલ અને ગરબીને એકરૂપ કરી ગઝલગરબીનો સફળ પ્રયોગ કર્યો છે. અહીં રિષભ મહેતાએ ગરબાને ગઝલના ચોકમાં મૂક્યો છે.
ગરબો એક રીતે આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો પડઘો પણ છે. અને એ પડઘો માત્ર શબ્દો સુધી સીમિત નથી રહેતો, નૃત્યથી પણ વ્યક્ત થાય છે. કેમ કે તેમાં શ્રદ્ધા છે અને શક્તિ પણ. પૂજા છે અને પ્રાર્થના પણ. સ્તુતિ છે અને સ્તવન પણ. તેમાં આલાપ છે અને ઉલ્લાસ પણ.
સમય બદલાયો છે, હવે ગરબાઓ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યા છે. આજકાલ નવરાત્રી નૃત્યોત્સવ બની ગયો છે. અને માતાજીની સ્તુતિમાં થતા ગરબાનું સ્થાન ફિલ્મીગીતોએ લઈ લીધું છે. હવે નવરાત્રીનો અર્થ પૂજા-આરાધના નથી રહ્યો. ભક્તિ કે આરતી પણ નહીંં. કોઈક જવાનિયાને તમે પૂછશો કે નવરાત્રી એટલે શું તરત કૂદકો મારીને કહેશે કે ગરબા. તેમને મન દાંડિયા ઉછાળીને નાચવાનો અર્થ છે — નવરાત્રી. પણ નવરાત્રી માત્ર ગીતોના તાલે થતો નાચ નથી. તેમાં ભક્તિનું નૃત્યમય સાચ બિરાજે છે.
રિષભ મહેતાએ પ્રિય પાત્રને ઉદ્દેશીને ગરબાને ગાયો છે, એ પણ ગઝલના સ્વરૂપમાં. તેમની ગઝલમાં આવતો ગરબો શબ્દ માત્ર આરાધના કે નૃત્ય પૂરતો સીમિત નથી રહેતો. તે સખીને આહ્વાન આપે છે. આહ્વાનમાં પરોઢિયાનો ઉલ્લાસ છે અને મધરાતના ગરબાનું ગૂંજન પણ. ગરબામાંથી પ્રગટ થતા સૂર્યકિરણ જેવા ઊર્જાવાન પ્રકાશની ઝળહળ છે, અને એ ઝળહળમાં શોભી ઊઠતા માનવહૃદય પણ. ગરબામાં રમાતી ત્રણ તાલીમાં જડ અને ચેતન સુધ્ધા ધબકી ઊઠે છે. એ ધબકારાના તાલમાંથી જે રસ છલકે છે, એ રસમાં અનન્ય આનંદ છે — નૃત્ય, ભક્તિ, પ્રેમ, અને પવિત્રતાનો આનંદ.
નવરાત્રીમાં થતા ગરબા માત્ર ઉછાંછળા કૂદકા ન રહેતા સાધના બને તો નૃત્ય પણ પ્રાર્થના બની જાય. અશરફ ડબાવાલાની એક પ્રયોગશીલ ગઝલગરબીથી વિરમીએ.
લોગઆઉટઃ
માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!
મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!
– અશરફ ડબાવાલા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો