ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
જે મારા ઘરે ક્યારેય નહીં આવે,
તેમને મળવા હું તેમની પાસે જઈશ
એક છલકાતી નદી ક્યારેય નહીં આવે મારા ઘરે
નદી જેવા લોકોને મળવા, નદીકિનારે જઈશ
થોડુંક તરીશ, થોડો ડૂબી જઈશ.
પહાડ, ટેકરા, મેદાનો, તળાવો,
અસંખ્ય વૃક્ષો, ખેતરો…
ક્યારેય સામેથી નહીં આવે મારા ઘરે
ખેતર-ખળા જેવા લોકોને મળવા
ગામેગામ, વન-ગલીઓમાં જઈશ
જે નિરંતર કામમાં ડૂબેલા છે તેમને
નવરાશ માફક નહીં,
એક જરૂરી કામ માફક મળતો રહીશ
તેને હું મારી એકમાત્ર અંતિમ ઇચ્છાની જેમ
સૌથી પહેલી ઇચ્છા ગણીશ
- વિનોદ કુમાર શુક્લ
કાચની બોતલમાં નદીનું પાણી ભરીને, રોજ તેને જોવાથી નદીને નિહાળવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આપણે રોજ પોતાની જાતને સંજોગો નામની બોતલમાં બંધ કરીને મુક્તિનું ગીત ગાઈએ છીએ. આપણે જ બનાવેલી સાંકળથી આપણે બંધાઈ જઈએ છીએ. નવાઈની વાત એ છે કે તેની ખબર પણ નથી હોતી. આ સાંકળ ક્યારેક નોકરી સ્વરૂપે હોય છે, ક્યારેક જવાબદારી રૂપે, ક્યારેક પરંપરા, પ્રથા, રિવાજો રૂપે પણ હોય. જોકે એવું નથી કે નોકરી, જવાબદારી આ બધું જરૂરી નથી, કહેવાનો અર્થ એટલો જ કે એ સાંકળ ન બનવી જોઈએ. એ સાંકળને તોડવા માટે જ આપણે બહાર નીકળવું જરૂરી છે. મિત્રો, સ્વજનો, પર્વતો, નદીઓ, ખેતરો, વૃક્ષો સુધી જવું જરૂરી છે. વિનોદ કુમાર શક્લ આપણને એ જ જણાવે છે કે રાહ જોઈને બેસી ન રહો કે મારી પાસે કોઈ આવે, કોઈ મને સમજે, કોઈ મારી માટે કશુંક કરે. વિનોદ કુમાર શુક્લ એટલે ‘દિવાર મેં એક ખિડકી રહેતી થી’ નવલકથાના સિદ્ધહસ્ત લેખક, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સર્જક. અનેક હૃદયસ્પર્શી કાવ્યોના રચયિતા.
આપણને ખબર પણ નથી હોતી, પણ આપણે રોજ, ધીમે ધીમે, આપણા દૃષ્ટિકોણને રંગીએ છીએ. પરિણામે અમુક વર્ષો પછી આપણી આંખ મોટાભાગની ચીજોને આપણે રંગેલા દૃષ્ટિકોણથી જુએ છે. જેમ, કાયમ બારીમાંથી જોનારને આકાશ ચોરસ લાગે છે. તેની વિશાળતા પામવા માટે ઘરમાંથી નીકળીને આકાશ તરફ નજર કરવી પડે છે.
એક નદી વહે છે ત્યારે માત્ર પાણીનો પ્રવાહ નથી ખેંચતી. તે માર્ગમાં આવતા દરેક પથ્થર,વૃક્ષ અને નાનામાં નાના રજકણને પણ ભીનાશપૂર્વક સ્પર્શે છે. તેનો પ્રવાહ અને ગતિ એ જ તેનું જીવન છે, અને સ્પર્શ તેની અનુભૂતિ. જો થંભી જાય તો પાણી કોહવાવા લાગે. વહેતા રહેવામાં જ તેની સુંદરતા છે. પ્રકૃતિની દરેક ચીજ એક ગતિમાં છે. તમે કંઈ નહીં કરો તો પણ સમય આગળ ધપવાનો જ છે, સાંજ પડવાની જ છે, અંધાર ઘેરાવાનો જ છે, સૂર્યનુંં અજવાળું પથરાવાનું જ છે. આ બધું થાય છે, કેમ કે પૃથ્વી નિરંતર ગતિમાં છે. ગતિ એ જ જીવન છે. આપણે સ્થાયી થઈ જઈએ ત્યારે ન રહે છે ગતિ, ન રહે છે અનુભૂતિ. જિંદગીના પ્રવાહને નિરંતર વહેતો રાખવા માટે, નિરંતર કશુંં નવુંં કરતા રહેવું પડે છે.
દરેક અનુભવ સામે ચાલીને આવતો નથી, ક્યારેક આપણે તેમના તરફ જવું પડે છે. શહેરમાં જીવતો માણસ ઘણી વાર ભૂલી જાય છે કે જીવન ખેતરમાં ઊગે છે, જંગલોમાં શ્વાસ લે છે, અને નદીરૂપે ગાય છે. આ ત્રણ ચીજો બાદ કરીએ તો કશું બચતું નથી. ખેતરમાં ઊગતા અનાજ વિના નથી ચાલવાનું, કે નથી વૃક્ષો વિના જીવન સંભવ, પાણી વગર તો જિંદગીની કલ્પના પણ ન કરી શકાય. આ બધું જાણતા હોવા છતાં આપણે રોજ કોંંક્રિટની સેંકડો ઊંચી બિલ્ડિંગો ચણવામાં વ્યસ્ત છીએ. વૃક્ષો કાપીને ડામર પાથરવામાં મગ્ન છીએ.
મનુષ્ય હોવાની સૌથી મહત્ત્વપૂર્ણ કડી એ છે કે તે બીજા પાસે જાય — વ્યક્તિ પાસે, ખેતરો, જંગલો, પહાડો, નદીઓ, ખીણો પાસે… નવા અનુભવો પાસે. જીવનના અંતે કદાચ જો મનમાં કંઈ ઊભરાતુંં હોય તે માત્ર અનુભવો છે, કોને મળ્યા,કોની સાથે રહ્યા, શું કામ કર્યુંં, કેવા સંબંધો બાંધ્યા… અંતિમ ક્ષણે આ બધું જ સાક્ષીભાવે આંખ સામે તરવરતું રહે છે. જ્યારે કોઈને સમજાઈ જાય કે દરેક મિલન એક સાધના છે, દરેક કામ એક પ્રાર્થના, દરેક યાત્રા એક પરિક્રમા, તો જીવન ખૂબ સરળ થઈ જાય.
જ્યારે પણ જિંદગી સ્થિર થવા લાગે, બધું થંભી જાય, કોઈ આસપાસ ન હોવાની અનુભૂતિ થાય, ત્યારે સમજી જવું કે ચાલવાનો સમય થયો છે. કોઈકની પાસે જવાનો સમય થયો છે.
લોગઆઉટઃ
મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વહેતી રહી ખળખળ.
- જાતુષ જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો