ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી
જીવન એક અદૃશ્ય સંગીત છે, જે સતત વાગતું રહે છે, ક્યારેક ધીમું, ક્યારેક ઉગ્ર, ક્યારેક રોમેન્ટિક, ક્યારેક વિયોગી, ક્યારેક આનંદિત, ક્યારેક કરૂણ. કોઈ ક્ષણ નિષ્ક્રિય નથી; પૃથ્વી પર ચાલેલું દરેક પગલું જીવતા હોવાની સાબિતી છે. દરેક શ્વાસ, દરેક ઝરમર, દરેક ટીપું, દરેક અંધકાર પોતાની અંદર કોઈ ગુપ્ત સંદેશ લઈને આવે છે. વૃક્ષનું પ્રત્યેક પર્ણ સુધ્ધાં કશુંક કહી રહ્યું હોય છે, આપણા બરછટ બહેરાં કાન એને સાંભળે ન સાંભળે, પ્રકૃતિ સાંભળતી હોય છે. પવન તેની લાગણી પિછાણતો હોય છે. દરેક ક્ષણ અને દરેક રજકણ સુધ્ધાં પોતાનો આગવો અર્થ ધરાવે છે, તેને જોવા માટેની આંખ હોવી જરૂરી છે.
નિરાશામાં ગરકાવ થયેલા માણસ સામે ગમે તેટલું અર્થસભર જીવન મૂકો, તેને બધું વ્યર્થ જ લાગશે. તેને મન વરસાદનો રોમાંચ શું, કે શું તાજી ખીલતી કૂંપળની હળવાશ? તેને મન નવજાત શિશુએ કરેલું સ્મિત પણ દુર્ઘટના સમાન હોય છે. તેને નથી ગમતા પંખીના ટહુકા કે ઝરણાનું ખળખળ. તે નિરાશાની ખાઈમાં એટલો ઊંડો દટાઈ ગયો હોય છે કે આસપાસનું કશું જ દેખાતું નથી. તેની આંખો ચારેબાજુ દુઃખ, છળ,અને ભ્રમણા રૂપી અંધકારને જ જુએ છે. તેની આંખો એ ગાઢ અંધકાર સામે ખુમારીથી પ્રગટી રહેલા દીવાનું અજવાસભર્યું યુદ્ધ નથી જોઈ શકતી, તેના કાન બાળકનું ખીલખીલાટ નથી સાંભળી શકતા. તેને નથી સ્પર્શતી વરસાદની ભીનાશ સુધ્ધાં. તે પ્રકૃતિના સંદેશાને વાંચવા માટેની ઋજુતા ગુમાવી ચૂક્યો હોય છે. કેમ કે તે પોતે જ પોતાની આસપાસ એક અદૃૃશ્ય દીવાલ ચણી લીધી હોય છે, જ્યાં સુધી આ સંકુચિતતાની, નિરાશાની, અહમની દીવાલ છે, ત્યાં સુધી સવાલ છે. દીવાલ તૂટશે, ઉત્તર આપોઆપ ધસી આવશે — હળવા પવનની લહેરખી માફક. પછી આપોઆપ પંખીના કલરવથી લઈને સૂકા પર્ણ સુધ્ધામાં એક સંદેશ વંચાશે — જિંદગીનો હર્યોભર્યો, અર્થસભર સંદેશ.
મૃત્યુ અંતિમ મુકામ ન હોઈ શકે, શક્ય છે એ નવોન્મેશની શરૂઆત પણ હોય. સંભવ છે કે મૃત્યુ આપણને નવપલ્લવિત કરવા માટેની વિધિ હોય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જવાની કેડી. જેમ જીર્ણ વસ્ત્રો તૂટતાં આપણે નવાં ધારણ કરીએ છીએ, તેમ, શક્ય છે કે આપણી અંદરની કોઈ ઊર્જા નવું સ્વરૂપ ધારણ કરવા માટે મૃત્યુની વિધિમાંથી પસાર થતી હોય. જીવન સતત પોતાનાં આવર્તન બદલે છે, પાનખરનાં પાંદડાં જેમ જમીન પર પડે છે, પણ એ જ પાંદડાં માટીને પોષણ આપે છે, જેથી ફરી નવા અંકુર ફૂટે. આ ચક્રમાં એક અનંત સત્ય છુપાયેલું છે, કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી, એ માત્ર રૂપ બદલે છે, અવાજ બદલે છે, આકાર બદલે છે.
પ્રત્યેક નવજાત શિશુના પ્રથમ રુદનમાં એક દિવ્ય સંદેશ હોય છે. એ કહે છે કે જીવન ફરી આવી ગયું છે, ફરી લડવા, ફરી પ્રેમ કરવા, ફરી સ્વપ્ન જોવા. મરણનું શાંત સ્મિત પણ એ જ કહે છે, “હું જતો નથી, ફક્ત સ્વરૂપ બદલું છું.” જ્યારે આપણા આકાશમાં સૂર્ય ઊગી રહ્યો હોય, ત્યારે, એ જ ક્ષણે, પૃથ્વીના કોઈ ખૂણે, કોઈની માટે સૂર્ય આથમી રહ્યો હોય છે. આપણાં સ્થાન અને સ્થિતિ આપણા પ્રકાશ અને અંધકાર નક્કી કરે છે. જીવનમાં હંમેશાં પ્રકાશ અને અંધકાર હોય જ છે, બસ આપણે ક્યાં છીએ તે આપણે જોવાનું છે. આટલું સમજાય તો તો દરેક ક્ષણ આપણા માટે શિક્ષક બની જાય. દુઃખ પછી દુઃખ ન રહેતા; એ અનુભૂતિનું સ્વરૂપ ધારણ કરે. આનંદ પછી ક્ષણિક નથી રહેતો; એ શાશ્વત બની જાય છે. જીવન માત્ર જીવવા પૂરતું નથી રહેતું, એ યાત્રા બની જાય છે.
લોગઆઉટઃ
જરા કાન દઈને સાંભળજો આ પર્વતની
ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે,
પ્હેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક
ખળખળ વ્હેતા જળની એક સવારી ચાલે.
- કૃષ્ણ દવે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો