ઝળુંબે સૂર્ય, દેશી નળિયે ને રેલાય ચાંદરડું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે 'ને રેલાય ચાંદરડું,
અહો..! આ ખોરડેથી ઓરડે ઝિલાય ચાંદરડું!

કદી સીધું પડે, ત્રાસું પડે, શૈશવથી શું પકડાય?
હથેળી જ્યાં ઝીલે, મુઠ્ઠીમાં ભાગી જાય ચાંદરડું!

ખૂણે અંધારિયે આ કોણ બેઠું છે, ખૂણો પાળી?
'ઉતારે સોગ!' એવી લાલચે લલચાય ચાંદરડું!

જુઓ જ્યાં ત્યાં થયાં છે ફલેટ, ધાબાબંધ આવાસો,
ખપેડો કે ના નેવા-મોભ! શું દેખાય, ચાંદરડું?

'સિકંદર' ત્યાં..ભલે ઘર નાનું પણ જલસો હશે મોટો!
કે રે' અફળાતું, દી' આખો, છે ઠેબા ખાય ચાંદરડું!

- સિકંદર મુલતાની

ફ્રીજ આવતા માટલાં ગયાં. માટલાંની સાથે વપરાતી બીજી કેટલીયે ચીજો પણ ગઈ. આખું પાણિયારું જ ગાયબ થઈ ગયું. તેની સાથે બુઝારું, દેગડું, ઘડો, હેલ, માણ, મટકી, ગોળી, હાંડો, હાંડી, જેવા અનેક શબ્દો પણ અદ્રશ્ય થવા માંડ્યા. કવિ રાજેશ મિસ્કીને તો આવી ભુલાતી ચીજોને ગઝલમાં ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયાં?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઇના દીવા,
કોળિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

‘ચાંદરણું‘ પણ આવો જ, ભુલાતો જતો શબ્દ છે. ધાબાવાળાં ઘર બનવા લાગ્યાં તો નળિયામાંથી તડકાનું કિરણ ઘરમાં પડતું અને નાની બંગડી જેવા આકારનું પ્રકાશનું વર્તુળ રચાતું, એ વર્તુળ, તકકાની લાકડી જેવું લાગતું. આ તડકીલું ટપકું એ જ ચાંદરણું. અંદરના આછા અંધારામાં દિવસના સમયે છતમાં પડેલા કાણામાંથી ઘરમાં પડતો તડકો અનોખું સૌંદર્ય રચતો. કદાચ એની સુંદરતાને લીધે જ તેને ચાંદરણા જેવો સરસ શબ્દ મળ્યો છે.

કવિ સિકંદર મુલતાનીએ પોતાની ગઝલમાં વિસરાઈ ગયેલા ચાંદરણાને ફરી જીવંત કર્યું છે. ગામનાં કાચાં મકાનો, છત પર લાંબા વાંસ, ને ઉપર દેશી નળિયાં. એ દેશી નળિયાં પર સૂર્ય ઝળુંબે ત્યારે છતની કોઈ તિરાડમાંથી ઘરમાં પડતું કિરણ — જાણે સૂરજ ઘરમાં ઢોળાઈ રહ્યો હોય એવું લાગે, જાણે કાણામાંથી તડકાની ધાર થતી હોય, સૂરજ ઢોળાઈ રહ્યો હોય. સૂરજની દિશા મુજબ એ ચાંદરણું પણ સ્થાન બદલતું રહે. સવારે ત્રાંસુ લાગતું ચાંદરણું બપોરે ઊભું થઈ જતું, સાંજે વળી જુદી દિશામાં પહોંચી જતું. ઘણા અનુભવી વૃદ્ધો તો આ ચાંદરણાનું સ્થાન જોઈને સમય પણ કહી દેતા કે કેટલા વાગ્યા હશે. ઝાડનાં પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો તડકો ઝાડ નીચે ચાંદરણાની સુંદર ચાદર રચતો. બાળકો તો ખોબો ધરીને તેને ઝીલવા પ્રયત્ન કરતા. ચાંદરણાના સ્થાને બિલોરી કાચ મૂકી અગ્નિ ઉત્પન્ન કરવા મથતાં. પછી કશુંક મોટો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યાનો ગર્વ પણ લેતા. હવે ચાંદરણા સાથેની બાળસહજ રમતો જતી રહી, કેમકે ચાંદરણાં જ નથી રહ્યાં.

વિધવા થયેલી સ્ત્રી સોગ પાળતી, નિરંતર ઘરમાં એક ખૂણામાં એકલા રહેવાનું થતું, ત્યારે ચાંદરણું તેનો મૂક સાથી બનતું. તે વખતે તે માત્ર ઘરને જ નહીં, તેની ઓકલતાને પણ અજવાળું પૂરું પાડતું.

ધાબાવાળા ધર બનતાની સાથે મોભ, મોભારો, ટોડલા પણ ગયા. મોભ પરથી જ મોભી શબ્દ બન્યો. ઘરની ડિઝાઈન બદલાતા મોભ શબ્દનું મોભીપણું પણ ઓસર્યું. હવે વિવિધ ફ્લેટના લીધે ઘરની કેટલીક દેશી નામાવલીનું સૌંદર્ય હતું તે સૌંદર્ય હવે અદ્રશ્ય થઈ ગયું. હવે તો ધીમે ધીમે ઓસરી, ઊંબરો, આંગણું જેવા શબ્દોનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો છે. કદાચ આ સમયની જરૂરિયાત હશે. કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન.

કવિ સિકંદર મુલતાનીએ ‘ચાંદરણા‘ની ગઝલ રચીને તેની સાથે જોડાયેલાં કેટલાંક મર્મસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

કવિ લાભશંર ઠાકરે ‘ચાંદરણું’ શીર્ષકથી જ એક સુંદર કવિતા લખી છે, જેમાં ઑફિસમાં કામ કરતા અચાનક ટેબલ પર ચાંદરણું પડે છે, અને એ ચાંદરણું જૂની સ્મરણગલીમાં લઈ જાય છે. અનેક યાદો તાજી થાય છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર? - પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું.....

- લાભશંકર ઠાકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો