ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરે તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા
જીવન એ માત્ર આપણા ભાગમાં આવેલો સમયનો એક ટુકડો નથી. તેમાં રંગ છે, ઉમંગ છે, પ્રવાસ છે સહવાસ છે, હર્ષ છે શોક છે, એક એવી યાત્રા છે જેમાં આપણું હોવું, ન હોવું, અને કેમ હોવું એ તમામ પ્રશ્નો સામેલ છે. ઘણી વાર માણસ જીવતો હોય છે, પણ જીવી રહ્યો હોતો નથી. એ હસે છે, વાતો કરે છે, નાચે છે, કૂદે છે, વ્યવહારો કરે છે, પ્રસંગોમાં જોડાય છે, પણ અંદરથી ક્યાંક ખાલી છે, સાવ લાગણીશૂન્ય, સંવેદનાશૂન્ય. આવો માણસ રોજ પરાણે દિવસના પગથિયાં ચડે છે. જિંદગીમાં દુઃખો છે જ નહીં, એવું નથી. પણ જીવન સાવ નિરાશાની નદી નથી. એ અવસરો અને ઉત્સવ પણ છે. પણ જો અવસરોને ઓળખી શકતી આંખ ન હોય તો સમજી લેવું કે આંખ છે, પણ દિશા નથી. દૃશ્યો છે, પણ દિશા નથી. એવા સમયે દિશાવિહીન કડવાશ જીવનને ઝેર જેવું બનાવી નાખે છે.
જીવન ફિક્કું લાગવા માંડે છે, નિરર્થક યાત્રા જેવું. જ્યાં ન તો આગમનનું મહત્ત્વ છે, ન વિદાયનું. આનંદના અવસરે પણ આપણે સોગિયું મોઢું લઈને બેસી રહીએ છીએ. ત્યારે તોરણ વિનાના અવસર જેવા લાગીએ છીએ.
કવિ ઉર્વિશ વસાવડાએ ચાર પંક્તિમાં જ માનવમનનાં ઊંડાણને તાગી લીધું છે. તે જાણે છે કે આનંદ હોય કે શોક, સફળતા હોય કે નિષ્ફળતા, પ્રાપ્તિ હોય કે મુક્તિ, માણસને ક્યારેય પણ, ક્યાંય પણ પૂરો સંતોષ નથી થતો. અને આ અંસોતષ જ બતાવે છે કે આપણે કાળની, સમયની અને સાર્થકતાની સમજણ નથી.
ઘણીવાર માણસનું જીવન નિશ્ચિત માળખા મુજબ ચાલે છે. શાળાની વયે ભણવું, તરત નોકરી, પછી લગ્ન, પછી બાળકો, પછી જવાબદારીઓ, પછી નિવૃત્તિ, અને પછી સ્તબ્ધતા. આ ઢાંચો આપણને માફક આવી ગયો છે. આપણે તમામ ચીલા પહેલેથી કોતરી નાખ્યા છે, કોણે ક્યાં, કેમ, કઈ રીતે, અને કેટલું ચાલવાનું બધું નક્કી કરી નાખ્યુંં છે. એના લીધે આવેલ તહેવાર માત્ર વહેવાર બનીને રહી જાય છે. જીવનમાં અનેક ઉત્સવો એવા હોય છે, જે કેલેન્ડરના પાને નથી હોતા, પણ આપણા અંતરાત્માના આંગણામાં અવાર નવાર ઉજવાતા હોય છે. જ્યારે કોઈ આંખોમાં આનંદ ઊભરાય, કોઈ બાળક પહેલી વાર બોલે, કોઈ મિત્ર દૂર રહીને પણ હૃદયની નજીક લાગે, અથવા કોઈના દુ:ખમાં કશું બોલ્યા વિના જ નિશબ્દ સાથ આપીએ. આ બધી જ ક્ષણો એક પ્રકારના તહેવારો છે. ત્યાં આપણા અંતરાત્માને ઉજવવાની તક મળે છે. પણ આ બધી જ તકો ટૂંટિયું વાળીને ખૂણામાં પડી રહે છે. તે આપણને ઇશારો કરે છે, આનંદિત થવાનો, હર્ષોલ્લાસમાં ડૂબી જવાનો, મન ભરીને મોજ માણવાનો, પણ આપણે તો અંદરના ઉનાળે બળબળતા રહીએ છીએ. તાપમાં ખીલી ઊઠતા ગરમાળાને નિહાળી નથી શકતા, ન તો કેસૂડાને માણી શકીએ છીએ.
બહુ ઓછાને ખબર હોય છે ક્યારે થોભવું, ક્યારે ચાલવું, ક્યારે દોડવું, ક્યારે બોલવું, અને ક્યારે માત્ર સાંભળવું. આ સમજણ જીવનને ઘાટ આપે છે. આપણી અંદરનો ઊત્સવ સૂકાઈ જાય ત્યારે કોઈને દેખાતું નથી, પણ આપણને પોતાને અનુભવાય છે. કદાચ કોઈ ન પૂછે કે તું કેમ ચુપચાપ રહે છે, પણ અંદર એક પ્રશ્ન સન્નાટા જેમ સૂસવાતો રહે છે.
આપણે સંવેદનાના ઊંડા તળાવો ખોદીએ છીએ, પણ વરસાદ સાથ ન આપે ત્યારે તે માત્ર મોટા ખાડા બનીને રહી જાય છે. આવું થવાનું કારણ આનંદ અને ઉમંગના વાદળો આપણે બંધાવા નથી દેતા, અંદર ચોમાસું ઊભારતું હોય ત્યારે પણ નહીં.
અશરફ ડબાવાલા કહે છે તેમ કરવું, કોઈ અવસર હોય કે ન હોય, ઉત્સવ માણવો.
લોગઆઉટઃ
કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ
આંગણું ન હોય તો પાદરમાં ઉત્સવ માણીએ
મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી
હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ
માછલી થઈને ન લાગે જીવ દરિયામાં કશે
તો પછી ખુદ જળ બની ગાગરમાં ઉત્સવ માણીએ
ભીંજવી ભીંજાઇ જાવાના ગયા દિવસો હવે
ચાલને વરસ્યા વિના વાદળમાં ઉત્સવ માણીએ
શ્રાપ છે કે છે કૃપા લેખણની અમને શું ખબર?
માંડવે ગુમસુમ અને કાગળમાં ઉત્સવ માણીએ
– અશરફ ડબાવાલા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો